ફાઈલોમાં ઘુંટાતું રહસ્ય 23-9-15

21:09

(published in mumbai samachar)

જય હિંદનો નારો આપનાર સુભાષચંદ્ર બોઝ સ્વતંત્ર ભારતમાં જીવીત હતા ? શીના બોરા મર્ડર કેસ કરતાં પણ વધારે હાઈ પ્રોફાઈલ અને 70 વરસથી વણઉકલેલું રહસ્ય આજે પણ રહસ્ય જ રહેશે કે ઉજાગર થશે ?

હાલમાં મમતા બેનર્જીએ જે 64 ફાઈલ સુભાષચંદ્ર બોઝ વિશેની જાહેર કરી છે તેમાં એવું શું  છે કે તે અખબારોની હેડલાઈન બને ? એ જાણવા પહેલાં નેતાજી વિશેની જાણીતી વાતો તાજી કરીએ.
 સ્વાતંત્ર્ય સૈનિક  નેતાજી સુભાષચંદ્ર બોઝ એક માત્ર એવા સ્વાતંત્ર્યના લડવૈયા હતા જેમણે શિસ્તબદ્ધ સેના ઊભી કરી હતી. તે પણ જર્મનીમાં આઝાદ હિંદ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી). તેઓ બે વાર રાષ્ટ્રિય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચુંટાયા હતા. પણ મહાત્મા ગાંધી અને કોંગ્રેસના મુખ્ય લોકો સાથે તેમના વિચારોનો મેળ ન જામતાં છૂટાં થયા હતા.તેમણે જર્મન ફંડની મદદ દ્વારા ફ્રિ ઈન્ડિયા સેન્ટર અને  ફ્રિ ઈન્ડિયા રેડિયો સેવા પણ શરૂ કરી હતી જેના દ્વારા તેમણે ભારતને બ્રિટિશરની સત્તાથી મુક્ત કરવાની લડત ચાલુ રાખી હતી.   1942માં તેઓ એડોલ્ફ હિટલરને મળ્યા હતા. જેમણે 1942માં બોઝને જર્મનીથી દક્ષિણપૂર્વીય  એશિયા તરફ જવાનું સૂચન કર્યું હતું.  તે સમયે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી. જર્મન સબમરિન દ્વારા તેઓ મડાગાસ્કર પહોંચ્યા અને ત્યાંથી જાપાનીસ સબમરિન દ્વારા સુમાત્રા પહોંચ્યા હતા. જાપાનીઓની મદદથી તેમણે આઝાદ હિંદ ફોજને જીવંત કરી. તેમનું લક્ષ્ય ભારતની સ્વતંત્રતા હતી અને તેને માટે મદદરૂપ થતાં જાપાનીઓની સાથે બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશરો સામે લડ્યા હતા. યુદ્ધ દરમિયાન તેઓ પકડાવા નહોતા માગતા એટલે તાઈવાનથી  પ્લેનમાં ભાગી રહ્યા હતા કે  ક્રેશ થયું અને તેમાં સળગી જવાથી  બોઝ મત્યુ પામ્યા એવી વાત હતી. આજે પણ તેમની રાખ અને અવશેષો જાપાનમાં રનકોજી મંદિરમાં સચવાયેલા છે.
અહીં અનેક પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે તો પછી એ અવશેષોનું ડીએનએ ટેસ્ટ કેમ નથી કરવામાં આવ્યું ?
શા માટે તેઓ છુપાઈને રહ્યા ? શું કામ જાહેર ન થયા ?
આ દરેક  પુરાવાઓ એ ફાઈલોમાં છે. એ ઉપરાંત અનેક ડોક્યુમેન્ટરીઝ છે જે સુભાષચંદ્ર બોઝની આસપાસના વિવાદાસ્પદ બાબતોને ઉજાગર કરે છે. જીવંત હતા ત્યારે પણ સુભાષચંદ્ર બોઝ રાજકિય રીતે સક્રિય રહ્યા હતા. અને તેમનું ડાયનેમિક વ્યક્તિત્વ સતત કાર્યરત રહ્યું હતું. અને મૃત્યુ પામ્યા બાદ પણ તેમનું વ્યક્તિત્વ ચર્ચામાં છે. કહેવાય છે કે જાપાનીઓએ તેમના મૃત્યુની ઘટના ઘડી કાઢી જેથી તેમને રશિયા પહોંચવામાં કોઈ તકલીફ ન થાય. સુભાષચંદ્ર બોઝ પર ખાસ્સુ સંશોધન કરીને ઈન્ડિયાસ બિગેસ્ટ કવરઅપ નામે પુસ્તક લખ્યું છે. તેમાં અનુજ ધાર લખે છે કે સુભાષચંદ્ર બોઝ આઝાદ ભારતમાં 1985ની સાલમાં ઉત્તર પ્રદેશના ફૈજાબાદમાં મૃત્યુ પામ્યા હતા. એટલે કે લગભગ 87 વરસની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા.
નેપાળના રસ્તે તેઓ 1983માં સાધુવેશે ભારતમાં પ્રવેશ્યા હતા અને અયોધ્યા નજીક આવેલા  ફૈજાબાદમાં છેલ્લા શ્વાસ સુધી રહ્યા હતા. તેમને લોકો ભગવાનજી કે ગુમનામીબાબા તરીકે ઓળખતા હતા.એ પહેલાં પણ તેઓ નીમસરમાં રહ્યા હોય તેવી વાતો મળે છે. 1962ની સાલમાં તેમની નજીકના કેટલાક લોકો નીમસરમાં મળ્યા હતા. એ વાતની જાણકારી ત્યારના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને હતી. બ્રિટિશરોને બોઝના મૃત્યુ અંગે શંકા હતી. 1946માં બ્રિટિશ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ભારત આવીને તપાસ કરી હતી તેના પુરાવાઓ પણ એ ફાઈલોમાં છે. મમતા બેનર્જીએ જાહેર કરેલી 64 ફાઈલો સિવાય પણ કેન્દ્ર સરકાર પાસે કેટલીક ફાઈલો હતી કે છે. જેમાં અનેક રહસ્યો ખુલવાની રાહ જોઈ રહ્યા છે. હતી એટલા માટે કે તે ફાઈલોનો કોંગ્રેસની સરકાર હતી તે સમયે જ ભૂલથી કે જાણીજોઈને  નાશ કરી નાખવામાં આવી હોય તેવી શક્યતા પણ છે.
સુભાષચંદ્ર  બોઝને 1940-41ની સાલમાં જ કાબૂલમાં ખતમ કરી નાખવાની યોજના હતી. પણ રશિયાની મદદથી તેઓ જીવતાં બર્લિન ભાગી જવામાં સફળ રહ્યા હતા. બ્રિટિશર સિવાય પણ અન્ય લોકો હતા કે જે નહોતા ઈચ્છતાં કે સુભાષચંદ્ર બોઝ જીવીત રહે અને કદાચ એટલે જ તેમના મૃત્યુનું ખોટું  નાટક રચાયું હોય તે શક્યતાને લોકો નકારતા નથી. એટલે જ તેઓ છુપા વેશે 40 વરસ સુધી રહ્યા હોય. અનુજ ધાર એમ  પણ કહે છે કે 1946માં ગાંધીજી-નહેરુ અને અન્ય નેતાઓ માનતા હતા કે બોઝ મૃત્યુ ન પણ પામ્યા હોય. ઓક્ટોબર 1946માં સરદાર પટેલે  આ વાત જાહેરમાં કહી હતી કે શક્ય છે કે નેતાજી જીવંત હોય. પણ તેના થોડા જ સમયમાં વડાપ્રધાન નહેરુએ કહ્યું કે તેઓ જીવંત હોવાની શક્યતા જ નથી. આઝાદ  ભારત ખાતેના  પ્રથમ બ્રિટિશ ગવર્નર માઉન્ટબેટનને મળ્યા બાદ નહેરુએ જાહેર કર્યું કે નેતાજી જીવંત હોવાની શક્યતા નથી. બસ ત્યારથી નહેરુના કહેવાયેલી વાતને કોંગ્રેસ ક્યારેય ઉવેખી શક્યું નહી. એવું પણ કહેવાય છે કે ત્યારબાદ  નહેરુને માઉન્ટબેટને કહ્યું હતું કે જો બોઝ જીવંત હોયને પરત આવે તો વડાપ્રધાન કોણ બનશે ? બસ ત્યારબાદ નહેરુજીએ જાહેર કરેલી વાતને કોંગ્રેસ વળગી રહી. અને સરદાર પટેલે પણ ત્યારબાદ તેનો વિરોધ નહોતો કર્યો તે પણ પ્રશ્ન રહે જ છે ?
શું નેતાજી 1945 બાદ રશિયામાં હતા ? એવું પણ કહેવાય છે કે રશિયામાં નેતાજીની હત્યા કરી નાખવામાં આવી હોય. પણ એ વાત સરળતાથી સંશોધકોના ગળે નથી ઉતરતી. રશિયાએ પહેલાં પણ નેતાજીને 1941માં કત્લ થતાં બચાવ્યા હતા. અને તેમને જીવંત રહેવામાં મદદ  કરી હતી. નેતાજીના બર્લિન, જાપાન અને અન્ય દેશોના નેતા સાથે સંપર્કો માટે પણ રશિયાને આદર હતો. વળી 1945માં રશિયામાં સ્ટેલિન હતા. સ્ટેલિનને નહેરુ ગમતા નહોતા. અને નહેરુને નેતાજી. નેતાજી રશિયામાં છે  એવા સમાચારો ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ તરફખી મળ્યા હતા એટલે ભારત આઝાદ થયા બાદ નહેરુએ પોતાની નાની બહેન વિજયાલક્ષ્મી પંડિતને રશિયા મોકલી હતી. પણ સ્ટેલિન તેમને મળ્યા નહોતા એ દર્શાવે છે કે તેમને નહેરુ માટે આદર નહોતો જ. હવે જો અનેક લોકોને ખબર હોય કે તાઈવાન પ્લેન ક્રેશમાં નેતાજીનું મૃત્યુ નથી થયું તો પછી ડીએનએ ટેસ્ટ કરવાથી તેને આધાર મળી જાય. અને અનેક મોટા લોકો ખોટા પડે. 1996માં પણ રહસ્ય વિશે તપાસ શરૂ કરવામાં આવી હતી પણ ત્યારના ફોરેન મિનિસ્ટર અને આજના રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ રશિયામાં તપાસ કરવાની વાતને વીંટો વાળી દીધો હતો. જો કે એ જ મુખરજી કમિશને નેતાજી પ્લેન ક્રેશમાં મરી ગયાની વાતને નકારી હોવાના પુરાવાઓ પણ છે. 1945 બાદ નેતાજી રશિયામાં રહ્યા હોય એ શક્ય છે કારણ કે 1944માં નેતાજીએ ભારતની સ્વતંત્રતાની લડત માટે રશિયાની મદદ માગી હતી અને તેઓ એ જ વરસે રશિયાની મુલાકાત લીધી હતી.
1949માં નેતાજીના ભત્રીજા  શિશિર બોઝે લંડનમાં નેતાજીએ શરૂ કરેલા રેડિયોની ફ્રિકવન્સી પર ફક્ત એટલો મેસેજ સંભળાતો હતો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ટ્રાન્સમિટર  વાત કરવા માગે છે. એ પત્રની વિગત એ ફાઈલોમાં છે. આવા અનેક રહસ્યો એ ફાઈલોમાં છે જો જાહેર થાય તો કદાચ રાજકારણમાં અટવાયેલું  નેતાજીના મૃત્યુનું રહસ્ય ઉકેલાય. 
બોક્સ
ભગવાનજી કે ગુમનામીબાબાને મળેલા લોકો
ગુમનામીબાબા ઉર્ફે ભગવાનજી સાધુ વેશે ફૈજાબાદના રામભવનમાં રહ્યા હતા. ગુમનામીબાબા ક્યારેય પોતાનો ચહેરો જાહેરમાં દેખાડતા નહોતા. બહુ જ ઓછા લોકોએ તેમને રૂબરૂ જોયા છે. તેમણે ક્યારેય તેમનું બ્લડ ટેસ્ટ કે એક્સરે લેવા દીધો નથી. તેઓ મોટેભાગે પડદા પાછળથી જ લોકોની સાથે વાત કરતા. રૂબરૂ જોનારની કેફિયત-
બિજોય નાગ-  76 વરસીય બિજોય એક પ્રાયવેટ કંપનીમાં ઓડિટર તરીકે કામ કરતા હતા. તેઓ 31 વરસના હતા ત્યારે પહેલીવાર ભગવાનજીને પડદા પાછળથી મળ્યા હતા. 1970 થી 1985 સુધી ચૌદેક વાર તેમને મળ્યા હતા.  તેમણે બાબની વિનંતીથી કેટલાક ફોટોગ્રાફ લાવી આપ્યા હતા.  નેતાજીના માતાપિતા અને શિક્ષકના ફોટાઓ લાવી આપવાની વિનંતી કરી હતી.
પબિત્રા મોહન રોય- નેતાજીની ફોજમાં સિક્રેટ સર્વિસ એજન્ટ હતા તેમણે લીલાને 1962માં ભગવાનજીને મળ્યાની વાત કરી હતી.
અતુલ સેન- તેઓ નેતાજી સાથે કામ કરી ચુક્યા છે. નેતાજીના કહેવાથી તેમણે 1930માં બંગલાદેશમાં ચુંટણી લડી હતી અને જીત્યા હતા. તેઓ 1962માં નીમસરમાં ભગવાનજીને મળ્યા હતા. તેમણે ઈતિહાસવિદ્ આર સી. મજુમદાર અને પબિત્રા મોહન રોયને એ વિશે જણાવ્યું હતું. અને તેમણે જવાહરલાલ નહેરુને નેતાજી જીવીત હોવા અંગે પત્ર પણ લખ્યો હતો.
લીલા રોય- તેઓ 1922થી  1941 સુધી  નેતાજીના સતત સંપર્કમાં હતા. તેઓ બિજોય નાગના આન્ટી હતા. 1970માં તેમનું નિધન થયું. 1962થી  તેઓ જીવીત હતા ત્યાં સુધી ભગવાનજીને દર મહિને પૈસા અને જરૂરી વસ્તુઓ મોકલતા હતા.
સુરજીત દાસગુપ્તા – તેમનું કહેવું હતું કે તેઓ શરૂઆતમાં તો પડદા પાછળથી જ મળતા હતા પણ વિશ્વાસ બેસતા રૂબરૂ મળ્યા ત્યારે એમને જોઈને ખાતરી થઈ કે તેઓ નેતાજી જ હતા. ફક્ત થોડા વૃદ્ધ લાગતા હતા અને દાઢી પાછળથી પણ તેમનો ચહેરો ઓળખાતો હતો. તેમની આંખો એટલી પ્રભાવક હતી કે તે ભૂલી ન શકાય.
સુનીલ ગુપ્તા – નેતાજીના મોટાભાઈ સુરેશચંદ્ર બોઝ દ્વારા તેમને નેતાજી જીવીત હોવાની દરેક અફવા અને બાતમી અંગે માહિતી મેળવવા માટે નિમવામાં આવ્યા હતા. તેઓ ભગવાનજીને 1962માં નીમસરમાં મળ્યા હતા. તેઓ વીસ વરસ સુધી સતત તેમને મળતા રહ્યા. ખાસ કરીને દુર્ગા પૂજાના સમયે અને તેમના જન્મદિને 23 જાન્યઆરીના રોજ. સુરજીત દાસગુપ્તા સાથે તેઓ 23 જાન્યુઆરી 1982માં મળ્યા હતા.

આ સિવાય પણ તેમના માટે જમવાનું બનાવનાર તથા અન્ય લોકો પણ હતા જે ગુમનામીબાબાને મળ્યા હતા અને તેમને નેતાજીને મળ્યાનો અહેસાસ થયો હોય. 

You Might Also Like

0 comments