જાતીય સમાનતામાં ભારત રુવાન્ડા કરતાં ઘણું છેટું (mumbai samachar)

20:23
આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે જ ચંદીગઢમાં વર્નિકાની કારનો પીછો કરી તેનું અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો. આ રીતે છેડતી કરનાર હરિયાણા ભાજપ પ્રમુખનો દીકરો છે. અને હરિયાણા ભાજપ ઉપપ્રમુખે કહ્યું કે યુવતીએ અડધી રાત્રે બહાર ન નીકળવું જોઈએ. શું કામ કોઈ પુરુષના બહાર નીકળવા પર કે આવા વર્તનને નથી વખોડતું? કારણ એક જ પિતૃસત્તાક માનસિકતા અને જાતીય અસમાનતા જે આપણે ત્યાં છે. સારું છે કે વર્નિકાના પિતાએ કહ્યું કે મારી દીકરીને પણ બીજાઓની જેમ કોઈપણ સમયે બહાર જવાનો અધિકાર છે. દીકરી બચાવો, દીકરી ભણાવોનું અભિયાન શું ખરેખર આપણી માનસિકતામાં છે? વર્લ્ડ ઈકોનોમિક ફોરમસ ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ ૨૦૧૬માં રુવાન્ડા પાંચમા, નામિબિયા બારમાં અને બુરુન્ડી ચૌદમાં સ્થાને છે. આ દેશોમાં જાતીય સમાનતા લાવવા માટે કાયદાકીય સુધારા કરવામાં આવ્યા છે. જો કે ભારતમાં તો બંધારણમાં જ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે . સિત્તેર વરસ પહેલાં જ આપણે જાતીય ભેદભાવ ન રાખવાનું નક્કી કર્યું છે. તે છતાં વ્યવહારમાં સ્ત્રીઓને સમાન અધિકાર મળતો નથી. અમેરિકા પણ રુવાન્ડા જેવા નાનકડા અને ગરીબ દેશો કરતાં ઘણું પાછળ છે. છેક ૪૫મા સ્થાને.

આ આંકડાઓનો અર્થ કદાચ મોટાભાગના લોકોને ન સમજાય. લોકોને લાગે છે કે આજે તો મોટાભાગની સ્ત્રીઓ ભણે છે, નોકરી કરે છે. રમતગમતમાં કેટલાય મેડલો જીતે છે. પચાસ વરસ પહેલાં સ્ત્રીઓની જે સ્થિતિ હતી તેનાથી તો આજે સ્ત્રીઓની સ્થિતિ ઘણી સારી છે. નકામું જ આ નારીવાદીઓ બૂમાબૂમ કરે છે. કબૂલ કે સ્ત્રીઓ પહેલાં કરતાં વધુ સ્વતંત્ર થઈ અને ઘરની બહાર જતી થઈ, પરંતુ ડિસિઝન મેકિંગમાં સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે. ઘરમાં શાક શું લાવવું તેનો અધિકાર સ્ત્રીઓને ભલે હોય પણ ઘરના આર્થિક નિર્ણયો લેવામાં સ્ત્રીઓને બાકાત રાખવામાં આવે છે. કામના સ્થળે પણ ઉચ્ચ હોદ્દા ઉપર હજી માંડ દસેક ટકા સ્ત્રીઓ પાસે નિર્ણય લેવાના અધિકાર હશે. ક્લાર્ક તરીકે કે શિક્ષિકા તરીકે કામ કરવું અને બોસ કે મુખ્ય અધિકારી તરીકે કામ કરવું એ બેમાં ઘણો ફરક છે. અરે વર્નિકા સાથે થયેલા પ્રકરણ બાદ નેતાઓ હંમેશની જેમ સ્ત્રીઓને જ દોષી ગણતા હોય તો પછી બીજી વાત જ ક્યાં કરવી.

યાદ હોય તો રુવાન્ડામાં વીસ વરસ પહેલાં નરસંહાર ચાલી રહ્યો હતો. આંતરવિગ્રહ અને પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને લીધે રુવાન્ડા છિન્નભિન્ન થઈ ગયું હતું. ૧૯૯૪ પછી રુવાન્ડાની વસતિમાં ૭૦ ટકા સ્ત્રીઓ હતી. રુવાન્ડાની સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓ પડી ભાંગી હતી. તેનું ફરીથી નિર્માણ કરવાની જવાબદારી સ્ત્રીઓ પર આવી પડી. અત્યાર સુધી પરંપરિક પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં જીવતાં રાષ્ટ્રની દોર જ્યારે સ્ત્રીઓએ સંભાળી તે ઝડપથી ઊભું થયું એટલું જ નહીં તેનો વિકાસ પણ થવા માંડ્યો. અત્યાર સુધી પિતૃસત્તાક માનસિકતાને લીધે જ પુરુષો કમાઈ મૂઆ એવું કહેવું અતિશયોક્તિ નથી.

૨૦૦૩માં ત્યાંના કાયદામાં જ એવી જોગવાઈ કરીને સ્ત્રીઓને સમાન અધિકાર તો આપ્યો જ પણ દરેક ડિસિઝન મેકિંગ હોદ્દા પર ઓછામાં ઓછી ત્રીસ ટકા સ્ત્રીઓ હોય તેવું ફરજિયાત કરવામાં આવ્યું. આ જોગવાઈ દુનિયાના કોઈ જ દેશોમાં નથી. દુનિયાભરમાં રુવાન્ડાની પાર્લામેન્ટમાં સૌથી વધારે સ્ત્રીઓની સંખ્યા છે. ૨૦૧૩માં તો રુવાન્ડાની પાર્લામેન્ટમાં ૬૪ ટકા સ્ત્રીઓ હતી. આપણે ત્યાં પંચાયતી રાજમાં અને નગરપાલિકા લેવલે સ્ત્રીઓને પચાસ ટકા ભાગીદારી આપવામાં આવી છે, પણ હજી લોકસભામાં તેત્રીસ ટકાનું બીલ પાસ નથી થતું. રુવાન્ડામાં કાયદાકીય રીતે ફેરફાર કરીને સ્ત્રીઓને સમાન અધિકારની વાત ફક્ત કાગળ પર કે પૉલિસીમાં જ ન રહી જાય પણ તેનો ખરેખર અમલ થાય તેની કાળજી લેવામાં આવી.

સ્ત્રીઓ પર થતી હિંસા અટકે એટલું જ નહીં, જો કોઈ સ્ત્રી હિંસાની ફરિયાદ લઈને જાય તો એક જ સ્થળે તેને કાયદાકીય ન્યાય તો મળે જ પણ તેને બીજી દરેક મદદ મળી રહે અને પોતાનું જીવન યોગ્ય રીતે જીવી શકે તેવો દરેક ટેકો કાયદો આપે. આપણે ત્યાં તો કાયદાઓ હોવા છતાં સ્ત્રીઓ ઉપર બળાત્કારથી લઈને દરેક પ્રકારની હિંસામાં વધારો થઈ રહ્યો છે. સ્ત્રીઓની સલામતી જોખમાઈ રહી છે. કારણ કે પિતૃસત્તાક વિચારસરણી બદલાતી નથી. સમાન અધિકાર માટે સ્ત્રીઓને નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ઉચ્ચ અધિકારી હોદ્દાઓ પર સ્ત્રીઓની સંખ્યા વધવી જોઈએ.

આપણે જે રમત ક્રિકેટને ભગવાનની જેમ પૂજીએ છે તે રમતગમતમાં પણ સ્ત્રીઓને કેટલો અન્યાય થઈ રહ્યો છે તેની વાતો જરૂર થઈ પણ તે દૂર કરવાના પગલાં લેવાયા ખરા? કેમ બીસીસીઆઈના હોદ્દેદારોમાં કોઈ સ્ત્રી નથી? કેમ સ્ત્રી ખેલાડીને પુરુષ ખેલાડી જેટલાં જ રૂપિયા અપાતા નથી? જો દેશની વસતિ ૫૦ ટકા સ્ત્રીઓની હોય તો પાર્લામેન્ટમાં કેમ પચાસ ટકા પ્રતિનિધિત્વ નથી? વિશ્ર્વભરમાં હજીપણ સ્ત્રીઓને પુરુષો કરતાં લગભગ ૩૦ ટકા પગાર ઓછો અપાય છે. પછી ભલેને સ્ત્રી એટલું જ કામ કેમ ન કરતી હોય કે તેની કાર્યક્ષમતા પુરુષ કરતાં વધુ સારી કેમ ન હોય.

ઈકોનોમિક પાર્ટિસિપેશન અને ઓપોર્ચ્યુનિટી (આર્થિક ક્ષેત્રે ભાગીદારી અને તક) બાબતે જેન્ડર ગેપ ક્રમાંકમાં ૧૩૬મા સ્થાને, શિક્ષણક્ષેત્રે સમાનતામાં ૧૧૩મા સ્થાને, સ્વાસ્થ્ય અને સેક્સ રેશિયોમાં ૧૪૨મું અને પોલિટિકલ એમ્પાવરમેન્ટમાં નવમું સ્થાન આપણને વિશ્ર્વના ૧૪૪મા દેશોમાંથી મળ્યું છે. આ બધાની ગણતરી કરીને ૮૭મા સ્થાને આપણે પહોંચ્યા છીએ. આ બધી ગણતરી આપણે ત્યાં સ્ત્રીઓને કેટલા અધિકાર અને તેમની સ્થિતિનો અંદાજ મેળવ્યા બાદ કરવામાં આવે છે. રુવાન્ડામાં ૮૬ ટકા સ્ત્રીઓ કામ કરે છે જે દુનિયામાં સૌથી વધુ છે. જ્યારે ભારતમાં ફક્ત ૨૭ ટકા સ્ત્રીઓ બહાર કામ કરે છે. જો કે એનો અર્થ એ નહીં કે બાકીની સ્ત્રીઓ કામ નથી કરતી પણ આપણે ત્યાં ઘરકામને ઉત્પાદકીય કામ ગણવામાં નથી આવતું. એટલે તેની ગણતરી જીડીપીમાં (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ) નથી કરવામાં આવતી. ભારતમાં સ્ત્રીઓને પચાસ ટકા ઓછું વળતર આપવામાં આવે છે અને વ્હાઈટ કોલર નોકરી એટલે કે ઊચ્ચ હોદ્દા પર જેન્ડર પે ગેપ ૨૭ ટકા છે.

જ્યારે સ્ત્રીઓ પર થતાં અત્યાચાર અને હિંસા જેવા ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બળાત્કાર, દહેજને કારણે થતાં મૃત્યુ તેમજ ઓનર કિલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે તે આપણે અનુભવીએ જ છીએ. પિતૃસત્તાક સામાજિક માનસિકતાને કારણે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં ઓછી છે તે ૨૦૧૧ના સેન્સસમાં સાબિત થયું હતું. જાતિપરીક્ષણ આપણે ત્યાં કાયદાકીય ગુનો હોવા છતાં છોકરાઓ કરતાં છોકરીઓનું જન્મપ્રમાણ ઓછું જ છે. નેશનલ ફેમિલી અને હેલ્થ સર્વેનો ૨૦૦૫-૬ના આંકડા જ મળે છે તે દ્વારા જાણવા મળે છે કે ૩૭ ટકા પરિણીત મહિલાઓ પતિની દ્વારા થતી શારીરિક અથવા સેક્સુઅલ હિંસાનો ભોગ બને છે.

સ્ત્રી સમાનતા ફક્ત દીકરીઓની સાથે ફોટા પડાવવાથી કે તેને ભણાવવાથી જ નહીં આવે. છોકરીઓને પણ દીકરાની માનસિકતાથી ઉછેરવી પડશે. છોકરીઓ અને છોકરાઓના ઉછેરમાં થતાં ભેદભાવ ઘરમાંથી જ દૂર કરવા પડશે. આજે પણ આપણા ઘરોમાં છોકરીઓ માટેના નિયમો જુદા હોય છે. એ રાખવા જ પડે એવી બાલિશ દલીલો હવે તો ન કરીએ. સ્ત્રી જાતિ માટેનો આદર જો દીકરાના મનમાં રોપવામાં આવશે તો પણ ઘણો ફરક પડશે. સ્ત્રી હોવા માત્રથી તેના કામ જુદાં અને પુરુષોના કામ જુદાં એ યોગ્ય નથી. કામને જાતિ નથી હોતી. બાળક પેદા કરવા સિવાયના દરેક કામ બન્ને જાતિ કરી શકે છે. જાતીય અસમાનતા વિચારમાંથી દૂર થશે તો વ્યવહારમાં પણ આવશે. પુરુષો જ નહીં આજે તો સ્ત્રીઓ પણ જાતીય ભેદભાવની પિતૃસત્તાક માનસિકતામાં જીવે છે. બદલાવ આવ્યો છે પણ હજી ઘણા પરિવર્તનની જરૂર છે નહીં તો સમાનતા આવતાં હજી સદીઓ લાગે તો નવાઈ નહીં.

You Might Also Like

2 comments

  1. મૂળભુત શિક્ષણ પધ્ધ્તિ બદલાવી જરૂરી છે.

    ReplyDelete
  2. સાચી વાત ડુમસિયાજી

    ReplyDelete