ચાલો, ખુલ્લું આકાશ ને મોકળું મેદાન માણીએ 4-2-16

06:57




મંદિરમાં પ્રવેશનો આટલો હંગામો જોયા બાદ વિચાર આવ્યો કે કેટલી સ્ત્રીઓ પુરુષની જેમ સહજતાથી બગીચામાં એકલી બેસે કે લાંબી થઈ સૂઈ શકે ? કેટલી સ્ત્રીઓ દરિયા કિનારે લાંબી તાણીને સૂતા સૂતા આકાશ તરફ જોવાની હિંમત કરી શકે ? રસ્તા પર રહેતી સ્ત્રીઓની વાત નથી, પણ મારે ખુલ્લા મેદાનમાં સૂતાં આકાશ તરફ જોઈને ગાવું હોય કે ઝાડોકી નર્મ ધૂપ હો ઓર આંગનમેં લેટ કર.... પણ એવું શક્ય નથી. આ રીતે બીચ પર, મેદાનમાં કે નરિમાન પોઈન્ટની પાળી પર લાંબા થવાની કોઈ સ્ત્રીને મનાઈ નથી જ. તે છતાં આવું કશું જ કરવાની કોઈ છોકરી વિચારી પણ ન શકે. 

મુંબઈ જવાદો દિલ્હીમાં આવું કોઈ કરી શકે તે માનવું પણ અઘરું છે. પુરુષો જે કરી શકે તે સમાન અધિકાર હોવા છતાં સાદી લાંબા થવાની વાત એકલી સ્ત્રી વિચારી નથી શકતી. પણ મારી જેમ વિચારનાર સ્ત્રીઓ મારા કરતાં પહેલાં જ ભારતના કેટલાંક શહેરોની સ્ત્રીઓ બગીચામાં જઈને સૂવાનો આનંદ માણી આવી છે. બ્લેન્ક નોઈઝ નામની કોમ્યુનિટી છે જે જાતીય સમાનતાની વિચારધારામાં માને છે. તેમણે ગયા મહિને દિલ્હી, બેંગ્લોર, મુંબઈ જેવાં શહેરોમાં બગીચામાં સૂવાનો આનંદ માણ્યો. આ કેટલી મોટી વાત છે તે સમજવા માટે ફક્ત સ્ત્રી હોવું જરૂરી છે. સ્ત્રીઓ એમને એમ રસ્તા પરથી પસાર થતી હોય તો પણ પુરુષો જે રીતે તાકી રહે તો જો કોઈ સ્ત્રી મેદાનમાં, બગીચામાં કે દરિયા કિનારે સૂતી હોય તો લોકો તેને તાકી જ રહેવાનાને? સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ મળે કે નહીં તે કરતાં પણ સમાજમાં સહજતાથી ફરવાનો, જીવવાનો આનંદ માણવાની તક મેળવી શકે તો ય ઘણું. જો કે આ માનસિકતા અમારી સ્ત્રીઓની જ છે. દિલ્હીમાં બગીચામાં સૂઈને આવેલ પરોમિતાએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે દિલ્હીમાં જ્યાં સ્ત્રીઓ રસ્તા પર એકલા ચાલવાની હિંમત ન કરી શકે ત્યાં બગીચામાં સૂવાની વાતથી થ્રિલ અનુભવતી તે પહોંચી ગઈ ડિઅર પાર્કમાં. ત્યાં જઈને જોયું તો તેના પહેલાં જ બે ચાર સ્ત્રીઓ ચાદર પાથરીને સૂતી હતી. તેણે પોતે પણ ચાદર પાથરી લંબાવ્યું. થોડો વખત તો તેને વિચિત્ર લાગ્યું જે રીતે આજુબાજુથી પુરુષો ઘુરી રહ્યા હતા. પણ થોડો સમય બાદ બીજી સ્ત્રી સાથે વાત કરતાં અને વાંચતા વાંચતા ભૂલી જ ગઈ કે તે ક્યાં છે. 

આંખ ઊંચી કરીને તેણે વૃક્ષોની ચાળમાંથી દેખાતું અદભુત આકાશ માણ્યું. ને પછી પડખું ફરી ઘાસને જોતાં સૂઈ ગઈ. જાહેર રસ્તા, બગીચામાં એકલા મહાલવાનો આનંદ લેવાનો અધિકાર આમ તો સ્ત્રી પુરુષ બન્નેનો છે, પરંતુ સ્ત્રીઓએ અધિકાર ભોગવ્યો નથી તે પોતાના શરમ, સંકોચને કારણે. આ અધિકાર પાછો મેળવવાનો બ્લેન્ક નોઈઝનો પ્રયાસ સરાહનીય છે. જો આપણે સહજતાથી સમાનતાનો સ્વીકાર કરીને વર્તીશું તો સમાનતાના અધિકાર માટે લડવાની જરૂરત નહીં રહે. પહેલાં સ્ત્રીઓ જાહેરમાં ખુલ્લા માથે ફરતી નહોતી. જોરથી ખડખડાટ હસી શકતી નહોતી. આજે એ બધી બાધાઓ સ્ત્રીઓએ પાર કરી લીધી છે, પરંતુ કલ્પના કરો એ દિવસોની જ્યારે સ્ત્રી ક્યારેય રસ્તા પર એકલી ચાલીને જતી નહીં. માથે ઓઢ્યા સિવાય તો બહાર નીકળતી જ નહીં. અને મોટેથી બોલવાની વાતતો દૂર ખડખડાટ હસતી પણ નહીં. પેન્ટ નહોતી પહેરતી. આજે ટૂંકા સ્કર્ટ કે ટૂંકી ચડ્ડી પહેરીને મુંબઈ જેવાં શહેરોમાં બિન્દાસ ફરી શકે છે. આ બ્લેન્ક નોઈઝે બેંગલુરુમાં રાતના બારથી ચાર રસ્તા પર રખડવાનો કાર્યક્રમ પણ બનાવ્યો હતો. અને કેટલીક સ્ત્રીઓએ માણ્યો પણ હતો. સ્ત્રી પોતાની જાતિ ભૂલીને બિન્દાસ એક વ્યક્તિ તરીકે કોઈ ગુનાહિત ભાવ કે ડર સિવાય ખુલ્લું આકાશ અને મોકળું મેદાન માણી શકે ત્યારે જ ખરી સમાનતા આવશે.

You Might Also Like

0 comments