પદ્મિની નારીની કથા વ્યથા (mumbai samachar)

05:37





રાજસ્થાનની સુંદર રાણી પદ્માવતિની વાર્તા ઉપર ફિલ્મ બનાવતાં સંજય ભણસાલી પર હુમલો થયા બાદ પદ્મિની વિશે અનેક વાતો સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે. ૧૩મી સદીમાં રાજસ્થાનના ચિત્તોડની રાણી પદ્મિની જે પદ્માવતીના નામે પણ જાણીતી હતી તે અત્યંત ખૂબસૂરત હતી એવી વાયકાઓ છે. વાયકા એટલે કે તે જમાનામાં ફોટો તો હતા જ નહીં. ન તો સદીઓ પછી તેના કોઈ પુરાવાઓ મળે છે. બારમી તેરમી સદી પછી અને પહેલાં પણ રાજસ્થાનનું ચિત્તોડ હંમેશાથી ઈતિહાસ રચતું આવ્યું છે.

પદ્મિની અને ચિત્તોડ બાબતે એક જ શબ્દમાં વાત કહેવી હોય તો જોહર (આત્મદહન)કહી શકાય. ચિત્તોડમાં હજારો સ્ત્રીઓએ જોહર કર્યું છે. નારી તેરી યહી કહાની એવું કહેવું પડે. યુદ્ધ થાય ત્યારે હારી રહેલી કે હારતો પક્ષ ઘણું બધું ગુમાવતો હોય છે. તેમની સ્ત્રીઓ પર બળાત્કારો તો આજે પણ યુદ્ધમાં થતાં રહે છે. સ્ત્રીઓએ જો બળવત્તર પુરુષના હવસના શિકાર ન થવું હોય તો ક્યારેક મૃત્યુ સિવાય કોઈ રસ્તો હોતો નથી. રાજપૂત સ્વભાવ પ્રમાણે તો ટેક માટે લોકો માથા ઉતારી દેતાં અચકાતા નથી હોતા. ત્યારે રાજપૂત સ્ત્રીઓને જ્યારે યુદ્ધ સમયે લાગે કે તેમના પુરુષો હારી રહ્યા છે તો તેઓ દુશ્મનના હાથમાં જીવતાં પકડાવા કરતાં સામૂહિક રીતે અગ્નિસ્નાન કરવાનું વધુ પસંદ કરતી હતી. તેમાં પણ સામે મુસ્લિમ દુશ્મન હોય ત્યારે પુરુષો પણ હારવા કરતાં આખરી દમ સુધી લડવાનું પસંદ કરતા. તે છતાં મોગલોની વિશાળ સેનાની સામે તેમનું ટકવું અશક્ય જ રહેતું. તે સમયે નામ પણ દેખાવ પ્રમાણે પાડવામાં આવતા હશે કારણ કે પદ્મિની કે પદ્માવતી એટલે કમળ સમાન નાજુક, ગુલાબી ત્વચા ધરાવનાર, જેના શરીરમાંથી સુંદર સુગંધ આવતી હોય.(રતિરહસ્ય પ્રમાણે) લગ્ન કરવા માટે ઉત્તમ નારી એટલે પદ્મિની એવું વર્ણન છે. આમ રાણી પદ્મિની પણ અત્યંત સુંદર સ્ત્રી હતી. ગાંધર્વસેનની દીકરી પદ્મિનીના રૂપની પ્રશંસા સાંભળીને ચિત્તોડનો રાજા રતનસેન મોહિત થઈને સાત સાગરો પાર કરીને સિંઘલરાજ આવ્યો હતો. આ વાર્તા કહે છે કે પહેલીવાર સૂૂફી કવિ મલિક મુહમ્મદ જયસીએ કવિતારૂપે ૧૫૪૦ની સાલમાં લખી હતી એવું કહેવાય છે. પદ્મિનીના રૂપની વાતો સાંભળીને ૧૩૦૩ની સાલમાં અલાઉદ્દીન ખીલજી પણ મોહી પડ્યો હતો અને જર, જમીન અને જોરુને પોતાના કબજામાં કરવામાં માહેર અલાઉદ્દીને ચિત્તોડ પર ચઢાઈ કરી. તે વખતે પદ્મિનીની ઝલક જોઈને તેણે રતનસેનને કબજામાં લીધો અને કહેણ મોકલ્યું કે જો પદ્મિની તેની સાથે ચાલી નીકળે તો તે રતનસેનને છોડી દેશે. પદ્મિનીએ બાદલ અને ગોરા નામના બે બહાદુર સેવકોનો સાથ મેળવીને બળ નહીં પણ કળ દ્વારા રતનસેનને છોડાવ્યો, પરંતુ રતનસેન બીજા એક પડોશી કુંભલનેરના દેવપાલની સાથે લડાઈ કરતાં મૃત્યુ પામ્યો કહે છે કે જ્યારે રતનસેન ખીલજીની કેદમાં હતો ત્યારે દેવપાલે પદ્મિનીને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. રતનસેનની પાછળ જ ખીલજી વળી પાછો ચિત્તોડ સેના લઈને પહોંચી જ રહ્યો હતો એટલે રતનસેનના મૃત્યુની સાથે જ પદ્મિનીએ પણ અગ્નિસ્નાન કરી લીધું. પદ્મિની જે પદ્માવતીના નામથી ત્યારે અને આજે પણ પ્રસિદ્ધ છે તેની વીરાંગના તરીકે તેનો ઈતિહાસ યાદ કરવામાં આવે છે. પદ્મિની પ્રકારની નારી જે સુંદર હોવા સાથે બુદ્ધિશાળી પણ હોય. તેવી રાણી પદ્મિનીને પામવા માટે પુરુષો હોડ લગાવી રહ્યા હતા.

દરેક સૌંદર્યવતી સ્ત્રીની વ્યથાની આ કથા છે. તેના સૌંદર્યને બિરદાવવું અને તે સૌંંદર્યના માલિક બનવાની ચેષ્ટા કરવી તે બેમાં અંતર છે. સૌંદર્ય મેળવનાર નારી ભાગ્યશાળી હોય છે કારણ કે તેના સૌંદર્યની સાથે ઐશ્વર્ય પણ આવતું હોય છે, તો એજ સૌંદર્ય તેને  શ્રાપ જેવું પણ લાગતું હશે. યુગાન્ડાનો ઈદી અમીન પણ ગુજરાતી નારીના સૌંદર્ય પાછળ ઘેલો થયો હતો. એ ગુજરાતી નારીએ તેને મચક ન આપતાં યુગાન્ડામાંથી બધા ભારતીયોને હાંકી કાઢ્યા હતા. ભારતીયોએ તે સમયે યુગાન્ડામાં પોતાની સંપત્તિ અને કામધંધો બધું છોડીને ભાગવું પડ્યું હતું. તેમાંથી કેટલાક લંડન જઈને વસ્યા તો કેટલાક ભારત પરત ફર્યાં. જો કે ત્યારબાદ કેટલાક વરસો પછી વળી પાછા ભારતીયો જેમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હતી તેઓ ફરીથી યુગાન્ડા પરત ફર્યા હતા. તે ગુજરાતી મહિલાની મુલાકાત લેવાનો મોકો મને મળ્યો હતો. મોટી ઉંમરે પણ તેઓ જાજરમાન અને સુંદર દેખાઈ રહ્યાં હતાં. માધવાણી કુટુંબમાં તેમના લગ્ન થયા હતા. આજના યુગમાં એ સ્ત્રીએ આત્મદહન કરવાની જરૂર ન પડી, પરંતુ કેટલાય લોકોએ તે સમયે જાનમાલનું નુકસાન વેઠ્યું હતું.

પદ્મિનીનું જોહર (આત્મબલિદાન) ઈતિહાસમાં પહેલું નોંધાયેલું છે.  તો બીજું આત્મબલિદાન એટલે કે જોહર નોંધાયું છે પંદરમી સદીના ચિત્તોડના  રાણી કર્ણાવતીનું.  રાણા પ્રતાપના દાદી કર્ણાવતી તેમના પતિના મૃત્યુ બાદ ચિત્તોડ પર રાજ કરી રહ્યા હતા. બહાદુર શાહે ચિત્તોડ પર હુમલો કર્યોં હતો. રાણી કર્ણાવતીએ મુગલ રાજા હુમાયુની મદદ માગી પણ મદદ મોડી પડી અને ૮ માર્ચ, ૧૫૩૫ની સાલમાં તેમણે જોહર વહાલું કર્યું એ જ ચિત્તોડના કિલ્લામાં. સન ૧૫૬૮ના ફેબ્રુઆરીમાં અકબરે ચિત્તોડ પર ચઢાઈ કરી અને રાજપૂતો હાર્યા તે પહેલાં ૯ રાણીઓ સહિત ૩૦૦ રાજપૂત સ્ત્રીઓએ આત્મદહન કર્યું હતું તેની નોંધ અબુ ફઝલે ઈતિહાસમાં કરી છે. દરેક પદ્મિની નારીઓએ તે વખતે પોતાના સૌંદર્યને પોતાની જાતે જ નષ્ટ કરી દીધું હતું. આટલી વ્યથાઓને કાળના ગર્ભમાં જોઈને ચિત્તોડ આજે પણ ક્યારેક ગમગીન થઈ જતું હશે. આજે તો કેટલીય નારીઓએ ફક્ત નારી હોવાને કારણે બળાત્કારનો જુલમ સહ્યા બાદ ચીરી નાખવામાં આવે છે. નાજુક સૌંદર્યને અગ્નિની જ્વાળામાં હોમી દેતી પદ્મિનીઓને સૌંદર્યવતી હોવાનો અફસોસ પણ થયો હશે કદાચ.


You Might Also Like

0 comments