તરતાં નહોતું આવડતું, પણ હજારને બચાવ્યા (mumbai samachar)
06:10
આઠ નવેમ્બરથી ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ત્રાટકેલી કુદરતી આફતરૂપ વરસાદને તામિલનાડુ, આન્ધ્ર પ્રદેશ અને પોંડિચેરીમાં પૂરની સ્થિતિ હતી. તેમાં પણ મેટ્રો શહેર ચેન્નઈને સૌથી વધુ માર પડ્યો હતો. ફક્ત ચેન્નઈ શહેરમાં અઢીસો જેટલી વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો અને હજારો લોકો બેઘર બન્યા હતા. છ ડિસેમ્બર સુધી રેલવે ટર્મિનસ તથા એરપોર્ટ પણ બંધ હતાં. આવી અણધારી આવી પડેલી કુદરતી આફતમાં માણસોએ એકબીજાને મદદ કરવાના પ્રયત્નો કર્યા, પણ ૨૬ વરસના યુનુસ મોહમ્મદે કરેલી માનવસેવાના લોકો બે મોઢે વખાણ કરી રહ્યા છે. અને એક માતાએ પોતાની નવજાત બાળકીને યુનુસનું નામ આપ્યું.
ચેન્નઈથી મોબાઈલમાં વાત કરતાં યુનુસ સૌપ્રથમ કહે છે, "ચેન્નઈના પૂરના પાણીએ મારો ડર ઓગાળી નાખ્યો. મને તરતાં નથી આવડતું એટલે જ ચારેબાજુ નદીની જેમ વહેતાં પાણી જોઈને મને પહેલા ભય લાગ્યો, પરંતુ જ્યારે મેં લોકોને બેહાલ હાલતમાં જોયાં કે મારો ડર ભૂલી ગયો. સાંજને સમયે ગાડીમાં પસાર થતો હતો ત્યારે જોયું કે રસ્તા પર બેસીને એક સારા ઘરની સ્ત્રી પોતાના બાળકને ધવરાવતી હતી. એ દૃશ્ય જોઈને મારું હૃદય ફાટી ગયું. કેટલી નિસહાય સ્થિતિ .. વિચાર આવ્યો કે મારે કંઈક કરવું જોઈએ. આટલી અસહાયતા મેં આ પહેલાં ક્યારેય નહોતી અનુભવી, કારણ કે જીવન સરળ હતું. કોઈ જ તકલીફો નહોતી, પણ શું કરવું તે વિચારવાનો સવાલ જ નહોતો, લોકોના જીવ બચાવવાના છે બસ એટલું જ નક્કી. ચેન્નઈના મોટાભાગના વિસ્તારોમાં આઠ આઠ ફૂટ પાણી વહી રહ્યા હતાં. એટલે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાનું અને તેમને છત નીચે લાવવાનું ચેલેન્જિંગ કામ સામે હતું.
નવેમ્બરની ૧૫મી તારીખે યુનુસનું જીવન બદલાઈ ગયું, કારણ કે ૮ તારીખથી સતત પડી રહેલા વરસાદને કારણે ચેન્નઈનું જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. યુનુસ કહે છે કે, "કોઈ તમારું નાક દબાવે તો મોઢું ખૂલી જ જાય તેમ મારી અંદર રહેલો માનવપ્રેમ જાગી ઉઠ્યો. નસીબજોગે હું જ્યાં રહું છું નુગમ્મબક્કમ વિસ્તાર ત્યાં એટલા પાણી નહોતાં. પણ એક માની અસહાયતા જોઈને મને મારા ખાલી પડેલા બે ઘર યાદ આવ્યાં. જો જીવન જ ન હોય તો ઘરની કિંમત શું રહે એટલે ત્યારે જ મેં નક્કી કર્યું કે પૂરમાં બેઘર બનેલા લોકોને બચાવવા અને મારાં ખાલી પડેલા બે ઘરમાં તેમને આશરો આપવો. કામની શરૂઆત જ કરવાની હોય પછી રસ્તા આપોઆપ નીકળી આવે છે. કહેતા યુનુસ બે ઘડી ચુપ થઈ જાય છે.
"પછી તો બીજા દિવસે અનેક લોકોએ મને સંપર્ક કરીને કહ્યું કે તેઓ પણ પોતાના ઘર લોકોને સૂવા માટે આપવા માગે છે. હું મિડિએટર બની ગયો જ્યાં લોકો મદદ માગતા હતા અને મદદ આપતા હતા. આ બધું બસ સહજતાથી જ બનતું હતું. ફોન પર, ફેસબુક પર લોકો મદદ માગી રહ્યા હતા. તેઓ પાણીમાં ફસાઈ ગયા હતા. રાહ જોવાનો સમય નહોતો. નજીકની માછીમાર વસ્તીમાંથી બોટ લાવવાની જરૂર હતી. તે સમયે હું ગેમની જેમ આ બાબતને જોઈ રહ્યો હતો. જે કોઈપણ હિસાબે મારે જીતવાની હતી, કારણ કે અહીં લોકોના જીવન - મરણનો પ્રશ્ર્ન હતો. એ લોકોની જગ્યાએ હું કે મારા સ્વજનો પણ હોઈ શકત. હું કંઈ જ નહીં કરી શકું તે વિચાર જ કમકમાં લાવી દેતો હતો. બોટ લાવવાના વિચાર સાથે જ માછીમારો પાસે ગયો તો તેઓ આનાકાની કરતા તૈયાર થઈ ગયા, કારણ કે તેમની પાસે આ રીતે મદદ માગવા કોઈ ગયું નહોતું. બોટને દક્ષિણ ચેન્નઈના પૂરવાળા વિસ્તાર સુધી લઈ જવી સહેલી નહોતી. લોકોને
આજીજી કરીને માંડ માંડ બોટ અને માછીમારોને પાણી સુધી લાવ્યો. બસ તેમાં જ અડધો જંગ જિતાઈ ગયો હતો. બોટની વ્યવસ્થા કરતાં આખી રાત વીતી ગઈ. સવારે ચાર વાગ્યે બોટ લઈને તે વિસ્તારોમાં ગયો તો ચારેબાજુથી અવાજ સંભળાયા બચાવો પ્લીઝ , બચાવો પ્લીઝ. કેટલાક લોકો ઝાડ પર હતા. તો કેટલાક વીજળીના થાંભલા પર લટકતા હતા તો કેટલાક તૂટેલી દીવાલ પર લટકી રહ્યા હતા. આ તો એક જ વિસ્તાર હતો ઉરપક્કમ. બીજા વિસ્તારો વિશે વિચારી જ નહોતો શકતો. સાત કે આઠ બોટમાં ફેરી કરીને સવારના આઠ વાગ્યા સુધી ચારસો પાંચસો લોકોને બચાવ્યા. ત્યાં અચાનક બે ત્રણ કુટુંબોને ગળા સુધીના પાણીમાં બચાવો બચાવોની બૂમો પાડતા જોયાં. પ્રયત્નો કરવા છતાં બોટ ત્યાં સુધી જઈ શકે એમ નહોતી. તરતાં તો મને આવડતું જ નહોતું પણ તેમાં અસહાય સ્ત્રીઓને જોઈને રહેવાયું નહીં બસ ઊતરી પડ્યો મારા સાથીઓ સાથે. તેમાં એક ગર્ભવતી સ્ત્રી હતી. એ સ્ત્રી ખૂબ ડરી ગયેલી દેખાઈ. તેને સાંત્વના આપી સ્ટોરી કહેતો બોટ પર લાવ્યો. એ વાત આજે જેટલી સહેલાઈથી કહી શકાય છે એટલી સરળ ત્યારે હતી નહીં. ખેર, મારે તો જંગ જીતવાનો જ હતો તે નક્કી હતું એટલે થયું બાકી આજે વિચારું તો નવાઈ લાગે છે. તે દિવસે એ ગર્ભવતી સ્ત્રીના ચહેરા પર રાહતનું સ્મિત જોઈને લાગ્યું હતું કે જીવન ધન્ય થઈ ગયું.
યુનુસે પછી અનેક કુટુંબોને બચાવ્યાં અને તેમને આશરો અને ખોરાક આપ્યો. તે દિવસે સાંજ પડી તે પહેલાં યુનુસ હજારેક સ્વયંસેવકોને કો-ઓર્ડિનેટ કરી રહ્યો હતો. આ મિશનનો નેતા હતો યુનુસ, અને તેણે આ પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું કે તે આટલા બધા લોકોના જીવ બચાવી શકે અને બધાને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે. પછી તો પેલી હિન્દુ ગર્ભવતી સ્ત્રીએ બાળકીને જન્મ આપ્યો અને માતાપિતાએ એ બાળકીને બચાવનાર યુનુસનું નામ આપ્યું. એક અખબારે પેલા દંપતીનો ઈન્ટરવ્યુ છાપ્યો એટલે યુનુસ પ્રસિદ્ધ થઈ ગયો. યુનુસ કહે છે કે ‘હું ગમે તેટલો મોટો માણસ બન્યો હોત તો પણ આટલા હજારો લોકોની દુઆઓ ન મેળવી શક્યો હોત. પૈસાથી દુનિયાના બધા જ સુખ-સગવડ ખરીદી શકાય પણ દુઆઓ અને પ્રેમ નથી ખરીદી શકાતો. એ પૂર સમયે મેં જોયું કે લાખોપતિઓ-કરોડોપતિઓ છતે પૈસે ખોરાક-પાણી માટે ભીખ માગી રહ્યા હતા. મદદ માટે પોકારી રહ્યા હતા. કુદરત સામે બધા જ મજબૂર હતા.’
યુનુસ કહે છે કે "મેં લોકોને બચાવ્યા ત્યારે કોઈએ મને મારો ધર્મ પૂછ્યો નથી અને મેં લોકોને તેમનો ધર્મ પૂછીને નથી બચાવ્યા. હિન્દુ છોકરીનું નામ યુનુસ રખાયું તેનાથી નહીં પણ કોઈ માનવના બાળકનું નામ મારા નામને યાદ કરીને રખાયું હોય તે વિચારથી જ હું ધન્ય થઈ ગયો. એ છોકરીના ભણતરની જવાબદારી ઉપાડવાની મારી ઈચ્છા છે. હું તેને ટૂંક સમયમાં મળવા જવાનો છું. ધર્મ તો તમને જીવન જીવતા શિખવાડે, પછી કોઈપણ ધર્મ કેમ ન હોય. હું પહેલાં ભારતીય છું પછી મુસ્લિમ.
યુનુસ હવે પોતાનું જીવન લોકોની સેવા કરવા માટે જ વિતાવવા માગે છે. તેને પોતાનામાં નેતાના ગુણ દેખાય છે. અંગત રીતે તો તે મદદ કરતો જ રહેશે પણ સરકારમાં જોડાઈને લોકોને પોતાનો અધિકાર અપાવવાની વધારે મદદરૂપ થવાની ઈચ્છા ધરાવે છે. તેનું કહેવું છે કે, ‘સારા અને યુવાન માણસોએ સરકારમાં જોડાવાની જરૂર છે તો જ લોકોની સેવા વધારે સારી રીતે થઈ શકે. જેમ મદદ કરવા કોઈ તૈયાર ન હોત તો કેટલી વ્યક્તિઓ મરી હોત તેમ મદદરૂપ થવા વધુ અધિકાર અને સંસાધનની જરૂર છે. પૈસા કોઈ કામમાં નથી આવતા તે મેં પૂરના દિવસોમાં અનુભવી લીધું. મુખ્ય વાત તો રોટી, કપડાં અને મકાનની જ છે. માનવ માનવ વચ્ચે કરૂણા અને પ્રેમની જ છે. હું કોઈ સંત નથી પણ કુદરત સામે મજબૂર માનવોને નજીકથી જોયા બાદ જીવનની અને પૈસાની નિરર્થકતા સમજાઈ ગઈ છે.’
1 comments
જીવનમાં જ્યારે આવી પરીસ્થિતી આવે ત્યારે ડરવું ન જ જોઇએ. કેમકે આવું કોઇ સારૂ કાર્ય કરવાની તક હું માનુ છુ, કે ભાગ્યશાળીને જ મળે.
ReplyDelete