દ્રોણ ૨૦૧૫

05:18


એકલવ્યે ભલે ગુરુ દ્રોણની જાણ બહાર એમનું નિરીક્ષણ કરીને ચૂપચાપ ધનુર્વિદ્યા શીખી લીધી. પરંતુ આધુનિક સમયમાં રાજસ્થાનના એક મોર્ડન ગુરુ દ્રોણ હજારો-લાખો વિદ્યાર્થીઓને ભણાવે છે, પણ એમના નામ ચહેરા સુધ્ધાં જાણતા નથી. આ ૨૦૧૫ના દ્રોણ એટલે ઈમરાન ખાન.

નવેમ્બર મહિનામાં વડા પ્રધાન મોદીએ લંડનના વેમ્બલી ખાતે કરેલા વક્તવ્યમાં અલવરની સંસ્કૃતિ શાળાના શિક્ષક ઈમરાન ખાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મારું ભારત અલવરના ઈમરાન ખાનમાં છે. અને રાતો રાત ઈમરાન ખાન પ્રસિદ્ધ થઈ ગયો.

૧૩ નવેમ્બરની રાત્રે લંડનમાં પ્રધાન મોદીએ અલવરના શિક્ષકનો ઈમરાન ખાનનો ઉલ્લેખ થયો અને બીજા દિવસે સવારે તો અલવરમાં ઈમરાન ખાનના ઘરની બહાર ફિલ્મ પીપલી લાઈવ જેવું દૃશ્ય સર્જાઈ ગયું. ચેનલોની ઓબી વાન સાથે લાલબત્તી-વાળી પ્રધાનોની ગાડીઓ. તે સિવાય હજારો મીડિયા સહિત જાણીતા અજાણ્યા અનેક લોકો ઈમરાનને મળવા ઊમટવા લાગ્યા. એ પહેલાં ઈમરાન ખાન સંસ્કૃતિ શાળામાં નોકરી કરીને આવ્યા બાદ સાતથી આઠ કલાક કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર કામ કર્યા કરતો. મુંબઈ સમાચાર સાથે ફોન પર વાત કરતાં ઈમરાને કહ્યું કે, ‘વડા પ્રધાને મારી નોંધ લીધી તે મારા માટે ઓચિંતી સરપ્રાઈઝ હતી, સારું પણ લાગ્યું, પરંતુ એને કારણે એટલી પ્રસિદ્ધિ મળી કે મારાથી કામ જ નથી થતું તે દિવસથી. સતત મારા પર ફોન આવે છે. ખૂબ માણસો મળવા આવે છે. મીડિયા આવે છે અને હવે મારે અનેક સમારંભોમાં પણ જવું પડે છે. હું તો નાનો માણસ છું મને કામ કરવામાં આનંદ આવતો હતો એટલે મારી રીતે કામ કરતો હતો, પ્રસિદ્ધિ માટે નહિ.’

ઈમરાન ખાન રાજસ્થાનના અલવર જિલ્લાના નાનકડા ગામ ખરેડાનો રહેવાસી છે. આજે તે અલવરમાં રહે છે અને સંસ્કૃતિ શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે. મેઓ કોમ્યુનિટીમાં જન્મેલા ઈમરાન માતાપિતા અને સાત ભાઈ બહેનો સાથે ઉછર્યો. ગામમાં પ્રાથમિક ધોરણ સુધીનું શિક્ષણ લીધા બાદ આગળ ભણવા બીજા મોટા ગામમાં જવું પડતું. શાળામાં તેને વિજ્ઞાનના મોડેલ્સ બનાવવામાં ખૂબ રસ પડતો. એના મોડેલ્સ જોઈને શિક્ષકો તેની પીઠ થાબડતા અને કહેતાં તું જરૂર વૈજ્ઞાનિક બનીશ. આ સાંભળીને નાનકડો ઈમરાન પણ વૈજ્ઞાનિક બનવાના સપના જોતો હતો. વાસ્તવિકતામાં એટલું સરળ નહોતું. બારમાં ધોરણમાં હતો ત્યારે તેણે વાસ્તવિકતા સ્વીકારી બે વરસનો ટીચર ટ્રેઈનિંગ કોર્સ કર્યો. અને પ્રાથમિક શિક્ષક તરીકે કામે જોડાઈ ગયો. ઈમરાન કહે છે, ‘૨૦૦૯ કે ૨૦૧૦ની સાલમાં ગામના મારા ઘરે ડેસ્ક ટોપ કોમ્પ્યુટર લીધું હતું. શરૂઆતમાં તો બે મહિના એના પર ગેમ્સ રમી. પછી થયું કંઈક આનો ઉપયોગ કરવો જોઈએ એટલે કમ્પ્યુટરનો જાતે અભ્યાસ કરીને સૌપ્રથમ વેબસાઈટ વિજ્ઞાનના વિષયની બનાવી. બસ પછી તો શાળામાં બાળકોને ભણાવીને ઘરે આવું કે સતત મારો પોતાનો અભ્યાસ શરૂ થઈ જાય. સાતથી આઠ કલાક મારા વાંચવા, શીખવામાં અને વેબસાઈટ બનાવવામાં જાય. આ વાત ૨૦૧૧ની સાલની છે. મારી વેબસાઈટ અમારા કલેકટરસાહેબ એ ટી પેડનેકરે જોઈ અને તેમણે મને બોલાવીને કહ્યું, શાળાઓ માટે વેબસાઈટ બનાવ. મને કહે બે મહિનામાં ૫૫ વેબસાઈટ બનાવી આપ. શિક્ષક છું એટલે બાળકોને ઉપયોગી થાય તેવું કામ મને ગમે જ. એટલે દિવસ-રાત મહેનત કરીને ૫૫ વેબસાઈટ બનાવી પછી તો ૨૦૧૨માં સ્માર્ટ ફોન આવ્યા. એટલે કલેકટર સાહેબે મને કહ્યું, હવે જમાનો એપ્સનો આવશે. એટલે મોબાઈલના એપ્લિકેશન બનાવો. બસ પછી તો ૪૨ જેટલા એપ્લિકેશન બનાવ્યા. તે માટે પણ એન્ડ્રોઈડનો જાતે જ અભ્યાસ કર્યો. ’ ઈમરાનને આ વેબસાઈટ અને એપ્લિકેશનના કામ માટે કોઈ વળતર નથી મળતું કે ન તો વળતરની લાલચે તે કામ કરે છે.

આજે લાખો બાળકો ઈમરાન ખાને બનાવેલ વેબસાઈટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. તેણે ગણિત, વિજ્ઞાન, ઈકોનોમિક્સ, હિન્દી ગ્રામર, નાગરિક શાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ વગેરે અનેક વિષયો પર કામ કયુર્ં છે. ક્લેકટરે જ ઈમરાનના કામની વાત માનવ સંસાધન ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીને કરી હતી. એટલે તેમણે ઈમરાનને મળવા અને તેનું કામ જાણવા બોલાવ્યા હતા. પછી તો ઈમરાને આઈએસ ઓફિસરો સમક્ષ પણ વક્તવ્ય આપ્યા અને અનેક સેમિનારમાં શિક્ષણને ટેકનોલોજી દ્વારા બાળકો સુધી કઈ

રીતે પહોંચાડી શકાય એ વિશેના સેમિનારમાં ભાગ લીધો. અને હવે તો વડા પ્રધાનના ઉલ્લેખ બાદ તો તેનો વ્યાપ વધી રહ્યો છે. જોકે તે માટે ઈમરાન તૈયાર નહોતો. ૩૭ વરસના ઈમરાનના ત્રણ બાળકો છે. તેમાંય મોટી દીકરી સાનિયા ૧૦મા ભણે છે અને ઈમરાનને શૈક્ષણિક એપ્લિકેશન બનાવવાના કામમાં મદદ કરે છે. તેમના ઘરમાં કોમ્પ્યુટર, મોબાઈલ કે નેટ પર કોઈ પ્રતિબંધ નથી. ઈમરાનના મતે ટેકનોલોજીનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો તે મહત્વનું છે.

આગળ તેણે શું કરવું છે ? એ સવાલ પૂછતાં કહે કે, ‘મારે તો બાળકો માટે કામ કરવું છે. મને એ વિચાર જ રોમાંચિત કરે છે કે મારા થોડા કલાકની મહેનત બાદ તૈયાર થતું શૈક્ષણિક એપ લાખો બાળકોને ઉપયોગી થાય છે અને તેમનો સમય બચાવે છે. અંગ્રેજીમાં એપ બનાવવું સહેલું હોય છે. હિન્દીમાં બનાવવું થોડું મુશ્કેલ હોય છે. પણ મને હિન્દીમાં એપ બનાવવામાં વધુ રસ પડે છે કારણ કે દરેક બાળકને તે ઉપયોગી થઈ શકે. એટલે વધુમાં વધુ હિન્દીમાં એપ બનાવવાના પ્રયત્નો ચાલુ છે. ’

બાળકોને ભણાવવાના કામમાં અને ત્યારબાદ પોતાની રીતે એપ્લિકેશન બનાવવામાં જ ઈમરાનને વધુ રસ છે, અને તે પણ કોઈ વળતરની અપેક્ષા વિના. છેલ્લે એક વાત કહીને ઈમરાન વાત પૂરી કરે છે : ‘ હું શિક્ષક છું અને મારા માટે શૈક્ષણિક કામ મહત્ત્વનું છે. અને આજે પણ લોકો મને મારા કામને લીધે જ જાણે છે. એટલે મારાથી શક્ય તેટલું કામ હું કરીશ. બીજી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. ’

You Might Also Like

0 comments