સુપર હીરો કલ્પનાના અને વાસ્તવિક જગતના

04:44અમારી બાજુમાં રહેતો સાત વરસનો છોકરો ક્યારેક પેન્ટ પર પાછળ પૂંછડીની જેમ દોરી લગાવી , હાથમાં લાકડી લઈને કમ્પાઉન્ડમાં દોડા દોડી કરતાં બૂમો મારતો હતો જય બજરંગબલી.... તો ક્યારેક પેન્ટ પર અન્ડરવેઅર પહેરી, મોઢા પર દાદાની બુઢિયા કેપ પહેરે અને હાથમાં મોજા પહેરી, ગળામાં ટુવાલ બાંધી સુપર મેન કરતો દોડા દોડી કરતો હોય. તો વળી ક્યારેક હાથ મોજાં અને ગોગલ્સ પહેરી બેટમેન બને. તો ક્યારેક ભીમ... તેની રચનાત્મક વેશભૂષા જોઈને અચરજ થાય, માન થાય અને દેખાય કે સુપરહીરોની અસર તત્કાલ છોકરાઓ પર પડે છે. છોકરીઓ ક્યારેય બાળપણમાં પણ સુપરહીરોથી અંજાતી નથી કે ન તો તેની કોપી કરવાના પ્રયત્નો કરે છે. 

સુપરહીરો એટલે કે જે શક્તિશાળી હોય. તે ગમે ત્યાં પલકવારમાં જઈ શકે. ઈવિલ ફોર્સ એટલે કે નકારાત્મક શક્તિઓ સામે લડે. લોકોને મદદરૂપ બને. ટૂંકમાં સંવેદનશીલ હોય, શક્તિશાળી હોય અને બીજાથી જુદો હોય. તેનામાં જે ચમત્કારિક શક્તિ હોય તે બહારથી ઓઢેલી હોય, એટલે જ તેમના ડ્રેસકોડ પણ બીજાથી અલગ યુનિક હોય. બધું જ કાલ્પનિક હોય પણ સુપરહીરોઝ પાસે દુ:ખ માનવીય હોય. એકલતાનું કે લોકો તેના ઈરાદાને સમજી ન શકે અને પોતાની વ્યક્તિઓને ખોવાનું પણ. સાથે જ સતત સતર્ક રહેવાનું કારણ કે કોઈને કોઈ તેને ખતમ કરવા કે તેની શક્તિઓને ખતમ કરવા તેની પાછળ પડ્યું હોય. સુપરહીરોના જીવનમાં પણ સંઘર્ષ તો હોય જ. ક્યારેય એવું નથી બનતું કે સુપરહીરો એટલે કોઈ તકલીફ જ નહીં. બસ સદા આનંદ અને મોજ હોય. હકીકતે તો દરેક વ્યક્તિ આવી જ એક સ્થિતિની કલ્પના કરતી હોય છે. તે છતાં એ સમજ આપણા સુધી પહોંચતી નથી કે જો સંઘર્ષ જ નહોય, દુ:ખ કે પીડા જ ન હોય તો સુપર હીરોની જરૂર જ ન રહે. નકારાત્મક, ખરાબ શક્તિઓ, સંજોગો સામે લડવા માટે હકારાત્મક, સારી શક્તિ એટલે ઉત્તમ વ્યક્તિ જેને આજની પેઢી સુપર હીરોના નામે ઓળખે છે તેની જરૂર પડે છે. કૈકયી, મંથરા અને રાવણ ન હોત તો રામની કથા કઈ રીતે કહેવાત ?

સુપરહીરોની જરૂર કેમ પડી ? એ સવાલ જરૂર થાય. સુપરહીરોઝ પશ્ર્ચિમી દેશનો કોન્સેપ્ટ છે એવું ન કહી શકાય. આપણે ત્યાં પુરાણો અને કથાઓમાં અનેક સુપરહીરો છે. ધર્મ સાથે સુપરહીરો જોડાયેલા છે. તેને આપણે પૂજીએ છીએ. કૃષ્ણ, રામ. હનુમાન, ગણપતિ, અર્જુન, ભીમ વગેરે અનેક નામો ગણાવી શકાય. જેમની પાસે ચમત્કારિક શક્તિ હતી. તેઓ સારા હતા અને ખરાબની સામે લડ્યા હતા. તે છતાં તેમણે અન્યાય સહેવા પડ્યા. દુ:ખો વેઠવા પડ્યા. છે. આપણા સુપરહીરોઝ જીવન વિશે જે અનેક પ્રશ્ર્નો આપણને થાય છે તેને સમજાવે છે. કૃષ્ણએ ગીતા કહી. અન્યાય સામે અને જરૂર પડે પોતાની વ્યક્તિઓમાં રહેલી નકારાત્મક શક્તિઓનો સામનો કરવાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પુરુષોત્તમ રામે ઉત્તમ વ્યક્તિ, પુરુષ બનવાના રસ્તા દાખવ્યા. હનુમાન સંપૂર્ણ સમર્પણ શીખવે છે તો ગણેશજી બુદ્ધિનો સદ્ઉપયોગ કરવાનો રસ્તો ચીંધે છે.

આપણે વિકાસ કરતા ગયા. ટેકનોલોજીનો યુગ આવતા બુદ્ધિવાદી અભિગમ કેળવાયો. એને કારણે ધર્મને નકારવાનો યુગ આવ્યો. ધર્મને નકારો એટલે તેની સાથે સંકળાયેલાં પાત્રોને પણ નકારવા પડે. તે છતાં જીવન તો છે જ. જીવનના પ્રશ્ર્નો પણ રહે જ છે. એ પ્રશ્ર્નોને ઉકેલવાના ઉપાયો નથી મળતા. દુ:ખ, પીડા, અન્યાય, ખરાબ સંજોગો કે વ્યક્તિ સાથે કઈ રીતે પનારો પાડવો તે સમજાય નહીં. એટલે જ પશ્ર્ચિમમાં અનેક સુપરમેનનાં પાત્રો લોકોની ખૂબ નજીક આવ્યાં. સુપરમેન, બેટમેન, આર્યન મેન અને એવેન્જર્સની સિરિઝ બની. લોકો એ ફેન્ટસીમાં જીવવા લાગ્યા. જીવનની તકલીફોમાંથી, સંઘર્ષોમાંથી પૂરા ફોર્સ - જોશ સાથે માર્ગ કાઢવાની વાત સુપરહીરોઝની સ્ટોરીમાંથી મળે છે. દુ:ખરૂપ, પીડાદાયક સંજોગો જેમાં કોઈ રસ્તો દેખાય જ નહીં તે અંધકારની સામે પૂરી તાકાતથી ઝઝૂમવાની પ્રેરણા આ સુપરહીરોઝ આપે છે. બાળપણમાં કલ્પના કરીને ફેન્ટસી સ્વરૂપે તે પોષાય છે. આમ તો દરેક વ્યક્તિની ઈચ્છા હીરો બનવાની હોય છે, પરંતુ જીવનના પડકારો વિલન જેવા પુરવાર થાય છે. તેની સામે ઝઝૂમવું સહેલું નથી હોતું. ક્યારેક બહારી સંજોગોના પડકાર હોય છે તો ક્યારેક પોતાને મળેલી મર્યાદાના પડકારોનો તેમાં ઉમેરો થતો હોય છે. જેમકે બે હાથ અને પગ વિનાનો નિકોલસ જેમ્સ લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. હાથ, પગ વિના પણ સામાન્ય જીવન જીવે છે. તરે છે, બરફ પર સ્કીઈંગ કરે, દરિયા પર સર્ફ કરે, પેટાળમાં સ્કૂબા ડાઈવિંગ કરે. પોતાની રોજિંદી ક્રિયાઓ અને જીવનના દરેક કામ જાતે કરે. પોતાને મળેલી ખામીઓને રડ્યા વિના તેને પાર કરી લોકોને પ્રેરણાત્મક બની રહ્યો છે. સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી એક બાળકનો પિતા પણ છે. 

જ્યારે સુપરહીરોઝે બહારથી પાવરનો અંચળો ઓઢેલો હોય છે. વિદેશી સુપરહીરોઝ પોતાની ઓળખ છુપાવવા માટે અને સામાન્ય વ્યક્તિથી જુદા દેખાવા માટે અંચળા જેવા પોષાકો પહેરે છે. જો તે અંચળો-પોષાક ન હોય તો તેમની પાસે કોઈ શક્તિ હોતી નથી. અને તેઓ કોઈને તો શું પોતાને ય મદદરૂપ થઈ શકતા નથી. બાહ્ય અંચળાને કારણે કોઈ તેમને ઓળખી શકતું નથી. તેમની એ શક્તિઓની ઓળખ કેટલીક અંગત વ્યક્તિઓને જ હોય છે. સુપરમેનની વાત જોઈએ તો શરૂઆતમાં સુપરમેન પોતાના ફાયદા માટે જ શક્તિનો ઉપયોગ કરે છે. પણ પછી પોતાનાં પ્રિય અંકલનું અપમૃત્યુ જોઈ તેને આઘાત લાગ્યો અને તે સમાજસેવા તરફ વળ્યો. બેટમેન પણ પોતાનાં માતાપિતાનું ખૂન જોઈને ગુનાઓને ખતમ કરવાની જંગ છેડે છે. સાયન્સ ફિકશન હલ્કની વાત પણ કરવી પડે. સાયન્સની શોધથી મહાકાય શરીર બને માણસ વધુ શક્તિશાળી બને એટલે બીજા માનવોને તેનો ભય લાગે અને તેને અપનાવે નહીં. વળી પીડા એ હલ્કને ખૂંખાર થવા મજબૂર કરે જે માનવી સ્વરૂપે નથી હોતો. માનવ સતત ભયભીત થઈને જીવે છે. તેને ભય લાગે છે તેથી જ તેણે શસ્ત્રો બનાવ્યાં. 

વાસ્તવિક જીવનમાં આપણે તેને જ હીરો કહીએ છીએ જેઓ સમાજસેવા કરે છે. ખરાબતત્ત્વો સામે લડે છે. ગુનેગારોને પકડે છે. સામાન્ય પુરુષ એક સાથે દશ જણા સાથે લડી શકતો નથી. હવામાં લોકોને એક જ હાથે ઉછાળી શકતો નથી. એટલે જ જ્યારે ફાઈટિંગનાં દૃશ્યો આવતા ફિલ્મોમાં ત્યારે સીટીઓ અને તાળીઓ પણ થિયેટરોમાં સાંભળવા મળે છે. ટપોરી પણ હીરો હોય છે ફિલ્મમાં, તેને સુંદર, શિક્ષિત હીરોઈન મળી જાય છે. જ્યારે હકીકતમાં એવું નથી બનતું. આમ આપણી હિન્દી ફિલ્મોનો હીરો સુપરહીરો જેવી જ તાકાત ધરાવતો હોય છે એટલે ક્રિશ કે દ્રોણ કે પછી રાવન જેવા સુપરહીરો ન ચાલ્યા. કારણ કે ગીત, ડાન્સ, રોમાન્સ અને વિલન સામે એકલે હાથે ફાઈટિંગના મસાલા સિવાય ફિલ્મ ચાલે નહીં. વળી તેની સિકવન્સ પણ ન બની શકી કારણ કે સુપરહીરો દર વખતે નવી હીરોઈન સાથે રોમાન્સ કરે તે આપણા સંકુચિત, સંસ્કારી માનસ માટે સ્વીકારવું અઘરું છે.બીજું કે જીવનના દરેક પડકારો સામે,સંજોગો સામે લડવું અઘરું છે. માણસની મર્યાદા હોય છે. વળી આજે રાજકારણ, આતંકવાદ, રોજબરોજની તાણ પણ આપણને પડકારરૂપ લાગે છે. ત્યારે ફેન્ટસીરૂપ આવા સુપરહીરોઝનાં પાત્રો પુરુષોને પ્રેરણાદાયી બને છે. જો કે સ્ત્રીઓને આવા સુપરહીરોઝની ફિલ્મોમાં રસ પડતો નથી. કારણ કે વાસ્તવમાં તેને સામાન્ય પુરુષ સાથે જ જિંદગી વિતાવવાની હોય છે. યુદ્ધમાં કે આપણી સીમાની સુરક્ષા કરતાં કે આતંકવાદની સામે લડતાં મૃત્યુ પામતા સૈનિકો સુપરહીરો લાગે છે. કારણ કે લાખો લોકોમાં કેટલીક વ્યક્તિઓ જ સૈન્યમાં જોડાતી હોય છે. કારણ કે તેમાં એશો-આરામ નથી પણ સતત પડકારો ઝીલવાના હોય છે. જો કે કેટલાક પુરુષો માટે હિટલર પણ હીરો હતો અને આતંકવાદી ઓસામા કે બગદાદીને પણ હીરોઝ માને છે નહીં તો આટલા બધા પુરુષો તેમને પોતાના નેતા કઈ રીતે માની શકે છે ? દરેક વ્યક્તિ સુપરહીરો બની જ શકે છે પોતાની સામે આવી પડેલી ઝંઝાવાતી પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢીને. કે પછી એશોઆરામનું સહેલું જીવન ત્યજીને નવો માર્ગ બનાવવાનો પરિશ્રમ કરીને.

You Might Also Like

0 comments