­
­

ગાય, ગંદકી અને ગાંધીજી (સાંજ સમાચાર)

21:22







 કાઠિયાવાડ રૂડું ખરું પણ ગંદકી અને રસ્તે રઝળતી ગાયો જોઈને દુખ થાય જ.
  
સૌરાષ્ટ્રના મહુવામાં જવાનું પહેલીવાર બન્યું. સાંભળ્યું હતું કે મહુવા ખૂબ સુંદર છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા રળિયામણાં  હોય છે. ચોરવાડ, દીવ અને દ્વારિકાનો દરિયા કિનારો જોયો છે. સૌરાષ્ટ્રની પોતાની આગવી સુંદરતા છે. રોડ પરથી પસાર થતાં નાના ગામડાંઓના ડેલી બંધ મકાનો અને લાલ નળિયાવાળા મકાનો, દરેક ગામના ચોતરે બેઠેલા વડિલોની કરચલીઓમાંથી વંચાતો ઈતિહાસ. રાજકોટમાં વહેલી પરોઢે પ્લેનમાંથી ઊતરીને લેવા આવેલી ગાડીના ડ્રાઈવરને કહ્યું કે પહેલાં તો ચા પીવી છે સારી. તો તરત જ કહે કે હાલો તાકતવાળી ચા પીવડાવી દઉં. ચાને લાગેલો કાઠિયાવાડી અલંકાર તાકાતવાળી સાંભળીને જ ફ્રેશ થઈ જવાયું. 
પણ... પણ જ્યારે મહુવામાં પગ મૂક્યો કે ગંદકી જોઈ. દરિયા કિનારા તરફ ભવાની માતાના મંદિરે પહોંચતા પહેલાં રસ્તામાં ગારો જોયો તે જોઈને અરેરાટી થઈ. વળી એ જ કિચડની નજીકમાં લોકો રહેતા હતા. તેમાંથી બાળકો ભણવા માટે પસાર થતાં હતાં. અમારા ડ્રાઈવરે વળી કહ્યું એ મેડમ ગામમાં તો આવું જ હોયને. શું કામ આવું હોય? આજે તો ગામમાં અનેક લોકો ભણેલા ગણેલા છે. શ્રીમંત પણ છે. સરકાર પણ છે. અરે જે લોકો ત્યાં રહે છે, જેમની ત્યાં દુકાનો છે તેઓ પણ જાતે થોડું કામ કરે તો પરિવર્તન આવી શકે. ગંદકીનું એવું છે કે તમને જો ગંદામાં રહેવાની આદત ન હોય તો એ ન ટકી શકે. ગંદકીને ગરીબીને કે પૈસાદાર સાથે કશી લેવા દેવા નથી. અહીં ગાંધીજીએ પચ્ચોત્તેર વરસ પહેલાં કહેલી વાત યાદ આવે છે. તે અહીં ટાંકુ છું.
ગામના રસ્તાઓ એકદમ આડા-અવળાં હોય છે. જોઈને લાગે કે ધૂળ નાખીને બનાવાયા છે. ચોમાસામાં આ રસ્તાઓ પર એટલું કિચડ થઈ જાય કે તેના પરથી ગાડું ચલાવવું મુશ્કેલ બને છે. માણસોને પણ ચાલતા તકલીફ પડે છે. વળી તેનાથી વિવિધ રોગો ફેલાય તે અલગ. આ રસ્તાઓનું શું થઈ શકે ? લોકોમાં સહકાર હોય તો વધારે રૂપિયા-પૈસા ખર્ચ કર્યા સિવાય  થોડા જ ખર્ચામાં તેને પાક્કો કરી શકાય અને ગામનું મૂલ્ય વધારી શકાય.  આજે આપણી પ્રવૃત્તિ ફક્ત કૌટુંબિક જીવન સુધી જ સીમિત રહી ગઈ છે. ફળિયાનો દરેક વ્યક્તિ જેમ કુટુંબનું ઘર સાફ રાખે છે. એ  જ રીતે દરેક ફળિયાએ પોતાના ગામ માટે કામ કરવા તૈયાર રહેવું જોઈએ. તો જ ગામવાળા સ્વાવલંબી અને સુખેથી રહી શકે છે. આજે તો દરેક બાબત માટે સરકાર  પર નિર્ભર રહેવામાં આવે છે. જો ગામના લોકો સફાઈ, શોભા અને રક્ષા માટે પોતાને જવાબદાર માને તો મોટાભાગનો સુધારો તત્કાળ અને વગર પૈસાએ થઈ શકે છે. એટલું જ નહીં સ્વસ્થ સ્વાસ્થ્ય અને આવવાજવાની સુવિધાને કારણે ગામની આર્થિક સ્થિતિ સારી થઈ શકે.
દરેક ગામોના રસ્તાઓને સુધારવા અને પાકા બનાવવા માટે એક જ રીત નથી હોતી. ક્યાંક કાંકરા મળે છે તો ક્યાંક પથ્થર તો કેટલીક જગ્યાએ ઈંટોના ટુકડાથી પણ કામ ચાલી જાય છે.
ગામની રચના અંગે પણ  નિયમ હોવા જોઈએ. ગામની શેરીઓ કેટલીય વાંકી-ચૂકી, સાંકડી-પહોળી, ઉબડ-ખાબડ રહેતા દરેક રીતે સારી હોવી જોઈએ. હિન્દુસ્તાનમાં કરોડો માણસો ઉઘાડા પગે ચાલતા હોય ત્યાં રસ્તાઓ એટલા ચોખ્ખાચણાક હોવા જોઈએ કે તેના પર ચાલતા નહીં સૂઈ જતાં પણ માણસને ખચકાટ થવો જોઈએ. ગલીઓ પાક્કી અને પાણીના નિકાસ માટે નાળાઓ હોવા જોઈએ.  
આજે પણ બાપુની વાત એટલી જ સાચી અને યોગ્ય છે. ફક્ત ફરક એટલો જ છે કે બાપુને આપણે નોટ ઉપર છાપીને યાદ કરીએ છીએ. તેમનો સંદેશ જીવનમાં ઉતારવાની જરૂર આપણને આપણા માટે પણ નથી લાગતી. ચોમાસું આવતાં જ ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ ફીવર જેવા રોગોનો રોગચાળો ફાટી નીકળે છે તેમાં નવાઈ નથી લાગતી.
આજે જો બાપુ હયાત હોત તો ખૂબ દુખી થાત ગાયોની પરિસ્થિતિ  જોઈને. સૌરાષ્ટ્રના દરેક રોડ પર, હાઈવે પર પણ ગાયો ગમે તેમ ફરતી હોય કે બેઠી હોય. તમારે એને લાગી ન જાય એ રીતે પસાર થવાનું. દરરોજ અમ પત્રકારોને ગાયોના પાંજરાપોળના કામોની યાદી અને ફોટા મોકલતાં શ્રેષ્ઠીઓ ક્યાં ગયા? ગૌરક્ષકો ક્યાં ગયા? એવો સવાલ થાય.  વળી ગાંધીજી યાદ આવ્યા.
જો મને કોઈ પૂછે કે હિન્દૂ-ધર્મનું સૌથી મોટું બાહ્ય સ્વરૂપ શું છે તો હું કહું કે ગોરક્ષા. મને વરસોથી દેખાઈ રહ્યું હતું કે આપણે એ ધર્મ ભૂલી ગયા છીએ. દુનિયામાં એવો કોઈ દેશ નથી જોયો કે જ્યાં ગાયના વંશની અનાથ જેવી હાલત હોય.આપણા પાંજરાપોળોની હાલત જુઓ. વ્યવસ્થાપકોની ઉદારતા માટે મારા દિલમાં આદર છે. પરંતુ, તેમના પ્રબંધ માટે મારા દિલમાં ઘણો ઓછો આદર છે. હું નથી માનતો કે પાંજરાપોળ ગાય કે તેના વંશની રક્ષા કરે છે. પાંજરાપોળો ફક્ત લાવારિશ જનાવરોને રાખવાનું અને તેમને સુખથી મરવા દેવાનું સ્થાન ન હોવું જોઈએ. પાંજરાપોળોમાં હું આદર્શ ગાય-બળદ જોવાની આશા રાખું છું.
મારો એ દૃઢ વિશ્વાસ છે કે હિન્દુઓનું પહેલું કામ પોતાનું ઘર સાફ કરવાનો છે. આટલું કરું તો જ મને મુસલમાન ભાઈઓને ગોવધ બંધ કરવાનું કહેવાનો હક મળે છે. આ રીતે આપણો ધર્મ ચોખ્ખો દેખાય છે. તે છતાં જે કામ આપણે છેલ્લે કરવાનું છે તે તે કામ આપણે પહેલાં કરી રહ્યા છીએ.
હિન્દુસ્તાન જેવા દેશમાં જ્યાં જીવદયાના ધર્મનું પાલન કરનારા અસંખ્ય મનુષ્યો વસે છે અને જ્યાં ગાયને માતા સમાન માનતા કરોડો હિન્દુ ધર્માત્માઓ રહે છે ત્યાં ગાયની આવી ખરાબ હાલતઆપણે પાંજરાપોળને દૂધ-ભવન બનાવીને સારામાં સારી રીતે પશુપાલન કરીએ તો દૂધ તથા માખણ સસ્તા ભાવે વેચી શકાય. આપણા ઢોર સુખી થાય. ગરીબો અને બાળકોને શુદ્ધ અને સસ્તુ દૂધ-ઘી મળે અને અંતે દરેક ગૌશાળા  લગભગ સ્વાવલંબી બની જાય. કોઈ એવી શંકા કરી શકે કે આ તો વેપાર થયો તો એમને હું એટલું જ કહીશ કે ધર્મ અને વ્યવહાર એ બન્ને વિરોધી બાબત નથી. (બાપુ કથા-હરિભાઉ પાધ્યેમાંથી સાભાર)

બાપુએ તો ઘણું લખ્યું છે ગોરક્ષા માટે અને સફાઈ માટે જેને વધુ વાંચવું હોય તે ગાંધીજીના લખાણો વાંચી શકે છે. અસ્તુ

You Might Also Like

0 comments