પિંક ગમી હોય તો મોમ ગમશે પણ ....

22:37

મોમ લવ યુ
ખેર , આજે લખવું હતું મોમ ફિલ્મ વિશે પણ આતંકના આતંકે અટકાવી દીધી. ફિલ્મના રિવ્યુ ફેસબુક પર વાંંચ્યા બાદ લાગ્યું હતું કે ન જોવી જોઈએ. પણ જોઈ મગજ બહેર મારી ગયું. સ્ત્રીની સંવેદના જગતની વાત જરા જુદી રીતે કહેવાઈ છે. શ્રીદેવી છે એટલે ફિલ્મ જોવા જેવી છે એવું નહીં પણ સ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યુને સમજવો કે સ્વીકારવો હોય તો જોવી જોઈએ. હિંસક ફિલ્મો અને તેમાં ય સ્ત્રી બદલો લે તી હોય, લડતી હોય તેવી ફિલ્મો પહેલાં પણ હિન્દીમાં બની છે. અંગ્રેજીમાં અનેક બની છે. પણ અહીં આજની નારીની વાત છે. ફિલ્મમાં દરેક વખતે ટેકનિક , સ્ટાર અને વાર્તા જ જોવાની હોય? મોમ ફિલ્મમાં નબળી કડીઓ છે. ખાસ કરીને અંત. પણ એ સિવાય તે તમારા દિલને સુન્ન કરી શકે.
ફિલ્મ આપણા સમાજનું દર્પણ છે. તેને રિવ્યુ કરનારા અને જોનારા કે બનાવનારા પણ સમાજની માનસિકતાનો ભાગ હોય જ છે. પિતૃસત્તાક માનસિકતા ધરાવનારને મોમ નહીં જ ગમે. કારણ કે અહીં પુરુષને લીડ લેતા નથી બતાવ્યો. સ્ત્રી પોતે જ અન્યાયની સામે ચુપચાપ લડવાનું શરૂ કરે છે. પિંકના અમિતાભ જેટલી તે લાઉડ નથી. કારણ કે તેને પોતાના પરિવારની સાથે રહેવું છે. તેની સાથે લગાવ છે એટલે જ તે દુર્ગા બનીને દાનવોને ખતમ કરે છે. તે મા છે. માની ગાથા અહીં જુદી રીતે ગવાઈ છે. શિવાજીના કિલ્લા પરથી અંધારામાં એક માતા ઝાડીઝાંખરાની પરવા ન કરે પોતાના ભૂખ્યા બાળક પાસે પહોંચવા માટે તેને આપણે માન આપીશું. પણ મોમમાં મા એટલે હેવાનોને ખતમ કરે છે કે તેઓ જો સમાજમાં રહેશે તો કાલે ઊઠીને બીજી છોકરીની જીંદગી પણ ખરાબ કરી શકે છે. એક સ્ત્રી તરીકે મા પોતાની સાવકી દીકરીની પીડા સમજી શકે છે. ફિલ્મમાં પારંપરિક સાવકી માતા નથી બતાડી. ધારાવાહિકોમાં જે રીતે સ્ત્રીને સ્ત્રીની દુશ્મન ચીતરીને ખરાબ બતાવાય છે તે નથી દર્શાવાયું. આવી સિરિયલોની ટીઆરપી વધારતી ધારાવાહિકો જોવાનું સ્ત્રીઓ બંધ કરે તેવી વિનંતી છે.
પિંક જો તમને ગમી હોય તો મોમ પણ ગમશે. પણ પિતૃસત્તાક માનસિકતા હશે તો મોમ સાવ નિરસ અને બોર લાગશે. મોમ જરા જુદા અભિગમથી બનાવાઈ છે. મોમમાં પણ આપણી સિસ્ટમ અને પિતૃસત્તાક માનસિકતાને છતી કરવામાં આવી છે ને તે છતાં કેટલાક પુરુષ એ માનસિકતાના ગુલામ નથી એવું પણ દર્શાવાયું છે.

You Might Also Like

0 comments