મૂળભૂત અધિકાર અને ભારતીય સ્ત્રી (mumbai samachar 24-8-17)

03:33


       




ઐતિહાસિક દિવસ ભારતીય મુસ્લિમ સ્ત્રીઓએ અનુભવ્યો, જ્યારે ૨૨ ઑગસ્ટે સુપ્રીમ કોર્ટ કહ્યું કે ટ્રિપલ તલાકનો કાયદો ભારતીય સંવિધાનની વિરુદ્ધ છે. છ મહિનામાં સરકાર દ્વારા નવો કાયદો ઘડવામાં આવશે જેમાં અસમાનતા ન હોય તેનું ધ્યાન રાખવામાં આવશે. કેટલાકને સમાનતાનો અધિકાર હોય ને કેટલાકને ન હોય ત્યાં સુધી સમાન અધિકારો સંવિધાનમાં હોય તો પણ તેનાથી કશો જ ફરક પડતો નથી. ભારતીય સંવિધાનમાં દરેક વ્યક્તિને સમાન અધિકાર આપવામાં આવ્યો છે, પણ મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે અત્યાર સુધી મુસ્લિમ સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો હતો. અનેક મુસ્લિમ સ્ત્રીઓને તલાક આપીને ફારગતી આપી દેવામાં આવતી હતી, જેમાં ભારતીય કાયદા પ્રમાણે કોઈ ન્યાય મળી શકતો નહીં.

એક તો મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓને બુરખાની સાથે અનેક પાબંદીઓ સહન કરવી પડતી હતી. સ્ત્રીઓને સ્વતંત્રતાનો અધિકાર સહેલાઈથી મળતો નહીં. તેમણે ભણવું કે કારકિર્દી બનાવવાની સહજ સ્વતંત્રતા મળતી નથી. તેઓ દરેક બાબતે પિતા અને પતિ પર નિર્ભર રહે છે.

વળી તલાકના નામે આ સ્ત્રીઓ સતત ભયમાં રહેતી હતી. સ્ત્રીઓ તલાક આપી શકે નહીં અને પુરુષો તલાકના નામે સતત પોતાની પત્નીને ભયમાં રાખતા. વળી તલાક બાદ સ્ત્રીઓનું પોતાનું ઘર હોય નહીં, માતાપિતાના ઘરે જવું પડે, જ્યાં તે બાળકો સાથે જાય તો ભારરૂપ બની રહે.

ભારત સ્વતંત્ર થયાને સિત્તેર વરસ થયા છતાં પિતૃસત્તાક માનસિકતાને કારણે સ્ત્રીઓને સ્વતંત્રતાનો અહેસાસ થયો નથી. ભારત એક એવો દેશ છે કે તેના સંવિધાનમાં એવી જોગવાઈ છે કે જેમાં જાતિ, ધર્મ કે લિંગના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવતો નથી, પણ અત્યાર સુધી મુસ્લિમ સ્ત્રીઓ તેમાંથી બાકાત હતી, કારણ કે લગ્ન બાબતે મુસ્લિમ પર્સનલ લો લાગુ પડતો હતો તેઓ ભારતીય કાયદા હેઠળ આવતા નહોતા.

આ ચુકાદો જે આપણે ઊજવી રહ્યા છે તેના પાયામાં શાહબાનો છે. ૧૯૮૫ની સાલથી મુસ્લિમ સ્ત્રીઓ પોતાને થતાં અન્યાયને દૂર કરવા માટે અદાલતના દ્વાર ખટખટાવી પોતાના અધિકારની માગ કરતી આવી છે. તેનો ઈતિહાસ જોઈએ તો શાહબાનો કેસની વાત કરવી પડે.

૩૧ વરસ પહેલાં ૨૩ એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો શાહબાનો કેસમાં. શાહબાનોને દર મહિને તેના પતિ તરફથી રૂપિયા ૧૭૯.૨૦ પૈસા ભરણપોષણ તરીકે મળવા જોઈએ. ૧૯૭૮ની સાલમાં ઈન્દોરમાં રહેતી શાહબાનોને તેના પતિએ તલાક આપી દીધા બાદ પાંચ બાળકોના ભરણપોષણનો સવાલ આવ્યો. શાહબાનોએ ૧૯૮૫ની સાલમાં અદાલતમાં ભરણપોષણની માગણી કરી હતી, કારણ કે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે તલાક બાદ ફક્ત ૯૦ દિવસ સુધી જ તેનો પતિ ભરણપોષણ આપે. ખાસ્સો ઊહાપોહ થયો હતો તે સમયે. કૉંગ્રેસ ત્યારે સત્તા પર હતી. ૧૯૮૬માં મુસ્લિમ વિમેન્સ ઍક્ટ (પ્રોટેકશન ઍન્ડ રાઈટ્સ ઑફ ડાયવોર્સ) ઘડવામાં આવ્યો.

કોર્ટે કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિઝર ૧૯૭૩ હેઠળ સેકશન ૧૨૫ દ્વારા કોઈપણ ઘર્મની મહિલાને ૫૦૦ રૂપિયા સુધીના ભરણપોષણનો અધિકાર આપ્યો હતો, પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. સરકાર સાથે અનેક વાટાઘાટ બાદ તેને મુસ્લિમ લો બોર્ડની મરજી પર છોડી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ અનેક સ્ત્રીઓએ પોતાની સાથે થતાં અન્યાયને માટે કાયદાની મદદ માગી હતી, તે વખતે પણ કોર્ટે ઉપરોક્ત કાયદાની વાત કરી છે. ૨૦૦૯માં પણ કોર્ટે ફરી કહ્યું કે સેકશન ૧૨૫ મુસ્લિમ સ્ત્રીઓને પણ ભરણપોષણ માટે લાગુ પડે છે.

૨૦૧૬ના એપ્રિલ મહિનામાં ઉત્તરાખંડના કાશીપુરમાં રહેતી શાયરાબાનોને ૨૦૧૫ના ઓક્ટોબર મહિનામાં અલાહાબાદમાં રહેતા તેના પતિ રિઝવાને ત્રણ વખત તલાક લખી મોકલીને છૂટાછેડા આપી દીધા. શાયરાબાનોએ ભરણપોષણ માટે નહીં પણ મુસ્લિમ લો પ્રમાણે પત્નીને તલાક બોલીને કે લખીને લગ્ન તોડી નાખવાનો અધિકાર આપ્યો છે તેની સામે તેમ જ હલાલાની પ્રથા સામે વિરોધ કરતા કેસ કર્યો.

આ બન્ને બાબત સ્ત્રીઓના અધિકારને છીનવી લેનારી છે. હલાલામાં મુસ્લિમ લો પ્રમાણે તો જો પતિએ ફરીથી છૂટાછેડા આપેલી પત્ની સાથે લગ્નગ્રંથિથી જોડાવું હોય તો, પત્નીએ બીજા પુરુષ સાથે નિકાહ કરી લગ્નનો ભોગવટો થયા

બાદ જ તે પહેલા પતિ સાથે નિકાહ કરી જોડાઈ શકે.

ધારો કે ઉતાવળમાં આવીને પતિ ત્રણ વખત તલાક બોલી દે અને પછી પસ્તાય તો કોઈ ઉપાય નથી રહેતો . પતિ અને ખાસ કરીને પત્નીએ તેના પરિણામ ભોગવવાં પડે. ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાને મુદ્દે ઘણા વખતથી સુધરેલા મુસ્લિમ મહિલાઓ અને પુરુષો કાયદામાં સુધારાની માગણી કરી રહ્યા છે. ભારત સિવાય અન્ય ૨૨ જેટલા દેશોમાં ત્રણ વખત તલાકને છૂટાછેડા માનવામાં આવતા નથી. તેમાં મોટેભાગે મુસ્લિમ દેશો છે. પાકિસ્તાન અને બંગલાદેશમાં પણ ટ્રીપલ તલાક પર બેન છે. શાહબાનો અને શાયરાબાનો કેસ સાથે કોમન સિવિલ કોડની ચર્ચાઓ જોર પકડે છે. ભારતમાં કોમન સિવિલ કોડની માગણીનો કેસ પણ ચાલી રહ્યો છે. ૧૯૪૮ની સાલમાં ભારતીય બંધારણ લખાતું હતું તે સમયે બાબાસાહેબ આંબેડકર કોમન સિવિલ કોડ લાવવા બાબતે મક્કમ હતા. તેમણે સવાલ પણ ઉઠાવ્યો હતો કે આપણે જો મૂળભૂત ભેદભાવ સમાજમાંથી દૂર કરી સમાનતા ન લાવી શકીએ તો સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી રહેતો. જવાહરલાલ નહેરુ પણ બાબાસાહેબ આંબેડકરની સાથે કોમન સિવિલ કોડ બાબતે સહમત હતા. કોમન સિવિલ કોડ ૧૯૪૮માં ડ્રાફ્ટ થઈ ગયો હતો પણ નહેરુએ થોડી રાહ જોવાનું કહ્યું. ૧૯૫૦ની સાલ સુધી સંસદમાં મૂકવામાં આવ્યો ત્યારે તેઓ જાણતાં જ હતા તે પ્રમાણે કોમન સિવિલ કોડનો વિરોધ થયો. મુસ્લિમોએ જ નહીં હિન્દુઓએ પણ વિરોધ કર્યો હતો. આખરે આંબેડકરે રાજીનામું આપી દીધું. તેમને આશા હતી કે ભવિષ્યમાં સિવિલ કોડ પાસ થઈ શકશે.

જાતીય અસમાનતા દૂર કરવા માટે શી ખબર કેટલાં વરસો રાહ જોવી પડશે. ધર્મની વાત નથી અહીં જાતીય અસમાનતાનો શિકાર સ્ત્રીઓ જો વીસમી સદીમાં પણ બનતી હોય તો આપણે વિચારવું રહ્યું કે શું ખરેખર આને વિકાસ કહેવાય? હિન્દુ હોય કે મુસ્લિમ સમાજ હોય સુધારાવાદી અને પારંપરિક વિચાર ધરાવતી વ્યક્તિઓ દરેક ધર્મમાં હોય જ છે.

શાહબાનો આજે જીવિત નથી પણ પોતાના મૂળભૂત અધિકાર માટે તેમણે લડવાની હિંમત કરી હતી. શાયરાબાનો આજે પોતાનાં બાળકોથી દૂર થઈ ગઈ છે. બાળકો તેના પતિ પાસે છે. તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવ્યો હતો. અને લગ્નના ૧૬ વરસ પછી તેના પતિએ લેખિતમાં તલાક આપી દીધા. આવી અનેક રસમો દુનિયાભરમાં ચાલી રહી છે જેમાં સ્ત્રી હોવામાત્રથી સહન કરવું પડતું હોય. પછી તે શાહબાનો હોય, શાયરા હોય કે શર્મિલા કે શેરિલ હોય. જાતિ, ધર્મ, વર્ણનો ભેદભાવ ન કરવો તેવું આપણા બંધારણમાં હોવા છતાં અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી.

આજે શાહબાનોની હિંમત અને શાયરાબાનુના સાહસની જીત થઈ છે. સમાન અધિકાર માટેનું પહેલું પગલું ભારતે સિત્તેર વરસ બાદ ભરવાની હિંમત કરી છે. સ્ત્રીઓએ આર્થિક રીતે સ્વતંત્ર બનવાના પ્રયત્નો કરવા જ જોઈએ. તે જ્યારે કોઈપર નિર્ભર હોય છે ત્યારે જ તેની નબળાઈનો લાભ લેવામાં આવે છે. સાચી સ્વતંત્રતાતો આર્થિક રીતે પગભર સ્ત્રી જ મેળવી શકે છે. બાકી તો તેના પર માતાપિતાને ઘરે કે સાસરિયામાં દરેક જગ્યાએ અન્યાયનો સામનો કરવો જ પડે છે. લગ્ન અને બાળકોની જવાબદારી બન્ને પક્ષની હોય છે. તેમાં એકનું શોષણ થાય તો તે યોગ્ય નથી.



You Might Also Like

0 comments