ભૂકંપ અસ્તિત્વનો

02:36૨૩ વર્ષીય મીના જેની પથરાયેલી આંખોમાં સૂનકાર વ્યાપેલો સ્પષ્ટ જોઈ શકાય છે. ધરતીકંપમાં તેનું ઘર ધરાશાયી થયું, પતિ ખોવાઈ ગયો. બાળક મૃત્યુ પામ્યું. બે મહિના બાદ તેને ભારતના એક શહેરમાં વેચી નાખવામાં આવી. તેની મરજી વિરુદ્ધ તેની પાસે દેહવ્યાપાર કરાવાયો. આવી અનેક દર્દભરી કહાનીઓ ભારતના શહેરોમાં આવેલા કોઠામાંથી બચાવી લેવામાં આવેલી નેપાળી સ્ત્રીઓની છે. 

નેપાળમાં આવેલા ધરતીકંપ બાદ અનેક લોકોના જીવન બદલાઈ ગયા હશે. દરેક વ્યક્તિની દર્દનાક વાતોથી પાનાં ભરાઈ શકે. પણ એવી કેટલીય છોકરીઓ અને સ્ત્રીઓ હશે જેમને સાંત્વન આપવું અશક્ય છે. આ નેપાળી છોકરીઓને ભારતના વિવિધ શહેરોની બદનામ ગલીઓમાં પહોંચાડી દેવામાં આવી. મુંબઈમાં રેસ્કયુ ફાઉન્ડેશનના ત્રિવેણી આચાર્ય જણાવે છે કે નેપાળની ગરીબી વરસોથી ત્યાંની છોકરીઓને વેશ્યાલય સુધી પહોંચાડતી આવી હતી. પરંતુ, છેલ્લાં થોડા વરસથી તેમની સંખ્યા ઓછી કે નહીંવત્ થઈ ગઈ હતી. પણ ભૂકંપ આવ્યા બાદ વળી દિલ્હી, લખનૌ, મુંબઈ વગેરે શહેરોમાં નેપાળી છોકરીઓ અને સ્ત્રીઓને કોઠાઓ પરથી છોડાવીને પાછી નેપાળની સંસ્થાઓમાં પહોંચાડવામાં આવી જે તેમને ફરીથી જીવન શરૂ કરવા માટે મદદ કરે. 

ટ્રાફિકિંગ એટલે કે છોકરીઓને બહેલાવી-ફોસલાવીને તેમના પર બળાત્કાર કરી વેશ્યાલયોમાં વેચી દેવામાં આવે. નેપાળમાંથી છોકરીઓ લાવીને ભારતમાં અને અન્ય દેશોમાં વેચી નાખવામાં આવે છે 

તેમાં કોઈ નવાઈ નથી, પણ ભૂકંપ બાદ તેમની સંખ્યા વધી ગઈ છે. અંદાજે ૧૫૦૦૦ છોકરીઓ દર વરસે નેપાળથી ટ્રાફિકિંગમાં વેચાય છે. એવું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એન્યુઅલ ટ્રાફિકિંગ ઈન પર્સનનો રિપોર્ટ કહે છે. વીસ લાખ સ્ત્રીઓ અને બાળકો ટ્રાફિકિંગમાં ફસાઈ શકે એવી શક્યતા છે. ધરતીકંપ બાદ નિસહાય હાલત હોવાથી બચી ગયેલો મોટા ભાગનો પરિવાર અને સ્ત્રીઓ સહાયની લાલચે ફસાઈ જતાં હોય છે. એક તો ગરીબી, બીજું કુદરતી આફતમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ સહાય માટે આવતા પુરુષો ધીમે ધીમે તેમનો વિશ્ર્વાસ જીતીને છોકરીઓ પર બળાત્કાર કરીને ટ્રાફિકિંગની જાળમાં ફસાવી લે છે. અનેક છોકરાઓ હજી પણ મુંબઈના ડોંગરી હોમમાં પોતાના વતન પાછા પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. ચાઈલ્ડ લેબર તરીકે બાળકો પણ ભારતના શહેરોમાં પહોંચી ગયા છે. તેમાંથી અનેક નાની બાળકીઓ પણ વેશ્યાલયોમાં પહોંચી ગઈ છે. અનેક સામાજિક સંસ્થાઓ આ છોકરીઓને બચાવીને તેમને ફરીથી સ્થાયી થવા માટે મદદ કરી રહી છે. પરંતુ, એવી પણ અનેક છોકરીઓ હશે જ જેઓ ભૂખ, માર,બળાત્કારનો સામનો કરતાં મૃત્યુ પામી હશે તો અનેક છોકરીઓને એઈડ્સ જેવી ખતરનાક બીમારીઓ પણ થઈ હશે. તો કેટલીક છોકરીઓને ક્યારેય બચાવી જ શકાશે નહીં. 

કુદરતી આફત સમયે જેટલી પણ મદદ મોકલાય છે તે યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે જ એવું નથી બનતું. તેમાંય નેપાળ એટલે ફક્ત કાઠમંડુ કે પોખરા તો નહીં જ. પહાડોમાં હજારો નાનાં ગામડાંઓ છે. અને ગરીબીતો હતી જ તેમાં કુદરતી આફત આવવાથી ટ્રાફિકિંગ કરનારાઓ મદદ કરવાને બહાને પહોંચીને છોકરીઓને ફોસલાવી ભારતના શહેરોની અંધારી ગલીઓમાં વેચી આવ્યા. યુનાઈટેડ નેશન સાથે કામ કરતી મેઈતી નેપાળ નામની સામાજિક સંસ્થાએ હાલમાં ૨૦૦૦૦ (વીસ હજાર)થી વધુ સ્ત્રીઓ અને બાળકોને બચાવ્યા. ભૂકંપ બાદ રોજની ૪૦-૫૦ છોકરીઓને ભારતમાંથી એન્ટી ટ્રાફિકિંગ એનજીઓ ૩-એન્જલ બચાવીને રિહેબિટેશનમાં મોકલતા હતા. તેમની ઉંમર ૧૦ થી ૪૦ વરસની વચ્ચે હતી. 

આ રીતે છોકરીઓને ફસાવનાર પહેલાં તો છોકરીની પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. ધીમે ધીમે તેને પ્રેમમાં ફસાવીને લગ્ન કરવાને બહાને ભગાડીને લઈ જવામાં સફળ રહે છે. યા તો તેમના પરિવાર સાથે સંબંધ બાંધી વિશ્ર્વાસ જીતીને સારા પગારની નોકરીની લાલચ આપીને છોકરીને લઈ જવામાં સફળ રહે છે. 

નેપાળ આપણું પડોશી છે અને તેમની સાથે આપણા સારા સંબંધો હોવાથી તેમની સમસ્યામાં મદદ કરવી આપણી ફરજ છે. પરંતુ, દરેક આંગળીઓ સરખી નથી હોતી તેમ આપણે ત્યાંના અને તેમના કેટલાક ખરાબ તત્ત્વો સ્ત્રીઓને સલામત જીવન જીવવા નથી દેતા. હજી આજે પણ કેટલાય પરિવારો પોતાની ખોવાયેલી છોકરીને શોધી રહ્યા છે. તેમના વિશે અમંગળ વિચારતા જીવ તો નહીં ચાલતો હોય પણ આશંકાઓ તેમના કાળજાને કોરી ખાતી હશે. હજી આજે એકવીસમી સદીમાં પણ સ્ત્રી હોવું અભિશાપ લાગે તે માનવજાત માટે શરમની વાત છે. 

You Might Also Like

0 comments