સ્ત્રી જ્યારે હિંસક બને... 03-9-15 mumbai samachar ladkii

01:37

છેલ્લા અઠવાડિયાથી ઈન્દ્રાણી મુખરજીની વાત ચોરેને ચૌટે ચર્ચાઈ રહી છે. દરેક સ્ત્રી -પુરુષો એક જ પ્રશ્ર્ન પૂછી રહ્યા છે કે સ્ત્રી આટલી હિંસક થઈ શકે ? પોતાની જ દીકરીનું ખૂન ઠંડે કલેજે કરી શકે ? માન્યામાં નથી આવતું...! પરંતુ, હકીકત છે કે સ્ત્રી પણ પુરુષ જેટલી હિંસક બની શકે છે ને  ક્યારેક તો પુરુષ કરતાં પણ વધુ હિંસક થઈ શકે છે.
૨૦૦૭ની સાલમાં આસિફ કાપડિયાએ ફાર નોર્થ નામની અંગ્રેજી ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મની વાર્તામાં મુખ્ય પાત્ર સ્ત્રી છે. તેના જન્મ વખતે શમન (ં પૂજારી કે ભૂવો) કહે છે કે આ છોકરી જેની પણ કાળજી લેશે તેને નુકસાન પહોંચાડી શકે છે. ખરેખર છોકરી મોટી થતાં હિંસક બને જ છે. એટલે સુધી કે દીકરીના પ્રેમીનો સાથ માણવા  પોતાની સગી દીકરીની હત્યા કરી તેના મોંની ચામડી કાઢી પોતાના મોં પર ચિટકાડે છે.
પુરાણો અને ઈતિહાસમાં પણ હિંસક સ્ત્રીની વાતો છે. કંસની બહેન પૂતના બાળકોને મારી નાખતી હોય છે. હિંસક સ્ત્રીઓને રાક્ષસી ગણવામાં આવે છે. મેડુસાની વાર્તા પણ પ્રચલિત છે. ગ્રીક માયથોલોજીમાં મેડુસા શ્રાપિત સ્ત્રી હતી. જે કોઈ તેના મોં તરફ જોતું તે પથ્થર બની જતું. હકીકતમાં મેડુસા ખૂબ સુંદર વાળ ધરાવતી સ્ત્રી હતી. તે એટલી સુંદર હતી કે દેવોની રાણી એથેના પણ તેના ‚પની ઈર્ષ્યા કરતી. મેડુસાના નસીબ ખરાબ કે એ એકવાર એથેનાના એક મંદિરમાં તેની છેડતી થઈ. એથેનાંથી તે સહન ન થતાં તેને શ્રાપ આપ્યો અને મેડુસાના વાળની જગ્યાએ સર્પોએ લીધી. તેના દાંત રાક્ષસી બન્યા. ટૂંકમાં તે કદ‚પી અને હિંસક દેખાવા લાગી. એથેનાની ઈર્ષ્યાએ માનસિક હિંસા પેદા કરી.
 કેરિલ અને રોઝલીન્ડ બર્નેટે લખેલું ધ ટ્રુથ અબાઉટ ગર્લ્સ એન્ડ બોયઝ નામના પુસ્તકમાં લખ્યું છે કે પુરુષો કે છોકરાઓ જ આક્રમક હોય છે તે માન્યતા ભૂલભરેલી છે, આક્રમકતામાં મહિલાઓ અને છોકરીઓ તેમના કરતાં આગળ નીકળી શકે છે. એવું મનાય છે કે સ્ત્રીઓ નાજુક, નમણી અને નબળી હોવાને કારણે આક્રમક નથી હોતી. પણ આ માન્યતા ખોટી હોવાનું વૈજ્ઞાનિક બર્નેટ અને પત્રકાર રિવરે સંયુક્ત રીતે સંશોધન કરીને પુરવાર કર્યું છે. જોકે તે છતાં સ્ત્રીઓ વધુ પ્રમાણમાં જખ્મી થાય છે કે તેમની હત્યા થાય છે તે પણ એટલું જ સાચું છે. સમયના બદલાવ સાથે આજે મહિલાઓ પુરુષ સમોવડી થવાના સપનાં જુએ છે. ઘરની બહાર નીકળે છે. પુરુષોના ક્ષેત્રે સફળ થવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે. ક્રિકેટ, ફૂટબોલ, બોડી બિલ્ડિંગ અને કુસ્તી જેવી રમતોમાં પણ ભાગ લે છે. જોકે એ કહેવું મુશ્કેલ છે કે મહિલાઓમાં આક્રમકતાની શ‚આત ક્યારથી થઈ હશે. આક્રમકતા અને ક્રોધ કે ગુસ્સા વચ્ચે તફાવત છે. આક્રમકતા દ્વારા શારિરીક, માનસિક કે શાબ્દિક રીતે સામી વ્યક્તિને ઘાયલ કરી શકાય છે. ન્યુ હેમિસફિયર યુનિવર્સિટીએ કરેલા એક સંશોધનના રિપોર્ટમાં જણાવાયું છેે કે ઘરેલું હિંસાના કિસ્સામાં મહિલાઓ દ્વારા થતી હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. દુખદ વાત એ છે કે દુનિયામાં ઘરેલુ હિંસા પર થયેલા છ મોટાં સંશોધનમાં પણ આ સાબિત થયું છે કે મોટા ભાગના કિસ્સામાં મહિલાઓએ જ હિંસા ભડકાવવામાં પહેલ કરી હોય છે.
અમેરિકામાં ઘરેલુ હિંસાના દર સો કિસ્સામાંથી ૪૦ કિસ્સામાં મહિલાઓ દ્વારા પુરુષો પર આચરાયેલી આક્રમકતાના કિસ્સા હોય છે. ભારતમાં પણ આવા કિસ્સા નોંધાય જ છે. સેવ ફેમિલી  ફાઉન્ડેશન અને માય નેશન ફાઉન્ડેશન સંસ્થાએ એપ્રિલ ૨૦૦૫ અને મે ૨૦૦૬માં કરેલા ઓનલાઈન સંશોધનના આંકડા જોઈએ તો નવાઈ જ‚ર લાગે. આ વરસ દરમિયાન એક લાખ પુરુષોનો સર્વે કરાયો ત્યારે ૯૮ ટકા પુરુષોએ કબૂલ્યું કે તેઓ એક યા બીજા પ્રકારે મહિલા દ્વારા ઘરેલુ હિંસાનો શિકાર બન્યા હતા. પીટર મુખરજી જો કોઈ રીતે શીના બોરાના કેસમાં સંડોવાયો ન હોય તો તે  પણ ઈન્દ્રાણી દ્વારા થયેલી છેતરપિંડીનો ભોગ બન્યો છે.
અમેરિકામાં ૨૦૧૪માં ૩૨ વરસની  ફુટબોલ પ્લેયર હોપ સોલોએ આલ્કોહોલના નશા હેઠળ પોતાની બહેન અને તેના બાળક પર હિંસક હુમલો કર્યો હતો. ત્યારબાદ એફબીઆઈએ એક સંશોધનમાં જાહેર કર્યું કે પોતાના કે બીજાના બાળકો પર, ગર્ભમાંના બાળકને કે પછી ઘરની વ્યક્તિઓને મારી નાખવામાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. સ્ત્રી જ ઘણીવાર  સ્ત્રીની દુશ્મન હોય છે તે આસપાસ નજર કરીશું તો પણ જોવા મળશે જ. કેટલીય સાસુ, નણંદ ઘરમાં કોડભરી આવેલી વહુને જીવતી બાળી નાખવા જેવી ક્રૂર હિંસા કરતાં અચકાતી નથી. તો ઈન્દ્રાણી જે ખૂબ મહત્ત્વાકાંક્ષી તો હતી જ સાથે પોતાના સ્વાર્થ માટે પતિને છેતરતા પણ અચકાતી નથી. તે છતાં મહિલાઓ ક્રૂર અને હિંસક બન્યાના કિસ્સા બહાર આવે ત્યારે નવાઈ લાગ્યા વિના  રહેતી નથી.


You Might Also Like

0 comments