મીઠી જલેબીની ચટપટી વાતો

03:15















દશેરાને દિવસે ગુજરાતભરમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં જલેબી અને ફાફડા કે પાપડી ખાવામાં આવે છે. દશેરાએ ક્યાંથી સારી જલેબી ખાવી તે કહીએ પહેલાં જલેબીના ઈતિહાસમાં થોડું ડોકિયું કરીએ. તેનો ઉદભવ મધ્ય એશિયામાં થયો હોવાનું પણ નોંધાયેલું છે. રમજાનમાં તેને ખાસ ખવાતી હતી. કહેવાય છે કે જલેબી ભારતમાં પાંચસો વર્ષ પહેલાં તૂર્કસ્તાનથી પ્રવેશી. ૧૩મી સદીમાં લેખક મુહમ્મદ બિન હસન અલ બગદાદીએ તે સમયે ખવાતી વાનગીઓ પર અભ્યાસ કરીને  પુસ્તક લખ્યું,  કિતાબ-અલ-તબિક તેમાં સૌ પ્રથમ જલાબિયાનો ઉલ્લેખ છે. તે જુલાબિયા કે જુલુબિયા નામથી પણ ઓળખાય  છે. ૧૪૫૦ અને ૧૭મી સદી દરમિયાન જૈન અભ્યાસુઓએ ભોજનકુતુહલ અને સંસ્કૃતમાં ગુણ્યગુણબોધિનીમાં તેનો ઉલ્લેખ થયો છે.  
દશેરાના દિવસે ફાફડા-જલેબી કેમ ખવાય છે. એની તપાસ કરતાં  કેટલીક વાતો જાણવા મળે છે. જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. ભગવાન શ્રી રામને જલેબી ખૂબ પસંદ હતી. સમયે જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવતી હતીહિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ઉપવાસ ચણાના લોટથી તોડવો જોઈએ. એટલે નવરાત્રીના નવ દિવસના ઉપવાસ બાદ દશેરાના દિવસે ફાફડા કે પાપડી ખાવામાં આવે છે. 
 બીજું,  ફાફડા-જલેબી ખાવાની શરૂઆત ૧૯૦૯થી થઈ છે. કહેવાય છે કે  અમદાવાદ શહેરમાં ગાંધી રોડ પર આવેલી ચંદ્ર વિલાસ રેસ્ટોરાંના માલિકોએ જલેબી-ફાફડાની શરૂઆત કરી. મૂળ સિદ્ધપુરના પરંતુ વ્યવસાય અર્થે રાજસ્થાન જઈ વસેલા પરિવારના ચિમનલાલ હેમરાજ જોશી ફરી વેપાર અર્થે અમદાવાદ આવી વસ્યા હતા. લગભગ ૧૮૯૯માં તેમણે પતાસા પોળના નાકે ચાની રેસ્ટોરાં શરૂ કરી હતી. દસ વર્ષમાં એમની ચાની દુકાન ધમધમવા લાગી એટલે ૧૯૦૯માં ચા સાથે ફાફડા અને જલેબી પણ આપવાના શરૂ કર્યા.  અમદાવાદની સૌ પ્રથમ હોટલ હોવાનું ઈતિહાસ કહે છે. પછીથી હરીફાઈમાં બીજી બે રેસ્ટોરાં શરૂ થતાં ચંદ્ર વિલાસ તરફથી દશેરાના દિવસે સ્પેશિયલ જાહેર ખબર કરવામાં આવતી. જાહેરાતમાં ભારપૂર્વક કહેવામાં આવતું કે આજે દશેરા ફાફડા-જલેબીથી ઉજવીએ, એવી ખાસ જાહેરાતના કારણે અમદાવાદના લોકો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પ્રથા પડી ગઈ. જે આજ સુધી ચાલી રહી છે. પછી જે ગુજરાતીઓ મુંબઈ આવીને વસ્યા તેમણે પણ પ્રથા ચાલુ રાખી. ખેર, સિવાય જલેબી સ્વાસ્થ્ય વર્ધક પણ છે. મેંદામાંથી બનતી, વળી તળેલી અને સાકરના રસથી ભરપૂર જલેબી વિશે માનવું અઘરું લાગે પણ. આધાશીશી કે માયગ્રેનના માથાના દુખાવામાં સવારમાં પહોરમાં ગરમા ગરમ જલેબી ખાવાનું કહેવાતું હોય છે. 
સપ્ટેમ્બર અને ઓક્ટોબર સંધિઋતુનો કાળ છે. અત્યારે હવામાનમાં ખાસ્સા ફેરફાર જોવા મળે છે. તેને કારણે ઘણા લોકોને માઈગ્રેનની પીડા થતી હોય છે. ગરમા ગરમ જલેબી માઈગ્રેનની સમસ્યા સામે રક્ષણ આપતી હોવાનું મનાય છે. જલેબીમાં ટિરામાઈન નામનું તત્ત્વ હોય છે જે શરીરમાં સેરેટોનીન નામના તત્ત્વને કન્ટ્રોલ કરે છે. કહેવાય છે કે દૂધમાં જલેબી બોળીને ખાવાથી વધુ ફાયદો થાય છે. નવરાત્રીના ઉપવાસ બાદ બ્લડશુગર ઓછી થઈ જતાં જલેબી ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. જો કે દરેક વાનગી પ્રમાણમાં ખાવી જોઈએ. 
જલેબી આમ તો દરેક ફરસાણ કે મિઠાઈની દુકાને મળે છે પણ તે કેવી રીતે બનાવાય છે અને શેમાં તળવામાં આવે છે તેનું સ્વાદ માટે ખૂબ મહત્ત્વ છે. વનસ્પતિ ઘીમાં તળેલી જલેબી સ્વાદમાં મીઠી તો લાગશે પણ સ્વાદ રસિયાને શુદ્ધ દેશી ઘીમાં તળેલી જલેબી જેવો સ્વાદ નહીં આવે. મુંબઈમાં મળતી કેટલીક જલેબીનો સ્વાદ ચાખીએ. 
મુંબાદેવી જલેબીવાલા- શુદ્ધ ઘીની જલેબીની વાત કરીએ એટલે જે દેવીના મંદિરના નામ પરથી મુંબાઈ નામ પડ્યું તે મુંબાદેવી મંદિરની બાજુમાં આવેલી નાનકડી દુકાન મુંબાદેવી જલેબીવાલા  1897ની સાલમાં મારવાડના ધુલારામે અહીં મુંબા દેવી મંદિરની બાજુમાં જલેબીની દુકાન શરુ કરી. શુધ્ધ ઘીમાં તાજી તળાતી જલેબીની સોડમ અને સ્વાદ..... ખાય જાણે. આજે પણ દુકાન ત્યાં છે. અહીં બેસીને ખાઈ શકાય તેવી વ્યવસ્થા પણ છે. નાનકડી મુંબાદેવી જલેબીવાલાની દુકાન પ્રમાણમાં  સ્વચ્છ પણ છે. તમારી સામે  તાજી ગરમા ગરમ જલેબી તળીને આપવામાં આવે.ખાતા પહેલાં જરા ધ્યાન રાખજો કારણ કે અંદરનો ગરમ રસ જીભ દઝાડી શકે છે. સાથે પાપડી અને ખમણેલા પપૈયાનો સંભારો અને લીલું મરચું પણ મળે. કેલેરીને કોરાણે મૂકીને વરસમાં કોઇપણ દિવસે મુંબાદેવીના દર્શન અને પછી જલેબી ખાવા માટે પણ એકવાર જવું જોઇએ. દુકાનમાં ફક્ત જલેબી અને પાપડી   મળે છે એટલે તમારે કેટલી જલેબી ખાવી તે સિવાય કોઇ પસંદગી નથી. રોજ સવારે સાડાછ વાગ્યાથી રાતના આઠેક વાગ્યા સુધી આઉટલેટ ખુલ્લુ રહે છે. હાલમાં પરિવારની ચોથી પેઢી દ્વારા પરંપરા આગળ ચલાવતા ૨૦૦૯ની સાલથી કાંદિવલી મહાવીર નગર અને બોરિવલીમાં પણ તેની બ્રાન્ચ ખુલી છે. રાવલ પરિવાર દ્વારા માપદંડ છે જલેબી અને પાપડી વેચવાની. જલેબી ગાયના ઘીમાં તળાય અને કેસર તેમજ ગુલાબજળ ઉમેરાય. બીજો કોઈ સ્વાદ નહીં.  જલેબીનો અસલી સ્વાદ ઈતિહાસ સાચવીને બેઠો છે અહીં. ઓર્ડર પ્રમાણે તાજી તળી આપવામાં આવે. વરસો પહેલાં દશેરાના દિવસે કલાકેક લાંબી લાઈન લાગતી એવું સાંભળ્યું હતું. આજે પણ દશેરાએ લોકો આગોતરા ઓર્ડર નોંધાવે છે. 

પુરષોત્તમ કંદોઈ - હરિભાઈ દામોદર કંદોઈ પરિવાર દ્વારા મુંબઈભરમાં બોરિવલી, ઘાટકોપર, વાલકેશ્વર, માટુંગા અને સાન્તાક્રુઝમાં દુકાન છે. બધી દુકાનોમાં બીજું ઘણું મળે પણ એકવાત કોમન છે શુદ્ધ દેશી ઘીની જલેબી. અહીં તેઓ  જામખંભાળિયાનું શિયાળુ ઘી જલેબી બનાવવા માટે વાપરે છે. મૂળ મોરબીથી આવીને પુરુષોત્તમ હરિભાઈએ પચાસ વરસ પહેલાં ઘાટકોપરમાં જલેબી- ફાફડા બનાવવાનું શરૂ કર્યું હતું. તેમના ફાફડા અને વણેલા ગાંઠિયાનો સ્વાદ આજે પણ લોકોને લલચાવે છે.  કેસર, એલચી નાખીને બનાવાતી ગરમાગરમ જલેબી ઉતારાય કે તરત ખાનારાઓ પણ છે. દશેરાને દિવસે લાઈન લગાવવી પડે એટલી ભીડ અહીં પણ થાય છે. 
જલેબી હવે દરેક જગ્યાએ મળે પણ ખરેખર શુદ્ધ ઘીની બનેલી હોય અને ગરમાગરમ ખાજો. ચારસોથી પાંચસો રૂપિયે કિલો જલેબી વેચાતી હોય છે. 
બુરહાન પુરની માવાની જલેબી વિશે વાત કરીએ તો જલેબીનો લેખ પૂરો થાય. અંધેરી વેસ્ટમાં સ્ટેશનની સામે આવેલી ગલીમાં એક નાનકડી દુકાન છે. જ્યાં ફક્ત જલેબી અને ગુલાબજાંબુ વેચાય છે. બપોરે ત્રણથી રાતના દશ વાગ્યા સુધી અહીં માવાની જલેબી તાજી તળીને વેચાય છે. દૂધમાં માવો અને આરાલોટ નાખીને જલેબી ઉતારાય છે. માવાને લીધે જલેબી તળવાથી કાળો રંગ પકડે છે. બીજી જલેબી કરતા દેખાવમાં થોડી ભરેલી હોય. જલેબી વનસ્પતિ ઘીમાં બનાવાય છે. ગરમાગરમ જલેબી ખાઈએ તો થોડો ગુલાબજાંબુ જેવો સ્વાદ આવે, પણ જલેબી ગુલાબજાંબુ કરતા વધુ સારી લાગે. 
મધ્યપ્રદેશમાં ૨૫૦ ગ્રામ વજનની એક જલેબી મશહુર છે. મધ્યપ્રદેશ જાઓ અને જલેબી ખાઓ તો તમારું ફર્યું ફોગટ ગણાય. 


















You Might Also Like

0 comments