આપણે ગુલામ ન બનાવીએ..6-5-14 divya bhaskar

22:20

એક સગાંને ત્યાં જવાનું થયું. ખૂબ પૈસાદાર વ્યક્તિઓ. પોશ વિસ્તારમાં બંગલો. બેન અમારી સાથે વાત કરતાં બેઠાંને બેલ મારી છોકરીને બોલાવી પાણી લાવવાનું કહ્યું. તે છોકરી એમના દીકરાના દીકરી જેવડી જ હશે તેરેક વરસની. ગ્લાસમાં પાણી લઈને આવી એ જોઇને પેલા બહેન બોલ્યા. કેટલીવાર શીખવાડ્યું ગ્લાસ ઢાંકીને લાવવાનો. અક્કલ જ નથી આ લોકોમાં કંઇ. મારી સામે જ પેલી છોકરીને ઊતારી પાડી. હોલના બીજા છેડે તેમની પૌત્રી મોબાઈલ પર ગેમ રમતી બેઠી હતી. તેણે બૂમ મારી ચંદા મેરે લીયે જ્યુસ લે કે આઓ. દુબળી પાતળી ચંદા અંદર ગઇ.
થોડીવારે જ્યુસ લાવીને તેમની પૌત્રીનું ધ્યાન નહોતું તે એની ભૂલને લીધે ગ્લાસ છટક્યો અને નીચે બીછાવેલ મોંઘેરી જાજમ પર પડ્યો. અંદરથી બહેનની પુત્રવધુ દોડતી આવીને ચંદાને એક લાફો માર્યો.
ચંદા રોતાં રોતાં કહેવા લાગી કે મૈરી ગલતી નહીં હૈ... પણ તેના જેવડી છોકરી જે મોબાઈલ પર રમતી હતી તે કહે તો ક્યાં મેરી ગલતી હૈ....પછી તેમને ખ્યાલ આવ્યો કે હું પણ હાજર છું તો થોડા ખસિયાણા પડીને અંદર જતાં રહ્યા. મેં પૂછ્યું કે આ છોકરીની ઉંમર કેટલી છે ? તો કહે સોળ સત્તર હશે... શી ખબર આ તો ગામથી લઈ આવી છે મારી કામવાળી બાઈ. દેખાવે તો બારતેર વરસની લાગે છે તમને ખબર છે બાળમજદૂર રાખવા ગુનો છે ? પેલા સંબંધી બહેન કહે હશે ભઈસાબ આ તો ગરીબ છોકરીને બે ટંક ખાવા મળે સારા કપડાં મળે અને તેના ઘરમાં ય પૈસા પહોંચે. અમે જે ખાઈએ છીએ તે જ ખવડાવીએ છીએ.
મોટાભાગના લોકો આવું જ કહેતા હોય છે. આપણે ભણેલી ગણેલી સ્ત્રીઓ બાળમજદૂર રાખીએ કારણ કે તેઓ સસ્તામાં મળે અને વળી તે આપણી સામે બોલી ન શકે અને કહીએ તેટલું કામ કરે. કેટલાક ઘરોમાં કૂતરા સાચવવા, તો કેટલાક ઘરોમાં છોકરા સાચવવા તો વળી કેટલાક ઘરોમાં નાનામોટાં કામ કરવા માટે આ રીતે 24 કલાકની બાંધેલી મજુરી કરતી વ્યક્તિની જરૂર તેમને હોય છે. કારણ કે પોતાના જ ઘરમાં નાનામોટાં કામ કરવાની તેમને આદત નથી હોતી કે પછી ઇચ્છા નથી હોતી કે સ્ટેટસ માટે પણ આવી છોકરીઓ કે છોકરાઓ ગામમાંથી લાવીને કામ પર રાખતા લોકો અચકાતા નથી.
દિલ્હીમાં ગયા મહિને એક તેર વરસની છોકરીને બંધ  ફ્લેટમાંથી છોડાવવામાં આવી. તેની માલકણ પરિવાર સાથે થાઈલેન્ડ ફરવા ગઈ અને ઘરકામ માટે રાખેલી  છોકરીને થોડું ખાવાનું મૂકીને ફ્લેટમાં પૂરીને ગયા. મુંબઈમાં ય અવારનવાર ઘરકામ કરતી છોકરીઓ પર અત્યાચાર કરાયો હોય એવા કિસ્સા નોંધાયા છે. અને છતાંય અનેક છોકરા છોકરીઓને આ રીતે ઘરકામ માટે રાખવામાં આવે છે. શક્તિવાહીની નામની સંસ્થા દર વરસે 300થી 350 આવા બાળકોને ગુલામીમાંથી છોડાવે છે.
ભારતમાં મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ વર્ગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે જ પાર્ટટાઈમ અને ફુલટાઈમ ઘરકામ કરવા માટે છોકરીઓની માગમાં પણ વધારો થઈ રહ્યો છે. એ સાથે બાળકીઓ પર જાતિય શોષણ અને અત્યાચારના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. થયેલા સંશોધન પ્રમાણે લગભગ લાખેથી વધુ બાળકો ઘરકામના કામ કરે છે. કેટલાક પરિવાર આ બાળકોને ઘરની વ્યક્તિની જેમ રાખે છે તો કેટલીક વ્યક્તિઓ તેમની પાસે ખૂબ કામ કરાવતી હોય છે. તેમને ટોર્ચર પણ કરવામાં આવતું હોય છે.
આપણી ફરજ બને છે કે ક્યારેય 18 વરસથી નાની છોકરી કે છોકરાને ઘરકામ માટે ન રાખીએ. અને જો કોઇ આ રીતે રાખતું હોય તેની ફરિયાદ પોલીસમાં કરવી જોઇએ. હા જો તમે એને ભણાવતા હો, ઘરની વ્યક્તિની જેમ રાખતા હો તો વાત અલગ છે. પણ જો મજુરી કરાવવા માટે જ એને કામ પર રાખવામાં આવે તો એ અમાનવીય કૃત્ય છે. આપણે સ્ત્રી થઈને બાળક ઉપર જુલ્મ કેવી રીતે કરી શકીએ કે જોઇ શકીએ. આપણા બાળકને રાખવા માટે બીજા બાળકને રાખવું તે કેટલું અમાનવીય છે. આપણે નારી તરીકે અનેક અત્યાચાર સહ્યા છે અને તેમાંથી બહાર આવ્યા છીએ. ગુલામ બનીએ નહીં અને બનાવીએ પણ નહીં જ. 

You Might Also Like

1 comments

  1. આપણે નારી તરીકે અનેક અત્યાચાર સહ્યા છે અને તેમાંથી બહાર આવ્યા છીએ. ગુલામ બનીએ નહીં અને બનાવીએ પણ નહીં જ.

    ReplyDelete