દુનિયાને સુધારતા પહેલાં પોતે સુધરીએ તો ? 4-8-15

02:30* આજે છોકરાઓ બગડી રહ્યા છે... માતાપિતાનું સાંભળતા જ નથી.....
* સ્ત્રીઓ આજકાલ બહુ ફોરર્વડ થઈ ગઈ છે....એટલે જ બળાત્કારના કિસ્સા બને છે.
* પતિઓ લગ્નબાહ્ય સંબંધો બાંધી રહ્યા છે...., 
* ચેનલો પર કેટલા ખરાબ કાર્યક્રમો આવે છે કે પરિવાર સાથે બેસીને જોઈ જ ન શકે.
* લગ્ન માટે સારા છોકરા જ ક્યાં છે...
* સલામતી માટે સરકારે વધારે સખત પગલા લેવા જોઈએ....વગેરે વગેરે ...
કેટલાય વાચકો ફોન કરે કે ચેટ કરે ત્યારે પહેલાં પૂછે કે થોડો સમય લઉં .... હા પાડીએ એટલે સમાજમાં કેટલી ખરાબી છે તેની ગણતરીઓ શરૂ કરે .... સમાજ બદલવો જોઈએ. પણ જ્યારે તેમનું જીવન જોઈએ તો સમજાય કે તેમના પોતાના જીવનમાં કેટલા બદલાવ લાવવાની જરૂર છે. સૌ પ્રથમ તો   બીજાને બદલાવું જોઈએ એ વિચારધારાને બદલવાની જરૂર છે. આપણે  પણ  સમાજનો હિસ્સો  છીએ તે કેમ ભૂલી જઈએ છીએ. આપણે બદલાઈશું તો સમાજ બદલાશે. જેમકે  સ્ત્રીઓને દરેક જગ્યાએ વધારાની સુવિધા જોઈએ છે. લાઈનમાં નથી ઊભા રહેવું કે બીજાનો વિચાર નથી કરવો. ટિકિટની લાઈનમાં કે કોઈપણ લાઈનને તોડવાનો પ્રયત્ન પહેલાં સ્ત્રીઓ  જ કરશે. પગ દુખે છે કે પછી ઉંમર થઈ ગઈ છે એવું દર્શાવશે. ખરેખર ઉંમર થઈ હોય એંશી જેટલી અને પગમાં ખરેખર અપંગતા હોય તો પણ બરાબર પણ એવા કોઈ કારણ ન હોય તો પણ અબળા દેખાઈને શિસ્ત તોડવાની રીત ખોટી છે.
બીજું ઘર ચોખ્ખુ રાખવાનું પણ બહાર ગમે ત્યાં કોઈપણ કચરો ફેંકવાનો. પોતે ફેંકે નહી અને ઘરનાને કચરો ફેંકવા દે નહીં તો બહાર પણ ગંદકી નહી વધે.  શાક લેવા જાય ત્યારે કપડાંની થેલી નહીં લઈ જવાની કેમ કે આળસ, બેદરકારી... પોતાના અને આસપાસના વાતાવરણ પ્રત્યે. પ્લાસ્ટીકની થેલીઓ જો દરેક સ્ત્રી વાપરવાની ઓછી પણ કરે તો ય ઘણો ફાયદો થાય. સ્ત્રીઓએ બહાર જઈને જ કામ કરવાની જરૂર નથી. ફક્ત ફરિયાદો કર્યા કરવા કરતાં પોતાના જીવનમાં નાનો ફેરફાર કરીને ય પર્યાવરણ, સમાજમાં અનેક પરિવર્તનો લાવી શકાય છે.
ટેલિવિઝન પર સૌથી વધુ ધારાવાહિકો સ્ત્રીઓ જ જુએ છે. એવો સર્વે થયો છે. અને તેમને સાસ બહુની સિરિયલો જ જોવી ગમે છે. ધારાવાહિકોમાં સ્ત્રીઓને હંમેશા ખરાબ સ્વભાવની ચિતરવામાં આવે છે. સ્ત્રીઓને જ સ્ત્રીઓની દુશ્મન બતાવવામાં આવે છે. તે સિરિયલો જોયા બાદ તેની ચર્ચા પણ ગંભીર પણે કરશે કે,        ‘  પેલી નો સ્વભાવ જ ખરાબ છે ‘, ‘ જો જેને કાલે તે પેલીને બરાબરનો પાઠ ભણાવશે.’ ‘ જબરાનો જ જમાનો છે ....  સ્ત્રીઓને ખરાબ સ્વભાવની ઈર્ષ્યાળુ, ઝેરીલી, નુકશાન કરનારી બતાવે તો વાંધો નથી હોતો પણ જો ટુંકા કપડાં પહેરેલી , સેક્સી દર્શાવે કે તેમને પ્રેમ કરતી દર્શાવે તો પરિવાર સાથે બેસીને ન જોવાય. સેક્સ જે સહજ છે તે ખરાબ અને પોતાને તથા  બીજાને નુકશાન પહોંચાડતો સ્વભાવ ખરાબ નહી. આમ ડબલ સ્ટાન્ડર્ડ આપણે ત્યાં દરેક રીતે સ્ત્રીઓ પોષે છે.
વહુ તરીકે કે ભાભી તરીકે આવેલી સ્ત્રીના કાટલા જ અલગ. સાસુ વહુની જેમ દીકરીને છૂટ કેમ ન આપી શકે? વહુ દીકરીની જેમ ઘરમાં મોડી કેમ ન ઊઠી શકે કે તેણે ઘરના કોઈ જ કામ ન કરવા હોય તો એ શક્ય કેમ ન બને ? આપણે બદલાઈશું તો સામી વ્યક્તિ પણ બદલાશે જ.  એક સ્ત્રી ઘરની બીજી સ્ત્રીને વ્યક્તિ તરીકે જોતી થશે તો પુરુષો પણ તેમને વ્યક્તિ તરીકે માનઆદર આપશે. સહકારની ભાવના ઘરથી જ શરૂઆત થઈ શકે. સારા વિચારો ન શીખવાડતી સિરિયલોમાં સમય બગાડવા કરતા નવી નવી વાનગીઓ કે ઘરમાં ઉપયોગી થઈ શકે એવી કલા પણ શીખીને કરી શકાય. તૈયાર મસાલા કે રેડી ટુ ઈટના પેકેટો લાવવા કરતાં નાસ્તાના અવનવા પ્રયોગો કરી શકાય. બહાર કામ કરતા હોઈએ કે ગૃહિણી હોય પરંતુ,  ઘરમાં કામ પર આવતી કામવાળીને પણ એક અઠવાડિક રજા, સીક લીવ અને ફરવા જવા માટેની રજા આપવામાં કચકચ ન જ કરીએ. કારણ કે એ પણ સ્ત્રી છે માણસ છે.
બીજી સ્ત્રીના કપડાંની ટીકા ન કરીએ. સ્કર્ટ અને ક્લિવેજ , સાડીમાંથી ય દેખાતા હોય છે. અને સાડી સૌથી સેક્સી ડ્રેસ છે. જો તેની સામે વાંધો ન હોય તો અન્ય કોઈ પરિધાન સામે વાંધો ન હોવો જોઈએ. બળાત્કાર થાય છે એ પુરુષની નબળાઈ , વિકૃત માનસિકતા છે. તેમાં સ્ત્રીના કપડાંનો વાંક નથી. આદિવાસીઓ પહેલાં કપડાં નહીવત જ પહેરતા. એ સમાજમાં બળાત્કાર નહોતા થતા. કલાત્મક નગ્નતા અને હલકી કક્ષાની હરકતો એ બે વચ્ચે તફાવત છે. આઈટમ સોન્ગ હલકી માનસિકતા પોષવાનું કારણ બને છે. તેનો વિરોધ હોઈ શકે પણ ગરમીમાં શોર્ટ પહેરતી કે ફ્રોક પહેરતી સ્ત્રીને પોતે શું પહેરવું કે ન પહેરવું તેનો અધિકાર હોવો જોઈએ. સ્ત્રીના શરીરને આદર સાથે જોવાની માનસિકતા માતા જ દિકરાને આપી શકે. માતા જો બાળકના મનમાં શરીર માટે સહજતા અને આદર નહી પેદા કરી શકે તો સ્ત્રીનું શરીર ફક્ત ઉપભોગનું સાધન જ બની રહેશે. સમાજને બદલવાની શરૂઆત આપણા પોતાનાથી કરીએ. ફરિયાદો કરવાને બદલે દરેક બાબતે તેમાંથી સરળ રસ્તો શોધીએ. રચનાત્મક બનીએ. સમાજ આપોઆપ બદલાશે. 


You Might Also Like

0 comments