વર્ચ્યુઅલ રિયાલિટીની રામાયણ 14-7-15

02:56રાતના બે વાગ્યે નીલિમાની આંખ ખૂલી તો જોયું હજી પરેશ લેપટોપ પર હતો. છેલ્લા છ મહિનાથી તે આવું કરતો હતો. સવારે ઊઠે તો ફ્રેશ ન હોય. ઊંઘ પૂરી જ ન થાય. અને કશું કહેવાય નહી, કારણ કે પતિ છે તેને કંઈ સવાલ ન જ કરાય. તે ધીમેથી ઊભી થઇ અને અવાજ ન થાય તેમ પરેશની પાછળ ઊભી રહી. જોયું તો પરેશ કોઈની સાથે ફેસબુક પર ચેટિંગ કરી રહ્યો હતો. સામે રચેલ નામની કોઈક સ્ત્રી હતી અને ઈરોટિક મેસેજીસ હતા. પછી શું થયું તે સુજ્ઞવાચકની કલ્પના પર છોડી દઉં છું. 

નીલિમાની જેમ જ જલ્પાને ફરિયાદ છે કે તેનો પતિ સતત ફોનના મેસેજીસમાં રત હોય છે. તેની સાથે હોવા છતાં તે તેની સાથે નથી હોતો અને ક્યાંક બીજે જ હોય છે. ક્યારેક ફોન પર વાતો કરે છે તો ગેલેરીમાં હળવે અવાજે. એક વાર તેનો ફોન તે ઓફિસમાં ભૂલી આવ્યો કે ક્યાંક પડી ગયો તેનો ખ્યાલ ન રહ્યો. તેણે હાંફળાફાંફળા થઈને પોતાનો જ મોબાઈલ નંબર જલ્પાના મોબાઈલ પરથી જોડ્યો તો સતત રિંગ વાગે પણ કોઈ ઉપાડતું નહોતું. તેની ઓફિસ ઘરથી કલાકના અંતરે હતી અને અત્યારે સાત વાગ્યે તો બંધ જ હોય. કલાકમાં તો તેનો પતિ બહાર ગયો અને તાત્કાલિક બીજો ફોન ખરીદી આવ્યો. સીમકાર્ડ પણ. જલ્પાને નવાઈ લાગી કે મોબાઈલ ખોવાઈ જાય તેમાં આટલી કોઈ ઈમરજન્સી તો હતી જ નહીં. 

આ વાત તમને પણ કદાચ લાગશે કે તમારી જ છે તો તે બસ કોઈન્સિડન્સ છે. બાકી મને તમારી અંગત કોઈ વાત ખબર નથી. મોબાઈલ પર કે ફેસબુક પર કે પછી ઈમેઈલ દ્વારા વર્ચ્યુઅલ રિલેશનશિપ બંધાઈ રહી છે, કારણ કે એ દ્વારા ફક્ત માનસિક સ્ટિમ્યુલેશન જ મેળવવાનું હોય છે. તેમાં સ્પર્શ નથી. એટલે તેમાં કોઈ ગુનાહિતતા નથી અનુભવાતી. બીજું કે તે દ્વારા પોતાની સુષુપ્ત કે ન સંતોષાયેલી ઈચ્છાઓ સંતોષવાનો પ્રયત્ન માત્ર જ હોય છે. તો કેટલાકની પોતાની વિકૃતિઓ પણ આ રીતે બહાર આવતી હોય છે. અહીં ફક્ત શારીરિક ઈચ્છાઓની જ વાત નથી માનસિક સંતોષ કે અવલંબન પણ કામ કરે છે. 

વર્ચ્યુઅલ એટલે વાસ્તવિક પણ પ્રત્યક્ષ નહીં એવો અર્થ થાય. અહીં પ્રત્યક્ષ નહીં એવી વાસ્તવિકતાની વાત માંડવી છે. વિચાર આવ્યો જીગોલો વિશેના લેખ બાદ વાચકોએ કરેલી ચર્ચાના સંબંધે. સ્ત્રી અને પુરુષના સંબંધો હંમેશાં કોમ્પ્લીકેટેડ જ રહ્યા છે. તેમાં ટેકનોલોજીના પ્રવેશે વધુ ગૂંચવણો ઉમેરી છે. હવે ચર્ચા થાય છે કે વર્ચ્યુઅલ રિલેશનશિપ શક્ય છે? શું તે ચીટિંગ ગણાય? તેની અસરો કેવી હશે? મોબાઈલ ક્રાંતિએ વળી તેમાં વધુ કોમ્પ્લીકેશન ઉમેર્યાં છે. પુરુષ જીગોલો હોય શકે તે સ્વીકારવું પણ હજી ભારતીય સમાજમાં કેટલાક પુરુષો માટે અઘરું બની રહ્યું છે. વાસ્તવિકતા હોવા છતાં તેના વિશે વિચારવું તે પણ તેમના પુરુષાતન માટે અઘરું સાબિત થઈ રહ્યું છે. કારણ કે પુરુષની ઈચ્છાઓ જ મહત્ત્વની છે એવી માનસિકતા હજી પણ સંકુચિત કે પિતૃસત્તાક માનસિકતા ધરાવતા સમાજમાં રાજ કરી રહી છે. ફેસબુક પર કોઈ પણ ઉંમરનો પુરુષ સામી સ્ત્રીની સાથે અંગત મિત્રતા કરવા માટે તૈયાર હોય છે. સ્ત્રીઓ પણ એવા એજન્ડા સાથે આવતી હોય એવું પણ બને જ છે. પણ સોશ્યલ મીડિયામાં અંગત ચેટિંગની શરૂઆત યાહુ મેન્સેજરે કરી હતી. તેમાં અલગ અલગ રૂમ હતા ચેટિંગ માટે અને તમે ખોટા નામ સાથે ચેટિંગ કરવા પ્રવેશી શકો એવી વ્યવસ્થા હતી. હવે તે બંધ થયું, કારણ કે હવે સ્ત્રી-પુરુષને એકબીજા સુધી પહોંચવાનું સોશ્યલ મીડિયાને કારણે વધુ સરળ થઈ ગયું છે. 

બે વરસ પહેલાં ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ હર આવી હતી વર્ચ્યુઅલ રિલેશનશિપ વિશે. જેમાં નાયક મોબાઈલ અને કોમ્પ્યુટરના ફંકશન ક્ધટ્રોલ કરતા વોઈસના પ્રેમમાં પડી જાય છે. તેમાં તો સામે કોઈ પાત્ર જ નથી. તે ટેકનોલોજીએ જનરેટ કરેલો રોબોટિક અવાજ છે. અને એ અવાજ સ્ત્રીનો હોય કે પુરુષનો તે પસંદ કરી શકાય છે. નાયક સ્ત્રીનો અવાજ પસંદ કરે છે અને રોજ સાંભળતા સાંભળતા તે એના પ્રેમમાં પડી જાય છે. અને પ્રેમસંબંધોની દરેક તકલીફો પણ થાય જ છે. લેબેનિઝ લેખક રાશિદ અલ દઈફની એક નોવેલ હતી જે અંગ્રેજીમાં ભાષાંતર થઈ છે. તે પણ આવા જ વર્ચ્યુઅલ રિલેશનશિપની વાર્તા છે. આવી વાર્તાઓ કે ફિલ્મો પહેલાં નહોતી. હવે છે કારણ કે હવે વર્ચ્યુઅલ રિયાલિટી ફક્ત કલ્પનાનો વિષય નથી રહી પણ વાસ્તવિકતા બની ગઈ છે. અહીં આ નોવેલમાં ફક્ત ટેલિવિઝન આવવાથી પણ વર્ચ્યુઅલ રિયાલિટી સંબંધો શક્ય છે એની વાર્તા છે. રાશિદની નોવેલનું નામ છે વ્હુ ઈઝ અફ્રેઈડ ઓફ મેરિલ સ્ટ્રીપ, ( આ ટાઈટલ આપણને વ્હુ ઈઝ અફ્રેઈડ ઓફ વર્જિનિયા વુલ્ફની યાદ અપાવે છે. ) નોવેલમાં નાયક નવપરિણીત છે પણ તેની પત્ની સાથે તે કોઈ સંબંધ બાંધી નથી શકતો, કારણ કે તેની પત્નીને સેક્સમાં રસ નથી. તે ફ્રસ્ટ્રેશનમાં ટેલિવિઝન જોવા લાગે છે. સર્ફિંગ કરતા અંગ્રેજી ચેનલ પર ક્રેમર વર્સિસ ક્રેમર નામની ધારાવાહિક જોવા માંડે છે, કારણ કે તેમાં મેરિલ સ્ટ્રીપ હોય છે ને તેને ગમી જાય છે. નાયકને અંગ્રેજી આવડતું નથી પણ તેને હવે મેરિલ સ્ટ્રીપને માટે ધારાવાહિક જોવાની આદત પડી જાય છે. મેરિલ સ્ટ્રીપ સાથે તે કાલ્પનિક સંધાન જોડે છે. નોવેલમાં તો અનેક બાબતો છે ત્યાંના સમાજની પણ ટૂંકમાં કોઈને કોઈ કારણસર ટેકનોલોજીને કારણે વ્યક્તિ પ્રત્યક્ષ ન હોય પણ તે છતાં સંબંધોમાં બંધાઈ શકે તેવી વાસ્તવિકતા પેદા થઈ છે. આ માનસિકતાનો ઉપયોગ કરીને પછી વ્યાપાર પણ અસ્તિત્વમાં આવ્યો. ફોન સેક્સ, ચેટ સેક્સ, વિડિયો સેક્સ, મેઈલ સેક્સ એમ અનેક રીતે શારીરિક સંદર્ભ ખરીદવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો. કારણ કે દરેક વ્યક્તિને સામે પ્રતિસાદ મળે એવી વ્યક્તિ મળે તેવી શક્યતા નથી હોતી. વળી તે જોખમી પણ હોય છે. સ્ત્રીને પ્રેમ ને લાગણીની જરૂર વધુ હોય છે જ્યારે પુરુષને શારીરિક વૈવિધ્ય, વળી પોતાનાથી નાની, સુંદર ભલે કલ્પના જ હોય, પણ થોડી બોલ્ડ સ્ત્રી જોઈતી હોય છે જે તેની પત્ની ન હોય. આવાં અનેક કારણો સાથે શરૂ થાય છે વર્ચ્યુઅલ રિયાલિટીની દુનિયા. જેમાં ફક્ત ડ્રીમિંગ નથી પણ સામે કોઈ વ્યક્તિ હોય છે. ફક્ત તેનો સ્પર્શ શક્ય નથી હાલમાં. ભવિષ્યમાં સ્પર્શની અનુભૂતિ કરાવી શકે તેવી ટેકનોલોજી આવે તો જરા પણ નવાઈ નહીં. 

સાયકોલોજિસ્ટો પાસે હવે વર્ચ્યુઅલ ઈન્ફિડાલિટીના એટલે કે સંબંધોના કેસીસ વધુ આવી રહ્યા છે. ડૉ. મુકુલ ચોક્સી કહે છે કે કોઈ પણ વર્ચ્યુઅલ સંબંધો તમને વાસ્તવિકતામાં તકલીફો આપી જ શકે છે. (અહીં એક જાણીતા લેખકની વાત યાદ આવી જેમણે ફેસબુક દ્વારા અનેક સ્ત્રીઓ સાથે સંબંધો બાંધવાના પ્રયત્નો કર્યા હતા.) મુકુલ ચોકસી કહે છે કે પહેલાં કોઈ તમારી ગલી સુધી માંડ આવી શકતું હતું. હવે વર્ચ્યુઅલ સંબંધો સીધા બેડરૂમમાં પતિપત્નીની વચ્ચે ત્રીજી વ્યક્તિને લઈ આવે છે. ચોવીસ કલાક સંપર્ક સહેલાઈથી થઈ શકતો હોવાને કારણે લગ્નબાહ્ય સંબંધોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સંપર્કની શક્યતાઓને કારણે જેમના જીવનમાં ખાલીપો હોય છે તેવી સ્ત્રીઓ અને ફ્લર્ટ પુરુષો એકબીજા સાથે જોડાય છે. ફેસબુક પર ફોટાઓ મુકાય છે કારણ કે લોકો તેને લાઈક કરે. પછી તેમાંથી વાત ધીમે ધીમે આગળ વધે. કેટલીક વખત તેના ફાયદા પણ હોય છે પરંતુ, મોટેભાગે તે માનસિક રોગ જ બની જાય છે. કેટલાક કિસ્સાઓની વાત .... આવતા અઠવાડિયે.... (ક્રમશ:)

You Might Also Like

1 comments