વિકૃત વાસનાને રોકવા અવાજ ઉઠાવો (mumbai samachar)

13:14


૬ જુલાઈએ પૂજા નાયર નામની ૨૨ વર્ષીય વિદ્યાર્થિનીએ ફેસબુક પર ફોટા સાથે એક પોસ્ટ મૂકી. એ પોસ્ટને ૫૦૦ જણાએ શેઅર કરી. હજારો લોકોએ વાંચી અને તરત જ પગલાં લેવાયાં. પૂજા નાયર મહિના પહેલા બપોરના બોરીવલીથી ચર્ચગેટ જવા લેડીઝ ડબ્બામાં ચઢી. આ વચ્ચેના લેડીઝ ડબ્બાની બાજુમાં હેન્ડીકેપ લોકો માટેનો ડબ્બો હોય છે. એ ડબ્બામાં એક પુરુષ લેડીઝ ડબ્બામાં બેઠેલી છએક સ્ત્રીઓની સામે ગંદા શબ્દો બોલી રહ્યો હતો. તેમાં પૂજા નાયર પણ હતી. સ્ત્રીઓએ એ વ્યક્તિ તરફ ધ્યાન ન આપ્યું કારણ કે તેમને લાગ્યું કે કોઈ પાગલ કે ચરસી હશે. સામાન્યપણે આવા લોકો લેડીઝ ડબ્બામાં પણ ચઢી જતા હોય છે. એટલામાં પૂજાએ જોયું કે પેલી વ્યક્તિએ બે ડબ્બા વચ્ચેના પાર્ટિશનના સળિયામાંથી હાથ લાંબો કરી બીજી એક યુવતીને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો. સાથે જ ગંદી ગાળોનો તેનો વાક્ પ્રવાહ ચાલુ જ હતો. પૂજાએ એ વ્યક્તિ સામે જોયું તો તે વ્યક્તિ તેના તરફ ફરી અને પછી પેન્ટની ચેન ખોલી માસ્ટરબેશન કરવા લાગ્યો.

આ જોઈ પૂજાને ગુસ્સો આવ્યો અને તેણે પોલીસ હેલ્પલાઈનને ફોન કર્યો. હેલ્પલાઈનમાં તેણે જણાવ્યું કે ટ્રેન કાંદિવલી પહોંચવાની છે અને પેલી વ્યક્તિ અભદ્ર વર્તન કરી રહી છે. તેના આશ્ર્ચર્ય વચ્ચે હેલ્પલાઈનમાં સાંભળનાર અધિકારીનું હાસ્ય સંભળાયું અને પછી ફોન કટ થઈ ગયો. કાંદિવલી સ્ટેશન પર ટ્રેન ઊભી રહી તો પેલી વ્યક્તિ લેડીઝ ડબ્બામાં ચઢવા માગતી હતી પણ ડબ્બામાં હાજર દરેક સ્ત્રીઓએ બૂમાબૂમ કરી તો તે ભાગી ગયો. પણ તે પહેલાં એણે પૂજા તરફ જોઈને કહ્યું કે હું તારા પર બળાત્કાર કરીશ. પૂજા પોતાની પોસ્ટમાં આગળ લખે છે કે આ ઘટનામાંથી મને બે બાબત શીખવા મળી એક તો એ કે હેલ્પલાઈનનો કોઈ અર્થ હોતો નથી. પણ ખરા વખતે મદદરૂપ નથી, માત્ર માર્કેટિંગ માટે જ હોય છે. બીજું બળાત્કાર શબ્દથી જ મને ભય લાગે છે. તેનાથી ડરવું ન જોઈએ. એટલે નહીં કે મને સમાજમાં બદનામીનો ડર લાગે છે પણ એટલા માટે કે બળાત્કાર તન પર જ નહીં મન પર પણ ઘસરકાઓ મૂકી જતું હોય છે.

પૂજાએ પેલી વ્યક્તિનો ફોટા સાથે આ પોસ્ટ મૂકીને તે થોડો જ સમયમાં વાયરલ થઈ. રેલવે પોલીસે મદદ કરવાની તૈયારી દર્શાવી તો રેલવે મિનિસ્ટરે પણ ટ્વિટ કરી ક્વિક એકશન લેવાની તૈયારી બતાવી. અહીં એ પણ વિચાર આવે કે પૂજાએ આટલો સમય પછી આ પોસ્ટ શું કામ મૂકી? એણે તરત જ કેમ આ કામ ન કર્યું. દરેક સ્ત્રી બળાત્કાર શબ્દથી છળી મરે છે. વળી આવી રીતે સ્ત્રીઓની સામે નગ્ન થવાનું વિકૃત પુરુષો માટે નવું નથી. અત્યાર સુધી મોટાભાગની સ્ત્રીઓ તેને દુસ્વપ્ન માનીને નજરઅંદાજ કરતી હતી. આવી બાબતે પણ પિતૃસત્તાક માનસિકતા ધરાવતો સમાજ સ્ત્રીની પડખે ઊભો રહેશે તેવી શ્રદ્ધા નહોતી. જો કે હવે સમાજમાં બદલાવ આવી રહ્યો છે. મહિલાઓ હિંમત કરીને જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે તેની પડખે સમાજ ઊભો રહે છે. તે છતાં આવા બનાવો બનવાનું બંધ નથી થતું કે તેને નજરઅંદાજ કરીને તેની ફરિયાદ પણ ટાળવામાં આવે છે. ખેર, પૂજા નાયરને ધન્યવાદ કે તેણે એ વ્યક્તિનો ફોટો પાડી લીધો હતો અને આટલો સમય પછી પણ પેલી વિકૃત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવાનું પસંદ કર્યું. ડબ્બામાં હાજર બીજી પાંચ મહિલાઓએ તો એ પણ નથી કર્યું એ બાબતની પણ નોંધ લેવી જોઈએ.

આ રીતે પુરુષ સ્ત્રી સામે પોતાની વાસનાનું પ્રદર્શન કરે તે પણ એક રીતનો માનસિક બળાત્કાર જ છે. અને આવું પહેલીવાર નથી બન્યું. હજી ફેબ્રુઆરી મહિનામાં ચર્ચગેટ પર રસ્તો ક્રોસ કરતી એક મહિલાના ડ્રેસ પર રસ્તા પર એક વ્યક્તિએ પોતાની વાસનાનું સ્ખલન કર્યું. પેલી મહિલા તો પોતાની સાથે શું થયું તેનાથી અજાણ જ હતી. પોતાના સ્વજન સાથે વાત કરતા તેણે નજીક ઊભેલી વ્યક્તિથી દૂર જવા માટે ચાલવા માંડ્યું. આ બાબતનો વિડિયો એક કારચાલક જે થોડે દૂર ઊભો હતો તેણે વિડિયો કરી લીધો અને તે વિડિયો એણે પેલી મહિલાને આપ્યો અને કહ્યું કે તમે ફરિયાદ કરો. પેલી મહિલા અને તેના સ્વજનોએ પેલી વ્યક્તિને પકડી લીધો અને પોલીસસ્ટેશનમાં જઈને તેને સુપરત કર્યો. જાહેરમાં અને તે પણ મુંબઈ લોકલમાં મહિલાઓની થતી છેડતી અને વિવેકભંગ અવારનવાર થતો હોય છે. મોટેભાગે મહિલાઓ તેને નજરઅંદાજ કરીને પોતાના રસ્તે પડતી હોય છે. બે વરસ પહેલાં અક્ષરા નામની સંસ્થાએ મુંબઈ લોકલમાં પ્રવાસ કરતી મહિલાઓની સાથે થતી જાતીય સતામણીનો અભ્યાસ કર્યો હતો. તેમણે લગભગ દરેક ઉંમરની ૫૨૨ પ્રવાસીઓને પ્રશ્ર્નો પૂછ્યા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે ૩૦ ટકા સ્ત્રીઓએ પુરુષો તેનો પીછો કરતા હોવાનું અનુભવ્યું છે. તો ૫૧ ટકા સ્ત્રીઓએ ગંદા શબ્દો સાંભળ્યા છે. તો ૬૧ ટકા સ્ત્રીઓએ ભીડમાં અણગમતો સ્પર્શ અનુભવ્યો છે. તો ૫૬ ટકા સ્ત્રીઓએ પુરુષો ગંદી નજરે તાકી રહેતા હોવાનું અનુભવ્યું છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જાતીય સતામણીમાં ઉંમર, સમય કે કપડાંનું મહત્ત્વ નહોતું. દિવસના કોઈપણ સમયે અને કોઈપણ સ્ત્રી સાથે આવી ઘટનાઓ બની શકે છે. ખાસ કરીને પાદચારી પુલ અને પ્લેટફોર્મ પર આવી ઘટનાઓ વધુ બનતી હોય છે. કુર્લા અને દાદર સ્ટેશન પર આવી ઘટનાઓ સૌથી વધુ બનતી હોય છે. તે છતાં ફરિયાદ તો ભાગ્યે જ થતી હોય છે. તેમાં એક કારણ એ પણ ખરું કે આજે કામ કરતી કે ભણતી યુવતીઓ પાસે સમય નથી હોતો. બીજું કે તેમને વિશ્ર્વાસ નથી હોતો કે ફરિયાદ કર્યા બાદ પણ કોઈ પગલાં લેવાશે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને. એક સહપ્રવાસી સાથે ચર્ચા કરતાં મારી સામે કબૂલ્યું કે આવી ઘટનાઓ ફક્ત ટ્રેનમાં જ નહીં પણ દરેક જગ્યાએ બનતી હોય છે. હા મુંબઈ લોકલમાં ભીડ વધુ હોવાથી વિકૃત માનસ ધરાવનાર પુરુષો અહીં વધુ હોઈ શકે છે. આ વિકૃતમાનસને લાગે છે કે તેઓ ભીડમાં ખોવાઈ જઈ શકે છે પાશવી આનંદ માણીને.

જરૂરી નથી કે અભણ, નશાખોર અને બેરોજગાર વ્યક્તિઓ જ આવું કરતી હોય. કેટલીકવાર સભ્ય દેખાતી વ્યક્તિઓ પણ અણછાજતો સ્પર્શ કરી લેતી હોય છે. જો કે હવે આવી જાતીય સતામણી કે અપશબ્દો બોલીને છેડતી કરનારાઓને સજા થઈ શકે એવા કાયદા બન્યા છે તેનાથી અનેક સ્ત્રીઓ અજાણ છે. વળી આવી ઘટના ફક્ત મુંબઈ કે ભારતમાં જ નથી બનતી પણ વિશ્ર્વભરમાં બને છે. સ્ત્રીઓને રસ્તામાં ચાલતાં હાથ લગાડવો, પિન્ચ એટલે કે ચૂંટલો ખણવો, એ તો સામાન્યપણે થતું જ હોય છે પણ જાહેરમાં સ્ત્રીઓ કે બાળકીઓની સામે જોઈને કેટલાક પુરુષો માસ્ટરબેટ કરવાની હિંમત પણ કરે છે. આ બાબત કેટલી જુગુપ્સાપ્રેરક અને કેટલી ઘૃણાસ્પદ હોય છે તે સ્ત્રીઓ અનુભવતી હોય છે, પરંતુ આના વિશે ક્યારેય વાત થતી નહોતી કે લખાતું પણ નહીં. મોટાભાગની સ્ત્રીઓ જેમને આવા અનુભવો થાય છે તે ચૂપ રહેવાનું પસંદ કરે છે કે તેને નજરઅંદાઝ કરે છે. આવું મોટેભાગે નાની શાળાએ જતી બાળકીઓ સાથે બનતું હોય છે અને તેઓ ભયભીત થઈને ચૂપ બેસી રહે છે. લંડનની ટ્યુબમાં, ઈટલીની બસોમાં કે અમેરિકાની બજારમાં પણ પુરુષો રસ્તે ચાલતાં કે કાર કે ઝાડની આડશે છોકરીઓને જોઈને માસ્ટરબેટ કરતાં હોય છે. એવરીડે સેક્સિઝમ નામનો ઓનલાઈન પ્રોજેક્ટ ચારેક વરસ પહેલાં પ્રચલિત હતો તેમાં દુનિયાભરની સ્ત્રીઓએ ટ્વિટ કરીને પોતાના અનુભવો લખી મોકલ્યા હતા. ઈંગ્લેડમાં ખાસ આવા વર્તન વિરુદ્ધ ૨૦૦૦ની સાલથી ઝુંબેશ ચાલે છે. ત્યાં ૨૭ ટકા ફરિયાદો જાહેરમાં માસ્ટરબેટ કરવાની નોંધાઈ છે. ચર્ચગેટમાં સ્ત્રીના ડ્રેસ પર સ્ખલન કરવામાં આવ્યું તો ઈટલીમાં એક સ્ત્રીએ લખ્યું છે કે તેના લાંબા વાળ પર સિનેમા હોલમાં સ્ખલન થયું હતું. આવા અનેક કિસ્સાઓ દુનિયાભરની સ્ત્રીઓ અનુભવે છે. આનો એક જ ઉપાય છે કે તમારી દીકરીઓને શીખવાડો કે જે સમયે આવું કશું પણ તમારી સામે બને કે તરત જ બૂમો પાડો અને તે વ્યક્તિને ઉઘાડો પાડો. આવું કોઈપણ વર્તન સાંખી ન લેવું કે તે માટે પોતાને ગુનાહિત ન અનુભવવી. સામી વ્યક્તિને પકડો અને પોલીસને હવાલે કરો. મોબાઈલમાં તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં જાહેર કરો.


You Might Also Like

0 comments