આતંકનો અંત આવી શકે ખરો? (saanj samachar)

20:07





ઈન્ટ્રો – સતત થતાં આતંકી હુમલાઓ બંધ કેમ નથી થતા? કારણ કે તેમાં પાવર પોલિટિક્સ ભાગ ભજવે છે.

સાંજ સમાચારમાં જે દિવસે મારો પ્રથમ લેખ છપાયો હતો તે દિવસે જ એક કરુણ સમાચાર પણ પાનાં ફેરવતાં જોવા મળ્યા. ગોંડલમાં પિતાએ ઠપકો આપતાં 22 વરસના યુવકે આપઘાત કર્યો. જો સર્વે કરવામાં આવે તો સાબિત થઈ શકે કે આંતકવાદીની ગોળીએ જેટલા માણસો મૃત્યુ પામે છે તેના કરતાં વધુ  લોકો  આપઘાત કરે છે. આપઘાતનું કારણ જોઈએ તો ખૂબ જ મામૂલી હોય. કહેવા ખાતર એમ પણ કહી શકાય કે આપઘાત કરનાર નબળા મનના હોય છે.
પણ ના એવું નથી, આપઘાત કરવા માટે ખૂબ હિંમતની જરૂર પડે છે. જ્યારે જીવવા માટે બસ ફક્ત થોડી સમજદારીની જરૂર હોય છે. થોડી આસ્થાની જરૂર હોય છે. પિતાએ યુવાનને ઠપકો આપ્યો  હતો કે નહીં તે અહીં ગૌણ છે. કોઈપણ સત્તાને પોતાનો મદ હોય છે તો યૌવનને પોતાનો અહંકાર હોય છે. યૌવન કંઈક જુદું કરવા થનગનતું હોય છે. આજે અનેક ક્ષેત્રો તમને આહવાન આપે છે અથવા હિંમત હોય તો તમે તમારો રસ્તો જાતે જ બનાવી શકો છો. પરંતુ જ્યારે તેને યોગ્ય માર્ગદર્શન નથી મળતું ત્યારે  દિશાભાન ભૂલીને ભટકી જવાનો ભય રહે છે. આજના યુવાનની બાઈક જ નહીં લાઈફ પણ ફાસ્ટ છે. મોબાઈલ અને ટેકનોલોજીને કારણે તે એવા અનેક પ્રદેશો ખેડી આવે છે જેની કલ્પના પણ આજથી પંદરેક વરસ પહેલાં કરવી મુશ્કેલ હતી. બાઈક કે કાર ફાસ્ટ ચલાવવી એ ફક્ત ટેમ્પરામેન્ટ હોય છે. લોકોનું ધ્યાન ખેંચવાનું અને લોહીમાં દોડતા એ ડ્રિનલ નામના હોર્મોનને નાથવાનું.  એક ઝનૂન યુવાનીને દોરતું હોય છે. દરેકનું  પોતાનું ઝનૂન  હોઈ શકે. એમાં વચ્ચે સ્પીડબ્રેકર આવતાં તે અકસ્માતનો ભોગ બને છે. સ્પીડબ્રેકર ગાડીની ગતિને કન્ટ્રોલ કરવા માટે હોય છે. તમે જો સજાગ હો તો ગાડીની ગતિ પર કાબૂ મેળવી શકો છો. અકસ્માત સુખદ ક્યારેક જ હોય છે. તે મોટેભાગે દુખદ જ હોય છે.
બીજું એવું જણાય છે કે આપણામાં હિંસાના મૂળ છે જ. આપઘાત કરનાર વ્યક્તિ મરતા પહેલાં અનેકવાર હિંસાથી રહેંસાઈ હોય છે. તેનું હૃદય ન દેખાતી અનેક હિંસાઓથી નબળું પડી ગયું હોય છે. વળી બહારની હિંસા સામે લડવું સહેલું છે અંદરની હિંસાઓ સામે લડી નથી શકાતું.   આતંકવાદીઓ આપણી અંદર પણ છુપાયેલા છે. હિંસા એટલે શારિરીક ઈજા પહોંચાડવી એવું નહીં. તમે મનથી ય માણસને મારી નાખી શકો છો. આપણી પાસે એનો ઈતિહાસ છે. દ્રૌપદી જો એમ ન બોલી હોત કે આંધળાના  દીકરા આંધળા જ તો કદાચ મહાભારત જુદું હોઈપણ શકત.  જરા શાંતિથી નિરિક્ષણ કરશો તો દેખાશે કે કેટકેટલી હિંસાઓ સતત આપણી આસપાસ બનતી હોય છે અને તેમાં આપણે પણ જાણેઅજાણે  સામેલ થઈ જતાં હોઈએ છીએ. ગાડી ચલાવતાં કોઈ જરા આડું આવ્યું કે તમારી ગાડીને અડકી ગયું તો મોંમાથી  બે ગાળ ન નીકળે તો જ નવાઈ. કોઈ જરાક પોતાનામાં મશગુલ હોય અને અજાણતાં તમને ભટકાઈ ગયું તો ય બોલી પડીશું. આંધળો છે....ભાળતો નથ. હામું જોઈને ચાલતો હો તો..... આટલા શબ્દોમાં ય વગર ગાળે અને વગર હથિયારે ભારોભાર હિંસા હોઈ શકે છે. તેમાં જો સામી વ્યક્તિનો અહમ ઘવાય તો પછી ઝઘડો જોણું બની જાતા વાર નથી લાગતી તેનો આપણને સૌને અનુભવ છે. ઝઘડાં થતાં જોવામાં પણ એક હિંસક આનંદ આવતો હોય છે.
એકવાર હું રાજકોટ સ્ટેશન પર ટ્રેન પકડવા માટે કટોકટ સમયે પહોંચી. એક નંબરના પ્લેટફોર્મ પર કોઈ ગાડી ઊભી હતી એટલે ચિંતા થવાથી નજીકના સ્ટોલવાળાને પૂછ્યું કે સૌરાષ્ટ્ર જનતા અહીં જ આવે છે ને તો કહે હા... આ ગાડી જશે એટલે આવશે?  મુંબઈમાં ઘણીવાર બનતું હોય છે કે ગાડીના પ્લેટફોર્મ બદલાઈ જાય. મારા સવાલના જવાબમાં તે વ્યક્તિ ફક્ત હા કહી જ શક્યો હોત, પણ  પેલી વ્યક્તિ કહે કે તય  શું એની માથે આવશે. મને નવાઈ પણ લાગી અને હસવું ય આવ્યું તેનો જવાબ સાંભળીને. પણ એ વાક્યમાં ય હિંસા હતી. મને વાગી હતી એટલે આજે વરસો બાદ પણ યાદ છે.  ઘરમાં સાસુ વહુને, બહેન નાની બહેનને, પતિ પત્નીને કે પત્ની પતિને કે માતાપિતા બાળકોને ક્યારેકને ક્યારેક કહી બેસતા હોય છે કે તારામાં વેતા જ નથી.... કે ઠેકાણા જ નથી..... કે પછી તને સમજ જ નથી પડતી. એક દુકાનમાં માલિક તેના નોકરને કહી રહ્યો હતો એય ઠોબા જેવા આમ ઊભો છે શું કામ કર જલ્દી. બીજાની હાજરીમાં કોઈ વ્યક્તિનું અપમાન કરવું તે હિંસા જ છે. મેં એ સામે વાંધો ઊઠાવ્યો તો માલિક કહે એ લોકો આમ જ સાંભળે... એ નોકર સામાન મૂકવા રિક્ષા સુધી આવ્યો તો મને કહે,  બહેન આભાર તમે મને માણસ ગણ્યો. ગરમીમાં થાક લાગે એટલે થોડો પોરો ખાવાનું અમને ય મન થાય. એ નોકરે મારી પાસેથી ટીપ લેવાની ના પાડી. સામી વ્યક્તિને આદર ન આપી શકીએ તે સમજ્યા પણ કારણ વિનાની હિંસા શું કામતમારી પાસે સત્તા હોય એટલે સામી વ્યક્તિ કદાચ ત્યારે બોલે નહીં પણ તેના મનમાં ય હિંસાનો બદલો ખદબદવા લાગે અને પછી તે એનાથી નાની વ્યક્તિ પર કે જ્યાં તેની સત્તા ચાલે તેના પર ઉતારે.
બહારથી આવેલા આતંકવાદનો સામનો તો કરી જ લઈશું પણ અંદર જે આતંકીઓ છે તેની સામે જંગ ખેલવાની જરૂર છે તો અનેક આત્મહત્યાઓને રોકી શકાશે. આપણામાં કેટલી હિંસા છે તે સોશિયલ મીડિયામાં પણ જોઈ શકાય છે. અસહિષ્ણુતા એટલી વધી ગઈ છે કે તમારાથી જરાક જુદું કોઈ વિચારે કે બોલે કે જીવે તેને રહેંશી જ નાખવાનો. પછી તે શબ્દોથી હોય કે શારિરીક રીતે હોય. વળી હવે તો વ્યક્તિઓ બીજાને આગળ વધતાં પણ જોઈ શકતો નથી. પહેલાંની પ્રજા સંતોષી હતી હવે નથી તે ગુજરાતના ખાલી ગામડાઓ કહી રહ્યા છે. મોટા ગામ હવે શહેર બની રહ્યા છે.  ગોચર કે ખેતરો વેચાઈ રહ્યા છે. ગામનું શાંત જીવન આજે કોઈને ખપતું નથી. શહેરની ધાંધલ મનને અશાંત રાખે છે. માર્ક્સ વધુ આવવા જોઈએ. સારી કોલેજ, સારી નોકરી, સારો મોબાઈલ,  સારી છોકરી, સારી ગાડી અને સારું ઘર, સારા છોકરા તે પણ હોંશિયાર હોય, પછી વિદેશોના પ્રવાસો. ઈચ્છાઓનો અસંતોષ તમને શાંત થવા દેતો જ નથી. ચક્ર ચાલ્યા જ કરે છે. સ્પીડમાં જીવાતા આજના જીવનને  સ્પીડબ્રેકર ગમતા નથી.  કોઈપણ હિંસા પછી તે યુદ્ધના મેદાનમાં થાય કે ઘરમાં થાય તેનો અંત આવતો નથી. હિંસા દુખ, પીડા ને બદલાની ભાવનાને જ જન્મ આપે છે.

આતંકને રોકવાનો એક ઉપાય આપણામાંની હિંસાને રોકવાનો ખરો?  તમારા જવાબની અપેક્ષા સહ...

You Might Also Like

2 comments

  1. એક સમય એવો હતો કે ચંબલની ખીણમાં ડાકુઓનો કારમો આંતક હતો. શ્રી જયપ્રકાશ દ્વારા તેનો કેવો સુખદ અંત આવ્યો, તે જાણવા શ્રી હરકિશન મહેતાની નવલકથા(નામ યાદ નથી)વાંચવી જોઇએ. આજના સમયમાં એવા નેતાઓની જરૂર છે.

    ReplyDelete
    Replies
    1. આભાર ડુમસિયાજી તમે વાંચીને પ્રતિભાવ આપો છો તે માટે.

      Delete