આધુનિક પુરુષમાં પડકારરૂપ આદિપુરુષ
05:00
હાલમાં બે પુરુષ લેખકોના બ્લોગ વાંચ્યા. મારે જો સ્ત્રી તરીકે પુરુષોના પડકારો વિશે લખવાનું આવત તો કદાચ હું ન્યાય ન આપી શકત. પણ પુરુષોએ જ લખેલી વાત અહીં તમારી સમક્ષ મૂકવી છે. આજની નારીના પડકારો હું ખૂબ સરળતાથી જોઈ શકું કે લખી શકું. પુરુષો વિશે પણ જુદી રીતે વિચારી જ શકું, પરંતુ એવું બને છે કે પુરુષો અને સ્ત્રી બન્ને એકબીજા સામે તલવાર તાણીને એટલે કે પૂર્વગ્રહ રાખીને જ જુએ છે. એટલે એ જોખમ લેવાને બદલે મેં નક્કી કર્યું કે પુરુષો શું વિચારે છે પોતાના પડકારો વિશે તે જાણવું. આ બ્લોગ સિવાય પણ કેટલાક લોકો સાથે મેં વાત કરી, કારણ કે આપણે ત્યાંની સમસ્યા પશ્ર્ચિમના વિશ્ર્વ કરતાં થોડી જુદી હોઈ શકે. આપણે એ જ રસ્તા પર જઈ રહ્યા છીએ પણ સમસ્યાઓ તો અહીં પણ એની એ જ છે.
એડવર્ડ સ્મિથ અને ફિલિપ ક્લાર્ક બન્ને અમેરિકન છે. અમેરિકન પુરુષ અને ભારતીય પુરુષનું કલ્ચર એટલે કે સંસ્કૃતિ એક બાબતે જુદા છે. અમેરિકામાં ૧૮ વરસે છોકરો પુરુષ બનીને પોતાની દરેક જવાબદારી પોતે જ ઉપાડે છે. જ્યારે ભારતીય માતાપિતા અને કુટુંબ ડાયલેમામાં જીવે છે. એક બાજુ સતત તેમને કહેતા રહેશે કે હવે તું મોટો થયો પણ બીજી તરફ તેના દરેક કામ તેની માતા કરી આપવા તત્પર રહેશે.
સવારના પહોરમાં વનિતાબેન અને પરેશભાઈનો કકળાટ શરૂ થઈ જાય. પરેશભાઈ ઈચ્છે કે હવે ૨૨ વરસના દીકરાને તેની જવાબદારી ઉપાડવા મુક્ત કરવામાં આવે, પરંતુ વનિતાબેનને દીકરો જમ્યો કે નહીં? દીકરો ક્યાં છે? કોની સાથે ફરે છે? ની ચિંતાથી માંડીને તેને જોઈએ એટલા રૂપિયા વાપરવા આપવા તૈયાર હોય છે. જ્યારે પરેશભાઈનું કહેવું છે કે દીકરાએ હવે પોતાની જવાબદારી ઉપાડવી જોઈએ દરેક બાબતે. ખેર, પણ આપણે ત્યાં બાળક મોટો થતો જ નથી હોતો. ત્રીસ વરસે પણ તે બાબો જ રહી શકે છે. પોતાની જાતે પાણીનો ગ્લાસ તો ન જ ભરે પણ તેને પોતાની ચા બનાવતા પણ ન આવડતી હોય.
એડવર્ડ સ્મિથ ખૂબ સરસ રીતે પોતાની વાત માંડે છે, જે ભારતીય પુરુષોને પણ લાગુ પડે છે. તે કહે છે કે હું એ પુરુષ નથી જે આજકાલ ટેલિવિઝન, જાહેરાતો અને ફિલ્મોમાં બતાવે છે કે પછી લેખોમાં લખાય છે તે મસ્ક્યુલિન પુરુષની વ્યાખ્યામાં હું ફિટ બેસતો નથી. ન તો હું ડ્રિન્ક લઉં છું, ન મને ફૂટબોલમાં રસ પડે છે. હું માનું છું કે સ્ત્રીઓ મારી સમોવડી છે. હું પુુરુષો માટેના ખાસ નિયમો જે પુરુષોએ ઘડ્યા છે તેમાં કશે જ મારી જાતને જોઈ શકતો નથી. બીજા લાખો સ્ટિરિયોટાઈપ પુરુષોથી હું કદાચ અલગ જ છું. પુરુષ તરીકે ઓફિસેથી આવીને હું સોફા પર પગ લાંબા કરીને બેસી શકું અને મારી પત્ની બિચારી બધા જ ઘરના અને મારા કામ કર્યા કરે. અને જો ન કરે તો હું તેના પર ગુસ્સો કરી શકું. આ મને મંજૂર નથી. તમે આજે પણ બધી જાહેરાતો જુઓ (આપણે ત્યાં તો ટીવી સિરિયલો અને ફિલ્મો પણ જુઓ) જેમાં પુરુષને સ્ટિરિયોટાઈપ ભૂમિકામાં જ ચીતરવામાં આવે છે.
પુુરુષો ડ્રિન્ક લે, સ્પોર્ટ્સ જુએ અને તેમને સ્ત્રીઓમાં એકમાત્ર સેક્સ માટે જ રસ હોય. એ સિવાય બીજા કોઈ કામ કરવા હોય તો તેમને સ્ત્રીની જરૂર પડે. તેનાથી ઘરના કે બાળઉછેરના એક પણ કામ ઢંગથી ન થઈ શકે. પુરુષો નારીવાદને વખોડવા કરતાં પોતાની પુખ્તતા તરફ ધ્યાન આપે તો સ્ટોન એજ-પથ્થરયુગથી આપણે આગળ વધી શકીએ. પુરુષોની માનસિકતા હજી પથ્થરયુગના પુરુષની રહે તે માટે પુરુષો પોતે જ જવાબદાર છે એવું એડવર્ડ માને છે. કારણ કે દરેક પુરુષ પોતાના દીકરાને માનવ તરીકે મોટો કરવાને બદલે પુરુષ તરીકે જ મોટો કરવાનો આગ્રહ રાખે છે. એક પુરુષ બીજા પુરુષને એ જ સ્ટિરિયોટાઈપ પૂર્વગ્રહથી મૂલવશે.
એડવર્ડની વાત વિશ્ર્વના દરેક પુરુષની વાત છે એમ કહી શકાય. સ્ત્રીની ભૂમિકામાં આવી રહેલા બદલાવને વખોડવા કરતાં પોતાનામાં પણ પુરુષે બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો હોત તો દુનિયામાં આટલી સમસ્યાઓ ન હોત. આપણે ત્યાં પણ કેટલાક પુરુષો કહેશે કે હવે સ્ત્રીઓને કંઈ કહેવાય નહીં કે જોવાય પણ નહીં. સ્ત્રીઓ નહીં તો ફરિયાદ કરશે આપણા વિરુદ્ધ.. વગેરે પણ એવું નથી જ. પુરુષ આમ કહીને નારીવાદીઓની જેમ જ વાત કરી રહ્યા છે. પુરુષની માનસિકતા બદલાય તો તે સ્ત્રી કે સમાજ સામે નીચો નથી થતો પણ સમોવડો થઈને ઊભો રહે છે.
ફિલિપ ક્લાર્ક એક સરસ વાર્તા કહીને પુરુષાતનના પડકારો વિશે વાત કરે છે. બ્રાઝિલના એમેઝોનના વરસાદી જંગલમાં ખૂબ અંતરિયાળમાં એક આદિવાસી જાતિ સદીઓથી રહે છે. એ જાતિમાં છોકરો મોટો થવા લાગે ત્યારે તેણે બુલેટ એન્ટ એટલે કે ચટકાં ભરતી કીડીઓ ભરેલું મોજું પહેરીને એ ડંખ સહન કરવા પડે ત્યારે એ પુરુષ બને છે. આ કીડીઓનો ડંખ બુલેટના ઘાવ જેવો ઘાતક હોય છે. આ આદિવાસી જાતિમાં માનવામાં આવે છે કે છોકરાઓએ મોટા થઈને લડવા જવાનું હોય છે એટલે તેણે પીડા સહન કરતાં શીખવું જોઈએ. આ આદિવાસી પ્રજા પોતાના બાળકોને ધિક્કારતી નથી કે ન તો તેમને પીડા ઝેલતાં જોઈને આનંદ આવે છે. તેઓ ફક્ત પોતાના બાળકને ભવિષ્યમાં આવનારા પડકારો સામે લડવા તૈયાર કરે છે. દુનિયામાં પુરુષોએ ડર રાખ્યા વિના, દરેક પીડા અને ઘાવ સહન કરવા તૈયાર રહેવાનું હોય છે. દુનિયામાં ટકી રહેવા માટે પીડાને સહન કરતાં શીખવું પડે છે પુરુષોએ. એ જ બાબત આજે પણ લાગુ પડે છે.
કુદરતી રીતે જ છોકરી અમુક ઉંમર બાદ સ્ત્રી બની જતી હોય છે. તેમણે સ્ત્રી બનવા માટે કશું જ પુરવાર કરવાનું નથી હોતું. જ્યારે પુરુષ બનવા માટે છોકરાએ અનેક પરીક્ષાઓમાંથી પસાર થવું પડતું હોય છે. છોકરાએ પોતે બહાદુર છે, દેખાવમાં પુરુષાતન (કસરતી બાવડાં, સિક્સપેક વગેરે) અને કોઈ ખાસ આવડત તેનામાં હોય જે સફળતાના પંથે તેને લઈ જઈ શકે તો તે પુરુષ બને છે. ધ્યેય હોય છે ઘર ચલાવવા માટે પૈસા લાવવાનું અને સ્ત્રીની રક્ષા કરી શકવાનું.
હવે સ્ત્રીઓ વધુને વધુ શિક્ષણ મેળવીને સારી કમાણી પોતે જ રળી લઈ શકે છે. આજની આધુનિક નારીને ન કમાનાર જોઈશે કે ન તો તેની રક્ષા કરનાર પુરુષની જરૂર રહે છે તો પછી તેને પુરુષની જરૂર શું કામ છે? સમાજમાં પુરુષોની ઈમેજ બદલાવવી પડશે. સ્ટિરિયોટાઈપ પુરુષ અહીં નહીં ચાલે. પુરુષે સ્ત્રીની સાથે લાંબા સમયના સંબંધ જાળવવા માટે પોતાની માનસિકતા બદલવી પડશે.પહેલાં સેક્સ માટે પણ લગ્ન કરવા જરૂરી બનતા હતા. પણ હવે ટીન્ડર અને એવી બીજી એપ્પ જે બજારમાં મૂકાઈ છે તેના પર સિંગલ સ્ત્રીઓ કરતાં સિંગલ પુરુષોની સંખ્યા વધુ છે. અમેરિકન આંકડાશાસ્ત્રી જોનાથન સોમાએ આ ડેટિંગ સાઈટ્સનો અભ્યાસ કરીને તારણ મૂક્યું છે કે અમેરિકાના દરેક શહેરમાં ૧૮-૨૯ની વયના સિંગલ પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં અનેકગણી વધારે છે. ફિલિપ આથી આગળ જઈને કહે છે કે આજના પુરુષને ખબર જ નથી કે તેણે કઈ રીતે વર્તવું. એ પુખ્ત થતો જ નથી એટલે જ વિડિયો ગેમિંગની ઈન્ડસ્ટ્રીનો નફો વધી રહ્યો છે. સીએનએનનો રિપોર્ટ છે કે ૧૨-૧૭ વરસના છોકરાઓ કરતાં ૧૮--૩૪ વરસની વયના પુરુષો સૌથી વધારે વિડિયો ગેમ રમે છે, કારણ કે તેઓ એકલા પડી ગયા છે. છૂટાછેડા, બાળકોની કસ્ટડી અને સિંગલ પેરેન્ટિંગની પરિસ્થિતિ પણ આજના પુરુષો માટે એક પડકારરૂપ છે. પિતાના સાથ વિના એકલા ઉછરેલા છોકરાઓમાં ડ્રગ, આલ્કોહોલ અને ગુનાખોરીનું પ્રમાણ વધુ હોય છે. છૂટાછેડાને કારણે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ વધુ હોવાનું પણ સામે આવી રહ્યું છે. રિજેકશનને કઈ રીતે હેન્ડલ કરવું તે પુરુષોને આવડતું નથી. રિજેકશન માટે પણ પુરુષની ન બદલાયેલી માનસિકતા જ જવાબદાર હોય છે.
આજનો પુરુષ આ બધી બદલાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્યારેય તૈયાર થતો નથી કારણ કે તેઓ આ પરિસ્થિતિ વિશે ક્યારેય ચર્ચા કરતા નથી. તે છતાં દરેક જગ્યાએ પુરુષે પોતાને પુરવાર કરવાની જદ્દોજેહદ કરવી જ પડતી હોય છે. પુરુષાતનને સાબિત કરવા માટે તેણે સતત લિટમસ ટેસ્ટ આપ્યા કરવી પડતી હોય છે.
0 comments