જાની દુશ્મન સાસુ-વહુના સંબંધો (mumbai samachar)

03:37



સાસુ-વહુના સંબંધો એટલે મા-દીકરી જેવા હોય તે હાલ થોડો સમયથી જ જોવા મળે છે. બાકી તો સાસુ-વહુની વાત આવતાં જ એકબીજાના જાની દુશ્મનની જેમ વર્તતી સ્ત્રીઓની જ કલ્પના આવે. સારું સાસરું મળે તે માટે જ વ્રત છોકરીઓ કરે છે તેમાં દરેકની પ્રાર્થના હોય કે સાસુ સારી મળજો. અત્યાર સુધી અનેકવાર સવારમાં અખબાર વાંચતા એવા સમાચાર વાંચવા મળતાં કે સ્ટવ ફાટતાં દાઝી જવાથી વહુનું મોત. મોટાભાગે તો વહુને બાળી નાખવામાં સાસરિયાઓનો તેમાં ય સાસુજીનો મોટો હાથ હોય. દહેજ માટે જ મોટાભાગે આવા અકસ્માતો સર્જવામાં આવતા. એક વહુ મરે તો દીકરાને બીજીવાર પરણાવીને વધુ દહેજ લાવી શકાય તેવું વિચારાતું હશે. ખેર, ત્રણ દિવસ પહેલાં જ અખબારમાં વાંચવા મળ્યું કે કાંદિવલી ચારકોપના એક મકાનમાં સાસુ-વહુનો ઝઘડો થતાં ડમ્બ બેલથી વહુએ સાસુને મારી નાખી. 

જાન્યુઆરી મહિનામાં ફેસબુક પર એક વીડિયો ફરતો હતો. ઉત્તર પ્રદેશમાં એક વહુ પોતાની ખાટલાવશ સાસુને ઢોર માર મારતી હતી. જો કે આ તો થોડાં અપવાદરૂપ કિસ્સાઓમાં જ વહુ-સાસુને મારતી હોય એવું બને છે. જ્યારે સામે પક્ષે એવા કેટલાય કિસ્સાઓ બનતાં હોય છે જેમાં સાસુ-વહુને શારીરિક-માનસિક ત્રાસ આપતી હોય. પેલું લોકગીત અહીં સાંભરે છે .

દાદા હો દીકરી ...વાગડમાં ના દેશો રે સંઈ ...વાગડની વઢિયાળી સાસુ ....

આવું ફક્ત ભારતમાં જ બને છે એવું નથી. વિદેશમાં પણ બને જ છે. સાસુ-વહુનું રાજકારણ સત્તાની સાઠમારી માટે જ હોય છે. બન્નેને પોતાનો અહ્મ હોય છે જે પોતાની સત્તા સ્થાપવા કે પુરવાર કરવાનાં પ્રયત્નો કરે છે. સાયકોલોજિસ્ટ ડૉ. ટેરી એપ્ટર કેમ્બ્રિઝ યુનિવર્સિટીની ન્યુહેમ કોલેજમાં ભણાવે પણ છે તેમણે ‘વ્હોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી?’ પુસ્તક લખતા પહેલાં બે દાયકા સુધી સાસુ-વહુના સંબંધો અંગે રિસર્ચ કર્યુ છે. તેઓ લખે છે કે સાસુ-વહુ એકબીજાને સતત ઉતારી પાડે નીચું દેખાડવાનો પ્રયત્ન કરે છે અથવા એકબીજાની નિંદા કરતા હોય છે. એકબીજામાં નેગેટિવિટી જ શોધતા હોય છે. હકીકતે સાસુ પોતાના દીકરા પરથી બધા હક જતાં કરવા નથી માગતી. દીકરાના જીવનમાં આવેલી બીજી સ્ત્રીનું મહત્ત્વ વધતાં તેનો અહ્મ ઘવાય છે. તો વહુ પોતાના પતિ પર આધિપત્ય જમાવવા માટે જે દીકરાને માતા તરફ ઢળતો સાંખી નથી શકતી. બન્ને સ્ત્રીઓ ખરાબ નથી હોતી, પરંતુ સત્તા સ્થાપિત કરવા માટેનું રાજકારણ તેમને નિમ્નસ્તરે લઈ જઈ શકે છે. બન્ને એકબીજાને પોતાના જીવનમાં નડતરરૂપ માને છે કે પછી બને છે. 

તેમાં આપણે ત્યાં સાસુ-વહુની સિરિયલો વધારો કરે છે. સાસુ ખરાબ જ હોય તેવી માન્યતાઓ અને આવેલી વહુ પોતાનો દીકરો છીનવી લેશે તેવી આશંકા ધીમું ઝેર બની રહે છે. સતત સંઘર્ષો ક્યારેક સીમાઓ પાર કરીને હિંસક બની જાય તે સમજાય તે પહેલાં મોડું થઈ ગયું હોય છે. આ બે સ્ત્રીઓએ સતત સાથે રહીને કામ કરવાનું હોય છે. સવારે ચા બનાવવાથી માંડીને જમવાનું બનાવવું, ઘરના અન્ય નાનાં મોટાં કામ કરવાના, બાળકોનો ઉછેર વગેરે બાબતે સતત સંઘર્ષ થતો રહે છે. કેટલીક એવી સ્ત્રીઓ હોય છે જે આ સમજણપૂર્વક પોતાના અહ્મને બાજુએ મૂકીને સામી વ્યક્તિનો વિચાર કરી પરિસ્થિતિ બદલે છે. આપણી ધારાવાહિકો અને ફિલ્મો બળતાંમાં ઘી હોમવાનું કામ કરતાં મોટેભાગે સાસુ ને કે વહુને ખરાબ જ દર્શાવે. તેમની વચ્ચેનો સંઘર્ષ જ વાર્તાનો વિષય બને છે. આ સંબંધોને સૂલઝાવવાના પ્રયત્નો થતાં નથી કે તેના વિશેની ચર્ચાઓ પણ વધુ થતી નથી, કે ન તો તે માટે આપણે ત્યાં કાઉન્સેલિંગ કરવાની પ્રથા છે. સાસુ વહુને મારે કે વહુ સાસુને મારે તે બેમાંથી એકપણ બાબત ઈચ્છનીય નથી. વહુને સાસુ મા દીકરી ન બની શકે તો કંઈ નહીં, પણ માનવીય ધોરણે મિત્ર માફક એકબીજા સાથે પોતાની લાગણીઓ વિશે ચર્ચા કરે તો પણ એમાંથી રસ્તા નીકળી શકે છે. માનવીય દૃષ્ટિકોણ કેળવવાથી સંબંધોમાં વચ્ચે આવતી દરેક માનસિક કે શારીરિક હિંસાને ટાળી શકાય છે.

You Might Also Like

0 comments