નાયક કે ખલનાયક 15-12-15

01:39


ફ્લેશ બેક-

દૃશ્ય - ૨૦૦૯ ઈરાકમાં અમેરિકન જેલ કેમ્પમાંથી બહાર નીકળતાં અબુ બકર ગાર્ડને કહી રહ્યો છે કે, તમને હું ન્યુ યોર્કમાં જોઈ લઈશ. 

એ લુખ્ખી ધમકી નહોતી તે છેલ્લા વરસ દરમિયાન સાબિત થઈ જ રહ્યું છે. આ ખલનાયકને નાયકોની હરોળમાં બેસાડવામાં આવે ત્યારે રસ પડે આ પુરુષને જાણવામાં.

આખાય વરસનું સરવૈયું કાઢીને જે નેતા સૌથી અસરકારક રહ્યા હોય તેને ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધ યર નક્કી કરે. તેમાં પહેલા નંબરે તો જર્મનીના પોપ્યુલર નેતા જેમણે રેફ્યુજી માટે યુરોપના દરવાજા ખોલ્યા તે એન્જેલા મર્કેલ છે અને બીજા નંબરે ઈસ્લામિક સ્ટેટના નેતા અબુ બકર બગદાદીનું નામ છે. ઓસામા બિન લાદેનથી એક ડગલું આગળ હોય તેવા ખલનાયક અબુ બકરનું નામ જોઈને બધાને નવાઈ લાગી રહી છે. આંતકવાદી સંગઠનના નેતા અબુ બકરને શ્રેષ્ઠ નેતા કઈ રીતે કહી શકાય? એવો સવાલ જરૂર થાય. માનીએ કે ન માનીએ પણ અબુ બકર ભલે બની બેઠેલો નેતા હોય પણ તેની એક હાકલ પર લોકો મરી ફીટવા તૈયાર હોય છે. ટાઈમ મેગેઝિને પણ નામ જાહેર કરતાં ફોડ પાડ્યો કે પોતે જ બની બેઠેલો ખલીફા અબુ બકર જેહાદીઓને મરવા અને મારવા માટે પ્રેરિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ અબુ બકર વિશે થોડું જાણીએ. 

અબુ બકરે અલ કાયદા જેવા સત્તાશાળી આતંકવાદી સંગઠનને ટ્રાન્જેશનલ ફ્રેન્ચાઈઝી બનાવીને છેલ્લા ૧૮ મહિનામાં ૨૦ દેશોમાં આતંકી હુમલા કરાવીને ૧૬૦૦થી વધુ માણસોને મારી નાખ્યા. જો કે આ કામ કઈ હોશિયારી મારી શકાય એવું નથી જ, પરંતુ એવું તે શું છે એ વ્યક્તિમાં કે તે હજારો જેહાદીઓને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવી શકે છે. માણસ તરીકે નહીં તોય નેતા તરીકે તે સફળ ગણી જ શકાય. જો કે આને સફળતા કહેવી કે નહીં તે ચર્ચાનો વિષય છે. આપણે સતત હકારાત્મક એનર્જીની વાત કરીએ છીએ ત્યારે નકારાત્મક એટિટ્યુડ સાથે આ માણસ દુનિયાને ડરાવીને રાજ કરી રહ્યો છે. જુલમગારોનો આ નેતા શું પહેલેથી ખલનાયક જ હતો? 

ઈબ્રાહિમ અવદ્ ઈબ્રાહિમ -અલ-બદરી-અલ-સમરાઈ ઈરાકના સમરા શહેરમાં ૧૯૭૧માં નિમ્ન મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ્યો. કહેવાય છે કે તેમનું કટુંબ પયગંબર મોહમ્મદના વંશનું છે. બાળપણમાં અબુ બકર શાંત, સંકોચશીલ અને ધર્મિષ્ઠ હતો. ભણવામાં ખાસ નહીં પણ રમતગમતમાં પારંગત. કિશોરવયથી જ તે નાનાં બાળકોને કુરાન ભણાવવા જતો. યુનિવર્સિટીમાં તે મુસ્લિમ બ્રધરહૂડમાં જોડાયો હતો. ત્યારે એ પોતાની પહેલી પત્ની સાથે બગદાદમાં રહેતો હતો. બગદાદમાં તે સ્થાનિક હાજી જાયદાન મસ્જિદની ફૂટબોલ ક્લબમાં રમતો હતો. તે એટલું સારું ફૂટબોલ રમતો કે લોકો તેની આર્જેન્ટિનાના પ્રખ્યાત ખેલાડી મેસ્સી સાથે સરખામણી કરતા એટલું જ નહીં તેને મેસ્સીના નામે જ બોલાવતા. સાથે જ તેણે ઈસ્લામ ધર્મમાં પી.એચ.ડી કર્યું. ૨૦૦૩ની સાલમાં અમેરિકાએ ઈરાકમાં લશ્કર મોકલ્યું તે સમયે તેણે સુન્ની મુસ્લિમોનું જૈશ-અહલ-અલ-સુન્નાહ વલ-જમાહ નામે સંગઠન બનાવ્યું . ૨૦૦૪માં અમેરિકાએ તેની ધરપકડ કરી અને દક્ષિણ ઈરાકમાં કેમ્પ બક્કા ખાતે કેદી તરીકે ચાર વરસ માટે રાખવામાં આવ્યો. ૨૦૦૯ની સાલમાં જ્યારે કેમ્પ બંધ કરવામાં આવ્યો ત્યારે એને અન્ય કેદીઓની સાથે છોડી મૂકયો. કેમ્પમાંથી બહાર નીકળતી સમયે તેણે હિન્દી ફિલ્મના વિલનની જેમ જ ગાર્ડને કહ્યું કે, આઈ વિલ સી યુ ગાયઝ ઈન ન્યુ ન્યુ યોર્ક. 

ત્યારબાદ અબુ બકર ઈરાકના અલ-કાયદા સંગઠનમાં જોડાઈ ગયો. ઈસ્લામ ધર્મનો સ્કોલર હોવાને કારણે ધીમે ધીમે સંગઠનમાં આગળ વધતાં તે લીડર અબુ-ઓમર-અલ-બગદાદીનો મદદનીશ બની ગયો. અબુ ઓમરને અમેરિકાએ મારી નાખ્યા બાદ તેની જગ્યાએ અબુ બકરની ગળાકાપ વ્યવહારકુશળતા અને નિર્દય રાજકારણી અભિગમને લીધે સંગઠનનો નેતા બનાવવામાં આવ્યો. જાહેરમાં તે છેલ્લે જૂન ૨૦૧૪માં દેખાયો હતો. તેણે પ્રસારિત કરેલા વિડિયોમાં તેણે પોતાને ખલીફા કહેવાડવતાં ઈસ્લામિક સ્ટેટના સંગઠનની જાહેરાત કરી. અને ત્યારબાદ શરૂ થયું હિંસાનું તાંડવ. એ વિડિયોમાં તેનું વક્તવ્ય મહત્ત્વનું તો હતું જ પણ સાથે લોકોએ નોંધ્યું કે તેને મોંઘી બ્રાન્ડેડ ઘડિયાળ પહેરવી ગમે છે. તેના વિશે લોકો બહુ જાણતા નથી, કારણ કે તે સંકોચશીલ અને એકલો રહેવાવાળો વ્યક્તિ હતો કે છે. ૨૦૧૫માં એર સ્ટ્રાઈકમાં અબુ બકર ઘાયલ થયો હતો કે મૃત્યુ પામ્યો છે તે વિશે કોઈ જ માહિતી નથી એટલે બગદાદી જીવે છે કે નહીં તે પણ ચોક્કસપણે કહી શકાય નહીં. પણ તેની ઈચ્છા મુજબ ઈસ્લામિક સ્ટેટનું સંગઠન કાર્યરત છે તે પેરિસ સહિત દેશોમાં થતા હુમલાઓ દ્વારા અનુભવી શકાય છે. ટૂંકમાં રાવણ, હિટલરની જેમ અબુ બકર બગદાદી પણ સફળ ખલનાયક છે. ખલનાયક સારા નેતા હોવાના કારણે તેમના ફોલોઅર હોય છે જ તે સાબિત થતું જ રહ્યું છે. નકારાત્મક નેતૃત્વના પાઠમાં અબુ બકરનું નામ હાલ છેલ્લું છે. અને આશા કરીએ કે વરસના અંત સાથે આ નામ અંતિમ જ રહે. 

You Might Also Like

0 comments