રચનાત્મક વ્યક્તિત્વ 2-6-15

00:03




રચનાત્મક વ્યક્તિત્વ અર્થાત ક્રિયેટિવ પર્સનાલિટી ... સ્ત્રીઓનું સહજ લાવણ્ય , સૌંદર્ય આકર્ષક હોય છે તો પુરુષોમાં પણ એવું વ્યક્તિત્વ  હોય ને ? જે સ્ત્રીને આકર્ષે જ પણ પુરુષોને ય આકર્ષક લાગી શકે. સલમાન ખાનના ચાહકોમાં પુરુષોની સંખ્યા કદાચ વધારે હશે. એટલે જ તે ભાઈ ના  હુલામણા નામે ફેમસ છે. ગમે તેટલા ગુનાઓ કરવા છતાં તેની લોકપ્રિયતામાં ઘટાડો નથી થતો. પુરુષના દેખાવમાં  બીજાને ગમી શકે તેમાં તેનું સૌંદર્ય નહીં પણ વ્યક્તિત્વનું પાસું મહત્ત્વનું હોય છે. સલમાનનો દેખાવ તેના વ્યક્તિત્વને ઉપસાવે છે. તેના વ્યક્તિત્વમાં એક જાતની બેપરવાઈ  સાથે સંવેદનશીલ માનવીનું  પણ સંયોજન છે. પુરુષનું વ્યક્તિત્વ તેની રચનાત્મકતામાંથી ઘડાય છે. ક્રિયેટીવ પર્સનાલિટીનો આધાર તેના સ્વાભાવિકવ્યક્તિત્વ પર હોય છે જ્યારે ફાંકો પાડી દેવાવાળું વ્યક્તિત્વ પ્લાસ્ટીકીયું લાગતું હોય છે.
સૂટબુટ પહેરવું એટલે  આપણે ત્યાં જેન્ટલમેન હોવાની માન્યતા છે. સૂટેડ બૂટેડ માણસનું વ્યક્તિત્વ આકર્ષક અને આંજી દેનારું માનવામાં આવે છે, વળી તે વ્યક્તિ પાસે  સત્તા અને ધન(જેને સફળતા માનવામાં આવે ) હોવાનું ય સાબિત કરે.  પરંતુ, સૂટબુટની સરકાર કહેવાય રહ્યું છે ત્યારે એની પાછળ વ્યંગ છે નરેન્દ્ર મોદીના ફેશનેબલ કપડાં બાબતનો. તેમનું વ્યક્તિત્વ દેખાડાનું વ્યક્તિત્વ બની ગયું છે તે સૂચવે છે. પણ જ્યારે નરેન્દ્ર મોદી લિનન કે સિલ્કના ઝભ્ભા, ચુડીદાર અને કોટી પહેરે છે ત્યારે દેખાવ કે વ્યક્તિત્વ પર વ્યંગ કરવામાં નથી આવ્યો. ઊલ્ટાની મોદી જેકેટની ફેશન આજે પુરબહારમાં છે. ઈંદિરા ગાંધી ભારતીય વણકરોએ વણેલી સાંબલપુરી સાડીના શોખીન હતા. તેમને માટેની કે સોનિયા ગાંધીની હાથવણાટની ફાઈનેસ્ટ સાડીઓની કિંમત કઈ ઓછી નથી હોતી. પરંતુ, તમારા વ્યક્તિત્વ પર જે યોગ્ય લાગી શકે તેનો જ લોકો સ્વીકાર કરે છે.  ક્રિયેટીવ પુરુષો પોતાનો દેખાવ કે કપડાં અંગે સજાગ હોય છે કે નહીં તે ખબર નહીં પરંતુ, તેઓ કંઈક હટકે જરૂર પહેરતાં હોય છે. બાહ્ય દેખાવ તેમની આંતરિક સ્વતંત્રતા કે બધ્ધતાને રિફ્લેકટ કરે છે.  જેકેટ કંઈ મોદીએ જ શોધ્યું નથી પરંતુ. તેના રંગો, પરફેક્ટ કટ અને બોડી લેંગ્વેજ લોકોને આકર્ષે છે.   તેમના ભાષણો, અનેક વિરોધના વંટોળો છતાં વડાપ્રધાન પદ સુધી પહોંચવું વગેરે તેમની વ્યક્તિમત્તા પ્રત્યે ધ્યાન જાય છે. નહેરું પહેરતાં એ જેકેટ પણ તેમના વ્યક્તિત્વનો આયનો હતો.  પુરુષોના દેખાવ કરતાં તેમના વિચિત્ર કે આકર્ષક વ્યક્તિત્વનો ભાગરૂપ પહેરવેશ તેમના કામનું, વ્યક્તિત્વનું એક્સટેન્શન હોય છે.  કેટલીક વ્યક્તિઓ પોતાના આગવા વિશ્વમાં જીવે છે. તેઓ પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કરે છે. તેમની ફેશન ફોલો કરવી સહેલી નથી હોતી.
 તેમનું અનુકરણ કરવા માટે એ વ્યક્તિ જેટલી જ હિંમત જોઈએ. આ વિષયે વિચારતા જ સ્વ. મકબૂલ ફિદા હુસેન યાદ આવે. દેશવિદેશમાં વિવાદની સાથે જ પેઇન્ટિંગ માટે પ્રસિધ્ધ થયેલા હુસેન પગમાં ચંપલ નહોતા પહેરતાં. કૂર્તો, જેકેટ અને પેન્ટ , હાથમાં લાંબી લાકડી જેવી તેમનું પેઇન્ટ બ્રશ, ગરદન સુધી લાંબા વાળ, દાઢી અને પગમાં ચપ્પલ ન પહેર્યા હોય છતાં તેમના વ્યક્તિત્વમાં ક્યાંય ખામી ન દેખાય. ડ્રેસની સાથે યોગ્ય ચપ્પલ કે બૂટ પહેરીને તમે ક્યાંય મિટિંગમાં જવાની હિંમત નહીં કરો. તો હાઈ સાસોયટીમાં ફરતાં હુસેને ચપ્પલ પહેરવાનો નિર્ણય કેમ લીધો એ જાણવા માટે તેમના નિકટના મિત્ર  અનિલ રેલિયા સાથે વાત થઈ. તેમણે બે મુદ્દા કહ્યા  એક તો મકબૂલને મુક્તિબોધ  નામના કવિ ખૂબ ગમતા હતા. તેમને મળવા તેઓ ઘરે પહોંચ્યા તો તેમનો જનાજો જઈ રહ્યો હતો. એ જોઈને હુસેનને આઘાત લાગ્યો.  તેમની અર્થીને કાંધ દેવા માટે હુસેને ચપ્પલ કાઢ્યા તે પછી પહેર્યાં જ નહીં એવું કહેવાય છે. સાચું ખોટું કંઈ હવે કન્ફર્મ થઈ શકે તેમ નથી. પણ અનિલભાઈ કહે છે કે હુસેન ચપ્પલ ન જ પહેરવા એવા આગ્રહી નહોતા જ. વિદેશમાં જ્યાં સખત ઠંડી હોય કે સખત તાપ હોય તો પગનો ખ્યાલ રાખવા તેઓ ચપ્પલ કે બૂટ પહેરી લેતાં. પણ તેમણે ચપ્પલ નહોતા પહેર્યા એટલે કલકત્તાની બ્રિટિશ ક્લબમાં તેમને પ્રવેશવા નહોતા દેવામાં આવ્યા. વળી અનિલભાઈ કહે છે કે હુસેન કહેતાં કે ચપ્પલ ન પહેરવાથી તેમને ધરતી સાથેનો સીધો સંપર્ક થાય છે. ધરતી પર પગ રહે છે કહીને કદાચ હસી યે પડતા હશે. ત્રીજી વાત એ કે તેમને એક્યુપ્રેશરનો ફાયદો થતો હતો એવું પણ કહેતા. એ જે પણ હોય તે પરંતુ, આવું કરી શકવાની હિંમત એ તેમના વ્યક્તિત્વનો ભાગ હતી.
દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતી ચિત્રકાર અતુલ ડોડિયાનું વ્યક્તિત્વ ખૂબ જ સોબર છે. હંમેશ લિનનના શર્ટને  કોટન પેન્ટમાં ઈન્સર્ટ કરીને પહેરતાં અતુલ ડોડિયાને પેઇન્ટર તરીકે ન ઓળખતી વ્યક્તિ ચોક્કસ જ ચાર્ટડ અકાઉન્ટન્ટ કે બિઝનેસ મેન સમજી બેસે. થોડા વરસ પહેલાં તેમને  બડા સાહેબ બ્રાન્ડ માટે મોડેલ તરીકે પણ પસંદ કરવામાં આવેલા. તેમને પૂછ્યું કે તમારા વ્યક્તિત્વમાં ક્યાંય કલાકાર હોવાની નિશાની કેમ નથી ? તો હસી પડતાં કહે છે કે એક જમાનામાં હું પણ કલાકાર જેવો વેશ ધારણ કરતો. દરેક રંગના કૂર્તાના કાપડ લેતો અને તેમાંથી બચતાં કપડાંના  રંગબેરંગી થેલા પણ  સિવડાવતો. દાઢી રાખતો. કૂર્તા, જીન્સ અને દાઢી કદાચ કલાકારની ઓળખ એટલે બની ગયા છે કે તેમાં ફ્રિડમ અનુભવાતી હશે. કલાકાર કોઈપણ હોય પેઈન્ટર, કવિ કે લેખક, એકટર દરેક પોતાના વિશ્વમાં રમમાણ હોય તેમનું ચિત્ત કામમાં ક્રિયેટિવિટી લાવવામાં હોય એટલે દાઢી કંટાળાને લીધે ન કરે વળી મનની સાથે અનુભવાતી ફ્રિડમ પણ તેમના વ્યક્તિત્વમાં દેખાતી હશે. પણ મેં નક્કી કર્યું કે પેલો કલાકાર જઈ રહ્યો છે એવું કોઈ કહે તે નથી દેખાવું. મને કોઈ કલાકાર તરીકે ઓળખી ન શકે એ વધારે ગમે. એટલે સામાન્ય રીતે જે બધા પહેરે તે કપડાં પહેરવા માંડ્યો. પુરુષોનું જુદું  વ્યક્તિત્વ  હોય એવું કલાકાર તરીકે લાગે ? અને તમને ગમ્યા હોય એવા પુરુષ વ્યક્તિત્વના નામ આપશો ... સવાલ સાંભળતાવેંત જ અતુલ ડોડિયા કહે છે, આપણે ત્યાં એક સુભાષિત છે. સંસ્કૃતમાં તેનો અર્થ છે કે  સુંદર પીળું પીતાંબર  , માથે મુગટ, ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલાં વિષ્ણુ ભગવાનના રૂપને જોઈને લક્ષ્મી આવે છે. જ્યારે શંકરની જટા , રાખ વગેરે જોઈને ત્રિલોક ડરી જાય. આપણાં ભગવાન પણ યોગ્ય સુંદર આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં કલ્પીએ છીએ. મને  સ્વ. તૈયબ મહેતાનું  (જાણીતા પેઈન્ટર) વ્યક્તિત્વ ગમતું. તેમનો ચહેરો , ઊંચાઈમાં એક જાતની પ્રતિભા હતી. બીજું સત્યજીત રે નું વ્યક્તિત્વ જોઈને લોકો ડઘાઈ જતાં. તેમની ઊંચાઈ, અવાજ, બેસવું પાઈપ પીવાની રીત વગેરે દરેક બાબતમાંથી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ઝળકતું.  કંઈક અંશે મને રિતિક રોશનનું વ્યક્તિત્વ પણ ગમે છે. છાપાના કે મેગેઝિનના પાના ફેરવતાં તેનો ફોટો જોઉં તો બે ઘડી અટકી જાઉં.
 કેટલાક પુરુષોની પ્રતિભા કંઈક હટકે હોઈ શકે. અમદાવાદ રહેતાં  ફોટોગ્રાફર વિવેક દેસાઈ ટોળાં વચ્ચે જુદાં જ દેખાઈ આવે. તેઓ રંગબેરંગી પ્રિન્ટવાળા ટુંકા ઝભ્ભા અને કલરફુલ પેન્ટ પહેરે છે. શું કામ પૂછ્યું તો અમદાવાદી, સુરતી ટોનવાળી ગુજરાતીમાં કહે, વરસોથી હું આવો જ છું. મને બ્લોક પ્રિન્ટ ખૂબ ગમે છે. અને ડિસ્કાઉન્ટમાં  કલરફુલ પેન્ટ ઓર સસ્તા મળે.  (કહેતા હસી પડે છે. વિવેક દેસાઈ ગરીબ નથી ) અને કલરફુલ, પ્રિન્ટ છોકરાઓ ન પહેરી શકે એવો કોઈ કાયદો તો નથીને હું દશમાં ધોરણમાં હતો ત્યારથી જ આવા કપડાં પહેરું છું. સાથે મન થાય તો ગળામાં રુદ્રાક્ષનો નેકલેશ પણ પહેરી શકું. ઘેરા રંગો પહેરવા મને ગમે છે. વળી કોલરવિનાના ઝભલા જ સીવડાવું કારણ કે ફોટોગ્રાફર તરીકે મારા ગળામાં કેમેરાનો પટ્ટો હોય જેને કારણે કોલર વચ્ચે નડે. કોઈનું એટેન્શન મેળવવા કે કંઈક જુદું કરવા આવા કપડાં નથી જ પહેરતો. બસ મૈ ઐસા હી હું....  
પરેશ મૈતી જાણીતા બંગાળી પેઈન્ટર તો પોતાના પેઈન્ટિંગ્સના પ્રદર્શન સમયે તેમના પેઈન્ટિંગ્સનો વિસ્તાર પોતાના ડ્રેસ કોડમાં પણ કરે. એવા રંગોના ઝભ્ભા કે ટોપી પહેરે. તો જગમશહૂર પાબ્લો પિકાસોના કેટલાય ફોટા ફક્ત શોર્ટમાં જોવા મળશે. કંઈક જુદું કરવાની પ્રતિભા રચનાત્મક વ્યક્તિત્વોમાં હોય છે એ દરેક ઉદાહરણ પરથી જોવા મળે છે. રચનાત્મક વ્યક્તિત્વના કેટલાંક લક્ષણો અને એવી પ્રતિભાના લેખાંજોખાં આવતા અઠવાડિયે કરીશું. ....કદાચને તમને ય  ક્રિએટીવ પર્સનાલિટી મેળવવાનું મન થાય.


You Might Also Like

0 comments