પક્ષીપ્રેમી: કચ્છના અતુલ દવેએ સુરખાબ બાદ હવે ઘોરડ જેવા દુર્લભ પંખીઓને બચાવવાનો યજ્ઞ આદર્યો છે

01:37


કચ્છના રણમાં ભૂજથી ૧૫૦ કિમી. દૂર છેવાડે આવેલ કાળા ડુંગરથી આગળ પાંત્રીસેક કિલોમીટર દૂર ફ્લેમિંગો સિટી છે. શિયાળામાં ત્યાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો આવે છે. ત્યાં પાણી ભરાયા હોવાને કારણે હલેસાંવાળી બોટમાં અતુલકુમાર દવે જાય છે અને જોઈ આવે છે કે ફ્લેમિંગો હેમખેમ તો છે ને? તેમને કોઈ તકલીફ તો નથી ને? એ વિસ્તારમાં મોબાઈલના સિગ્નલ પકડાઈ શકતાં નથી. મોડી રાતે શરૂ થયેલી અતુલભાઈની સફર છેક બીજા દિવસે બપોરે પૂરી થયા બાદ ફોન પર મુંબઈ સમાચાર સાથે વાત કરે છે ત્યારે અવાજમાં થાક વર્તાઈ રહ્યો છે. અતુલભાઈ કહે છે કે ફ્લેમિંગો સિટી અંડા બેટ પર છે. એ બેટ પર લાખો ફ્લેમિંગો ઈંડા મૂકે છે એટલે તેનું નામ અંડાબેટ કહેવાય છે. ૩૫ કિલોમીટર સુધી માત્ર દલદલ કે પાણી પાર કર્યા બાદ જ ત્યાં પહોંચી શકાય છે. એનો અભ્યાસ કરવા બોટ પર જ રહેવું પડે બે ત્રણ રાત. અતુલભાઈ કહે છે કે બે દિવસ અને બે રાત બાદ ત્યાં પહોંચાય. એક વખત રણમાં પાણી નહોતું એટલે દલદલમાં અમે દસબાર ઓફિસરો ચાલીને માંડ ત્યાં પહોંચ્યા. પણ પાછા ફરતી સમયે પીવાનું પાણી પણ નહીં. અમે બેભાન થવાની તૈયારીમાં જ હતા કે નસીબ જોગે બીએસએફવાળાને જાણ થઈ અને અમને બચાવી લીધા. થોડા સમયથી તેમણે નોંધ્યું છે કે અંડાબેટનો વિસ્તાર કપાઈ રહ્યો છે. બેટ નહીં હોય તો ફ્લેમિંગો કઈ રીતે આવશે અને ઈંડા ક્યાં મૂકશે. એટલે તેને બચાવવા માટેના રસ્તા વિચારાઈ રહ્યા છે. 

કચ્છના નલિયા વિસ્તારમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ સેન્ચુરીમાં રેન્જ ઓફિસર તરીકે કામ કરતાં અતુલભાઈ નામશેષ થવાની થવાની યાદીમાં સ્થાન પામેલા આ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ નામના પક્ષીને બચાવવાની ગજબનાક અને આવકાર્ય જહેમત કરી રહ્યા છે. ગુજરાતીમાં એ પક્ષીને ઘોરાડના નામે ઓળખવામાં આવે છે. આ કામ કરવા માટે તેમને ૨૦૧૫નું વાઈલ્ડલાઈફ વોરિયરનો એવૉર્ડ પણ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ હેમ ચંદ મહેન્દ્ર વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન અને સેવ્સ મેગેઝિન (ઓસ્ટ્રેલિયન) તરફથી જેમના વિશે લોકો ન જાણતા હોય તેવા ગ્રીન સોલ્જર્સને આ એવોર્ડ આપવામાં આવે છે. ભારતની સાત વ્યક્તિઓમાંથી એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર અતુલ દવે અને તેમની સાથે કામ ચોકીદારનું કામ કરતાં ઈસા સુમરાનું છે. ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ વિશે જાણકારી આપતાં અતુલ દવે કહે છે કે, ‘આ પક્ષી પહેલાં ભારતમાં ત્રણ સ્થળો પર દેખાતું હતું. મહારાષ્ટ્રમાં સોલાપુર , કચ્છમાં નલિયા અને રાજસ્થાનમાં. હવે ફક્ત રાજસ્થાન અને કચ્છમાં જ તેની પ્રજાતિ જોવા મળે છે. અહીં પણ નહીં સચવાતે તો એ અત્યાર સુધીમાં લુપ્ત થઈ ગયું હોત. લગભગ એક મિટર ઊંચુ આ પક્ષી ખાસ ઊડે નહીં પણ ચાલે. વળી તેની ખાસિયત એ છે કે તે ધાસવાળા મેદાનમાં રહે છે. કારણ કે તે માળો નથી બાંધતું કે ન તો ઝાડ પર ઈંડા મૂકે છે. સીધા જમીન પર જ ઈંડા મૂકી દે છે. એટલે તેના ઈંડા સહેલાઈથી કોઈપણ પ્રાણી ખાઈ શકે છે. એટલે અમે ત્રણ મહિના તેને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વળી હાલમાં જમીનને બચાવવાની પણ ખાસ્સી જરૂર હોય છે. જો જમીન અને ઘાસના મેદાન નહીં હોય તો પણ પક્ષીઓની જાતિ નષ્ટ થઈ શકે છે. અહીં ત્રણ જાતિ જોવા મળે છે હોબારા બસ્ટાર્ડ, લેસર ફ્લોરિકન અને ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ. ’ એક પ્રસંગ યાદ કરતાં અતુલભાઈ કહે છે. 

એક નર બસ્ટાર્ડની ઊંચાઈ તેમની સાથે સેન્ચુરીમાં કામ કરતાં કાસીમની ઊંચાઈ જેટલી હતી એટલે અમે બધા તેને કાસીમ (નામ બદલ્યું છે) કહીને જ બોલાવતા. નવાઈ વચ્ચે કાસીમ બૂમ પાડતાં તે આવી ય જતો. 

અતુલભાઈના કહેવા પ્રમાણે સિમ્બોપોંગન નામનું ઘાસ આ પક્ષીઓને અનુકૂળ હોય છે. ગેરકાયદે અતિક્રમણ સેન્ચુરીની જમીન પર મનુષ્યો દ્વારા ન થાય તેનું પણ અતુલભાઈ ધ્યાન રાખે છે. તે માટે સીધું અને આડકતરી રીતે અતુલભાઈ પર દબાણ પણ આવે, પરંતુ અતુલભાઈ ડરતાં નથી. લુપ્ત થતી જાતિની યાદીમાં આવેલા આ પક્ષીને બચાવવાની જ નહીં પણ તેની સંખ્યા વધારવાના પ્રયત્નો પણ અતુલભાઈ કરી રહ્યા છે. મૂળ કચ્છના કોટડામાં જ જન્મીને ઊછરેલાં અતુલભાઈએ એમએસસી સુધીનો અભ્યાસ કર્યા બાદ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી ફોરેસ્ટ ઓફિસર તરીકે ૨૮ વરસથી કામ કરી રહ્યા છે. કચ્છના કુદરતી જંગલ વિસ્તારમાં જ મોટા થયા હોવાથી પ્રાણી અને પ્રકૃતિ માટે સહજ જ તેમને લગાવ છે. પહેલાં સુરખાબ વિશે તો કામ કર્યું જ પણ જ્યારે જાણ્યું કે ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષી લુપ્ત થઈ રહ્યા છે એટલે તેને બચાવવાના પ્રયત્નો સરકાર સાથે મળીને કર્યા. અનેક અડચણોને ગણકાર્યા વિના તેમણે લુપ્ત પ્રજાતિની સંખ્યા વધારવાના પ્રયત્નો કર્યા છે. આજે દુનિયામાં ગ્રેટ ઈન્ડિયન પક્ષીઓની કુલ સંખ્યા માત્ર ૩૦૦ની છે તેમાંથી ૪૮ પક્ષીઓ આજે કચ્છની સેન્ચુરીમાં છે. આ પક્ષીની જમીન પર ઈંડા મૂકવાની પદ્ધતિને કારણે જ તે લુપ્ત થઈ રહ્યા છે. હવે અતુલભાઈ આ પક્ષીઓના ઈંડાઓ સેવી બચ્ચાઓને મોટા કરી સેન્ચુરીમાં મૂકવાની યોજના કરી રહ્યા છે, જેથી તેની સંખ્યામાં વધારો થાય. અતુલભાઈ કચ્છની દરેક સેન્ચુરીમાં કામ કરી ચૂક્યા છે. 

રાજકીય અને અન્ય દબાણો સામે હાર માન્યા સિવાય અતુલ દવે આ પક્ષીનું જતન કરી રહ્યા છે. ઈલેકટ્રીકલ વાયરો અને વીન્ડમીલને કારણે અનેક પક્ષીઓ કપાઈને મરી જાય છે. એટલે પક્ષીઓના રસ્તામાં આવતી અનેક અડચણો હટાવવાનું કામ સહેલું નથી હોતું.છતાં હિંમત હાર્યા સિવાય તે માટે પ્રયત્નો કરતા અતુલભાઈ હારતા નથી. પક્ષીવિદ્ો અને પક્ષીપ્રેમીઓ આ પક્ષીને જોવા નલિયાની સેન્ચુરીમાં જાય છે. વડાપ્રધાન મોદીને પણ સેટેલાઈટ મારફત ફ્લેમિંગો સિટીને બતાવાય છે. અતુલભાઈ કહે છે, ‘એવૉર્ડ તો હમણાં મળ્યો પણ આ કામ તો વરસોથી થઈ રહ્યું છે. પર્યાવરણ, જંગલ અને તેમાં રહેતાં પશુપક્ષીઓ દરેક એકબીજા સાથે સંકળાયેલા છે. હજી જંગલનો વિસ્તાર વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે પણ એ ન થાય તો પણ જંગલ વિસ્તાર ઘટે નહીં અને તેમાં વસતાં પ્રાણી-પક્ષીઓનું સંવર્ધન થાય તો પણ લુપ્ત થતી જાતિઓને બચાવી શકાય છે.’

You Might Also Like

0 comments