માન્યતાઓના માળખાને તોડીને સ્વતંત્રતાનો શ્વાસ લઈએ .... 11-8-15

00:05
મિત્રો સાથે બહાર ગયા ત્યાં રસ્તામાં મંદિર આવ્યું બધાએ નક્કી કર્યું ચલો આજે મંદિરમાં જઈએ. નીતા બહાર જ ઊભી રહી ... કહે હું નહી આવી શકું ..પિરિયડસ છે. અને પછી તો વાતો ચાલી પિરિયડ્સ પર. તેના વિશેની માન્યતાઓ અને શરમ. મને યાદ છે નાની હતી ત્યારે પિરિયડ્સ આવે ત્યારે માથે નાવાનું નહી. ભગવાનને દિવો કરવાનો નહી. પૂજા કરવાની નહી, મંદિરમાં જવાનું નહી. કોઈના ઘરે પૂજા હોય તો પણ દૂર જ રહેવાનું. તુલસીને પાણી રેડવાનું નહી, અથાણાને અડવાનું નહી... વગેરે વગેરે
હાલમાં જ ટચ ધ પિકલ નામની જાહેરાતને આંતરરાષ્ટ્રિય એવોર્ડ મળ્યો તે જાહેરાત આજે બનાવી શકાઈ અને દર્શાવી શકાય છે તે દર્શાવે છે કે બદલાવની શક્યતાઓ વધી રહી છે. મને યાદ છે મારી આસપાસ અનેક સ્ત્રીઓ વરસમાં બે ત્રણવાર પિરિયડ્સ જલ્દી આવે કે લંબાવવાની ગોળીઓ લેતી હતી. કારણ કે તેમને કોઈ પૂજામાં જવાનું હોય કે પછી લગ્ન કે પ્રસંગમાં જ્યાં ભગવાનનું સ્થાપન થવાનું હોય. સ્વતંત્રત દેશમાં હજી સ્ત્રીઓ માનસિક રીતે સ્વતંત્રતા નહી અનુભવે તો બધું જ નકામું છે. આજની નારી પણ માનસિકતાની ગુલામીમાં સબડતી હોય તો પછી સ્વતંત્રતા બહાર હોય તેનો કોઈ અર્થ નથી હોતો. સામાપાંચમ કે ઋષિ પાંચમનો ઉપવાસ નાના હતા ત્યારે કરતા. બાર વરસની ઉંમરે જેવું માસિક આવવાનું શરૂ થયું કે  અમારી પડોશી બહેનોએ અનેક સલાહ સૂચનો આપી દીધા. જેમાં ક્યાં ન અડાય, શું ન કરાય તેના લિસ્ટ સાથે દર વરસે ઋષિપાંચમનો સામો ખાઈને ઉપવાસ કરવાનો જ. જેથી માસિક દરમિયાન આપણે જે પાપ કર્યા હોય તે ધોવાઈ જાય.  માસિકમાં આવતી મોટાભાગની  બહેનો આજે પણ આ ઉપવાસ કરે છે.
બારમાં ધોરણમાં ડોકટર પાસે માસિકનું વૈજ્ઞાનિક કારણ જાણ્યા બાદ એ ઉપવાસ કરવાનું બંધ કર્યુ. સૌથી પહેલો પ્રશ્ન દરેક સ્ત્રીને થવો જોઈએ કે શું પાપ જાણી જોઈને કરો છો ? જો માસિક  ન જોઈએ એવી ચોઈસ હોતતો જરૂર દરેક સ્ત્રી માસિક પસંદ ન જ કરે. પણ આ એક કુદરતી પ્રક્રિયા છે. તેમાં પાપ પુણ્ય કશું નથી. પરંતુ, સ્ત્રીનો જન્મ મળ્યો તે દુખદ બાત છે તેવી માન્યતા જન્મતાવેંત સમાજ તમને સમજાવે છે. એટલે જ કન્યાના જન્મને ખુશીથી વધાવાતો નથી.   સ્ત્રી  ઉતરતી કક્ષાની માનવી છે જે  ધ્યાન ન રાખે પોતાના વર્તનમાં તો પાપ કરવા સક્ષમ  છે  તે વાતને  સાચી  સાબિત કરવા માટે અનેક માન્યતાઓને તેની સાથે જોડી દેવામાં આવી. કોઈ જ સવાલ જવાબ કર્યા વિના મોટાભાગની સ્ત્રીઓ આ બાબત સ્વીકારી લેતી હોય છે. થોડી ઘણી સ્ત્રીઓ જેનામાં હિંમત હોય છે સામા પ્રવાહે તરવાની,  તે સવાલો પૂછે છે અને યોગ્ય કારણ વિના તેને સ્વીકારવાનો કે માનવાનો ઈન્કાર કરે છે.
ચાલો આવી કેટલીક માન્યતાઓમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. દર મહિને આવતું માસિક એ ગંદુ લોહી નથી કે  ન તો સ્ત્રી હોવાના અભિશાપથી તે  યોનિમાંથી આવતું.  તે આપણને જીવંતતાનો અહેસાસ કરાવે છે. આપણા શરીરમાં  નવું જીવન પેદા કરવાની ક્ષમતા છે તે સાબિત કરે છે.  જો બાળક નથી રહેતું તો એને માટે ગર્ભાશયે કરેલી તૈયારીઓ તૂટી પડે છે અને તે નકામું અંડ બીજ પાતળી દિવાલ સાથે બહાર નીકળી જાય છે. સ્ત્રીને સ્ત્રી બનાવતાં હોર્મોનની આ સહજ પ્રક્રિયા છે. એવા સમયે એટલે કે માસિકના દિવસોમાં અથાણા બનાવ્યા છે અને અડ્યા પણ છે. અને તે બગડતા નથી જો  આપણી પોતાની અને અથાણાની સ્વચ્છતામાં ધ્યાન રાખવામાં આવે તો. તમે એવું પણ સાંભળ્યુ હશે કે તુલસી પર માસિકમાં હોય તેવી સ્ત્રીનો પડછાયો પડે કે તે અડે તો મરી જાય છે. એવું કશું જ નથી હોતું. દરેક જીવંત વનસ્પતિ કે પ્રાણી કે મનુષ્યનો જન્મ અને મૃત્યુ નિશ્ચિત હોય છે. કોઈ વહેલું મરે કે કોઈ મોડું મરે. આપણે રસ્તો પહોળો કરવા માટે કે મકાન બાંધવા કે ગાડી પાર્ક કરવા માટે ઝાડ કાપી નાખીએ ત્યારે તેને પાપ નથી ગણતા. પણ નાનકડા તુલસીના છોડના સુકાઈ જવા પાછળ સ્ત્રીને શું કામ જવાબદાર ઠેરવીએ ? અને તે પણ આપણે સ્ત્રીઓ જ આવી માન્યતાઓને પોષીએ છીએ. તુલસીના ઔષધિય ગુણો માટે તેને પૂજવામાં આવે છે.
પહેલાંના જમાનામાં નહાવા માટે નદી, તળાવ કે કૂવે જતા. એટલે  માસિકમાં લોહીનો સ્રાવ થતો હોય ત્યારે નહાવું યોગ્ય ન હોય. તે માની શકાય પણ આજે તો દરેક બાથરૂમમાં નહાય છે ત્યારે આ માન્યતાને પોષવી યોગ્ય નથી. ઉલ્ટાનું સ્વચ્છતા માટે અને કળતર થતું હોય તો ગરમ પાણીથી નહાવું જરૂરી છે. પહેલાં તો રજસ્વલા સ્ત્રીને આરામ માટે ત્રણ દિવસ માટે આરામ કરવાનું કહેવાતું અને એટલે તેને દરેક જગ્યાએ અડવાની મનાઈ હતી. પણ તેમાં ય છીંડા શોધીને સ્ત્રીઓ પાસે સૌથી વધુ કામ કરાવાતું. આજે ન અડવાની માન્યતાઓ નાબૂદ થઈ રહી છે તો અન્ય માન્યતાઓ પણ ધીમે ધીમે નાબૂદ થશે. બદ્ધ માનસિકતા સાથે દરેક માન્યતાનો સ્વીકાર ન કરવો પણ તેનું સાચું કારણ યોગ્ય વ્યક્તિ પાસે જાણીને જ સ્વીકારવુ. કુદરતી પ્રક્રિયાને રોકવી કે વહેલી મોડી કરવાની ગોળીઓ ખાવાથી જેટલું નુકશાન થાય છે તેની સામે ખોટી માન્યતાઓ ન પાળવાથી કોઈ નુકશાન નથી પણ ફાયદો જ છે.  પોતાને દોષી માની જીવવાની એક પ્રક્રિયામાંથી મુક્ત થઈને  સ્વતંત્રતાનો શ્વાસ લઈએ.

પહેલાં આપણે ગારમાટીના ઘરમાં જ રહેતા પણ હવે નથી રહેતા. પહેલાં જાત મહેનત કરીને પાણી ભરી લાવતા, દળણા દળતા. જો આવી અનેક બાબતોનો બદલાવ સ્વીકારીએ છીએ તો પછી માસિકની  માનસિક માન્યતાઓને કેમ ન બદલીએ ?

You Might Also Like

0 comments