માફ કરશો આ લેખ માત્ર જૈન માટે નથી. (saanj samachar)

11:08

ઓપન માઈન્ડ 6  શું કોઈની માફી ફોર્વડ મેસેજ દ્વારા માગી શકાય? માફી માગવાની  સાચી રીત આપણે  ભૂલી રહ્યા છીએ?    

મિચ્છામી દુક્કડમ જો આ લેખ વાંચીને જાણેઅજાણે તમને મારાથી  દુખ પહોંચ્યું હોય તો એવું મારે નથી કહેવું કારણ કે જાગૃતિ માટે કેટલીક પીડા આવશ્યક છે. નહીં તો સુખાંતે સુવાનું આપણને સૌને ગમે છે.  છેલ્લા પાંચેક વરસથી સંવત્સરીના દિવસો પહેલાંથી જ લોકો તમારી માફી માગતા સંદેશાનો મારો મોબાઈલ પર ચલાવે. નવાઈતો ત્યારે લાગે કે જેની સાથે આખાય વરસમાં  કોઈ સંપર્ક ન થયો હોય તેઓ પણ માફી માગતા સંદેશ મોકલે ત્યારે ગુસ્સો આવે. હકિકતે તો ગુસ્સો, ક્રોધ જેવા કષાયને બાજુએ મૂકીને માફી માગવામાં આવે છે અને આપવાની હોય છે. આવું જ્ઞાન છતાં મેસેજીસ ડિલિટ કરતાં મનમાં કષાય ઉત્પન્ન થાય જ છે. વળી એનું પ્રાયશ્ચિત કરવાની જરૂર લાગે છે. કઈ રીતે કરી શકાય?  વિચાર કરતાં જણાય કે સ્થિતપ્રજ્ઞ બનીને દરવરસની જેમ સામે સ્માઈલી મૂકીને હાથ જોડીને શાંતિથી મેસેજ ડિલિટ કરી દેવાનો કે પછી કશો જ વિચાર વગર કે પ્રતિભાવ વગર મેસેજ ડિલિટ કરી દેવાનો અથવા તો મોબાઈલ વાપરવાનો જ બંધ કરી દેવો જોઈએ. આજના યુગમાં અમારા જેવા લેખકોના કામ  મોબાઈલ અને મેઈલ વગર અટકી પડે ત્યાં એવું કરવું શક્ય નથી બનતું.
ખેર, માફી માગવી અને આપવી એ મેસેજ ફોરર્વડ કરવા જેટલી સહેલી  વાત નથી. તે ખૂબ સમજણ માગી લેતી વાત છે. ઔપચારિકતા માટે માફી માગવાથી કષાયની એટલે કે વૃત્તિઓ બદલાતી નથી પણ કદાચ તેમાં ઉમેરણ થાય છે. જેમ કે એકજણે મને કહ્યું કે એમની જેવી વ્યક્તિ જોડે જામે નહીં, તો ય  સામે ચાલીને તેમને માફીનો મેસેજ કરી દીધો પણ તેમનો  જવાબ આવ્યો નહીં. બોલો, હવે શું કહેવું?‘ કશુંય નહીં સાહેબ, આપણે માફી માગી જ નથી શકતા કે માફી આપી જ નથી શકતા. માફી માગવા અને આપવા માટે પહેલાં આત્મસંશોધનનું તપ કરવું પડે. જૈનધર્મમાં પર્યુષણએ તપ કરવા માટેનું પર્વ છે. મનને શાંત કર્યા બાદ જે દર્શન થાય ત્યારબાદ ક્ષમાપનાની સહજ  સ્ફુરણા થાય છે. બાહ્ય તપ એટલે કે ઉપવાસનું મહત્ત્વ નથી જો તમારું અંતકરણ શુદ્ધ અને શાંત ન થાય. શાંત જળમાં પ્રતિબિંબ પણ સ્વચ્છ દેખાય. સાચા મનથી મગાતી માફી સામી વ્યક્તિને પણ ચોક્કસ જ અસર કરે જ છે. ફક્ત જૈન ધર્મમાં જ નહીં આપણા દરેક  ધર્મોમાં ક્ષમાનું ખૂબ મહત્ત્વ છે. એવી જ રીતે મેનેજમેન્ટગુરુઓ પણ તેની નોંધ લે છે.
આખું મહાભારત માફી ન માગવાને કારણે જ બન્યું એવું કહી શકાય. દ્રૌપદીએ દુર્યોધનને ઘરે આવેલા મહેમાનને અપમાનિત કરતાં વેણ કહ્યા. ત્યારબાદ જો માફી માગવામાં આવી હોત તો ય કદાચ શક્ય છે કે આટલું મોટું યુદ્ધ ન થાત. દુર્યોધને પણ મોટું મન રાખી દ્રૌપદીના વેણને અહંકાર સમજીને માફ કરી દીધા હોત તો ય મહાભારત ન રચાત. અહંકાર માણસને અંધ બનાવીને કષાયયુક્ત એટલે કે કામ,ક્રોધ,રાગદ્વેષ યુક્ત વર્તન કરવા પ્રેરે છે. અહીં આપણે રોજબરોજ જે રીતે આપણે સોરી કહીએ છીએ અને તેની પરંપરા સર્જીએ છીએ તે વિશે વાત કરીશું. કારણ કે સોરી શબ્દને આપણે ખૂબ સસ્તો બનાવી દીધો છે. સાયકોલોજીસ્ટ સ્ટિવન શેર અને જ્હોન ડાર્લીએ જરનલ ઓફ સાયોકોલિગ્વિંસ્ટીક રિસર્ચમાં લખેલા લેખમાં માફી માગતા પહેલાં ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની વાત લખે છે. આપણા ધર્મમાં પણ આજ વાત કહેવાઈ છે, પણ વિદેશ અને વિદેશી વસ્તુઓ આપણને જલ્દી  અસર કરે છે. વળી તે કોઈ એક ધર્મ કે સંપ્રદાયની વાત નહી રહે એટલે આપણા મનના પૂર્વગ્રહો કદાચ આપણને ન નડે. તેઓ લખે છે કે સૌ પહેલાં તો તમે માફી માગો તો દિલથી માગો. ઔપચારિકતા માટે સોરી શબ્દ કહેવાનો અર્થ નથી રહેતો. દિલથી કહેવાયેલા શબ્દોની અસર થાય જ છે. તમને લાગે કે તમારું વર્તન કે શબ્દો કોઈને વાગ્યા છે તો તરત જ માફી માગો. સમય વીતી ગયા બાદ તેનો કોઈ અર્થ નથી રહેતો.
તેમનો બીજો પોઈન્ટ છે તમે સામી વ્યક્તિના દુખને અનુભવો છો તે જાહેર કરો. ધારો કે તમે કોઈને અપમાનિત કર્યા હોય ઓફિસમાં કે ઘરમાં બધાની વચ્ચે તો તેમને કહી શકાય કે બધાની સામે તમને ઉતારી પાડતાં વેણ કહ્યા તેથી તમને કેટલું દુખ થયું હશે તે હું સમજી શકું છું અને તેનું મને દુખ છે એટલે હું મારા એ બેજવાબદાર વર્તન બદલ માફી માગુ છું. પણ થાય છે શું કે આપણે માફી માગતી સમયે પણ કહેતા હોઈએ છીએ કે મારાથી ખોટું સહન નથી થતું, તેથી મને ત્યારે ગુસ્સો આવ્યો હતો. બાકી તમને હર્ટ કરવાનો મારો કોઈ ઈરાદો નથી. સોરી.... આ યોગ્ય રીત નથી. માફી માગતી સમયે કે આપતી સમયે તમારે તમારા વર્તનની જવાબદારી લેવાની હોય છે. બીજાના વર્તનની નહીં.
ત્રીજો મુદ્દો તેઓ લખે છે કે તમારા જે વર્તનથી સામી વ્યક્તિને દુખ કે નુકસાન પહોંચ્યું હોય છે તેને શક્ય હોય તો ઓછું કરવાની તૈયારી બતાવો. જેમકે તમે તે વ્યક્તિને બીજાઓની સામે અપમાનિત  કરી હોય તો એ બધી વ્યક્તિની સામે માફી માગી શકાય કે પછી તેમને એ જ વ્યક્તિઓની સામે બિરદાવીને યોગ્યતા સાબિત કરાવી શકાય. આ બન્ને બાબત ઉપકાર કરતાં હોય તે રીતે નહીં પણ નમ્રતા અને વિવેકપૂર્ણ રીતે કરી શકાય. એનો અર્થ એ કે કેટલાક માફી પણ એ રીતે માગતા હોય છે કે જાણે બીજા પર ઉપકાર કરતા હોય.
છેલ્લે ચોથો મુદ્દો એ છે કે તમે માફી માગવા સાથે સામી વ્યક્તિને અહેસાસ  કરાવો કે આવું ફરીથી નહીં થાય. તમે કહી શકો કે હું મારા ગુસ્સાને કાબુમાં રાખવાનો કે મારા સ્ટ્રેસને ન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરીશ. મોટેભાગે આપણે ઘરની વ્યક્તિઓ પર કે ઓફિસની નાની વ્યક્તિઓ પર  બહારનો ગુસ્સો કે તાણ ઠાલવતાં હોઈએ છીએ. પછી આપણે સોરી કહી દઈએ. આવું વારંવાર બનતું હોય તો એ સાબિત થાય કે તમને એ વ્યક્તિની પરવા નથી. નાનામાં નાની દરેક વ્યક્તિનું સ્વમાન જાળવવાની આપણી જવાબદારી હોય છે. જો આપણે બદલાવવાના નથી તો સોરી કહેવાનો ય કોઈ અર્થ નથી રહેતો.  તમારા વર્તનની જવાબદારી તમે લેતા હો, તો તેને બદલવાની તૈયારી પણ રાખવી જ પડે. ભૂલ સામી વ્યક્તિની હતી અને તમે ગુસ્સો થયા અને તેને અપમાનિત કરી. આમ ભૂલ બેવડાઈ પણ તમને ખબર છે કે ગુસ્સો થવા કરતાં શાંતિથી એ વ્યક્તિને તેની ભૂલ એકાંતમાં બતાવી શકાય. તે માટે તમે શું એકશન લો છો તે ગૌણ છે પણ સામી વ્યક્તિને  બીજાઓની સામે ઉતારી પાડીને કે અપમાનિત કરીને સુધારી શકવાના નથી પણ વધારે દુખ પહોંચાડશો. મોટેભાગે આપણે નજીકની વ્યક્તિઓ સાથે આવું વર્તન કરતાં હોઈએ છીએ અને તેમને આપણે વારંવાર હર્ટ કરીને કહેવા ખાતર માફી માગી લેતા હોઈએ છીએ. તેનો કોઈ અર્થ નથી રહેતો અને બને છે એવું કે આપણે ભૂલોની પરંપરા રચીએ છીએ. ટુંકમાં માગવા ખાતર માફી માગવોનો કોઈ અર્થ સરતો નથી. પરિસ્થિતિ બદલાતી નથી.
આપણા ધર્મોમાં ક્ષમાને વીરસ્ય ભૂષણમ્ કહ્યું છે તે  એમને એમ જ નહીં. કારણ કે ક્ષમા માગનાર અને આપનારે સમજપૂર્વક પોતાની જાતને તૈયાર કરવી પડતી હોય છે. તેની જવાબદારી ઉપાડવાની તૈયારી સાથે માફી માગવાની કે આપવાની હોય છે. જવાબદારી અને સમજણ વિનાની માફી ફક્ત ફોર્વડીયો મેસેજ જ બની શકે. એવો શબ્દ કે જેમાં કોઈ પ્રાણ જ ન હોય.
 


You Might Also Like

0 comments