હે દેવી, માતૃરૂપેણ સંસ્થિતા, પણ અપવિત્ર (mumbai samachar)

05:43


હાલમાં સોશિયલ મીડિયા પર માસિક ધર્મને લઈને અનેક વિચારો આગ ઓકી રહ્યા છે. ગયા મહિને જ સૌરાષ્ટ્ર જવાનું થયું ત્યારે મિત્રને ઘરે સ્ત્રીઓએ ઉપવાસ કર્યો હતો. સામા પાંચમનો. આજે એકવીસમી સદીમાં ભણેલી ગણેલી સ્ત્રીઓ ઉપવાસ કરે એ સારી જ વાત છે, પરંતુ સ્ત્રી હોવાને કારણે થતી ભૂલ કે પોતાને અપવિત્ર માનીને ઉપવાસ કરવો તે જરા ખટક્યું.

યાદ આવ્યું કે મને પણ સમાજે સમજાવ્યું હતું કે સ્ત્રીઓ અપવિત્ર હોય એટલે વરસમાં એકવાર પોતાને કષ્ટ આપીને ભગવાનની માફી માગવી જોઈએ. નવરાત્રીમાં માતૃસ્વરૂપે પૂજાતી સ્ત્રીને અપવિત્ર ગણવી કેટલી વિરુદ્ધ બાબત?

નારી તું નારાયણી કહેનાર સમાજ જ સ્ત્રીને ફક્ત સ્ત્રી હોવાને કારણે જ અપવિત્ર ગણાવતા અચકાતો નથી. સ્ત્રી જો રજસ્વલા થાય તો જ માતા બની શકે તે કુદરતી બાબતને સમય આવે કેટલી આસાનીથી ભૂલી જવાય છે. માતાજીને પૂજનારો સમાજ સ્ત્રીને અપવિત્ર કહીને તેને ગર્ભગૃહમાં કે મંદિરમાં પ્રવેશ આપતો નથી.

માતા સીતાએ અગ્નિપરીક્ષા આપી છતાં પુરુષોત્તમ ગણાતા રામે તેમનો ત્યાગ કર્યો હતો. તો ધારો કે સીતાએ અગ્નિપરીક્ષા આપવાની ના પાડી હોત તો શું ફરક પડી જાત? તો કદાચ સ્ત્રીઓને આજે પવિત્રતાની અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થવું ન પડત.

આપણા વિદ્વાન અભ્યાસુ ડૉ. ગૌતમ પટેલને મળવાનું બન્યું. તેમણે રામાયણનો અભ્યાસ કરીને દેશવિદેશમાં પેપર રજૂ કર્યા છે તેમ જ અનેક પુસ્તકો પણ લખ્યાં છે. તેમણે મને કહ્યું કે મૂળ રામાયણમાં સીતા અગ્નિ પરીક્ષાનો પ્રસંગ છે જ નહીં. તે પાછળથી ઉમેરાયો છે જ્યારે તેને નાટ્યસ્વરૂપ અપાયું તે સમયે. નાટક તોજ બને જો તેમાં નાટ્યાત્મકતા હોય. વાત સાચી જ છે.

આજે પણ અનેક ધારાવાહિકોમાં નાટ્યાત્મકતાનો ઉપયોગ થઈ જ રહ્યો છે. એટલે આ અપવિત્ર અને પવિત્ર હોવાની વાત ફક્તને ફક્ત સ્ત્રી માટે જ હોય તે સ્થાપિત કરવા માટે આ પ્રસંગ લાવવો કદાચ જરૂરી હતો. આ પવિત્રતાની વાત એટલી હદે આપણાં (સ્ત્રીઓના) લોહીમાં વણાઈ ગઈ છે કે હજી ય આપણી આસપાસ એવી

સ્ત્રીઓ મળી રહેશે જે પોતાને કોઈને કોઈ કારણસર અપવિત્ર માનતી હશે.

જેમકે... ‘તુલસી મારે ત્યાં થતાં જ નથી. મારું ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને આવતાં જતાં ટાઈમમાં બેસતી સ્ત્રીઓનો પડછાયો પડી જતો હશે.’ પત્રકારત્વમાં કામ કરતી એક યુવાન છોકરીએ વાતવાતમાં મને કહ્યું.

‘શીટ યાર આ મેન્સીસ પણ આવતા અઠવાડિયે આવશે. મારી ઑફિસમાં સત્યનારાયણની પૂજા રાખી છે. હવે મારે મેન્સીસ મોડું આવે તેની ગોળીઓ ગળવી પડશે.’ બૅંકમાં ઑફિસર તરીકે કામ કરતી ૪૦ વરસીય મહિલાએ કહ્યું.

જો આપણે મહિલાઓ જ પોતાની જાતને નીચી, અપવિત્ર માનવાનું ચાલુ રાખીશું તો શંકરાચાર્ય જેવા ધર્મગુરુઓ પણ કહેશે કે સ્ત્રીઓ જો શનિની પૂજા કરશે તો સ્ત્રીઓ પરના બળાત્કારોમાં વધારો થશે, આવા ધડમાથા વગરના વાક્ય સાંભળીને નવાઈ ન લાગવી જોઈએ. બળાત્કાર વધશે એનો અર્થ એ કે સ્ત્રીઓને સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિચારવાનો અધિકાર નથી. સ્ત્રીઓના અવાજને દબાવી દેવા માટે સજા કરવાની આ બર્બર રીત સદીઓથી ચાલી આવી છે.

શંકરાચાર્ય જેવા ધર્મગુરુના પદે પહોંચનાર વ્યક્તિ પાસેથી સમાજને યોગ્ય માર્ગદર્શન મળે એવી અપેક્ષા રહે છે. તેઓ જ જો આમ ગમે તેવા સ્ટેટમેન્ટ્સ આપશે તો સમાજમાં તાલિબાની માનસિકતા વધે તો નવાઈ નહીં.

સ્ત્રીઓને માસિક આવે એટલે તે અપવિત્ર છે અને તેનાથી કશે અડાય નહીં તેવી માન્યતાઓ બની છે. હકીકતે સ્ત્રીઓને માસિક વખતે પડતી તકલીફમાં આરામ કરવા મળે એટલા માટે ત્રણ દિવસ ન

અડવાની વાત આવી હશે. બાકી જો માત્ર માસિક આવવાને કારણે જ જો સ્ત્રી અપવિત્ર થતી હોય તો કોઈપણ સ્ત્રીને માસિક આવે તે મંજૂર નથી જ.

સેક્સ એ પુરુષ માટે અપવિત્ર ન હોય તો સ્ત્રી પણ શું કામ તેનાથી અપવિત્ર થવી જોઈએ ? માસિક આવવું કે સેક્સની ઈચ્છા તે બધું જ કુદરતી છે. વળી બળાત્કાર કરનાર પાપી ગણાવો જોઈએ. બળાત્કારનો ભોગ બનનારે શું કામ પોતાને ખરાબ માની શરમ અનુભવવી જોઈએ. આજની શિક્ષિત પ્રજાને આ બધું સમજાવવું પડે છે તે આશ્ર્ચર્યની વાત છે. આપણે જે વિજ્ઞાન ભણીએ છીએ, ભણાવીએ છીએ તે ખોટું છે? એવો પ્રશ્ર્ન જરૂર થાય.

ભગવાનમાં શ્રદ્ધા હોવી એ અલગ વાત છે. આધ્યાત્મિક બાબત છે. મંદિરો અને પૂજા માણસોએ બનાવ્યા છે અને તેના નિયમો પણ માણસોએ બનાવ્યા છે.

આપણા ઉપનિષદોમાં તો આત્માની વાત કરવામાં આવી છે જેને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી. આત્માને ન કોઈ આકાર છે કે ન કોઈ જાતિ કે ધર્મ છે. ખરેખર આ આત્માને કોઈ જાતિ કે ધર્મ હોય તેવું કોઈ શાસ્ત્ર કહે નહીં. હા એ શાસ્ત્રોને તોડી મરોડીને સમજાવનારો મનુષ્ય ચોક્કસ જ કહે, કારણ કે આપણે હવે વેદ-ઉપનિષદ કે ગીતા પણ વાંચતા નથી.

છાંદોગ્ય ઉપનિષદમાં બ્રહ્મ વિશે કહ્યું છે કે આ વિશ્ર્વ તેના મૂળમાં રહેલા કોઈ અગ્નિથી ઊકળી રહ્યું છે, આ અગ્નિ તે વિશ્ર્વના પ્રાણરૂપ રસને અથવા અમૃતને તપાવી રહ્યો છે. તે રસ બરાબર શુદ્ધ થઈને પોતાના સૂક્ષ્મ રૂપમાં સૂર્યની ચારે તરફ ભરાઈ જાય છે. આ પ્રક્રિયા વિરાટ વિશ્ર્વમાં અને વ્યક્તિના આંતરિક માનસમાં પણ થઈ રહી છે. આપણું મન આ જ અમૃતરસને પીને શાંત, પ્રસન્ન અને સમતોલ બની રહે છે.

ચાર દિશાઓ સિવાય પાંચમી દિશા પણ છે, તેને ઊર્ધ્વ કહેલ છે. આ દિશા ગુહ્ય છે. સર્વની ચારે તરફ, સર્વની ઉપર અને સર્વની અંદર તે રહેલી છે. તેનો અધિષ્ઠાતા અધિકાન બ્રહ્મ છે.

આમાં ક્યાંય સ્ત્રી કે પુરુષની વાત નથી. સર્વ એટલે કે બધાની વાત છે. જીવસૃષ્ટિ માત્રની વાત છે. આગળ ઉપનિષદોમાં કે વેદોમાં કે અધ્યાત્મમાં ક્યાંય સ્ત્રીને નિમ્ન ગણવામાં આવી નથી. ઊલટાનું મીરાં તો કહે છે કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ ન હોય. બધા જ ભક્ત ગોપી જ હોય.

ભગવાન પાસે જઈને સ્ત્રી-પુરુષના ભેદભાવ મટી જતા હોય છે. ત્યાં તો ફક્ત આત્મા જ હોય કે જે પરમાત્માને પામવા ઉત્સુક હોય. કોઈ ભૌતિક આસક્તિથી પૂજા ન કરો એવું ધર્મગુરુઓ કહે તો માન્ય છે પણ ગમે તેવાં નિવેદનો કરી સમાજનું અહિત કરતાં ધર્મગુરુઓ તાલિબાની માનસિકતા જ ધરાવતાં હોઈ શકે.

બદલાવની શરૂઆત સ્ત્રીઓએ પોતાને પાપી કે અપવિત્ર ન માનીને કરવી પડશે, કારણ કે સમાજને અને ધર્મગુરુઓને જન્મ આપનારી માતા પણ સ્ત્રી જ છે. સમાજની સોચ બદલવા માટે સ્ત્રીઓએ પોતાની વિચારધારાને વિસ્તૃત કરવી પડશે. નવા સમતોલ સમાજની રચના કરવા શક્તિરૂપે પોતાને જોવી પડશે. નવરાત્રીમાં જે માતાજીની પૂજા થાય છે તે સ્ત્રી સ્વરૂપા છે, શક્તિ સ્વરૂપા છે તે પોતાની દીકરીઓ સાથે અન્યાય ન જ કરે.



You Might Also Like

2 comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. સાચી વાત છે. આભાર વાંચીને કોમેન્ટ લખવા માટે

      Delete