કાર્યેષુ મંત્રી અને મફતમાં કામવાળી, સંદર્ભ જુદા છે (mumbai samachar)

00:48મહારાષ્ટ્ર બોર્ડના સોશિયોલોજીના પાઠ્યપુસ્તકના દહેજ વિશેના એક પાઠમાં દહેજની પ્રથા વિશે કહેવામાં આવે કે છોકરી દેખાવમાં સારી ન હોય તો તેના માતાપિતાએ વધુ દહેજ આપવું પડે છે. આ વાત આમ તો સાચી હોવા છતાં તેને લખાય નહીં જ. કારણ કે તો પછી એ માન્યતાઓ લોકોના મનમાં વધુ દૃઢ થાય છે. દહેજ પ્રથા જ ખોટી હોય ત્યાં એવું વિદ્યાર્થીઓને સમજાવવાને બદલે જો આવી કુપ્રથા વિશે વિસ્તૃત રીતે કહેવામાં આવે તો તેની ખોટી અસર થવાની પણ સંભાવના રહે છે. વળી લગ્ન માટે છોકરીનો દેખાવ મહત્ત્વનો ગણવો તે પણ અયોગ્ય જ છે. છોકરી ગોરી અને સુંદર હોવી તે શરત જ નકામી છે. કુદરતે દરેકને પોતાનો દેખાવ આપ્યો છે. ગોરી હોય તો સુંદર અને કાળી હોય તો બદસૂરત એ બરાબરી નકામી છે. આ બધાં ધારાધોરણ જ જાતીય ભેદભાવના પાયામાં છે તેને નાબૂદ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યાં જો પાઠ્યપુસ્તકમાં જ આવા ધોરણો સ્થાપવામાં આવે તો કેમ ચાલે. લોકોએ જબરદસ્ત વિરોધ નોંધાવતા આખરે એ ફકરો કાઢી નાખવામાં આવ્યો. 

હજી આપણે ત્યાં છોકરીના લગ્ન થાય એ જ તેના જીવનનું ધ્યેય માનવામાં આવે છે. છોકરાઓને પણ આપણે ત્યાં પોતાનું જીવન જીવવાની મુક્તિ નથી હોતી ત્યાં છોકરી પોતાનું જીવન પોતાની રીતે જીવે તેવું વિચારવું જ અશક્ય છે. તે છતાં હવે શિક્ષણ લઈને કારકિર્દી ઘડતી કેટલીક યુવતીઓ કોઈ પર નિર્ભર રહીને પોતાના જીવનના નિર્ણયો નથી લેતી. હજી પણ કેટલાક લોકો લગ્ન એટલે જ કરે છે કે તેમને મફતમાં કામવાળી મળી જાય. શિક્ષિત છોકરીઓને પણ લગ્નના નામે ગુલામી કરવાનો વાંધો નથી હોતો. તેની સામે એવા પણ કેટલાક કિસ્સાઓ છે જેમાં પત્નીઓ પોતાની આવડતથી પારંપરિક ભૂમિકાને બદલે છે. દેખાવ નહીં પણ સ્ત્રીની આવડત જ તેના લગ્નજીવનની સાથે પતિને સફળ કે અસફળ બનાવવા સક્ષમ છે. શિક્ષણ દ્વારા યુવતીઓ પોતાનું જીવન નિર્ભય અને સફળ તો કરી જ શકે છે, પણ જો લગ્ન કરે તો પતિના જીવનની સફળતાનો દોર પણ પોતાના હાથમાં રાખી શકે છે. 

૨૦૧૨ની સાલમાં ઇઝરાયલના બોરિસ ગેલફેડને ચેસમાં હરાવીને પાંચમી વખત મૉસ્કોમાં વિશ્ર્વ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર વિશ્ર્વનાથન આનંદે ચેમ્પિયન બન્યા બાદ તેનું શ્રેય પોતાની પત્ની અરુણાને આપ્યું હતું. આમ તો દરેક એવૉર્ડ કે ખિતાબ વખતે પુરુષો પોતાની પત્નીનો આભાર માનતા જ હોય છે, પણ આનંદની પત્ની અરુણાનો આભાર આનંદે અમસ્તો જ નહોતો માન્યો. અરુણા આનંદની પત્ની જ નહીં, સેક્રેટરી કમ પબ્લિક રિલેશનનું પણ કામ સંભાળે છે. વિશ્ર્વસ્તરે જ્યારે વિશ્ર્વનાથન આનંદ ચેસની રમતમાં વ્યસ્ત હોય ત્યારે અનેક મહત્ત્વની બાબતો અરુણા સુપેરે સંભાળી લેતી હોવાને કારણે આનંદ પોતાનું સંપૂર્ણ ધ્યાન રમતમાં પરોવી શકે છે. એટલે જ જાહેરમાં આનંદે કહ્યું કે તેની પત્નીનું આ જીતમાં સો ટકા કરતાં વધારે યોગદાન છે. અરુણા તેના માટે ચેસની રમત શીખી. તેના વિશ્ર્વસ્તરના નિયમો અને તેને આનંદની ફેવરમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તેવી સ્ટ્રેટેજી પણ શીખી. અરુણા પતિનો પડછાયો નથી પણ તેની સાથીદાર બનીને રહી છે. શિકાગોના ક્લિનિકલ સાઇકિયાટ્રિક ડો પૌલ ડોબ્રાન્સ્કિએ એક અમેરિકન સાઇકિયાટ્રિક જર્નલમાં આર્ટિકલ લખ્યો છે, જેમાં તેમણે નોંધ્યું છે કે પુરુષના હૃદયને જીતવા માટે પત્નીએ તેના પેટનો રસ્તો અપનાવવો જોઈએ તે વાત હવે જૂની થઈ ગઈ છે અને તેમાં બદલાવ આવ્યો છે. પુરુષના હૃદય સુધી પહોંચવા માટે આજની નારીએ પતિની કારકિર્દીમાં કે તેના સામાજિક મોભામાં સહયોગપૂર્ણ ભૂમિકા ભજવીને પણ પોતાની કારકિર્દી અને લગ્નને નવો વળાંક આપે છે. જો પત્ની પોતાના અને પતિના સપનાઓ, કારકિર્દી અંગે જાણકારી, સમજદારી અને પ્રેરણાત્મક અભિગમ અપનાવે તો તે પોતાના પતિના હૃદય પર ચોક્કસ રાજ કરી શકે છે. આ સાઇકિયાટ્રિકે આર્ટિકલ હમણાં લખ્યો પણ અરુણાને આ વાત પહેલાં જ સમજાઈ ચૂકી હશે. 

૪૪મા અમેરિકન પ્રેસિડેન્ટ રહી ચૂકેલા બરાક ઓબામા અને મિશેલનું ઉદાહરણ પણ સામે જ છે. મિશેલ પણ લોયર છે. બરાક ઓબામા પ્રમુખની ચૂંટણી લડે તેવું મિશેલ શરૂઆતમાં નહોતા ઇચ્છતા પણ પછી જ્યારે તેમણે જોયું કે બરાક ઓબામા પ્રમુખપદની ચૂંટણી લડી રહ્યા છે તો પોતાનું કામ ઓછું કરીને પણ પતિની સાથે કેમ્પેઇન કરવા માંડ્યા હતા. એટલું જ નહીં, તેઓ પોતાનું વક્તવ્ય જાતે જ લખતા અને સતત પતિના સપનાને મંજિલ સુધી પહોંચાડવા સજાગ રીતે વર્ત્યા. ડૉ. પૌલ લખે છે કે પતિના કામમાં દખલ ન પહોંચે અને છતાં તમે તેમના કામથી અજાણ નથી એ રીતે સમતુલા જાળવીને સાથીદાર બની રહેવાનું છે. જોકે ડૉ. પૌલ કબૂલે છે કે આપણા આદિમ સંસ્કારો વિમેન એમ્પાવરમેન્ટના આધુનિક જમાનામાંય બદલાયા નથી. પતિ ઇચ્છે છે કે પત્ની તેની પડખે ઊભી હોય અને જ્યારે તે સફળતા મેળવીને, વિજયી થાય ત્યારે તેના આનંદમાં પત્નીનો ઉમળકો ઉમેરાય નહીં તો તેની સફળતાનો અર્થ રહેતો નથી. જોકે આજે તો એવું પણ કહી શકાય કે પતિ જો પોતાની સફળતાની સાથીદાર પત્નીને બનાવે તો જીવનની સમતુલા જળવાઈ રહે છે, પરંતુ પત્ની જો પોતે પોતાની જુદી કારકિર્દી બનાવવા ઈચ્છતી હોય તો વાત અલગ છે. પતિ તેને સાથ આપે કે નહીં કે પછી પતિએ શું કરવું જોઈએ તેના વિશે સંશોધન થયું .

આ સંશોધન પ્રમાણે આજે સ્ત્રીએ સુખી લગ્નજીવન અને પતિના હૃદય સુધી પહોંચવા માટે કાર્યેષુ મંત્રી તરીકે સંતુલિત ભૂમિકા ભજવવા તૈયાર રહેવું પડશે. આપણે ત્યાં સોનિયા ગાંધીનું ઉદાહરણ પણ લઇ શકીએ. રાજીવ ગાંધી પાઈલટ હતા ત્યારે તેમના પ્રેમમાં પડ્યાં અને પરણ્યા. પતિ વડા પ્રધાન બન્યા ત્યારે નખશિખ ભારતીય નારી તરીકે રાજીવ ગાંધીની પડખે ઊભા રહ્યા. અને રાજકારણને દૂર રહ્યે રહ્યે પણ સમજીને અપનાવ્યું.

ફિલ્મ ક્ષેત્રે તો અનેક ઉદાહરણ જોવા મળે છે. કાજોલે લગ્ન કર્યા બાદ અજયની કારકિર્દી વધુ સફળ બની. ગૌરી ખાન દિલ્હી છોડીને પતિની સાથે મુંબઈમાં આવીને પતિની ગ્લેમર દુનિયાને અપનાવી પતિની પડખે ઊભી રહી. રિતિક - સુજાન (છૂટાછેડા બાદ પણ સુજાન રિતિકની સફળતાને બિરદાવે છે.) , અક્ષય કુમાર- ટ્વિન્કલ ખન્ના, અમિતાભ- જયા, અભિષેક- ઐશ્ર્વર્યા...વગેરે આ દરેક આજની નારીઓ અબળા નથી કે ત્યાગની મૂર્તિ નથી પણ પતિની સફળતાની સ્ટ્રેન્થ તેમની પાસે જરૂર છે. અને હવે તો આધુનિક સંશોધન પણ તેનું પ્રતિપાદન કરે છે. લગ્ન દ્વારા બે વ્યક્તિઓ સમજદારીથી એકબીજાના વિકાસમાં મદદરૂપ બની શકે છે. એકબીજાની નબળાઈ અને સબળાઈને લક્ષમાં રાખીને પૂરક બનીને સ્વસ્થ તેમ જ સરળ જીવન જીવી શકે છે. જે લગ્નમાં બીજી વ્યક્તિનું શોષણ થતું હોય છે તે ક્યારેય સફળ કે સુખી થઈ શકે નહીં. એ શોષણ પછી દહેજ દ્વારા કે પછી ઘરેલું શારીરિક કે માનસિક હિંસા દ્વારા જ કેમ ન થતું હોય. લગ્નમાં કોઈ એક જ વ્યક્તિનો વિકાસ થાય તો સમજવાનું કે તે સફળ લગ્નજીવન નથી.


You Might Also Like

0 comments