કામચલાઉ પુરુષ 18-8-15

08:59અંગ્રેજીમાં શબ્દ મળ્યો હતો ‘ડિસ્પોઝેબલ મેન’. બે ઘડી આ શબ્દે વિચારોમાં પરોવાઈ ગઈ. સ્ત્રી તરીકે મને નારીવાદી અભિગમ અનુભવવો સાહજિક છે, કારણ કે મારું એ વિશ્ર્વ અને અનુભૂતિ છે. પણ જ્યારે તમે માનવીય સ્તરે વિચાર કરો છો ત્યારે સ્ત્રી-પુરુષના ભેદ પાડીને વિચારવું અશક્ય લાગે છે. ડિસ્પોઝેબલ સેક્સ એટલે કે વાપરીને ફેંકી દેવાય કે પછી વપરાશ યોગ્ય જાતિ અંગે પણ કેટલાક લોકો વિશ્ર્વસ્તરે ચર્ચા કરી રહ્યા છે. ધારો કે કામચલાઉ પુરુષની જગ્યાએ કામચલાઉ સ્ત્રી કે કામચલાઉ પત્ની એવું લખાય તો અમે સ્ત્રીઓ કાગારોળ મચાવી દઈશું. સ્ત્રીઓને આવું કહી જ કેમ શકાય? સદીઓથી સ્ત્રીઓ પર અત્યાચાર અને અવહેલના થઈ છે, વગેરે વગેરે વાત સાચી જ છે ખોટી નથી. પણ પુરુષ વિશે આ વાત લખાય તો કોઈ પુરુષો બૂમાબૂમ નહીં કરે... એની મને ખાતરી છે. અમેય નહીં કરીએ ....સારું થયું જેવા સાથે તેવા વગેરે વિચારો થશે. પણ શું તે યોગ્ય છે?

યાકુબ મેમણના મુદ્દે ફાંસીની સજા વિશે જ્યારે ચર્ચાઓ ચાલી હતી. ફાંસીની સજા રદ્દ કરવા માટે માનવીય અધિકારમાં માનનારાઓમાં ખાસ્સી ચર્ચા પણ ચાલી. તે સમયે માનવીય અધિકાર અંગે વિચાર કરતાં સમજાયું કે ત્રાસવાદી સંગઠનો સ્ત્રીઓને જેમ સેક્સ્યુઅલ ઉપયોગ માટે વાપરે છે, તે જ રીતે યુવાન છોકરાઓને - પુરુષોને પણ વાપરે જ છે. ડિસ્પોઝેબલ મેન એટલે કે કામચલાઉ જ્યાં સુધી કામનો હોય ત્યાં સુધી વાપરવાનો અને પછી ડિસ્કાર્ડ એટલે કે કાઢી નાખવાનો. ત્રાસવાદી સંગઠનો કેટલાય ક્ષેત્રોમાં યુવાનો માટે કોઈ પસંદગીને અવકાશ નથી આપતા. યા તો સંગઠનમાં જોડાઈને સમાજમાં નફરત ફેલાવો, દહેશત ફેલાવો, મારો , કાપો. હિંસામાં માનો કે ન માનો હિંસક બનો યા તો પછી મરવા તૈયાર થાઓ. શું પુરુષોને ચોઈસ ન હોય હિંસક ન બનવાની ? કેટલી સ્ત્રીઓને તાબામાં લઈને બળાત્કાર કરાયો. તેમને રહેંસી નાખવામાં આવી તેના આંકડાઓ આવશે. પણ કેટલા પુરુષો મનેકમને રહેંસાઈ ગયા તેના આંકડા નથી મળતા. સંગઠનો અને લશ્કરોમાં પુરુષોને મરવા માટે જ તૈયાર કરવામાં આવે છે.

પ્રથમ અને બીજા વિશ્ર્વયુદ્ધ સમયે કેટલા પુરુષો હણાઈ ગયા. તેમાં કેટલાય દેશોમાં હજારો ગામો યુવાનો વિનાના થઈ ગયાં. કેટલાય યુવાનોને હિંસાથી નફરત હતી. સામી વ્યક્તિને મારતા જીવ નહોતો ચાલતો પણ કોઈ જ પસંદગી નહોતી. પાકિસ્તાન અને ભારતની સીમા પર રક્ષણ કરતા જવાનોને કોઈ ચોઈસ નથી હોતી. જો તેમને ચોઈસ હોય તો મરવા કે મારવા ત્યાં જાય નહીં. આપણી જેમ સુરક્ષિત જિંદગી જીવવી તેમને ગમે જ. પણ સત્તા અને સમાજની માગ કેટલાય પુરુષોને માતાપિતાની સેવા કરવાથી, બાળકોને રમાડવાનો આનંદ લેવાથી કે પત્ની સાથે પ્રેમની પળો વિતાવવાથી વંચિત રાખે છે.

પુરુષ હોવું એટલે જ ડિસ્પોઝેબલ હોવું, કામચલાઉ માનસિકતાથી જોવું એ કેટલી ક્રૂર પ્રક્રિયા છે તેના આંકડાઓ વારંવાર અપાતા નથી કે ન તો તેની ચર્ચાઓ થાય છે. કારણ કે માનસિકતા જ દરેકની જાતિ ભેદભાવના ડીએનએથી ભરેલી છે. સ્ત્રી અને પુરુષ બન્નેને હિન્દુ- મુસલમાનની જેમ સતત લડતા રાખવાની માનસિકતા આપણે જ ઊભી કરી છે. ટાઈટેનિક ડૂબી ત્યારેય પુરુષોને મરવા માટે મૂકી દેવાયા અને સૌથી વધુ સ્ત્રીઓ અને બાળકોને બચાવાયા. જ્યારે કોઈપણ આપત્તિ આવે ત્યારે પુરુષનું પુરુષાતન તો જ ગણાય જો તે આગળ આવી દરેક માર સહી લે. ૧૯૯૩માં વોરેન ફેરેલે, મિથ ઓફ મેલ પાવર : વ્હાય મેન આર ધ ડિસ્પોઝેબલ સેક્સ પુસ્તક લખ્યું ત્યારે ખાસ્સો ઊહાપોહ થયો હતો. કેટલાકે તે પુસ્તકને વખાણ્યું તો કેટલાકે વખોડ્યું પણ ખરું. વોરેન લખે છે કે, પહેલાં બન્ને જાતિ પાસે પાવર કે સત્તા નહોતી ફક્ત રોલ હતા. સ્ત્રી બાળકો મોટાં કરતી અને પુરુષ શિકાર લઈ આવી તેમનું પાલનપોષણ કરતો. આજે પુરુષ નબળો કે ઈમોશનલ બને તો તે તેના પુરુષાતન પર સવાલ થાય. પુરુષ એટલે સ્ટ્રોન્ગ, રડે નહીં, જેને મૃત્યુનોય ડર ન લાગે. જ્યારે સ્ત્રી એટલે બિચારી, નબળી, લાગણીશીલ હોય. આમ બે વિરુદ્ધ મત ઊભા કરીને કદીય ન ખતમ થાય એવો સંઘર્ષ બે જાતિ વચ્ચે મૂકી દીધો છે.

વોરેન ફેરેલ ડિસ્પોઝેબલ સેક્સને સમજાવતાં લખે છે તે વિચારવા યોગ્ય ખરું , પહેલાં સ્ત્રીઓનું બાળકોને જન્મ આપતા મૃત્યુનું પ્રમાણ વધુ હતું. એ જ રીતે સૈન્યમાં લડતા પુરુષોના મૃત્યુનું પ્રમાણ હતું. સ્ત્રીઓ બાયોલોજિકલ- કુદરતી તકલીફોથી મૃત્યુ પામતી જ્યારે પુરુષોને મરવા માટેની માનસિકતા સાથે જ તૈયાર કરાતા તે સમાજ દ્વારા. આજે પણ ત્રાસવાદી સંગઠન હોય કે દેશનું સૈન્ય હોય તેમાં બીજા પુરુષોને મારતા પુરુષોને જાતે મરવા માટે તૈયાર કરવામાં આવે છે. બીજો એક મુદ્દો મહત્ત્વનો એ છે કે પુરુષ જો કમાય તો જ ઉપયોગી હોય છે. માતાપિતા માટે , બીજા પુરુષોની નજરે આદરને પાત્ર અને સ્ત્રીની દૃષ્ટિએ પરણવા યોગ્ય. આજે પણ સમાજમાં આ પરિસ્થિતિ છે જ. જો પુરુષ કમાતો ન હોય તો તે નકામો ગણાય. જો ઈક્વાલિટીની વાત થતી હોય તો લગ્ન માટે એવી જાહેરાત ક્યારેય જોવા મળતી નથી કે સારું કમાતી સ્ત્રીને ઘરરખ્ખુ પતિની જરૂર છે. ઘરકામ માટે રસોઈયા અને કામવાળા પુરુષો હોઈ શકે. પણ પતિ તો કમાતો જ હોવો જોઈએ અને ઘરકામ કરતો ન હોવો જોઈએ. જોકે આ માનસિકતા રચવામાં પુરુષોનો વાંક નથી ? ફેમિનિસ્ટ સંગઠનો હકીકતમાં તો માનવીય અધિકારમાં જ માનતા હોય છે. તેઓ જુલમ સહેવામાં નથી માનતા તો જુલમ કરવામાંય નથી માનતા, નારીની જેમ જ પુરુષોનાય સંગઠનો હવે તો છે. તેઓ પણ માનવ અધિકારની જ વાત કરે છે. પરંતુ, જાતિવાદી આ સંગઠનો છેવટે તો માનસિકતાથી દોરવાઈને જ કામ કરવા લાગે છે.

આજે નાની નાની બાબતે છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે પણ જો બાળકોની કસ્ટડી આપવાની હોય તો મોટેભાગે માને જ અપાય છે. કેમ પુરુષોને પોતાના બાળકને માટે લાગણી ન હોય? જરૂરી નથી કે પિતાને બાળક ઉછેરતા ન આવડતું હોય. પુરુષને પણ બાળકની પચાસ ટકા કસ્ટડી આપવી જોઈએ. સિવાય કે પિતાને કોઈ જવાબદારી ન લેવી હોય કે તે વિકૃત ગુનેગાર હોય. પણ ક્યારેક તો તે બાળકનો ઉપયોગ કરીને પીડા આપવાના પ્રયત્નો પણ થતા હોય છે. પિતૃસત્તાક માનસિકતા સ્ત્રીને જેટલી નડે છે તેટલી જ પુરુષનેય તકલીફ આપે છે.

છૂટાછેડાના કિસ્સામાં હંમેશા સ્ત્રી તરફ સહાનૂભુતિ વધુ હોય છે. પણ જરૂરી નથી કે સ્ત્રીનો કોઈ વાંક જ ન હોય અને દરેક વખતે પુરુષોનો જ વાંક હોય. કાયદામાં વ્યભિચારના ગુનામાં આજે પણ પુરુષને જ દોષી ગણવામાં આવે છે. પત્નીને પરપુરુષ સાથે સંબંધ હોય તો પતિ એ પુરુષને એડલ્ટરી માટે જેલ મોકલી શકે છે. એડલ્ટરીમાં ભાગીદાર સ્ત્રીને કોઈ સજા નહીં, કારણ કે સ્ત્રી એ પતિની પ્રોપર્ટી હોવાનું માનીને આવા કાયદા ઘડાયા છે.

પુરુષોના આપઘાતની સંખ્યા પણ સ્ત્રીઓ કરતાં વધુ હોય છે, કારણ કે સમાજ ફેઈલ્યોર પુરુષને સ્વીકારતો નથી. સ્ત્રી કામ ન કરે કે ઓછા પગારની નોકરી કરતી હોય તો વાંધો નહીં પણ પુરુષ જો કામ ન કરવા માગે કે તેની ઓછા પગારની નોકરી હોય તો સમાજ કે કુટુંબીઓ કોઈ તે પરિસ્થિતિ સ્વીકારતું નથી. સ્ત્રીને નબળી જાતિ બનાવીને, માનીને , સ્થાપિત કરીને પુરુષો પોતાનેય ડિસ્પોઝેબલ બનાવી રહ્યા છે. જાતીય ભેદભાવ ન હોય એ પરિસ્થિતિ પુરુષ અને સ્ત્રી માટે આદર્શ સ્થિતિ છે. એનો અર્થ એ નથી જ કે બન્નેની ભૂમિકા બદલાઈ જશે. બાયોલોજિકલ ફરક તો રહેવાનો જ પરંતુ, સમાનતા અને સન્માન માનવતાનું વાતાવરણ સર્જી શકે છે. કુટુંબ, સમાજ, દેશ, દુનિયામાં શાંતિ સ્થાપી શકે છે. પણ આ તો એક સરસ કલ્પના જ છે જે ભવિષ્યમાં થોડાઘણા અંશે પણ સાકાર સ્વરૂપે જોવા મળેય ખરી.

You Might Also Like

0 comments