બોલે એનાં બોર વેચાય?

05:24
ઠંડીના દિવસો શરૂ થયા છતાં વાતાવરણ ગરમ છે. ખાસ કરીને સમાજનું અને રાજકારણનું. સમાજ અને રાજકારણ જુદા છે ખરાં ? એ પ્રશ્ર્ન જરૂર થાય. સમાજમાં અને રાજકારણ બન્નેમાં પુરુષોના અવાજ વધુ સંભળાય છે. સોશ્યલ મીડિયાનો ચોતરા પર જે રીતે ગપશપ, વિવાદો અને ચર્ચાઓ ચાલે છે તે જોતાં ગલીએ ગલીએ ને ગામે ગામની પાનની દુકાનના ગલ્લા યાદ આવી જાય. આ પાનના ગલ્લાઓ ફક્ત ને ફક્ત પુરુષોની દુનિયાનું પ્રતીક છે તે કહું એક સ્ત્રી તરીકે તો પણ કોઈ પુરુષોના ભવાં તંગ નહિ થાય. તે વિશે સવિસ્તર વાત કહેવાની અહીં ભાગ્યે જ જરૂર છે. આ પાનવાળાઓને માર્કેટિંગ કરતાં સારું આવડે એટલે તેઓ એક જમાનામાં પાનના ગલ્લા પર રેડિયો રાખતાં. ક્રિકેટની મોસમ હોય ત્યારે ક્રિકેટની કોમેન્ટરી ચાલતી હોય અને નહીં તો નોસ્ટાલજિક ગીતો ચાલતાં હોય. તેમાં ય જો મેચ રસાકસી પર પહોંચી હોય તો ગલ્લા પર ખાસ્સી ભીડ હોય. રોજના ખાસ ગ્રાહકો માટે શક્ય હોય તો બેસવાની સગવડ હોય. અને સાથે સતત દરેકના ટેસ્ટ મુજબ પાન અપાતું હોય. તે દિ પાનવાળાનો વકરો વધી જાય. અને જો ધીમી ટેસ્ટ મેચના દિવસો હોય તો રાત્રે ગલ્લે જોરદાર વાદવિવાદ ચાલે. તેમાં પાન બનાવતાં બનાવતાં પાનવાળો પણ વચ્ચે પોતાની એકસ્ટ્રા કોમેન્ટ્સ પાસ કરે. જો બે જૂથ કે વ્યક્તિ વચ્ચે ઉગ્ર ચર્ચા થાય તો તે મધ્યસ્થ પણ બને. એને તો ગ્રાહકો બન્ને સરખા ને ! જો ચૂંટણીની મોસમ હોય તો પણ એવી જ ઉગ્ર ચર્ચાઓ ચાલે. ન હોય તો પણ રાજકારણીઓ વિશેની અને દેશને ખાડે નાયખો છે..... ને વળી તેમાં ઉમેરાતી ગાળો જે અહીં સ્ત્રી સહજ સ્વભાવનુસાર સેન્સર કરવામાં આવી છે. આવું જ કંઈક આજે ફેસબુક અને વોટ્સ એપના ઓટલે નથી થતું?

પુરુષોનું પોતાનું આગવું રાજ્ય પાનના ગલ્લા પર રાજ કરતું હતું. એવું જ અહીં સોશ્યલ મીડિયા ઉપર પણ રાજ કરે છે. તેમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી એકાદ બે અપવાદો બાદ કરતા. સ્ત્રીઓ વધુ બોલે અને પુરુષો ઓછું બોલે તેવા જોક્સ સમાજમાં ભલે વધુ પ્રમાણમાં ફરતા હોય, પરંતુ વાસ્તવિકતામાં તો પુરુષોના અવાજનું જ વર્ચસ્વ વધુ હોય છે. તે ફરી ફરીને સાબિત થાય છે. તેમાં ય વળી એ જ અપરાધી હોર્મોનનો મોટો હાથ. કારણ કે સ્વભાવ તો તે જ ઘડે ને? સ્ત્રીઓને ઈમોશનલ અર્થાત લાગણીસભર વાતોમાં બહુ રસ એટલે લાગણીના લવારાઓ કરે તેથી લાગે કે બહુ બોલે છે. અને પુરુષો લાગણી વ્યક્ત કરવામાં માને નહીં કે તેમાં એને રસ ન હોય એવું ય બને. અરે હોર્મોનને લીધે જ સ્તો. આ વાત સાચી કે ખોટી તે જાણવા ગુગલભાઈની દુનિયામાં આખ્ખીય દુનિયા ફરી વળી. તો નવાઈની વચ્ચે અત્યાર સુધી દરેક અભ્યાસ એમ કહેતા હતા કે સ્ત્રીઓ સૌથી વધારે શબ્દો દિવસમાં બોલે છે. અને પુરુષો ઓછા. સ્ત્રીઓ સહેજે ય ૨૦ હજાર શબ્દો બોલે તો પુરુષો ૭ હજાર. આ અભ્યાસ અને વાસ્તવિકતા જ્યારે જોઉં તેને કોઈ સંબંધ ન દેખાય. નોકરીઓમાં કે વ્યવસાયમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં વધારે. સ્ત્રી ભ્રૂણને મારી નાખવાના દરેક પ્રયત્નો થાય પણ પુરુષ ભ્રૂણને નહીં. ગલીએ ગલીએ પાનની દુકાનો અને તેના ગ્રાહકોમાં પુરુષોનું જ વર્ચસ્વ, રાજકારણમાં પણ સ્ત્રીઓની સંખ્યા અડધી પણ નહીં. તો પછી સ્ત્રી વધુ બોલે છે એમ કેમ કહી શકાય ? તમારી પાસે વધુ દલીલો આ બાબતે હશે જ પણ તો ય પુરુષ અહમને બાજુએ રાખીને તટસ્થતાથી વિચારી શકાય નહીં તો ય હાલમાં લેટેસ્ટ અભ્યાસ થયો છે કે પુરુષો પણ સ્ત્રીઓ જેટલું જ બોલે છે. 

યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ઓસ્ટિન્સ સાયકોલોજી ડિપાર્ટમેન્ટના વડા જેમ્સ પેન્નેબેકર કહે છે કે અમે પુષ્કળ અભ્યાસ હાથ ધરતાં હોવાને કારણે આ પહેલાં સ્ત્રીઓ દિવસમાં વધુ શબ્દો બોલે અને પુરુષો ઓછા શબ્દો બોલે એ અભ્યાસમાં અમારું નામ જોડાઈ ગયું હતું. ( તે અભ્યાસ કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિમેન્સ મૂડ એન્ડ હોર્મોન ક્લિનિકનો હતો.) પણ અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો અને સ્ત્રીઓ લગભગ સરખું જ બોલે છે. ફક્ત ફરક હોય છે તો શું અને કેમ બોલે છે તેનો જ. પુરુષો હંમેશાં કશુંક પ્રાપ્ત કરવા કે કોઈક ધ્યેય સાથે જ બોલશે. જ્યારે સ્ત્રીઓ લાગણી અને મનોભાવ વ્યક્ત કરવા માટે બોલે છે. પુરુષો તેમને શું જોઈએ છે તે સીધે સીધું કહી શકે છે. પણ મતભેદ ટાળવા માટે તેઓ સીધું કહેવાનું ટાળે એવું પણ બને. તે વખતે પોતાનો ખરો ઈરાદો તેઓ છતો થવા દેતા નથી. ત્યારે તેમનો ઈરાદો થોડો પેચીદો લાગી શકે છે. 

એટલે જ હાલમાં જે પુરુષે ગામ ગજાવ્યું તેના ઈરાદા સમજાયા નહીં. હા, આમિર ખાનની જ વાત કહેવી છે. બે ચાર સ્ત્રી સાહિત્યકારો અને પત્રકારો કે રાજકારણીઓ સિવાય મોટાભાગે પુરુષોએ કરેલાં સ્ટેટમેન્ટ પર વિવાદો વધુ થયા છે. તેમાં પણ આમિર ખાનના મુદ્દે હદ જ વટાવી દીધી.વાત સ્ત્રીએ કરી.કહેવાય છે કે કિરણ રાવે જે તેની પત્ની છે તેણે પણ જાહેરમાં આ વાત કરી હતી થોડો સમય પહેલાં પણ કોઈ વિવાદનો વંટોળ નહોતો ઊભો થયો. એ જ વાત આમિર ખાને કરી કિરણના નામે અને વિવાદની આગ લાગી. શું કામ? એ પ્રશ્ર્ન થાય તે સ્વાભાવિક છે. કિરણ જે સ્ત્રી છે પત્ની છે તેના કશું કહેવા ન કહેવાથી ફરક નથી પડતો પણ તે જ વાત પુરુષ કહે છે ત્યારે તેને ગંભીરતાથી લેવાય છે. કેમ ? આવા સવાલો મને થયા. એટલે જ મેં તેને સામાજિક સંદર્ભે સમજવાના પ્રયત્નો કર્યા. પુરુષ બીજા પુરુષના અહંકારને સ્વીકારી નથી શકતો. વળી પુરુષો બોલે તેને ગંભીરતાથી લેવાય છે. પછી તે સ્ત્રીના નામ સાથે જ કેમ ન બોલે? જો કે તે માટે ય બિચારા આમિર ખાને સાંભળવું પડ્યું કે પત્નીની બધી વાત ન મનાય. વગેરે ખૂબ જ નિમ્નસ્તરના જોક સામાજિક માધ્યમોમાં વહેતા મુકાયા. તેની પાછળ જે તે રાજકીય પાર્ટીઓના ધ્યેય હતા કે પછી વ્યક્તિઓના ધ્યેય હતા તે સમજી શકાય એમ છે. પણ વળી એકવાર સાબિત થાય છે કે પુરુષોનો અવાજ ઊંચો છે. મહત્ત્વનો છે. વળી આમિરે શું કહ્યું ને તેનો ઈરાદો શું હતો તેની ચર્ચા અહીં નથી કરવી, પરંતુ પુરુષો જ વધુ બોલે છે અને તેમાંય ખાસ ઈરાદા સાથે. દરેક વ્યક્તિના ઈરાદા જુદા હોય છે. અને એટલે જ મહાન ગ્રીક ફિલોસોફર પ્લેટોના શબ્દો અહીં આરંભે યાદ આવ્યા.

You Might Also Like

0 comments