ઝૂઠ બોલે કૌઆ કાટે...

07:44



ખોટું બોલવાથી કાગડો કરડે કે નહિ તે ખબર નથી પરંતુ, ખોટું બોલવાથી તબિયત જરૂર બગડે. કહેવત યાદ છે ને કે ચિંતા ચિતા સુધી પહોંચાડે. ચિંતા જેને આપણે અંગ્રેજીમાં સ્ટ્રેસ કહીએ છીએ. મોટાભાગની સ્ત્રીઓ સતત ફરિયાદ કરતી જોવા મળશે કે માથું દુખે છે, પગ દુખે છે કે કમર દુખે છે. વળી બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ અને ડાયાબિટિશ ટાયપ ૨ જેવી બિમારી થવાનું મૂળ કારણ હોય છે ચિંતા. ડિપ્રેશન આવવાના કારણોમાં ય એક કારણ હોય છે ચિંતા, ભય. 

ચિંતા આપણી જીંદગી ટૂંકી કરી નાખે છે. તેનાથી આપણા ડીએનએના ક્રોમોઝોમ પણ વહેલા મરે છે. અર્થાત આપણા અંદરના કોષોમાં બદલાવ આવે છે. ૨૦૦૪માં એક અભ્યાસ હાથ ધરાયો હતો. ૨૦થી ૫૦ વરસની વયની માતાઓ પર, તેમાંથી અડધી માતાઓનું બાળક માંદુ હોય અને અડધી માતાઓના બાળકો હેલ્ધી એટલે કે સ્વસ્થ હોય. તેમને પેપરમાં કેટલાક પ્રશ્ર્નોના ઉત્તર આપવાનું કહેવામાં આવ્યું. તેમાં તેઓ શેમાં સ્ટ્રેસ વધુ અનુભવે છે તે કહેવાનું હતું. માંદા બાળકની મા હોય કે સ્વસ્થ બાળકની મા હોય તેમના સવાલો સ્ટ્રેસ સંબંધી હતા. ત્યારબાદ તેમની મેડિકલ તપાસ કરવામાં આવી તો જણાયું કે જે માતા વધુ ચિંતિત સ્વભાવ ધરાવતી હતી તેમના ડિનેએના કોષો સ્ટ્રેસ ન અનુભવતી સરખી ઉંમરની માતા કરતાં દશ વરસ ઘરડા જણાતા હતા. સાથે અહીં એ પણ જણાયું કે બાળક માંદુ હોય કે ન હોય માતાને સ્ટ્રેસ અનુભવાતો હોય છે તેવું નથી હોતું. પણ ખોટું બોલવાનું છોડી દેવાથી સ્ટ્રેસ રહેતો નથી તે હકિકત છે. સ્ટ્રેસ ઓછો કરવાનો સહેલો અને સરળ ઉપાય છે કે ખોટું બોલવાનું બંધ કરો.

સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે ખોટું બોલે છે તેવા અનેક અભ્યાસ દ્વારા સાબિત થયું છે. એક ઈન્સ્યુરન્સ કંપની દ્વારા કરવામાં આવેલાં અભ્યાસ અનુસાર સ્ત્રીઓ અંદાજે દિવસમાં ૩૦ વાર ખોટું બોલે છે. જો કે મોટાભાગની સ્ત્રીઓ બીજાના સારાં માટે જ ખોટું બોલતી હોય છે. બીજાને ખરાબ ન લાગે તેનું ધ્યાન રાખવા માટે સાચું બોલવાનું ટાળતી હોય છે. પણ ખોટું બોલ્યા બાદ સતત ચિંતા પણ રહે છે. બાળકોને ખોટી રીતે ધમકાવવા, બાળકોની વાત પતિને ન કહેવી, સાસુ સસરાને ખોટું કહેવું, સગાંવહાલા કે કુટુંબીઓ સમક્ષ બડાઈ મારવી કે પછી વાત છુપાવવા માટે ખોટું બોલવું સ્ત્રીઓ માટે સહજ હોય છે. પણ એ ખોટું બોલવું પકડાઈ ન જાય તેની ચિંતા જાગૃત કે અજાગૃત મનમાં સતત રહે છે. એ ચિંતા ધીમે ધીમે તમારા શરીરના કોષોને નુકશાન પહોંચાડે છે અને તેની અસર પછી તબિયત પર થાય છે. 

કેટલીક સ્ત્રીઓ આળસુ હોવાને કારણે જરૂરી ન હોય ત્યાં પણ ખોટું બોલતી હોય છે. ટાયપ ટુ ડાયાબિટિશમાં કે અન્ય કોઈપણ ક્રોનિક બિમારીમાં કે પછી મેનોપોઝની હોર્મોનલ સમસ્યામાં ચાલવું, ખાવાપીવામાં ક્ધટ્રોલ જરૂરી હોય છે. પણ સમય જ નથી કહી ચાલવા જવામાં આળસ કરતી અને પછી ખોટું બોલ્યાના સ્ટ્રેસને કારણે ખાવાપીવામાં ધ્યાન ન આપતી સ્ત્રીઓ જાત પાસે અને બીજા પાસે ખોટું બોલવાના ગુનાહિત ભાવને લીધે સ્ટ્રેસ અનુભવે છે. પરિણામે શારિરીક તકલીફો જે જાત સાથે પ્રામાણિક રહેવાથી ટાળી શકાતી હોય છે તે વધે છે. કારણ અકારણ ખોટું બોલવાથી શરીરમાં ધીમો પણ આંતરિક ફેરફાર થાય જ છે. 

મોટાભાગની સ્ત્રીઓ ખૂબ નાના અને નગણ્ય કારણોસર વધુ ચિંતા કરતી હોય છે. પોતે ચિંતા કરે છે તે ખોટું છે તે જો સમજીને સ્વીકારવામાં આવે તો ય ચિંતા ઓછી થઈ શકે છે. જેમકે સાંજે રસોઈ શું બનાવવી ? છોકરાઓએ ખાધું જ નથી ? બાજુવાળાને ત્યાં શું બની રહ્યું છે ? મને કેમ પહેલું આમંત્રણ ન આપ્યું કે પહેલાં ફોન કેમ ન કર્યો ? કોણે શું વહેવાર કર્યો ? વગેરે વગેરે...કામ

કરતી મહિલાઓ પણ ઘરે જઈને બધુ કામ જાતે જ કરવાનું? પતિ કે ઘરની અન્ય વ્યક્તિઓથી થતો અન્યાય ? 

આ દરેક બાબતમાં ક્યાંકને ક્યાંક ખોટું બોલાતું જ હોય છે. જેમ કે છોકરાઓેએ ખાધું જ નથી કે ખાતાં જ નથી .... કોઈ બાળક ભૂખ્યુ રહે નહિ. ભૂખ લાગે કે તે ખાવાનું માગવાનું જ છે. પણ અવારનવાર તેને કશું ક આપ્યા જ કરો નાસ્તામાં. પછી તે બાળક જમવા ન બેસે તો નવાઈ શું ? અને ખરેખર ન જ ખાતું હોય તો તેનામાં નબળાઈ આવી જાય, કે તે માંદુ હોય તો ડોકટરને બતાવવું પડે. બાકી સામાન્યપણે કુદરતી રીતે જ દરેક મનુષ્યને ભૂખ લાગે છે. ઘરની વ્યક્તિઓની પસંદ નાપસંદ ખબર હોય તો પહેલાંથી જ મેનુ બનાવી રાખ્યું હોય તો દરરોજ એક પ્રશ્ર્ન ન રહે. આપણી ફરિયાદો ખોટી તો નથી ને ? એ વિશે શાંત ચિત્તે વિચારવું જોઈએ. વળી નકારાત્મક વિચારો ભરતી ધારાવાહિકમાં સમય વ્યતિત કરતાં કોઈ રચનાત્મક વાંચન કે વિચાર કરવાથી કે થોડો સમય શાંત ચિત્તે એકાંતમાં બેસવાથી મન શાંત રહે છે. યોગ્ય નિર્ણય લેવાય છે અને ખોટું બોલવાની મોટેભાગે જરૂર રહેતી નથી. સાચી વાત કહેતાં ડરવું ન જોઈએ. ડર અને ભય જ તમને ખોટું બોલવા પ્રેરે છે. અને ખોટું બોલીને કદાચ તમે તત્પુરતા છૂટી જશો પરંતુ તેનાથી તમારા શરીરને નુકશાન પહોચાડો છો. 

સાચું બોલવાથી ચામડી સ્વસ્થ અને ચમકદાર બને છે. કારણ કે સ્ટ્રેસ રહેતું નથી. શાંત અને સ્વસ્થ મન તનને પણ સ્વસ્થ, સુંદર બનાવે છે. વૃદ્ધત્વ પણ વહેલું આવતું નથી.

You Might Also Like

0 comments