જેલમાં રચાયું અદ્ભુત સાહિત્ય

06:21

                 

‘બે વાગ્યાથી લઈને અઢી વાગ્યા સુધી તે દિવસે ક્લેફામ જંકશનના પ્લેટફોર્મ પર કેદીના ગણવેશમાં હાથકડી સાથે ઊભો હતો અને દુનિયા જોઈ રહી હતી. આખાય પ્લેટફોર્મ પર એકમાત્ર હું હાસ્યાસ્પદ પ્રાણી હતો. લોકો મને જોઈને હસતાં હતા. પ્લેટફોર્મ પર આવતી દરેક ટ્રેન મારી આસપાસની ભીડમાં વધારો કરતી હતી. અર્ધો કલાક સુધી એ અંધાર્યા વરસતા વરસાદી નવેમ્બરની બપોરે ઉપહાસ કરતી ભીડની વચ્ચોવચ્ચ વિતાવેલો સમય મારી સ્મૃતિમાંથી કદીય ભૂલાયો નહીં. દરરોજ હું એ જ સમયે અર્ધો કલાક સુધી રડતો.’ ૧૩ નવેમ્બર ૧૮૯૫ના દિવસે લંડન જેલના કેદીઓને બહાર રીડિંગની જેલમાં લઈ જવામાં આવ્યા હતા તે સમયનો આ અનુભવ ઓસ્કર વાઈલ્ડે લખ્યો છે. પ્રસિદ્ધ નાટ્યલેખક, કવિ, લેખક, પત્રકાર ઓસ્કર વાઈલ્ડે પોતાના જેલવાસ દરમિયાન લખેલો લાંબો પત્ર ૧૯૦૫માં ‘ડી પ્રોફ્ન્ડીસ’ નામે પુસ્તકરૂપે પ્રગટ થયો. વર્લ્ડ લિટરેચરના સો પુસ્તકમાં તેની ગણના કરવામાં આવે છે.
ઓસ્કર વાઈલ્ડના નાટકો થિયેટરમાં ધૂમ મચાવી રહ્યા હતા તે સમયે એ કારકિર્દીના ટોચે હતો ને સમલૈંગિક સંબંધના ગુનામાં તેને બે વરસની સખત કેદની સજા થઈ હતી. કેદ દરમિયાન લખાયેલું આ પુસ્તક તેણે ફક્ત ત્રણ અઠવાડિયામાં લખ્યું હતું. ત્યારબાદ તે લંડન છોડીને જતો રહ્યો હતો અને ત્રણ જ વરસમાં ૪૬ વરસે તે ફ્રાન્સમાં મૃત્યુ પામ્યો. તેનું છેલ્લું પુસ્તક ‘ધ બલાડ ઑફ રીડિંગ ગેઓલ’ લાંબી કવિતારૂપે જેમાં જેલવાસ દરમિયાનના કપરા અનુભવોનો નિચોડ હતો.
દુનિયામાં અનેક પ્રસિદ્ધ પુરુષોએ જેલમાં લખેલું સાહિત્ય પ્રખ્યાત થયું છે અને તે સદીઓથી લખાતા આવ્યા છે. આ સાહિત્યો પ્રિઝન લિટરેચર એટલે કે જેલના સાહિત્ય તરીકે પ્રસિદ્ધ પણ છે. આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રસિદ્ધ પુસ્તક ડિસ્કવરી ઑફ ઈન્ડિયા જેલવાસ દરમિયાન જ લખ્યું હતું. તેઓ ૧૯૪૨-૪૬ દરમિયાન ચાર વરસ અહમદનગરની જેલમાં હતા તે સમયે લખ્યું હતું. છઠ્ઠી સદીમાં ફિલોસોફર બોએથિઅસે કોન્સોલેશન ઓફ ફિલોસોફી નામનું પુસ્તક લખ્યું હતું. તે સૌથી રસપ્રદ પ્રિઝન સાહિત્ય માનવામાં આવે છે. માર્કો પોલોએ પોતાના ચીનના પ્રવાસ અંગેનું પુસ્તક ગેનોઆ જેલમાં બંદી હતો તે દરમિયાન લખ્યું હતું.
આમ તો જેલની દીવાલોમાં પુરાઈ રહેવું કંટાળાજનક અને ઉદાસીભરેલું હોય છે, પણ જેલનું એકાંત ઈતિહાસમાંના પુરુષો માટે આત્મખોજ કરીને લખવા માટે પ્રેરણાદાયી બન્યું છે. એટલે જ જગતના મહાપુરુષોએ જેલનાં એકાંતનો ઉપયોગ કરીને પ્રસિદ્ધ સાહિત્ય લખ્યાં છે. ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગો ૧૯૩૨ની સાલમાં યરવડાના જેલવાસ દરમિયાન લખી હતી. ગાંધીજીએ ફક્ત આત્મકથા જ નહીં પણ અનેક લેખો અને પત્રો પણ પોતાના જેલવાસ દરમિયાન લખ્યા છે.
માર્ટિન લ્યુથર કિંગ ૧૯૬૩ની સાલમાં બર્મિંગહામ જેલમાં હતા તે સમયે પોતાના સાથીઓને લખેલા અનેક પત્રોનું પુસ્તક લેટર ફ્રોમ બર્મિંગહામ અમેરિકન સિવિલ રાઈટ્સ મૂવમેન્ટ માટે પાયાનું કામ બની રહ્યું હતું. જેલમાંથી લખાયેલા તેમના અન્યાય વિરોધી પત્રોએ નાગરિક અધિકારમાં ક્રાંતિનું કામ કર્યું હતું. જેલમાં લખવા માટે તેમની પાસે કોઈ પેપર નહોતા એટલે ન્યૂઝપેપરના ચારે તરફની કોરી જગ્યાઓ પર અને ટોઈલેટ પેપર પર લખતાં. ટુકડા પેપરોમાં લખાયેલું તેમનું લખાણ સાથીઓ દ્વારા બહાર સ્મગલ કરવામાં આવતું અને તેને પછી મિત્રોએ ટાઈપ કરી પુસ્તક કર્યું હતું.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્વ વડાપ્રધાન નેલ્સન મંડેલાએ પોતાની આત્મકથા ૨૭ વરસના જેલવાસ દરમિયાન ૧૯૭૪માં ૮ બાય ૭ની કોટડીમાં બેસીને લખી હતી. જો કે જેલમાં બીજા કોઈને તેમના લેખનકાર્ય વિશે ખબર નહોતી. તેમના સાથી મેક મહારાજે ખૂબ ઝીણા અક્ષરે તેમનું લખાણ કોપી કરીને સાચવી લઈને જેલની બહાર પહોંચાડ્યું હતુ એટલે તે છપાઈ શક્યું. બાકી મંડેલાએ પોતે લખેલી કોપી જેલરથી છુપાવવા બગીચામાં ખાડો ખોદીને છુપાવી દીધી હતી, પરંતુ તે પકડાઈ જતાં તેને ખતમ કરી દેવામાં આવી હતી. સ્વતંત્ર થયા બાદ છેક ૧૯૯૪ની સાલમાં તેમણે એ લખાણ લોંગ વૉક ઑફ ફ્રિડમમાં એ વણી લીધું હતું.
૧૭મી સદીની લેન્ડમાર્ક ગણાતી નવલકથા પિલગ્રીમ પ્રોગ્રેસ જ્હોન બનયને જેલમાં લખી હતી. જ્હોન બનયન ઈંગ્લૅંડમાં બાપ્ટીસ્ટ ઉપદેશક અને લેખક હતો. ઉપદેશ આપવાનું બંધ કરવા માટે તેને જેલમાં પૂરવામાં આવ્યો હતો, પણ તેણે ઉપદેશ આપવાનું બંધ કરવાની ના પાડતાં બાર વરસ જેલમાં વિતાવવાં પડ્યા હતા.
નાઝી લીડર એડોલ્ફ હિટલર યુવાનીમાં ચળવળ દરમિયાન ૧૯૨૩ની સાલમાં જેલમાં હતો ત્યારે એણે પણ માય સ્ટ્રગલ નામે દળદાર પુસ્તક લખ્યું હતું. જોકે તે પુસ્તક શરૂઆતમાં વાચકોનો પ્રતિસાદ મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું પરંતુ નાઝીઓ સત્તામાં આવ્યા બાદ તેની લાખો નકલ વેચાઈ હતી.
પેરિસની હોમોસેક્સ્યુઆલિટી પર લખાયેલી જીન જેનેટની અવર લેડી ઓફ ધ ફ્લાવર્સ પ્રખ્યાત નવલકથા હકીકત અને કલ્પનાનો સુમેળ છે. જ્યાં પોલ સાર્ત્રએ તેનું આમુખ લખ્યું હતું. જેનેટની આ પ્રથમ નવલકથા લશ્કરી કઠોર જેલવાસ દરમિયાન લખાઈ હતી.
પ્રસિદ્ધ લેખક ઓ હેનરીનું ઉપનામ વિલિયમ સિડની પોર્ટરે જેલવાસ દરમિયાન લખેલી પોતાની ૧૪ કથાઓ દરમિયાન અપનાવ્યું હતું. ત્યારબાદ તે જગતભરમાં ઓ હેનરી તરીકે જ પ્રખ્યાત થયો.
સૌથી નવાઈની વાત તો એ છે કે જેલવાસ દરમિયાન મનમાં જ પુસ્તક લખાયું હોય તેવું પણ બન્યું છે. ઈરાની લેખક મહમોદ દૌલતાબાદીએ ૫૦૦ પાનાનું મિસિંગ સોલ જેલવાસ દરમિયાન પેન કે પેપર વગર મનમાં જ લખ્યું. જેલમાંથી છૂટ્યા બાદ તેમણે ૭૦ દિવસમાં કાગળ પર કોપી કર્યું હતું.
અનેક લેખકોએ જેલના અનુભવો પર ડાયરી લખી છે. કવિતાઓ લખી છે. પ્રખ્યાત કવિ ઈ.ઈ.ક્યુમિંગ્સ૧૯૨૨માં પ્રથમ વિશ્ર્વયુદ્ધ વખતે એમ્બયુલન્સ ડ્રાયવર તરીકે કામ કરતા હતા ત્યારે એના એન્ટી ફ્રેન્ચ વલણ માટે જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલના ચાર મહિનાના જેલવાસને તેણે આત્મકથાત્મક નવલકથા ધ ઈનોરમસ રૂમ તરીકે આલેખી હતી. સાથે જ તે નવલકથામાં કલરફુલ સ્કેચ અને કથાત્મક લખાણથી કવિના શરૂઆતના દિવસો વિશે જાણકારી મળે છે. ફક્ત જેલમાં એકાદ રાત વિતાવવામાંથી ય પ્રેરણા મળી શકે તેવું પણ બન્યુ છે. પ્રખ્યાત લેખક હેનરી થોરોએ ફક્ત એક રાત જેલમાં વીતાવી અને જેલના એકાંતવાસમાંથી પ્રેરિત થઈને તેને સિવિલ ઓબિડિયન્સ સોલિટ્યુડ અને લાઈફ વિધાઉટ પ્રિન્સિપલ નામનું પુસ્તક લખ્યું. ૨૫ વરસના લાંબા જેલવાસ દરમિયાન વ્યક્તિના મગજમાં શું અસર થાય તેનો ચિતાર આપતું પુસ્તક ધ બેલી ઓફ ધ બીસ્ટ જેક અબોટે પોતાના આજીવન કારાવાસ વખતે લખ્યું હતું. પુસ્તકમાં જેક અબોટેનો પ્રખ્યાત લેખક નોર્મન મેઈલર સાથેના પત્ર વ્યવહાર છે. નોર્મને જેકને પુસ્તક લખવામાં અને પ્રસિદ્ધ કરવામાં મદદ કરી હતી. તેના પરથી એચબીઓ ફિલ્મ પણ બનાવી રહી છે.
આમ અનેક પુરુષોએ જેલની સજાનો અને એકાંતવાસનો ઉપયોગ કરી વિશ્ર્વને ઉત્તમ સાહિત્ય આપ્યું છે. સફળ પુરુષો તકલીફોને પણ અવસરમાં બદલી નાખતા હોય છે.

You Might Also Like

0 comments