ઉસને બોલા પ્રેમ છે, મૈંને બોલા ‘સ્કેમ’ છે

00:50






પ્રેમ ફક્ત પથ્થરની જેમ ત્યાં પડ્યો નહીં રહે, તેને બનાવવો પડશે પાંઉની જેમ, દરેક વખતે નવી રીતે બનાવવો પડશે - ઉર્સુલા કે. લેજિન
 ઉર્સુલા કે. લેજિન અમેરિકન લેખિકા છે. તેમની આ ઉક્તિ પ્રેમ માટે પરફેક્ટ છે. પ્રેમની વાત આવે એટલે લાંબા સમયથી પરિણીત વ્યક્તિઓ કહેશે કે હવે ના જમાનામાં કોઈ પ્રેમ કરતું નથી. પ્રેમને પાંગરવા માટે સમય આપવો પડે. જે આજની પેઢી પાસે કદાચ નથી. એટલે જૂની પેઢી માને છે કે આજની જનરેશન ખૂબ છીછરી થઈ ગઈ છે. વગેરે વગેરે પણ જ્યારે અમે સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે આજની જનરેશન એટલે કે યુવા પેઢી દંભી નથી. જ્યારે પહેલાંની જનરેશન દંભી હતી. એટલે કે તેમનાં માતાપિતાની આ વાત થઈ રહી છે. લગ્નજીવન લાંબું હોય તેનાથી એ સાબિત નથી થતું કે એ દંપતી એકબીજાને ખરેખર પ્રેમ કરે છે. પ્રેમ અને સેક્સની ભેળસેળ પહેલાં થતી હતી. સેક્સને પ્રેમ સમજી લેવામાં આવતો હતો, કારણ કે આપણા સમાજમાં લગ્ન પહેલાં સેક્સ કરવો પાપ માનવામાં આવતું હતું. જૂની હિન્દી ફિલ્મોમાં પ્રેમ થયા બાદ હીરો હીરોઈન એકબીજાને દૂરથી જ જોતાં ને પ્રેમપત્રો લખતાં. ત્યારબાદ પ્રતીકાત્મક અભિવ્યક્તિ દ્વારા સ્પર્શ દર્શાવવામાં આવતો એટલે કે બે ફુલ એકબીજાની નજીક આવે કે પછી છત્રી કે ઝાડની પાછળ હીરોહીરોઈન જતા રહે વગેરે. હવે સમય બદલાયો અને શારીરિક સ્પર્શ સહજતાથી દર્શાવાય છે. તે છતાં હજી પણ કેટલાક વિસ્તારોમાં અને વ્યક્તિઓમાં સેક્સને પાપ માનવાની માન્યતા પ્રચલિત છે.

આ વાતને સમર્થન આપતા મીઠીબાઈ કોલેજમાં ભણાવતી યુવાન પ્રોફેસર ખેવના દેસાઈ કહે છે કે આજના યુવાનો પ્રેમ બાબતે ખૂબ પ્રેકટિકલ છે. તેઓ પ્રેમ અને લગ્નને મિક્સ નથી કરતાં. છોકરાઓની વાત કરું તો તેમને પ્રેમ માટે એટલે કે બાઈકની પાછળ બેસાડવા માટે જુદી છોકરી જોઈએ છે અને પરણવા માટે જુદી છોકરી જોઈતી હોય છે. આ બાબત બન્ને જણાં જાણતા જ હોય છે. પ્રેમમાં બ્રેકઅપની અસર તેમને નથી થતી કારણ કે તેઓ માનતા હોય છે કે તું નહીં તો ઓર સહી, પરંતુ રિજેકશન એટલે કે જે વ્યક્તિને તેઓ ચાહે છે અથવા એમ કહો કે જેને મેળવવા માગે છે તેની ના કે અસ્વીકાર તેઓ સહન નથી કરી શકતા. વીસ વરસની જીલ મહેતા પણ આવું જ કંઈક કહે છે તે કહે છે કે અમારું જનરેશન ઈમોશનલ થવામાં માનતું નથી. અમને ખબર છે કે વિરુદ્ધ જાતિ માટેનું આકર્ષણ હોય છે જે બે વ્યક્તિને નજીક લાવે છે. આકર્ષણને પ્રેમ કઈ રીતે માની શકાય? અમારી જનરેશનમાં ધીરજ નથી એ પણ એક કારણ હોઈ શકે. આજે તું નહીં ઓર સહી એટલું જ નહીં પણ તું હોય તો પણ બીજી કોઈ વધારે ગમે તો એ પણ જોઈએ. ઉપભોક્તાવાદ આજની પેઢીને સંબંધોમાં ય અસંતોષી રાખે છે. તેમને દહી અને દૂધ બન્નેમાં પગ રાખવામાં વાંધો નથી આવતો. આજની પેઢીમાં ફક્ત યુવાનોને જ ગણવા નહીં પણ તેમના માતાપિતાની પણ ગણતરી કરવી પડે.

જો કે પ્રેમ પર સંશોધન કરનાર ડૉ ફિશર ભારતમાં જે સાંભળવા મળે છે તેનાથી તદ્દન જુદું જ કહે છે. તેમણે ચાલીસ દેશોમાં લાખો લોકોનો અભ્યાસ કર્યા બાદ લખ્યું છે કે આજની પેઢી લગ્ન કરતી વખતે ચોક્કસપણે જાણતી હોય છે કે તેઓ શા માટે લગ્ન કરે છે. તેઓ પોતાના સુખ માટે લગ્ન કરે છે નહીં કે બીજાના સુખ માટે. શક્ય છે કે સાચું અને યોગ્ય પાત્ર કે જેને તેઓ પ્રેમ કરી શકે વરસો સુધી, સાથે સમય વીતાવી શકે એની શોધ કરતાં મોડું થાય. એટલે જ આજના યુવાનો મોડા લગ્ન કરે છે. પહેલાંના જમાનામાં માતાપિતા પાત્ર શોધી આપતા હતા. લગ્ન કરવા માટે પણ સમાજનો, ઘરનો વિચાર કરવામાં આવતો હતો. એટલે જ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૮૪ ટકા યુવાનો મોટી ઉંમરે એટલે કે ૩૦ વરસ પછી લગ્ન કરે છે. હવે છોકરીઓ કારકિર્દી બનાવતી થઈ છે. બહાર કમાવા જાય છે. તે બીજા પર નિર્ભર નથી હોતી તેથી જે લગ્નોમાં પ્રેમ નથી હોતો તે ટકતાં નથી. અર્થાત જેમાં પ્રેમ હોય છે તે લગ્નો ટકે જ છે. ફિશરનું માનવું છે કે એટલે આજે સુખી લગ્નજીવન જીવતાં લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

તો પછી શું આજની પેઢી જે આપણને દેખાઈ રહી છે તે ખોટું છે? એવો સવાલ જરૂર થાય. ના એ પણ ખોટું નથી. અત્યારે જે સમસ્યા છે તે આજની પેઢીનાં માતાપિતાની છે. તેમને સમજાય છે કે લગ્નમાં પ્રેમ નથી પણ સંસ્કારોના બોજ તળે તે સંસાર નિભાવે છે અને લગ્નજીવનમાં એકબીજાને છેતરે છે અથવા એકબીજાની સાથે કોઈ મનમેળ વગર દંભી જીવન વિતાવે જાય છે. નાના મોટા સ્કેમ લગ્નજીવનમાં આજે સહજ બની ગયા છે. જે આજની પેઢી જોઈ શકે છે. આ દંભ જોઈને તેમને પ્રેમ પરથી વિશ્ર્વાસ ઊઠી જાય તેવું શક્ય છે. બીજું કે ટૅકનોલૉજીનો ઝડપથી વિકાસ થવાથી યુવાનોને સતત સંપર્કમાં રહેવાનું સરળ બન્યું છે. બ્રેકઅપ થતાં બીજી વ્યક્તિના સંપર્કમાં આવવું ય સરળ થઈ ગયું છે.

અહીં પણ ડૉ. ફિશરને યાદ કરવા પડે. પ્રેમનું કેમિકલ મગજ પર ડ્રગ્સ જેવી અસર કરે છે તેવું ફિશરે મગજના એમઆરઆઈ કરીને સાબિત કર્યું છે. એટલે જ પ્રેમમાં હોય તે વ્યક્તિને સામી વ્યક્તિના સાથની ઈચ્છા સતત વધે છે. અને તે ન મળે તો વિથડ્રોઅલ ઈફેક્ટ રૂપે વ્યક્તિ હતાશામાં સરી પડે છે. તેની ભૂખ, ઊંઘ પર અસર થાય છે. પ્રેમની એ અસર કોઈપણ સમયે એટલે કે સો વરસ પહેલાં પણ એ જ હતી અને આજથી સો વરસ બાદ પણ એ જ હશે. પ્રેમ એ ડ્રગ કરતાં વધુ અસરકારક છે એવું પણ ફિશર કહે છે. પ્રેમમાં માણસ પાગલ બને છે તે ખરું પણ તે ખતરનાક નથી બનતો. જે ખતરનાક બને છે તે પ્રેમી નથી હોતો. આમ જો ફિશરની વાત સાચી હોય તો આજનું જનરેશન પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ સમજી શકે છે. વિરુદ્ધ જાતિ વચ્ચેના આકર્ષણને તેઓ પ્રેમ માની લેવાની ઉતાવળ નથી કરતા. પ્રેમ નામનો ડ્રગ વ્યક્તિને સ્કેમ કરાવવા માટે કારણભૂત બને છે એવું કહી શકાય.

ભારતમાં હજી પૂર્ણ બદલાવ નથી આવ્યો. વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે નહીં પણ પ્રેમ નામના ડ્રગનો રોમાંચ અનુભવવા માટે યુવા હૈયાઓ તલપાપડ બને છે.

એક બહુ વંચાતી ઈન્ટરનેટ સાઈટે ટીનએજરો માટે પ્રેમ વિશે તમે શું માનો છો? એવા નિબંધની સ્પર્ધા રાખી હતી. તેમને ૧૪ થી ૧૯ વરસની વયના ૮૦૦ કિશોરોેના નિબંધ મળ્યા. તેનો અભ્યાસ કરીને તેમણે એક ડેટાબેઝ બનાવ્યો. તે પ્રમાણે ૭૦ ટકા કિશોરો માને છે કે સાચો પ્રેમ હોય છે. કોઈક તેમને માટે જ બન્યું છે તેવું એ લોકો દૃઢપણે માને છે. ૧૯ ટકાને લગ્ન સંસ્થા પર વિશ્ર્વાસ નથી, તેમને છૂટાછેડાનો ભય લાગે છે. ૪૧ ટકા માને છે કે તેમના માતાપિતાએ પ્રેમનું ખોટું ઉદાહરણ તેમને આપ્યું છે. મોટાભાગના કિશોરો પ્રેમમાં પડવા તલપાપડ હોય છે. જેમને પ્રેમમાં ધોકો મળ્યો હોય કે દિલ તૂટ્યું હોય તો તેઓ પ્રેમને કોમ્પલિકેટેડ માને છે. દરેક કિશોરો માને છે કે પ્રેમના વિવિધ પ્રકાર હોય છે, પણ એજ ખરો પ્રેમ જે તમને સારી લાગણીની અનુભૂતિ કરાવે છે.

ઉપભોક્તાવાદના આ જમાનામાં પ્રેમને પણ ઉપભોગનું સાધન બનાવવાની ભૂલ મોટાભાગના યુવાનો કરે છે. પ્રેમના રોમાંચને અને યુવાનીના હોર્મોનને ખાળી શકવાનું કોઈપણ પેઢી માટે અઘરું જ બને છે. આજથી વીસ વરસ પહેલાં મોબાઈલ નહોતા, ઈન્ટરનેટ નહોતું. આટલી આધુનિક સ્વતંત્ર વિચારસરણી નહોતી. જો ત્યારે આ બધું હોત તો આપણે પણ એવા જ હોત જેવા આજના યુવાનો છે. એક નજર પ્રેમીને જોવા માટે ગલીઓના ચક્કર કાપતાં કે રાતોની રાતો જાગીને આહ ભરતા હૈયા અને આજના આખી રાત જાગીને મોબાઈલ પર ચેટ કરતાં યુવાનો વચ્ચે વધુ ફેર નથી. પ્રેમ કરવો એ મગજના કેમિકલની અને શરીરના હોર્મોનની માગ છે અને રહેશે. છેતરપિંડી પહેલાં પણ થતી હતી અને આજે પણ થાય છે એવું માનવામાં આવે છે. બાકી પ્રેમ કરનારા પ્રેમને એટલી જ ગંભીરતાથી આજે પણ લે છે. ભાગ્યવાનને બદલે આજે ડિયર, ડાર્લિંગ કે બેબી બોલાતું હશે. શબ્દો ગમે તે હોય કેમિકલ બદલાતું નથી. મરાઠી કવિ મંગેશ પાડગાંવકરનું જાણીતું કાવ્ય અહીં યાદ આવે છે કે ‘પ્રેમ એટલે પ્રેમ હોય છે. તમારો અને મારો એકદમ સેમ હોય છે.’

You Might Also Like

0 comments