પેટનો ખાડો પૂરવા ઘણા પુરુષો બને છે જીગોલો 30-6-15

22:01



(તસ્વીરો પ્રતિકાત્મક છે)

એક દિવસ મારા ફેસબુક મેસેન્જરમાં મેસેજ આવ્યો. નામ હતું સમીર શાહ... હાઈ, આઈ એમ કોલ બોય... હું કોલ બોય છું... રસ હોય તો કોન્ટેકટ કરશો. વ્યક્તિનો પ્રોફાઈલ ચેક કર્યો તો ફેક આઈડી હતું તે જણાઈ આવ્યું. વળી તે મારા ફેબી ફ્રેન્ડલિસ્ટમાં ય નહોતો. સામાન્ય રીતે તો પર્સનલ મેસેજીસ મોકલે તેને હું બ્લોક કરી દઉં છું. પણ મારામાં રહેલા લેખક પત્રકારને વધુ જાણવાની જીજ્ઞાસા થઈ એટલે ચેટ શરૂ કરી. મેં એને કહ્યું કે... શું તું દરેક સ્ત્રીને આ રીતે મેસેજ મોકલે છે? તને ખબર છે આ યોગ્ય નથી? જવાબ આવ્યો, સોરી મેમ... 

મને કેટલાક પ્રશ્ર્નો પૂછવા છે.... પણ તે પ્રશ્ર્નો હું તને મળીને જ પૂછીશ. તો કહે, તમે કહો તે પ્રશ્ર્નનો જવાબ આપીશ. પહેલાં ચેટ કરી લઈએ. હું તમને જાણું તમે મને જાણી લો પછી મળીએ. એટલે મેં કહ્યું કે, હું રાઈટર છું મારો પ્રોફાઈલ તો તે જોયો જ હશે? મને ફક્ત તારી સ્ટોરી જાણવામાં રસ છે. સામે થોડો સમય બાદ જવાબ આવ્યો. તમે પત્રકાર છો.... જુઓ આ કામ હું મજબૂરીથી કરી રહ્યો છું. અને તમને મેસેજ મોકલ્યો તે ખરાબ લાગ્યું હોય તો માફ કરશો. હું નોકરી કરું છું અને સારા ઘરનો છોકરો છું. જે પ્રશ્ર્ન પૂછવા હોય તે અહીં જ પૂછો. અને તેણે પોતાની વાત માંડી. 

ઘરમાં માતાપિતા ને બહેન છે. ગરીબીને કારણે ભણી ન શક્યો ફક્ત બારમું જ કર્યું. ને પછી કામે લાગ્યો. ગ્રાફિક ડિઝાઈનર તરીકે મહિનાના બારેક હજાર મળે છે એમાંથી ચાર જણાનું કેમ પૂરું થાય? એટલે એકવાર મિત્રએ મને કોલ બોય બનવાનું સૂચન કર્યું. પણ મને કઈ રીતે ક્લાયન્ટ શોધવા તે ખ્યાલ નહોતો. કેટલીયવાર બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ, કાર્ટર રોડ, જુહુ પર ફર્યો પણ સમજાયું નહીં કે કઈ રીતે ગ્રાહક મળે. એટલે પછી મેં ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવ્યું. એમાંથી મને ચારેક ગ્રાહક મળ્યા. 

કઈ રીતે? સવાલના જવાબમાં કહે... પહેલાં હું મિત્રતા કરું પછી ચેટ કરું ને પછી તેમને વાત કરું કે હું કોલ બોય છું. પણ તમે પ્લીઝ જે કંઈ લખો તે મારી મજબૂરીને સમજીને લખજો. આ સો કોલ્ડ સમીર ૨૯ વરસનો છે એમ કહે છે. અને તે સ્ત્રીઓની સાયકોલોજી સમજવાનો દાવો પણ કરે છે. તેની ક્લાયન્ટ બધી ૪૦થી ૪૫ વરસની પરિણીત સ્ત્રીઓ છે. તેમની જે ડિમાન્ડ હોય તે સમીર પૂરી કરવાના પ્રયત્ન કરે છે. સમીર ગુજરાતી નથી મહારાષ્ટ્રીયન છે એવું છેલ્લે કહે છે. પણ તેનું અંગ્રેજી સારું હતું એટલું જ નહીં વાત કરવામાં પણ સલુકાઈ હતી. 

જીગોલો એટલે કે કોલ બોય એ પુરુષ પ્રોસ્ટિટ્યુટ જ છે. પૈસા લઈને તેઓ સ્ત્રીઓને ગમે તેવી કંપની આપે છે. આજથી પંદરેક વરસ પહેલાં અંધેરી લોખંડવાલામાં આવેલ કોફી હાઉસમાં એક મેગેઝિન માટે જીગોલોની મુલાકાત લીધી હતી. વેલ બિલ્ટ, ઊંચો આકર્ષક દેખાવ ધરાવતો યુવાન હરિયાણાના ગામમાંથી મોડેલિંગ કરવા મુંબઈ આવ્યો હતો. સંઘર્ષ કરવા છતાં મોડેલિંગનું કામ મળ્યું નહી. એટલે ખર્ચો કાઢવા તેણે જીગોલોનું કામ શરૂ કર્યું. સ્ત્રીઓની પ્રાઈવેટ પાર્ટીમાં ફુલ મોન્ટી તરીકે એટલે કે ડાન્સ કરતાં કપડાં ઊતારે. તેણે કહ્યું હતું કે પચાસથી સાઈઠ વરસની સ્ત્રીઓ પણ આવા પ્રોગ્રામમાં બેશરમ બનીને બેકાબૂ બને. તે દરેક વખતે એડવાન્સમાં જ પૈસા લઈ લે. મોટાભાગે પૈસાદાર ઘરની સ્ત્રીઓ જેમના પતિ ફક્ત પૈસા કમાવામાં પડ્યા હોય. બહારગામ ફરતા હોય એવી ગૃહિણીઓ જ આવા જીગોલોને ખરીદતી હોય છે. જો કે હવે તો બિઝનેસ વિમેન અને બહારગામથી આવતી એકલી સ્ત્રીઓ કે પછી લગ્ન ન કર્યા હોય તેવી સ્ત્રીઓ એસ્કોર્ટ તરીકે પણ પુરુષોની સર્વિસ લેવા માંડી છે. અત્યાર સુધી મોટા શહેરોમાં જ આવી સર્વિસ મળતી હતી. પણ હવે તો નાના શહેરોમાં પણ જીગોલો સર્વિસ મળી રહે છે. પહેલાં તો કેટલાક જોઈન્ટસ હતા જેમ કે નાઈટ ક્લબ, પબ, ડિસ્કોથેક જ્યાં આવા જીગોલોને આસાનીથી ક્લાયન્ટ મળી રહેતા. આમ પણ પૈસાદાર સ્ત્રીઓને જ પુરુષોની સેવા ખરીદવી પોષાઈ શકે. અને એકાંત મેળવવા માટે પણ હોટલની રૂમનો ખર્ચો પણ સ્ત્રીએ જ કરવાનો હોય છે. 

સહેલાઈથી પૈસા કમાવા સાથે સુંદરીઓના સાથ માણવા મળે એવું કામ કરવા માટે કેટલાય પુરુષો તૈયાર હોય છે. પરંતુ, જે સ્ત્રી પૈસા આપી શકતી હોય છે તેની કેટલીક ડિમાન્ડ અને ચોઈસ પણ હોય જ. તેને દેખાવમાં એ પુરુષ ગમવો જોઈએ. વળી તેની વર્તણૂક પણ મહિલાને પસંદ પડવી જોઈએ. તો જ તે બીજીવાર કે પહેલીવાર પણ તેની ક્લાયન્ટ બનશે કે પૈસા આપશે. જીગોલોઓનું કહેવું છે કે પરિણીત સ્ત્રીઓ અસંતુષ્ટ હોય છે એટલે તેમને પૂરો સંતોષ મળે તે જરૂરી હોય છે. તેમની સાયકોલોજીનો અભ્યાસ અને તેમની સાથે કેવી રીતે શું વાત કરવી તેની જાણકારી હોવી પણ જરૂરી છે. હા, વારંવાર ક્લાયન્ટ બોલાવે તો લાગણીથી બંધાઈ જવાની શક્યતા હોય છે. પણ તેની સામે જીગોલો બનનાર દરેક પુરુષ લાગણીથી સ્ત્રી સાથે વાત ભલે કરે પણ લાગણીથી બંધાય નહીં. 

મુંબઈમાં નાઈટ ક્લબ કે કેટલાક પોશ વિસ્તારોમાં લાલ બેન્ડ કે લાલ રૂમાલ ખિસ્સામાં રાખીને જીગોલો ઊભા રહેતા. હવે તો ફોન અને ઇન્ટરનેટ સર્વિસને કારણે જીગોલોનો કોન્ટેક્ટ સહેલો છે. નેટ પર ગુગલ કરતાં આવી સાઈટ સહેલાઈથી મળી જાય છે. જેમાં જીગોલો બનવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તો સ્ત્રી સાથે કેમ વર્તવું તેમની સાઈકોલોજીને કેમ સમજવી વગેરે રીતભાત પણ શીખવવામાં આવે છે. સાથે જ તમને જે તે શહેરમાં જીગોલો જોઈતો હોય તો પણ કોન્ટેક્ટ થઈ શકે છે. સમીર જેવા ગરીબ ઘરના છોકરા બે થી ત્રણ હજારમાં પોતાની સેવા આપે તો હાઈ પ્રોફાઈલ ધરાવતા પુરુષો પાંચથી પચાસ હજાર રૂપિયા સર્વિસ પ્રમાણે કે સમય પ્રમાણે ચાર્જ કરતા હોય છે. 

જીગોલોના કહેવા પ્રમાણે સ્ત્રીઓને વાતો કરવી ગમતી હોય છે. કેટલીક સ્ત્રીઓ પુરુષોની જેમ ફક્ત સેક્સ ઈચ્છે છે. વધુ વાત નથી કરતી પણ સાથે જ તેમને પોતાની પ્રાયવેસીમાં દખલ પણ નથી જોઈતી. તો કેટલીક સ્ત્રીઓ ફક્ત કંપની આપવા માટે પણ બોલાવતી હોય છે. તેમને પોતાની એકલતા દૂર કરવી હોય છે. તેના કહેવા પ્રમાણે જીગોલો બનવું સહેલું નથી હોતું. સેક્સમાં રોમાન્સની પણ સ્ત્રીઓ અપેક્ષા રાખે છે. તેમની મોટાભાગની ફેન્ટસી હોય છે. તેમને જેવી છે તેવી સ્વીકારવી અમને તેમને સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવો. તો હવે બેચલર પાર્ટીમાં કે કિટી પાર્ટીમાં પણ ફુલ્લ મોન્ટી માટે બોલાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. તે સમયે જીગોલોએ ખૂબ ધ્યાન રાખવું પડે છે કે સંયમમાં પણ રહેવું પડે છે. નખ વાગવા કે બટકાનો શિકાર તેઓ સહેલાઈથી બને છે. થોડો સમય પહેલાં જ એક ચેનલે મુંબઈની નાઈટ લાઈફની સ્ટોરી કરી તેમાં એમણે નાઈટ ક્લબમાં કામ કરતાં કેટલાક બાઉન્સર પણ જીગોલો તરીકે ય કામ કરતા હોય છે તેમની મુલાકાત આપી. મોટાભાગે યુવાન છોકરાઓ પોતાની કમાણી વધારવા અને સાથે સ્ત્રીઓ સાથે મોજ કરવા માટે જ આ પ્રોફેશન અપનાવતા હોય છે. વિદેશોમાં હજી જીગોલો હોવું શરમજનક નથી મનાતું પણ ભારતમાં જીગોલો પોતાની ઓળખ છુપી રાખવા માગતા હોય છે. અને તેમની સર્વિસ લેનાર સ્ત્રીઓ પણ જીવનમાં કોઈ તકલીફ નથી ઈચ્છતી હોતી. એટલે જ તેઓ કોઈ પુરુષ મિત્ર કરતાં પ્રોફેશનલની સેવા લેતી હોય છે. આવતા અઠવાડિયે જીગોલો વિશેની વધુ રસપ્રદ વાતો કરીશું.....

You Might Also Like

8 comments