વિચારો વાંચવાના એપ્પની સ્વીચ ઓફ્ફ 30-6-15

06:28
વિચારોને વાંચવાનું એપ્લિકેશન શરૂ થયા બાદ નારી મનના અનેક પાસાં ખુલી રહ્યા હતા. કેટલીક વખત ન કહેવાઈ શકેલી કે ન લખી શકાય હોય એવી વાતો સરળતાથી મૂકી શકાઈ. તે છતાં હજી અનેક પડળો ખુલવાના બાકી રહી ગયા છે. પરંતુ, આ એપ્પની  કદાચ આ છેલ્લી કડી હોય શકે. તેમાં બે ત્રણ વાત મૂકી દઉં છું. અધિક માસની શરૂઆત થઈ એ મુંબઈમાં દરિયા કિનારે ગયા બાદ ખબર પડી.  બે ચાર બ્રાહ્મણો પૂજાનો સામાન લઈન કિનારે બેઠા હતા. એક બ્રાહ્મણી પણ બેઠી હતી અને તેની આસપાસ પાંચ છ સ્ત્રીઓ બેઠી હતી. પુરુષોત્તમ માસની કથા પૂરી થઈ અને ગોરમાનું ગીત ગવાયું. આ બધા દરમિયાન જે પાંચ છ સ્ત્રીઓ બેઠી હતી તેમના મનના વિચારો પકડવાનો પ્રયત્ન કર્યો. લગભગ પચાસેક વરસના એક બહેન જેમણે સલવાક કમીઝ પહેર્યુ હતું તેમના  પર પહેલાં ફોકસ કર્યું. વાર્તા ચાલી રહી હતી પણ તે બહેન વિચારોમાં જ હતા.
હે પુરુષોત્તમ  ભગવાન આ વરસે તો દીકરીના લગ્ન ગોઠવાઈ જવા દો. ગયા વરસે પણ તેને માટે વ્રત કર્યું હતું. બ્રાહ્મણોને કંઈ કેટલીય દક્ષિણાઓ આપી હતી. પણ મલાડથી ઠેઠ જુહુ સુધી નહોતી આવી શકી. આ બ્રાહ્મણો ય હવે સાચા સારા ક્યાં રહ્યા. નહીં તો દિલથી પૂજા કરાવે તો ફળે જ ને... પુરુષોત્તમ ભગવાન કી જે... કેટલી ઝડપથી કથાઓ પુરી કરે છે. જોને વળી કથા કરતાં આજુબાજુ જોયા કરે છે આ બાઈ તો.... હજી એને કેટલાય અમારા જેવાને બકરા બનાવવાના હશે... હરિ હરિ કૃષ્ણ કૃષ્ણ..... તમારામાં ધ્યાન રહેતું નથી. આ છોકરી પરણી જાય સારા ઘરે તો નિરાંત થાય. પ્રભુ ગયા વરસે તો દિકરો પરણાવ્યો તેને મારી દીકરીથી ય નાની ઉંમરની પત્નિ મળી. આમ તો સારી છે પણ ભણેલી છે એટલે એંટમાં ફરે છે. બહાર કામ કરવા જાય છે તે સાંજે વહેલાસર ઘરે નથી આવતી. મારે જ રસોઈ માંડી દેવી પડે છે. અને દીકરીએ પણ કરાવવું પડે છે. ઈના એટલે જ લગ્ન નથી થતા કારણ કે તે જાઝુ ભણી નથી અને નોકરી નથી કરતી...ઈમાં શું અસ્ત્રીની જાતને ઘરના કામ આવડે તે ઘણું નહી..... આ કેવો નવો જમાનો ...બાળકો ઉછેરવા માટે માની જરૂર જ નહિ ... અને પ્રભુ અમારા એમને થોડી અક્કલ આપો. હવે સંસારના ચટકા મૂકી તમારા તરફ નજર નાખે. પ્રભુ જો એમનો સંસારમાંથી રસ ઓછો થઈ ને તમારામાં વધ્યો તો 51 રૂપિયાનો પ્રસાદ કરીશ અને સોળ સોમવાર કરીશ..... હે ભગવાન આ સંસાર શાંતિથી ભજને ય નહીં કરવા દે.....ગોર મા ગોરમા રે....
બ્રાહ્મણી જે વિચારતી હતી તે .... પૂજા પત્યા પછી... અરરર બધી કંજૂસ નીકળી... બોલી બોલીને ગળું દુખી ગયું પણ બસ 11 ને 21 રૂપિયા જ મૂકતી ગઈ. કોઈનું ય ચિત્ત કથામાં કે પૂજામાં નહોતું. તો ય ઠીક આટલું તો મળ્યું. આ  બધીઓ કેટલી  ચાલવા નીકળે છે મોંઘા દાટ કપડાં ને જોડાં પહેરીને પણ હવે ધર્મ ધ્યાન કે પૂજામાં વિશ્વાસ જ નથી રહ્યો. પુરુષોત્તમ માસનો પહેલો જ દિવસ પણ હજી સુધી ફક્ત આ છ બહેનો જ આવી. એમાં માળો વરસાદ આવશે તો દરિયામાં જાવાની જ મનાઈ હશે. એટલા દિ કોઈ આવશે જ નહી. અધિક માસ આ ચોમાસાના દિવસોમાં ન આવવો જોઈએ. પહેલાં તો લોકો અધિક માસમાં ધાન્ય, રૂપિયા અને ફળો લાવતાં હવે તો લોકોનો જ વિશ્વાસ ઓછો થઈ ગયો તે કળજુગ કીણે કીધો કૃષ્ણ કૃષ્ણ ... પેલી કનેના બીચ પર એમને વકરો થયો હોય તો સારું. હશે કંઈ નહી એ બહાને ય ભગવાનનું નામ લેવાય છે અધિક માસમાં... તેનું પુણ્યતો મળશે જ.

બીચ પર એક બહેન જઈ રહ્યા હતા. તેમણે દૂરથી નમન કર્યા આ બહેનોને... તેમના મનના વિચારો... , “સારું છે હજી પણ આ લોકો સહજતાથી પૂજા કરી શકે છે. નાની હતી ત્યારે ઘરના વડિલો અને આડોસ પડોસમાંથી સ્ત્રીઓ ભેગી થતી બપોરના અને પુરુષોત્તમ માસની કથા વાંચતી. આછી પાતળી જ યાદ છે. ચોખા અને ઘઉંથી સાથિયો અને ઓમ લખતી. પછી તે ધાન્ય ચણ તરીકે નખાતું કે પછી કોઈ ગરીબને આપી દેવાતું. પણ તે ચાલી સિસ્ટમમાં રહેતી ત્યારની વાત. હવે તો ફ્લેટમાં અને તે પણ આવા પોશ વિસ્તારમાં આસપાસના પડોશીના ચહેરા ય ન દેખાય ત્યાં વારતહેવાર ઉજવવાની વાત જ નહી. ગુજરાતના શહેરો અને  ગામડામાં અને અહીંના ગરીબ વિસ્તારોમાં હજી વાર તહેવારોની ખબર પડતી હશે બાકી અહીં તો બર્થ ડે અને એનીવર્સરીની પાર્ટીઓ જ ઉજવાય. સાચ્ચે જ આ કઈ રીતનો વિકાસ છે ? જો કે હું પણ તો એ વિકાસનો એક હિસ્સો છું. અધિક માસમાં દરિયામાં ડૂબકી લગાવતાં ફોઈ, દાદી , મમ્મી યાદ છે.  હું હવે અહીં ચાલવા આવી શકું પણ આ લોકોની જેમ આ દરિયામાં શ્રદ્ધાની ડૂબકી ન લગાવી શકું. હે પ્રભુ મને શ્રદ્ધા આપ. સરળતા આપ. સહજતા આપ. હા આજે થઈ શકે તો ઉપવાસ જરૂર કરીશ. કંઈ નહી તો અગિયારસ જોઈ લઈશ ક્યારે આવે છે અને એકાદી અગિયારસ તો કરી જ શકાય. ભગવાન મને શક્તિ આપજે.

You Might Also Like

0 comments