કપડાંની ગુંજ 15-1-14 mumbai samachar

01:42


માણસની મૂળભૂત જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. આપણી સરકાર મકાન અને રોટી એટલે કે ભોજન અંગેની યોજનાઓ બનાવે છે પરંતુ, કપડાંની જરૂરિયાત વિશે વિચાર થતો નથી. જ્યારે કોઇ કુદરતી હોનારતો થાય છે ત્યારે જ કપડાં ભેગા કરીને મોકલાય છે. મુઝફ્ફરનગરના રાહત કેમ્પમાં કપડાંના અભાવે ઠંડીમાં બાળકો મરતા હતા તેની હોહા થઈ અને ગરમ કપડાં ત્યાં મોકલાયા. પણ કપડાંનું મહત્ત્વ દિલ્હી નિવાસી અંશુ ગુપ્તાને આજથી પંદરેક વરસ પહેલાં સમજાયું.
કબાટમાં કપડાંના ઢગ હોવા છતાં રોજ સવારે તૈયાર થતા સમયે મૂંઝવણ થાય કે આજે શું પહેરવું ? જ્યારે દુનિયામાં અનેક લોકો એવા છે કે જેમની પાસે ઠંડી,ગરમીથી શરીરની રક્ષવા માટે પુરતા કપડાં ન હોય.પણ આપણને ક્યારેય એવા લોકો દેખાતા નથી કે તેમના વિશે વિચાર નથી આવતો. બન્યું એવું કે દિલ્હીમાં રહેતા પત્રકાર અંશુ ગુપ્તાને શિયાળાની એક સવારે તેના વાહનની આગળ જતી પેડલ રિક્ષા પાછળ વંચાયુ લાવારિશ લાશ ઢોનેવાલા તેના વિશે વધુ જાણવા અંશુ તેની પાછળ ગયો. તેનું નામ હબીબ એની સાથે વાત કરતાં અંશુને જાણવા મળ્યું કે શિયાળામાં હબીબ રોજની બારેક લાશ લઈ જતો. અને જ્યારે ઠંડી  વધે ત્યારે આ સંખ્યા વધીને 40 કે 50 પણ થઈ જાય.તેને આ કામમાંથી લાશ દીઠ 20 રૂપિયા મળતા હતા.  હબીબની પાંચેક વરસની દીકરી હતી તે  કહે કે બહુ ઠંડી પડે ત્યારે ક્યારેક તે લાશને વળગીને સુઈયે જાય તેને જરાય ડર ન લાગે.
આ સાંભળીને અંશુને આઘાત લાગ્યો કે દુકાળથી મરે, પાણીની રેલમાં લોકો મરે પણ ઠંડીમાં ગરમ કપડાંના અભાવે લોકો મરે તે કેવું કહેવાય. આ બાબતે અંશુએ વિચાર્યું કે મારે પણ આસપાસના લોકોની જેમ પોતાના માટે જીંદગી જીવવવી કે સમાજને માટે કંઇક કરી છુટવું. અંશુ કહે છે કપડાં આપણી મૂળભૂત જરુરિયાત છે. તેને કોઇકને આપીએ તો ગૌરવપૂર્ણ રીતે આપવું જોઇએ. ઠંડીમાં ગરમ કપડાં ક્યારેક આપણી પાસે વધારાના હોય છે. તેને કાઢી નાખવાના જ હોય છે તો તેને ભેગા કરીને જરુરત હોય તેવા લોકો સુધી પહોંચાડવાનું કામ 1998-99ની સાલથી 67 કપડાંથી શરુ કર્યું હતું. આજે 80થી 100 ટનની વસ્તુઓ કપડાંથી લઈને વાસણો, સ્કુલ બેગ , જુના કોમ્પયુટર,દરવાજા, બારી  વગેરે બધું જ ગામડાંઓમાં કે શહેરની ઝુપડપટ્ટીઓમાં લોકો સુધી પહોંચાડાય છે.
આ દરેક વસ્તુઓ મફતમાં ભીખમાં અપાતી નથી. કૂવા ખોદવા, રોડ બનાવવા કે કોઇપણ કોમ્યુનિટી કામના બદલામાં આ વસ્તુઓ આપવામાં આવે છે. વળી વસ્તુઓ કે કપડાંને યોગ્ય રીતે છુટાં પાડી તેને સાઈઝ કે વિભાગવાર ગોઠવાય છે. તૂટેલી કે ફાટેલી વસ્તુઓને રિપેર કરવામાં આવે કે પછી તેને રિસાયકલ કરીને નવી વસ્તુઓ બનાવવામાં આવે. કામના બદલામાં ન આપવામાં આવે તો મિનિમલ ટોકન રુપે  એકાદ બે રુપિયા જેટલી રકમ લઈને કપડાં કે વસ્તુઓ આપવામાં આવે. જેથી તેને રિપેર કે ધોવાનો ખર્ચ નીકળી શકે. અંશુની પત્નિ મીનાક્ષી બીબીસીમાં કામ કરતી હતી એટલે તેમનું ઘર ચાલી જતું. શરુઆતમાં કેટલાય વરસો તેમના નાના ઘરમાં જ લોકો ધ્વારા અપાતા કપડાંઓનો ઢગ લાગતો તેને વોલિન્ટિયર જુદા કરે. અન્ડરગારમેન્ટ અને ફાટેલા કપડાં ન લેવાય. એ સિવાયના કપડાંને પણ પહેરવા યોગ્ય બનાવી સાઈઝ પ્રમાણે પેક કરાય. ગંદા કપડાં ધોવાય. શાળાના કપડાં પણ જુદા પેક કરાય. પછી તેને જુદા જુદા ગામડાઓમાં મોકલાય. તેમાંય મુસ્લિમ વસ્તી માટે સલવાર સુટ અને લુંગી કે ચેક્સ કપડાં દક્ષિણ તરફ મોકલવાના એવું પણ ધ્યાન રખાય. પછી તો ધીમે ધીમે વધારાના કંપાસ, વોટર બોટલ અને સ્કુલ બેગથી લઈને વાસણો અને કોમ્પયુટર સુધી પણ વિસ્તાર વધતો ગયો.
કામ વધતું ગયું અને આજે ગુંજ સંસ્થાની કલેકશન ઓફિસ ભારતના દરેક મોટા શહેરો જેમકે દિલ્હી, મુંબઈ, કોલકોત્તા,બેગ્લુરુ, ઇંદોર, ચંદીગઢ, સિલિગુડી, હૈદરાબાદ વગેરે સ્થળોએ છે. ગામડાઓમાં અને ઝુપડપટ્ટીઓમાં કે રસ્તા પર રહેતી સ્ત્રીઓને ગુંજ કપડાંમાંથી જાતે બનાવેલ સેનિટરી નેપકીન પણ આપે છે. જેથી સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો ખ્યાલ આવી ગરીબ સ્ત્રીઓ રાખી શકે. સુનામી કે ધરતીકંપ કે પુર જેવી કુદરતી આફત સમયે પણ અંશુ ગુપ્તાની સંસ્થા ગુંજ મદદે દોડી જાય છે.આજે ફક્ત રિસાયકલ વસ્તુઓ જ લોકો સુધી ગુંજ ધ્વારા નથી પહોંચતી પણ અનેક લોકોને કામ પણ અહીં મળી રહે છે. તેમાં કપડાં અને વસ્તુઓની છુટી પાડવી. પેક કરવી. ધોવી વગેરે તેમજ જુની વસ્તુ કે કપડાંમાંથી નવી વસ્તુઓ બનાવવી જેમકે ચટાઈ, સ્કુલ બેગ, ગોદડીઓ વગેરે  બનાવવું.
ઉત્તરાખંડમાં થયેલી કુદરતી હોનારત બાદ ગુંજે 110 ગામડાંઓને ઊભા કરવાનું કામ કર્યું. રોડ બનાવવા, પુલ બનાવવા, ઘર , શાળા, દવાખાનું વગેરે ઉપરાંત મૂળભૂત જરૂરિયાત કપડાં પણ ખરા જ.
આજે ગુંજ સંસ્થામાં 180 ફુલટાઈમ વર્કર અને 11 ઓફિસરો છે. અંશુ કહે છે કે એક કોર્પોરેટ ઓફિસની જેમ જ અમે કામ કરીએ. સમાજ સેવાનું કામ છે એટલે હોતા હૈ ચલતા હૈ વાળી વાત નહીં. દરેક બાબત યોગ્ય શિસ્ત અને સમયમાં થાય. માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને આ સંસ્થા કામ કરે છે. એટલે લોકોની ઉપયોગીતા અને ગૌરવ જળવાઇ રહે તે રીતે મદદરૂપ થવાનું તે અમારો મૂળ ઉદ્દેશ છે. કામ કરવાનું શરૂ કર્યુ તો એક પછી એક જરૂરિયાતો સામે આવી. ગુંજે જોયું કે ગામડામાં સ્ત્રીઓ યોગ્ય રીતે સેનિટરી પેડ એટલે કે કપડાંનો ઉપયોગ નથી કરતી એને કારણે તેમને અનેક બિમારીઓ થતી હોય છે. કેટલીક જગ્યાએ તો ઇન્ફેકશન વધવાથી ગર્ભાશય કાઢી નાખવું પડે છે. નકામાં સોફ્ટ કોટન કપડાંમાંથી ગુંજે સેનિટરી પેડ પણ તૈયાર કર્યા અને આજે હજારો આવા ધોઇશકાય એવા કપડાં પેડ સ્વરૂપે  ગ્રામ્ય સ્ત્રીઓને મળી રહ્યા છે. વળી તેમાં પ્લાસ્ટિક ન હોવાથી બાયોડિગ્રેડેબલ પણ છે.


લેનારના ગૌરવનો ખ્યાલ રાખીને તેમની જરુરિયાતમાં મદદરુપ બનવાનો વિચાર આવવો અને તેને અમલમાં મૂકનાર અંશુ ગુપ્તા અને મીનાક્ષીને સલામ કરવાનું મન થાય. અંશુ કહે છે કે ગામડાંમાં તમને ભિખારી નહીં જોવા મળે કારણ કે ભિખારીઓ શહેરની પેદાશ છે. ઉપભોક્તાવાદ પણ શહેરની પેદાશ છે. નકામી વસ્તુઓ અને કપડાંને રિસાયકલ કરવાથી અર્થશાસ્ત્ર જળવાય છે. અંશુ જેવા લોકોને કારણે   આપણી જરુરિયાત અંગે જાગૃત થવાની  અને જરુરિયાતમંદ લોકોનો ખ્યાલ રાખવાનો પાઠ પણ શીખવા મળે છે. અંશુને તેના આ કામ માટે દેશવિદેશમાં નોંધપાત્ર કવરેજ મળ્યું છે સાથે  અનેક સન્માનિત એવોર્ડ પણ મળ્યા છે. 

You Might Also Like

1 comments

  1. આપનો આ લેખ ખૂબ ગમ્યો. સમગ્ર લેખમાં એક 'મોટા' કામનો અને તેના પ્રણેતાનો પરિચય તો મળે જ છે; ઉપરાંત કોઈ લાગણીભર્યાં વિશેષણો વગર બહુમત પ્રજાની આર્થિક સ્થિતિનો પણ સ્પષ્ટ પરિચય મળે છે. લેખ વાંચીને થાય કે આમાં હું શું કરી શકું, કેવી રીતે મદદગાર બનું? આવું જ કામ હું કરી શકું? આભાર, બહેન!

    ReplyDelete