સ્વાદ અને આરોગ્યનો સંગમ

20:54
















મુંબઈ શહેરમાં સ્ટ્રેસ એટલે તાણ હોય એવું બને નહીં. તમારા જીવનમાં તાણ હોય પણ આસપાસના વાતાવરણ એટલું સ્ટ્રેસ ભર્યું હોય કે તેના વાયબ્રેશનની અસર આપણા પર થતી હોય છે. કહેવાય છે કે તાણ ભર્યા વાતાવરણમાં ભોજન કરવાથી તે પચતું નથી, અપચો કરે છે.  મોટાભાગે આપણે ઊભા ઊભા સેન્ડવિચ કે પાઉંવડા દબાવીએ અર્થાત ખાઈએ ત્યારે સ્ટ્રેસ અનુભવાતો હોય છે. પણ મુંબઈગામમાં સમયનો અભાવ હોય છે. તેમાં પણ જ્યારે તમે સ્ટેશનની બહારનો ટ્રાફિક જુઓ ત્યારે ભલભલા શાંત મગજને તાણયુક્ત કરી મુકે. મલાડ  વેસ્ટમાં સ્ટેશનથી ભાદરણ નગર જવું એટલે ટ્રાફિકના દરિયાને પાર કરવા જેવું.  દિવસના કોઈપણ સમયે જાઓ તો ગાડીઓની કતારો અને હોર્નનું પ્રદુષણ તમારા મગજની નસોને તંગ કરવા પૂરતી છે. પણ જેવા એસ. વી રોડ થી ભાદરણ નગરમાં ટર્ન લો કે દુનિયા અચાનક શાંત થઈ જાય. થોડું અંદર જાઓ કે વિચાર આવે કે આપણે અહીં છીએ મલાડમાં? બસ આવો અનુભવ અમને પણ થયો. પણ જેવા આયુશક્તિના કમ્પાઉન્ડમાં દાખલ થાઓ કે શાંતિના સ્પંદનો તમને ઘેરી વળે. આયુશક્તિ મકાનના તળમજલે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વાદશક્તિમાં શાંત ચિત્તે ખાતા કેટલાક વિદેશીઓ જોઈ શકાય. તમે બપોરે ગયા હો તો વધુ શાંતિ લાગે પણ સાંજે જો સ્વાદ શક્તિના બધા ટેબલ ભરેલા હોય તો થોડો અવાજ હોય.
સ્વાદશક્તિનું એમ્બિઅન્સ જોઈને નવાઈ લાગે. આસપાસ રહેણાંક મકાનો,  નોન એસી. ઓપન છતાં બાંબુના પરદા દ્વારા સુંદર આડશ ઊભી કરી છે. સાદું છતાં લાકડાનું ફર્નિચર તમને એસ્થેટિક વાતાવરણ રચી આપે છે. આર્યુવેદના કેટલાક સિદ્ધાંતો આધારિત અહીં દરેક ભોજન બનાવાય છે. ડૉ સ્મિતા નરમ જે હાલમાં કેન્ટિન કમ હોટલ જેવું સરસ વાતાવરણ ધરાવતા સ્વાદશક્તિનું સંચાલન કરે છે તેઓ કહે છે કે, આપણા શરીરમાં ત્રણ દોષ હોય છે વાત, પિત્ત અને કફ. ત્રણે દોષનું સમતુલન કરીને ભોજન કરવામાં આવે તો ભોજન સહેલાઈથી પચી જાય છે. ભોજન પચવાને કારણે અનેક રોગ આપણને થાય છે તે હવે આધુનિક વિજ્ઞાન પણ માને છે. જો કે વાત આપણા આર્યુવેદમાં વરસોથી કહેવામાં આવે છે. આજે જેને જુઓ તેને પિત્ત એટલે કે એસીડીટીની ફરિયાદ કરશે. તેમાં પણ બહારનું ખાઈને તો ખાસ. તો પછી તેનો પર્યાય શું તે અમારે આપવો પડે એટલે સ્વાદશક્તિની શરૂઆત કરી. વળી અહીં અમારા કેટલાય દેશવિદેશના પેશન્ટ ડિટોક્સની ટ્રીટમેન્ટ લેવા આવે ત્યારે તેમણે ભોજનમાં અનેક ચરી પાડવી પડતી હોય છે. એવું ભોજન બહાર મળતું નથી અને ઘરે બનાવવું સહેલું નથી હોતું. એટલે સાદું, સાત્વિક અને સ્વાદવાળું ભોજન જો વ્યક્તિ એકવાર ખાય તો તેને સમજાય અને પછી તે પોતાની લાઈફસ્ટાઈલ બદલી શકે છે. જો ભોજન પચે તો શરીરમાં આમ પેદા નથી થતું. અહીં ભોજન કર્યા બાદ કોઈને અપચો નહીં થાય એની ખાતરી છે. 
સ્વાદશક્તિ રેસ્ટોરન્ટના મેનુ પર પણ લખેલું છે કે આર્યુવેદિક ફુડ જે  જોવામાં તો સુંદર છે, ખાવામાં આરોગ્યપ્રદ છે અને સ્વાદથી ભરપુર છે. જે તમારી સ્વાદેન્દ્રિયને સતેજ કરવામાં મદદરૂપ બને છે. સ્વાદશક્તિના ભોજનમાં આમલી અને ટામેટાંનો ઉપયોગ કરવામાં આવતો નથી. લીલું મરચું પણ નહીં. આદુ, મરી મસાલા જે સ્વાસ્થયપ્રદ હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે. રોટલી માગો તો મળે પણ ઘઉંની રોટલી ખાતા જવાર, બાજરી, નાચણી કે ચોખાની રોટલી ખાઓ એવો આગ્રહ રાખવામાં આવે છે. ગ્લુટન ફ્રી છે અને તેના અનેક ફાયદા છે.  વળી રેસ્ટોરન્ટ આટલું બધું આપે છે છતાં મોંઘી નથી જોઈને નવાઈ લાગે. હજાર રૂપિયામાં બે વ્યક્તિ પોતાનું પેટ અને મન આરામથી ભરી શકે. 
શરૂઆત ઊર્જા કે ડેટ સિરપથી કરી શકાય. બન્નેમાં ખજુરનો ઉપયોગ કર્યો હોય. સાથે વરિયાળી અને એલચીનો સ્વાદ. નોર્મલ ઠંડું જ્યુસ તમને તાજગી સાથે એનર્જી આપી શકે. કંઈ ખાવું હોય તો જ્યુસ તમારું પેટ ભરી શકે. દરેક  જ્યુસમાં અહીં સાકર નથી નાખવામાં આવતી. વધારે સાકરની જરૂરત નથી હોતી આપણા શરીરને. કુદરતી ફળમાંથી મળતી મિઠાસ અબખે નથી પડતી અને સ્વાસ્થપ્રદ પણ ખરી. મોસમ બહાર જ્યુસમાં દાડમ, સફરજન તેમજ અન્ય ફળોનો સ્વાદ પહેલીવાર અનુભવાયો. સાકર ફળના સ્વાદને ઓછો કરી નાખે છે તે સમજાય છે. સ્ટાર્ટર એટલે કે પ્રારંભ કોર્ન એન્ડ પીનટસ ચાટ કે મુંગ ચાટથી કરી શકાય. બાફેલા મગ આટલા સ્વાદિષ્ટ અને મકાઈ તેમજ શીંગનું મિશ્રણ મસાલા સાથે સ્વાદિષ્ટ લાગે. દેખાવમાં પણ સરસ અને હેલ્થમાં બેસ્ટ.  થાળી ખાવી હોય તો ચોક્કસ ટ્રાય કરી શકાય. ઘઉં સિવાયની રોટલી સાથે હેલ્ધી ઓપ્શન્સ. દરેક શાકમાં અહીં તેનો પોતીકો સ્વાદ બહાર આવે. તીખું તમતમતું કે તો તેલ કે મસાલેદાર છતાં સ્વાદિષ્ટ તો ખરું . પાલક પનીર હોય કે મિક્સ લીલા શાક. સાથે દાળ, ભાત કે પછી પુલાવ પણ હોઈ શકે. અહીં દરેક સ્વાદ જુદી અનુભૂતિ કરાવે. હેલ્ધી સિઝલર જોઈને નવાઈ લાગે. નો ફ્રાયડ બટાટા પણ બાફેલા શાકભાજી, બીટ અને કોળાની ગ્રેવીમાં બનાવેલો પુલાવ અને શાકભાજીની કોર્નવાળી ટિક્કી અહાહાહા. નો ગિલ્ટ ફુડ એની મજા તો ખરી કે અહીં કંઈપણ ખાતી સમયે તમારે સતત કેલેરીની સ્વાસ્થ્યની ચિંતા પણ નહીં કરવાની. એટલે  કે એક ઓર સ્ટ્રેસ નહીં. અહીં મિસળ કે રગડા પેટીસ કે પછી પાઉંભાજી કે પછી સેવપુરી દરેક વસ્તુ હેલ્ધી છે. એક તો અહીંની ચટણીનો સ્વાદ પણ કંઈક હટકે છે. આમલી વિનાની ચટણી. ટમેટાં વિનાની સેવપુરી અને પાઉંભાજી. તમારે વાનગી વિશે કંઈ જાણવું હોય તો શેફ મનોજ ખૂબ પ્રેમથી તમને જણાવશે. કંઈક જુદું ટ્રાય કરવું હોય તો મગના પુડલામાં સ્પિનેચ અહીંની સ્પેશિયલ આઈટમ છે. ટોમેટો સોસ નહીં પણ મીઠી ચટણી અને તીખી ચટણી સાથે ટ્રાય કરી જુઓ. અહીંના મેનુમાં અનેક પસંદગી તમને મળી રહેશે. અને હા ચાના શોખીન હો તો ગુડવાલી મસાલા ચાય ચોક્કસ ટ્રાય કરજો.  આટલું બધું હેલ્ધી ખાધા પછી લાગે કે ઘરે પણ બનાવવું છે તો નો પ્રોબલેમ અઠવાડિયામાં એકવાર શેફ મનોજ ક્લાસીસ પણ લે છે. આટલા ઓછા મસાલા અને ટમેટાં, આમલી જેવી મસ્ટ આઈટમ વિના પણ સ્વાદશક્તિ સ્વાદિષ્ટ વ્યંજનો પીરસી શકે છે. શુદ્ધ આર્યુવેદિક રેસ્ટોરન્ટ કદાચ મુંબઈમાં એકમાત્ર છે. 
અમારો અનુભવ કહું તો અહીં ખૂબ ખાધુંપીધું લખવા માટે  પણ પેટ ભારે થયું કે તો એસીડીટી થઈ તો કબૂલવું પડે. 


You Might Also Like

0 comments