સ્ત્રી પુરુષના વિચાર બદલી શકે ? 28-5-15

23:37


નીલા પોતાના ભાઈને કહે છે... ભઈ તું તો લગ્ન પછી સાવ બદલાઈ ગયો છે. ભાભીએ તારા વિચારો જ બદલી નાખ્યા ...કહેતાં મોં મચકોડે છે. એક યા બીજી રીતે આવા અનેક ડાયલોગ પુરુષોએ સાંભળ્યા હશે. શું ખરેખર પુરુષોના વિચારો બદલી શકાય છે ? પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું ચાલે છે ? મને ખબર છે આ વાંચનાર દરેક પુરુષોના મોઢા હા કહેતા હલી રહ્યા હશે. એની વે વિચારપ્રક્રિયા પત્ની બદલે છે કે નહી તે અંગે સંશોધન થયું છે કે નહીં તે ખબર નથી, પરંતુ લાઈફ કોચ પુરુષોના વિચાર બદલી શકે છે. 

લાઈફ કોચિંગ એ કાઉન્સેલિંગ , થેરેપી કે ક્ધસલટિંગ સાયકોલોજીસ્ટ નથી. તમારા વ્યવસાયમાં કે અંગત જીવનની કોઈ સમસ્યા હોય તેને ઉકેલવામાં મદદરૂપ બને. તમારી ગુંચવાયેલી માનસિકતાને ઉકેલી આપે. તમારી વિચારધારાના પ્રવાહને યોગ્ય દિશામાં વાળવામાં મદદરૂપ બને. જીવનમાં એવું બને કે ક્યારેક આપણે જાણતા હોઈએ છતાં નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવાય. આમ તો આપણે ત્યાં અત્યાર સુધી વડીલ -મુરબ્બી, મિત્રો કે સગાંસ્વજનો જ મદદરૂપ થતા હતા. પણ પુરુષોની મુશ્કેલી એ હોય છે કે તેઓ સરળતાથી મિત્રો સાથે પણ ખુલતા નથી, એટલે જ પુરુષોની આત્મહત્યાના આંકડામાં મોખરે છે. 

આમ તો સ્ત્રી લાઈફ કોચ ફક્ત સ્ત્રી સાથે જ કામ કરવાનું પસંદ કરે, પરંતુ ઈંગ્લેડમાં તોરી યુફોન્ડુ નામની વિમેન લાઈફ કોચને ફક્ત પુરુષો સાથે જ કામ કરવું પસંદ છે. તે ફક્ત પુરુષ ક્લાયન્ટ સાથે જ કામ કરે છે. આ વાંચીને નવાઈ લાગી, કારણ કે પુરુષોનો અહમ ખૂબ જ આળો હોય છે. તેઓ જલ્દી બીજા કોઈની તેમાંય સ્ત્રીની  સલાહ સૂચન દ્વારા પોતાના વિચારો બદલવા તૈયાર થાય નહી. તેમાં ય વળી એવું કરવા માટે એ પુરુષો પૈસા આપે તે માનવું અઘરું જ લાગે નહી? પણ હવે એવું બને છે. લાઈફ કોચ તોરી પાસે નવા ક્લાયન્ટ લેવાનો ક્યારેક તો સમય જ નથી રહેતો. હકીકતમાં તો પુરુષોને અનેક સ્તરે તકલીફો હોય શકે છે, કારણ કે તેમણે દરેક સ્થળે ઘરે અને બહાર પુરવાર થવાનું હોય છે. સફળતા કરતાં પણ એ પુરુષ તરીકે દરેક ક્ષણે પરીક્ષાઓ આપતો રહે છે. તેને સતત લોકો અને ખુદ પોતાની સમક્ષ પણ સાબિતીઓ આપવી પડે છે. સતત તમને ચકાસવામાં આવે એ પરિસ્થિતિ દરેક પુરુષના જીવનમાં ક્યારેક ને ક્યારેક ડંખતી હોય છે. એ ડંખની પીડા કેટલીકવાર તે પોતે પણ સમજી શકતો નથી, ત્યારે તેને બીજી વ્યક્તિની સહાયની જરૂર પડે છે. લાઈફ કોચ અહીં ઉપયોગી બને છે. તોરી યુફોન્ડુ કહે છે કે, મોટેભાગે વ્યક્તિ જે સમસ્યા લઈને આવે તેના મૂળ ક્યાંક બીજે જ હોય. જેમકે કોઈ કહે કે મારી પત્ની અને દીકરા સાથે હું સંવાદ નથી સાધી શકતો પણ હકીકતમાં તો તેને ઓફિસમાં પણ કોઈ સાથે સંવાદ ન સધાતો હોય. ઓફિસની સમસ્યાને કારણે તેનો સ્વભાવ એવો થયો હોય કે તેને ઘરમાં તકલીફ થતી હોય. આમ દુખતું હોય પેટ ને કૂટે માથું જેવી પરિસ્થિતિ મોટાભાગના પુરુષોની હોય છે. સૌથી મોટો પ્રોબલેમ તો એ છે જ કે તેઓ ક્યારેય પોતાની લાગણીઓ બીજા સાથે શેઅર કરતા નથી. 

યુફોન્ડુ પોતાને માઈન્ડસેટ કોચ કહેવડાવવાનું પસંદ કરે છે, કારણ કે તે લોકોની વિચારપ્રક્રિયાને બદલવાના પ્રયત્ન કરીને વ્યક્તિને બદલવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક એવું બને કે પુરુષ ખૂબ એન્કઝાઈટી, નર્વસનેસ અનુભવતો હોય મોટાભાગે પુરુષો પ્રોબલેમ્સ હોય એના કરતાં વધારે માની લેતા હોય છે. જેમકે કોઈ વિચારે કે તેનો બોસ ખૂબ ખરાબ સ્વભાવનો છે તેને કારણે એ જે પણ કંઈ કરે તેની અસર ઊંધી જ થાય. તોરી આવા નકારાત્મક વિચાર પ્રક્રિયાને તોડવાનો પ્રયત્ન કરે છે. 

એક સફળ એક્ઝિક્યુટિવ કક્ષાના પુરુષને ખૂબ એન્કઝાઈટીના હુમલા આવતા. ખાસ કરીને રાત્રે સૂતાં પહેલાં. તે એકલો રૂમમાં સૂઈ પણ ન શકે. તેને સતત વિચારો આવતા હતા કે દુનિયાનો શું અર્થ છે ? ભગવાન છે કે નહીં? શું કામ કરવાનું વગેરે વગેરે સાથે જ તે પોતાની જાતને ક્યારેય એકલી ન પાડતો કારણ કે તે માનતો કે માણસે સતત કંઈને કંઈ કરવું જોઈએ. એટલે સતત તે પોતાની જાતને વ્યસ્ત રાખવા અનેક સંસ્થાઓ સાથે જોડી રાખતો. પાર્ટીઓ કરતો. 

તોરીએ તેની પાસેથી વાત કઢાવી તો જાણવા મળ્યું કે એક તો તેને બાળપણમાં એક પ્રસંગે એકલા રહેવાનો વારો આવ્યો હતો. અને તેને લાગ્યું કે તેની જ વ્યક્તિઓ તેની પરવા કરતી નથી. એ ભાવ આજે ય તેના મનમાં સંઘરાઈ ગયા હતા. તેણે એકલો પડી જવાના કે ત્યજી દેવાયાની લાગણીને વારંવાર વિચાર્યા કરી હતી એના બદલે તેણે એ રીતે જોતા શીખવું જોઈતું હતું કે તેને રમવા માટે આખું ઘર છે અને કોઈ તેને નડનારું નથી. બીજું કે તે સતત બીજાઓ તેની પાસેથી અપેક્ષા રાખતા હતા એ માટે જ તે જીવતો હતો. તેને પોતાને જીવનમાં કોઈ મોટીવેશન રાખ્યું નહોતું. તેનાં બાળકો સારી લાઈફ જીવે તે માટે સખત અને વધુ મહેનત કરતો હતો. દરેક વ્યક્તિએ પહેલાં પોતાની જાતને ખુશ રાખવાની હોય. પછી બીજા ખુશ રહેશે. કેટલીક વિચારપ્રક્રિયા જ ખોટી હોય તો તેની અસર તમારા કામ પર અને અંગત સંબંધો પર પડતી હોય છે. અને તે માટે આપણે સતત બીજાને જ દોષી માનતા હોઈએ છીએ અને ક્યારેક દોષ હોય પણ છે બીજાનો, પરંતુ તેમાંથી માર્ગ કાઢતા દરેકે શીખવું પડે છે. 

મુંબઈમાં છાયા મોમાયા ઈમેજ બિલ્ડિંગ સાથે લાઈફ કોચિંગનું પણ કામ કરે છે. છાયા મોમાયા પાસે ઘણા હાઈ પ્રોફાઈલ ક્લાયન્ટ આવે છે. તે કહે છે કે ભારતીય પુરુષોની માનસિકતા બદલવામાં એક પ્રશ્ર્ન મુખ્ય હોય છે અને તે સ્ત્રીઓ પ્રત્યેનું તેમનું વલણ. આજે નાનામાં નાના ગામની વ્યક્તિ પણ વ્યવસાયમાં સફળ થઈને પૈસાદાર બને છે. કામ માટે તેમણે વિદેશ પ્રવાસ પણ કરવો પડે છે. એટલે તેમણે એટીકેટ , મેનર્સ શીખવા પડે છે પણ સૌથી પહેલાં તેમની માનસિકતા બદલવી પડે છે. સ્ત્રી હોવા છતાં એકવાત કબૂલવા દો કે મોટાભાગની ભારતીય સ્ત્રીઓ પોતાના માટે મોંઘી જ્વેલરી, સાડીઓ, મેકઅપ વગેરે ખરીદીને પોતાના દેખાવનો વિચાર કરશે, પરંતુ પતિ જે સફળ બિઝનેસમેન કે મોટી પોસ્ટ પર છે જેણે અનેક લોકો વચ્ચે ફરવાનું છે તેમના દેખાવ માટે ધ્યાન નહીં આપે. સ્ત્રીએ પોતાનો પતિ કેવો દેખાય છે તે ધ્યાન રાખવું જોઈએ. કારણ કામકાજની પળોજણમાં પુરુષને સમય ન મળે અને ખરીદી કરવી તેમના માટે સહજ પણ નથી જ હોતું. એટલે હું માનું છું કે તે ફરજ પત્નીની છે. બીજું કે ભારતીય પુરુષોને સૌ પ્રથમ સ્ત્રીઓને ફક્ત સેક્સ સિમ્બોલ તરીકે જોવાની માનસિકતા બદલવી જ પડે. કારણ કે સાથે કામ કરતી કે કોમ્પિટિટર તરીકે ય આજે સ્ત્રીઓ હોઈ શકે છે. 

સ્ત્રીને વસ્તુની જેમ જોવું એ બેડ મેનર્સ છે અને જો તમારી માનસિકતા સ્ત્રીઓને વ્યક્તિ તરીકે જોવાની ન હોય તો બહાર આજે તકલીફો વધી શકે છે. સાથે કે હાથ નીચે કામ કરતી સ્ત્રીને વ્યક્તિ તરીકે જ જોવામાં આવે. હા સુંદર દેખાતી સ્ત્રીને એપ્રિસિયેટ કરવું તે અલગ બાબત છે અને તેને ઉતરતી રીતે કે સેક્સ સિમ્બોલ તરીકે જ જોવું એ જુદી બાબત છે એ વિચારોને બદલવા જરૂરી બને છે... વિચારપ્રક્રિયા વિશે વધુ વિચાર હજી વાતો કરીશું આવતા અઠવાડિયે અહીં જ... પણ હા તમારે કોઈ પ્રશ્ર્ન હોય કે વિચાર હોય તો એ જલદી લખી મોકલશો... 

You Might Also Like

0 comments