બદનામ ગલીઓમાંથી સ્ત્રીઓને મુક્ત કરતી સ્વયંસિદ્ધા (mumbai samachar 4-2-16)

21:08
કમાટીપુરાની ગલીઓ પાર કરતી પોલીસની સાથે એક ગુજરાતી મહિલા પણ ડર્યા વિના મક્કમ પગલે આગળ વધે છે. એક નાનકડી ગલીના અંધારિયા મકાનની મેડીના અંધારિયા ગોખલાઓમાં ચાર બાળકીઓ દબાઈને ડરીને બેઠી હતી. તેમને ધાઢસ બંધાવીને બહાર કાઢી. બારથી સોળ વરસની આ ગરીબ છોકરીઓને ઉત્તર પ્રદેશ અને નેપાળના ગામડાઓમાંથી કામ અપાવવાને બહાને ફોસલાવીને લાવવામાં આવી હતી. તેમાંથી બે ને તેના માતાપિતા પાસે મોકલી દેવામાં આવી. બે છોકરીઓ જેમના માતાપિતા નહોતા તેમને એ મહિલા પોતાની સંસ્થા રેસ્ક્યુ ફાઉન્ડેશનમાં લઈ ગઈ. 

એ મહિલા એટલે ત્રિવેણી આચાર્ય. ત્રિવેણી એક જમાનામાં મુંબઈ સમાચારના પત્રકાર તરીકે કામ કરતી હતી. તેમના પતિ બાલકૃષ્ણ સાથે તેણે રેસ્ક્યુ ફાઉન્ડેશન નામેા સામાજિક સંસ્થા જબરદસ્તીથી વેશ્યા વ્યવસાયમાં ધકેલી દેવામાં આવતી નારીઓને છોડાવવા અને તેમને રિહેબિલિએટ કરવા માટે શરૂ કરી હતી. તેમાં ત્રિવેણી સહસંસ્થાપક હતી પણ ૨૦૦૫માં અકસ્માતમાં પતિ બાલકૃષ્ણનું અવસાન થતાં રેસ્કયુ ફાઉન્ડેશનની પૂરી જવાબદારી ત્રિવેણીએ ઉપાડી લીધી. અત્યાર સુધીમાં ૭૦૦૦થી વધુ છોકરીઓને વેશ્યા વ્યવસાયમાં ધકેલી દેવામાંથી બચાવીને તેમના ઘરે પહોંચાડવામાં આવી છે. તો ૧૫૦૦૦થી વધુ છોકરીઓને પગભર કરીને સામાન્ય જીવન પ્રવાહમાં પાછી લાવવામાં આવી છે. 

મૂળ કચ્છના વાગડ ગામના ત્રિવેણીને આ કાર્ય માટે દેશ વિદેશના અનેક માનઅકરામ પ્રાપ્ત થયા છે. આ વરસે જાન્યુઆરીની બાવીસમી તારીખે ત્રિવેણી આચાર્યને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાડી અને પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગે સો મહિલાઓ જેમણે સમાજોપયોગી કામ કયુર્ં હોય તેમની ભારતભરમાંથી પસંદગી કરી સન્માન

કરવામાં આવ્યું હતું. તેમાં ચાર ગુજરાતી મહિલા પણ છે ભારતભરમાંથી અલગ અલગ ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપનાર સ્ત્રીઓના નામ રાજ્ય સરકાર પાસેથી મગાવવામાં આવ્યા હતા. લગભગ ૪૦૦૦ સ્ત્રીના નામ આવ્યા. તેમાંથી ૨૦૦ને પસંદ કરવામાં આવી અને ફેસબુક પર ઓનલાઈન વોટિંગથી સો મહિલાઓને પસંદ કરવાની હતી. જે પાંચ મહિલાઓને સૌથી વધુ મત મળ્યા તેમાં ત્રિવેણી આચાર્યનું નામ પાંચમું હતું. તેને અન્ય ચાર સ્ત્રી જેમને સૌથી વધારે મત મળ્યા તેમની સાથે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે એક જ ટેબલ પર બેસીને ભોજન લેવાનું સન્માન મળ્યું. 

રેસ્કયુ ફાઉન્ડેશના પ્રમુખ તરીકે ફરજ બજાવવા માત્રથી ત્રિવેણીનું કામ પૂરું નથી થતું. બદનામ ગલીઓમાંથી મુક્ત કરાયેલી છોકરીઓ જેમને ઘરવાળા સ્વીકારે નહીં તેમને ભણાવવાની અને પગભર થવા માટે જરૂરી તાલીમ આપવાની. તેમને પગભર થવા માટે યોગ્ય વાતાવારણ પુરું પાડવું સાથે તેમને યોગ્ય જીવનસાથી સાથે પરણાવીને સંસાર માંડી આપવો. એક માતા કે બહેન તરીકે તેમની સંવેદનાઓને સમજીને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની જવાબદારી ત્રિવેણી ઉપાડે છે. બદનામગલીઓમાં અનેક ગુંડાતત્ત્વો સંકળાયેલા હોવાથી ત્રિવેણીને અવારનવાર ધમકીઓ પણ મળે છે. ત્રિવેણી કહે છે કે ‘એ પહેલાંથી જ જાણતી હતી કે અહીં રસ્તો સરળ નથી, પરંતુ જે રીતે કૂટણખાનાઓમાં નિર્દોષ છોકરીઓ પર ત્રાસ ગુજારવામાં આવે છે, તેમનું જીવન દોજખ બની જાય છે. તેમાંથી એમને ઉગારી શક્યાનો જે આનંદ હોય છે તેની સામે મળતી ધમકીઓ મને નડતી નથી. વળી પોલીસ સપોર્ટ પણ મળી રહે છે એટલે ડર નથી લાગતો. બાકી તો એક દિવસ સૌએ મરવાનું જ છે. પચ્ચીસ વરસ પહેલાં આ કામ શરૂ કર્યું હતું ત્યારે જ તેમાં રહેલા જોખમનો ખ્યાલ આવી ગયો હતો. આ કામ કરવાથી જ મને આ સન્માન મળ્યું છે. સન્માન મેળવવા માટે આ કામ નહોતું શરૂ કર્યું પરંતુ કામની નોંધ લેવાય તો કામ કરવાનો આનંદ બેવડાય છે. આ રીતે નોંધ લેવાતા આવા કામમાં આવતી સમસ્યાઓની પણ નોંધ લેવાય છે અને અનેક રસ્તાઓ ખુલે છે. ફક્ત ભારતમાંથી જ નહીં પણ આસપાસના દેશોમાંથી પણ યુવતીઓને ફોસલાવી બહેલાવીને કૂટણખાનામાં વેચી નાખવામાં આવે છે. આવી અનેક સ્ત્રીઓ ક્યારેય એ દોજખમાંથી બહાર આવી શકતી નથી તેનું દુખ છે. બાકી જેની પણ બાતમી મળે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવામાં ઢીલ નથી થતી. મુંબઈ ઉપરાંત પૂના અને દિલ્હીમાં પણ રેસ્ક્યુ ફાઉન્ડેશનની શાખાઓ છે. એ સિવાય પણ બીજી સંસ્થાઓને અમે આ બાબતે જરૂર પડે મદદરૂપ થઈએ છીએ. ’

આ રીતે બચાવેલી છોકરીઓમાંથી ૧૨૫ છોકરીના લગ્ન રેસ્કયુ ફાઉન્ડેશને ધામધૂમથી કરી આપ્યા છે. બાવીસ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પાસેથી સન્માન લઈને તરત જ ત્રિવેણીએ પરત ફરવું પડ્યું કારણ કે ૨૪ જાન્યુઆરીના રોજ પાંચ છોકરીના લગ્ન કરવાના હતા. 

અત્યાર સુધીમાં ત્રિવેણીને મળેલા અનેક એવૉર્ડમાંથી કેટલાક ખાસ એવૉર્ડમાં ૨૦૧૦માં એશિયા ડેમોક્રેસી અને હ્યુમન રાઈટ્સ એવોર્ડ (તાઈવાન ફાઉન્ડેશન ફોર ડેમોક્રેસી તરફથી એક લાખ ડોલરનું અનુદાન પણ મળ્યું હતું. ), ૨૦૧૧માં સિવિલ કરેજ પ્રાઈઝ, ૨૦૧૩માં વર્લ્ડ ઓફ ચિલ્ડ્રન હ્યુમેનિટેરિયન એવૉર્ડ, ૨૦૧૫માં રાષ્ટ્રિય સ્વયંસિદ્ધા એવૉર્ડનો સમાવેશ થાય છે.

You Might Also Like

6 comments

  1. Thanks for such a post. Wish Triveni Acharya would have more empowerment by Government along with the award.

    ReplyDelete
  2. હું એમ માનું છું કે, સંભવામિ યુગે યુગેનો આધુનિક જમાનામાં એવો અર્થ કાઢવાનો કે કોઈ વ્યક્તિ વિશેષ નહિ પણ જનતા જનાર્દનનો સમૂહ એક યુનિટ રૂપે અવતાર લેતો રહેશે.

    ReplyDelete
  3. Keep It The Warriors Of Rescue Foundation The All Almighty Divine Power Is Behind You!

    ReplyDelete