મિસ્ટર કોફી 11-8-15

22:31મુશળધાર વરસાદ અને કોફી કે પછી ડેટ ઓન કોફી તમારી પોતાની સાથે કે બીજાની સાથે.. વેલ તમને થશે કે પુરુષ અને કોફીની સાથે શું લેવા દેવા તો ગયા અઠવાડિયે એટલે કે પહેલી ઓગસ્ટના રોજ વિન્સેન્ટ મરોટા ૯૧ વરસની વયે અમેરિકામાં મૃત્યુ પામ્યા. વિન્સેન્ટે દુનિયાનું પહેલું ઇલેક્ટ્રિકલ ડ્રીપ કોફી મશીન બનાવ્યું હતું. મિ. કોફી નામના મશીને ઈતિહાસ સર્જી દીધો હતો. મશીને લોકોને કોફી પીવાનું ઘેલું લગાડ્યું હતું.

કોલેજમાં હતા ત્યારે સાયકોલોજી ટેસ્ટ દ્વારા સામેની વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવાનો પ્રયાસ કરતાં કેટલાક પ્રશ્ર્નો પુછાતા. તેમાંનો એક પ્રશ્ર્ન હતો ...તમે રૂમમાં પ્રવેશો છો અને ત્યાં ટેબલ પર કોફીનો કપ પડ્યો છે તમે શું કરશો ? કોઈને પૂછ્યા વિના કોફી પી લેશો કે કોઈ આવે તેની રાહ જોશો કે પછી થોડો સમય રાહ જોયા બાદ કોફી પીશો કે પછી કોફી પીશો જ નહીં? અહીં કોફી એ ઓપોઝિટ સેક્સના પ્રતીક તરીકે માનવામાં આવતું. સામી વ્યક્તિ વિરુદ્ધ જાતિ વિશે કેવા વિચારો ધરાવે છે એ જાણવાના પ્રયાસ રૂપ આવા પ્રશ્ર્નો પુછાતા. આમ પણ કોઈને ડેટ એટલે કે સામી વ્યક્તિમાં તમને રસ હોય અને તેને વધારે જાણવા કે પામવા કોફી પીવાનું આમંત્રણ અપાય છે. આપણે ત્યાં પણ કોફી કલ્ચર હવે વધી રહ્યું છે. દક્ષિણમાં કોફી પીવાનું ખાસ તો ફિલ્ટર કોફી પીવાનું કલ્ચર હતું અને છે. પણ શહેરોમાં વિદેશની કોફી શોપની બ્રાન્ચ અહીં ખૂલી રહી છે. પચાસ રૂપિયાથી લઈને ૨૦૦ રૂપિયા સુધીની કોફી અહીં પીરસાય છે. વળી તમને કોઈ ત્યાં માથા પર ઊભા રહીને ટેબલ ખાલી કરવાનું નથી કહેતું. એટલે કે તમે રિલેક્સ થાઓ. બેસો વાતચીત કરો. વાંચો, લખો કે પછી કામની મીટિંગ કરો... કોફી શોપ કામ માટે કે પ્રેમ માટે કે પછી ચિલ કરવાના સ્થળ તરીકે પ્રખ્યાત થતું જાય છે. ગામમાં ચાની કે પાનની દુકાને લોકો કલાકો બેસીને તડાકા મારે તે સહજ હતું પણ શહેરોમાં તમને કોઈ સરસ જગ્યા બેસવા માટે આપે છે તે કોફી શોપ છે.

સોશ્યલ સાઈટ્સ ફેસબુક અને ઈન્સટાગ્રામ પર મેન એન્ડ કોફી પેજ છે. એ પેજ પર લખ્યું છે કે બે સુંદર વસ્તુને એક જગ્યાએ લઈ આવ્યા પુરુષ અને કોફી. એ પેજ પર હેન્ડસમ પુરુષોના કોફીના કપ સાથે ફોટાઓ છે. કોફીમાંનું કેફેન મગજને ઉત્તેજિત કરતું પીણું હોવાને કારણે પણ કોફીની આદત હોય છે તેમની સવાર તેમની મનગમતી કોફીની સુગંધ સાથે જ પડે છે. મિસ્ટર કોફી મશીન બનાવનાર વિન્સેન્ટે ફોર્બસને ૧૯૭૯માં ઇન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે મને મારી કોફીનો સ્વાદ મારા ઘરે કે બીજા કોઈના ઘરે ભાવતો નહોતો. તે સમયે જે રીતે ઘરે ધીમા તાપે ઉકાળીને કોફી બનાવાતી તેમાં વિન્સેન્ટને બળેલો સ્વાદ આવતો. એટલે તેના રિયલ એસ્ટેટના ધંધાના પાર્ટનર સાથે મળીને ૨૦૦ ફેરેનહિટ પર ઊકળતા પાણીમાં કોફી બને એવું મશીન બનાવ્યું. કોફી લવરને ઈન્સટન્ટ કોફીનો સ્વાદ ક્યારેય ભાવતો નથી. તાજી દળેલી કોફીનો સ્વાદ અને એરોમા તેમને માટે સ્વર્ગ સમાન

હોય છે.

દુનિયાના મોટાભાગના ક્રિયેટિવ પુરુષો સવારે ઊઠીને કોફી જ પીવે છે. દરેક વ્યક્તિની પોતાની ખાસ કોફી હોય છે. અને તેમને એ ખાસ રીતે બનાવીને જ પીવી હોય છે. કોફી લવર પુરુષો હકીકતમાં ચૂઝી એટલે કે તેમની પોતાની આગવી પસંદ હોય છે. એમાં તેઓ ક્યારેય બાંધછોડ કરવા તૈયાર નથી હોતા. વિન્સેન્ટે પોતાને ભાવતી કોફીનો સ્વાદ મેળવવા માટે ૧૯૭૨ની સાલમાં મિસ્ટર કોફી મશીન બનાવ્યું તે એટલી હદે અમેરિકામાં પોપ્યુલર થયું કે ૧૯૭૫ની સાલમાં તો અમેરિકાના દરેક ઘરમાં મિસ્ટર કોફી મશીન હોય જ. તેની કંપની રોજના ૪૦,૦૦૦(ચાલીસ હજાર) મશીનનું ઉત્પાદન કરવા લાગી એટલી તેની ડિમાન્ડ વધી ગઈ.

સાયન્ટિફિક અમેરિકન મેગેઝિનમાં છપાયેલ એક આર્ટિકલમાં તો છપાયું છે કે કોફી પીનારા વધુ સતેજ હોય છે. કારણ કે કોફીમાંનું કેફેન તમને કોકેનની જેવી અસર આપે છે. જો કે રોજ કોફી પીનારાને તેવી અસર થતી નથી જેટલી ક્યારેક જ કોફી પીનારને થાય છે. કોફી મગજને જાગૃત રાખે છે એટલે કામ કરવા માટે મગજને જાગૃત રાખવા માગતા લોકો મોટેભાગે કોફી પીવે છે. નવાઈ લાગે અને છતાં રસ પડે તેવી વાત એ કે તમે કેવી કોફી ઓર્ડર કરો છો તેના પરથી તમારું વ્યક્તિત્વ છતું થાય છે એવું સંશોધન પણ થયું છે. યુ આર વ્હાય યુ ઈટ - ચેન્જ યોર ફુડ એટિટ્યુડ ચેન્જ યોર લાઈફ નામનું પુસ્તક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડો. રામાની દુર્વાસુલાએ લખ્યું છે તે વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ છે. એ પુસ્તકમાં ડો. રામાનીએ કોફી અને વ્યક્તિત્વ વિશે વિસ્તારથી લખ્યું છે. જેમકે બ્લેક કોફી પીનાર સીધા સાદાનો નોનસેન્સ વ્યક્તિત્વ ધરાવે છે. તો ઈન્સટન્ટ કોફી પીનારા લાસરિયા, કહે પણ કરે નહીં એવા હોય છે. સોયા

મિલ્ક, ડબલ ડિકેફ, એકસ્ટ્રા ક્રિમી વગેરે કોફીનો આગ્રહ રાખનાર કે ખાસ કોફીનો આગ્રહ રાખનારા સ્વભાવથી ઓબસેસિવ, ક્ધટ્રોલિંગ તથા ખૂબ ચીકણા હોય છે. તો લાટે કોફીના ચાહકો ન્યુરોટિક એટલે કે વિચિત્ર અને લોકોને ખુશ રાખવામાં માનનાર અર્થાત્ મસ્કા મારી શકનાર અને છેલ્લે જેઓ ગળી કોફી પીએ છે. તેઓ મોટાં થઈ ગયેલાં બાળકો છે.

જો કે આવાં તારણો પર ખાસ્સા રિસર્ચ પછી ડો. રામાની આવ્યા હોવા છતાં તેઓ કહે છે કે, આપણું વ્યક્તિત્વ કોફીના ઓર્ડરથી નથી ઓળખાતું પણ આપણી એસ્ટ્રોલોજિકલ રાશિ દ્વારા ઓળખાય છે. તમે લાટે પીતા હો ને ક્ધટ્રોલ્ડ વ્યક્તિત્વના સ્વામી હોઈ શકો. જીવન કોફીની પસંદગીથી જાણી શકાય એટલું સરળ હોત તો કદાચ બોરિંગ બની ગયું હોત કે પછી ઓછું કોમ્પલિકેટડ છતાં ચેલેન્જિંગ હોત .

પુસ્તકમાં પસંદગી - ચોઈસ વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. તેમનું કહેવું છે કે આપણે કાળી કોફી કે લાટે કે પછી ઈન્સટન્ટ કોફી પસંદ કરીએ છીએ તે આપણી વિચારવાની પદ્ધતિ, જોખમ લેવાની તૈયારી વગેરે આપણા વ્યક્તિત્વના અંશો છે. આપણી પસંદગી પર બાયોલોજી, માણસો, વાતાવરણ , ભય વગેરેની અસર થાય છે. આપણી પસંદગી ક્યારેક આપણી પોતાની હોય જ નહીં એવું પણ લાગતું હોય છે. આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો ચોઈસને વળગી ન રહો, પસંદગીને વિસ્તારી જુઓ. અમે તો કહીશું કે જુદી જુદી કોફી ટ્રાય કરી જુઓ. વિશ્ર્વભરની કોફી હવે મળે છે અને દરેકનો સ્વાદ અને સોડમ તમને જુદા માહોલમાં લઈ જઈ શકે. આલ્કોહોલ ન પીતા હોય તેવી વ્યક્તિઓ માટે કોફી પણ આલ્કોહોલની જેમ જ એડિકટિવ બની શકે છે. કોફીનો અરોમા અને ટેસ્ટને વાગોળો અને મગજને સતેજ કરી કામે લાગી જાઓ.

પ્રખ્યાત ચિત્રકાર વાનગોગે મેન વીથ કોફી ચિત્ર દોર્યું હતું. જો કે યુરોપિય દેશોમાં ઠંડી સામે કોફી જેવું ઉત્તેજક પીણું જરૂરી બની જાય છે. અમેરિકાના કેરોલિના પ્રદેશમાં આવેલ માયટલ નામના ગામમાં વરસોથી બારેક બાળપણના ગોઠિયાઓ જે આજે ૬૦ થી ૭૦ વરસના થઈ ગયા છે તે રોજ સોમવારથી શનિવાર સવારે પાંચ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી રસ્તા પરની એક નાનકડી કોફી શોપમાં કોફી પીવા મળે છે. કોફી પર ચર્ચા અહીં એવી જામે કે ભૂતકાળથી લઈને ભવિષ્યના દરેક વિષયો વિશે વાત થાય. ચૂંટણીના સમયે ક્યારેક રાજકારણીઓ પણ તેમની સાથે જોડાય છે. મેન એન્ડ કોફીનો સંબંધ પ્રેમી પ્રેમિકા જેવો હોય છે એવું કહી શકાય. એટલે જ કોફી પીતા પુરુષો પોતાના સ્વાદની કોફી માટેનો આગ્રહ છોડતા નથી. સાયન્ટિફિક તારણો એવું ય કહે છે કે કોફી પીનારી વ્યક્તિ સવારે બીજી કોફી ન પીનારી વ્યક્તિઓ કરતા એક્ટિવ હોય છે. હોઈ શકે પણ બે ત્રણ કપથી વધુ કોફી પીવી નુકશાનકારક છે. એ પણ એટલું જ સાચું છે.

You Might Also Like

0 comments