કાયદાની કેદમાં પુરાયેલી લાગણીઓ ક્યારેય મુક્ત થશે? 16-2-16

01:50

ટુબી ઓર નોટ ટુ બી(હોવું - ન હોવું) ... શેક્સપિયરના હેમલેટ નાટકના ત્રીજા અંકમાં વપરાયેલ આ સ્વગતોક્તિ દુનિયાભરમાં અસમંજસ અને દ્વિધાની લાગણી દર્શાવવા માટે પ્રસિદ્ધ છે. એવો જ ભાવ અંગ્રેજીમાં લખતા વિક્રમ શેઠે વરસો પહેલાં અનુભવ્યો હતો. વિક્રમ શેઠની બીજી ઓળખ એ પણ કે તેઓ ભારતનાં પ્રથમ મહિલા જસ્ટિસ લીલા શેઠના પુત્ર છે. લેખક-કવિ વિક્રમ શેઠ હાઈલી એજ્યુકેટેડ છે. આજે ૬૩ વરસના વિક્રમ શેઠને કિશોરવયની ઉંમરે છોકરીઓ પ્રત્યે આકર્ષણ તો હતું જ, પણ છોકરાઓ પ્રત્યે પણ આકર્ષણ અનુભવાતું હતું. તે સમયે એમને દ્વિધાનો અનુભવ થયો હતો, કારણ કે એ લાગણીઓને તેઓ સમજી નહોતા શકતા અને ખાળી પણ નહોતા શકતા. એ લાગણીઓને સમજતા અને સ્વીકારતા એમને તો વરસો લાગ્યાં. તેમના આધુનિક શિક્ષિત માતાપિતાને પણ સ્વીકારતા તકલીફ થઈ હતી, એવું તેમણે એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

અહીં આ વાત કરવાનું સૂઝયું, કારણ કે ૩૭૭ની કલમનો વિવાદ ફરી ચર્ચામાં છે. છેક ૧૮૬૦ની સાલથી એટલે કે બ્રિટિશના જમાનાથી જે ઈન્ડિયન પીનલ કોડ છે તેની ૩૭૭મી કલમ તે જમાનાની સંકુચિતતા પ્રમાણે ઘડવામાં આવી હતી. તેમાં પ્રકૃતિ વિરુદ્ધના સેક્સને ગુનો ગણવામાં આવે છે. તેમાં સજાતીય સંબંધોથી લઈને ઓરલ સેક્સને પણ ગુનાહિત કૃત્ય માનવામા આવે છે. એ કલમને વિગતે જોવામાં આવે તો પતિ-પત્ની વચ્ચેના સેક્સને પણ ગુનાહિત કૃત્ય ગણવું પડે. આ કાયદાની કલમમાં સુધારો લાવવામાં આવે તેની માગણીઓ વરસોથી થઈ રહી છે.

દોઢસો વરસ પહેલાં આપણે ક્યારેય ફોન નહોતા વાપરતા. દોઢસો વરસ પહેલાં ટેલિવિઝન, રેડિયો જેવા માધ્યમો નહોતાં. લોકો આટલા શિક્ષિત નહોતા, સ્ત્રીઓ બહાર કામ કરવા નહોતી જતી. પ્રવાસ માટેના આધુનિક વાહનો નહોતાં. આ બધું જ બદલાયું તેનો વિરોધ આપણે કોઈ કરતા નથી, પરંતુ દોઢસો વરસ પહેલાં ઘડવામાં આવેલા કાયદાને આપણે બદલવા માગતા નથી. આપણે ત્યાં દરેક સજાતીય સંબંધો ધરાવતી વ્યક્તિઓને ક્રિમિનલ એટલે કે ગુનેગાર ગણવામાં આવે છે. સજાતીય સંબંધ ધરાવતી દરેક વ્યક્તિઓને સળિયા પાછળ ધકેલવામાં આવી નથી છતાં તેઓ એનો વિરોધ કરી રહ્યા છે કારણ કે જો આ કાયદાની કલમ બદલવામાં ન આવે તો તેનો દુરુપયોગ થતો રહ્યો છે અને થવાની શક્યતાઓ તો પણ છે જ પણ સમાજમાં ગુનેગાર તરીકેની છાપ લઈને જીવવું એ બીજી પીડા.

હજી હાલમાં બીજી ફેબ્રુઆરીએ કોર્ટમાં નિર્ણય લેવાયો કે કલમમાં સૂચવાયેલા સુધારાને ફરીથી તપાસી જવામાં આવશે ત્યારબાદ નિર્ણય લેવાશે. આવું અનેકવાર બન્યું છે. લોકસભાના મેમ્બર શશી થરૂરે પણ લોકસભામાં સજાતીય સંબંધોને ગુનો ન ગણવાનું બીલ લોકસભામાં ડિસેમ્બરમાં મૂક્યું હતું પણ લોકસભાએ તેને સ્વીકાર્યું નહીં. વિક્રમ શેઠે પોતાની મુલાકાતમાં બહુ સરસ રીતે કહ્યું હતું કે આપણે ત્યાં પુરુષનું અસ્તિત્વ તેના પૌરુષપણાને સાબિત કરવામાં જ સ્વીકારાય છે. અને જો પુરુષ બીજા પુરુષને પ્રેમ કરતો હોય તો તે કોઈપણ પિતા માટે કે અન્ય કોઈ પુરુષ માટે સ્વીકારવું સરળ નથી હોતું. સજાતીય સંબંધ ધરાવતા પુરુષને ઘૃણાથી જોવાય છે કે સામાન્ય ન હોય તે રીતે જોવાય કે પછી વિકૃત ગણવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે ત્યારે સમાજમાં સરળતાથી સ્વીકારાતું નથી. તેનું કારણ કદાચ એ પણ હોય કે આપણો સમાજ ફક્ત નીતિ-નિયમોને જ સ્વીકારી શકે છે પણ પ્રેમને સ્વીકારી શકતો નથી. માય બ્રધર નિખિલ અને આઈ એમ જેવી ફિલ્મોમાં સજાતીય પુરુષોના સંબંધની વાતો કહેવાઈ છે. પણ તેમાંય હેપ્પી એન્ડિંગ નથી. જે અન્ય સ્ત્રી-પુરુષની લવસ્ટોરીમાં જોવા મળે છે. એવી ફિલ્મોની હજી આપણે રાહ જોવી પડશે. ગયા વરસે મામી ફેસ્ટિવલમાં રજૂ થયેલી અલીગઢ ફિલ્મ જેમાં મૂળ સુરતના ગુજજુ નિર્દેશક હંસલ મહેતાએ સજાતીય પુરુષના પ્રેમની સંવેદના, એકલતા દર્શાવ્યા છે. હંસલ મહેતા એ અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કરતાં કહે છે કે, ‘ પ્રેમ જીવનમાં હવા, પાણી, ખોરાક જેટલો જ જરૂરી છે. પછી તે બે પુરુષ વચ્ચે હોય કે બે સ્ત્રી વચ્ચે હોય કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચે જ કેમ ન હોય. વળી તે કોઈ જાતિ આધારિત નથી હોતો. આપણે પ્રેમને પણ બોક્સમાં રાખીને જોવા ઈચ્છીએ છીએ. એટલે આઉટ ઓફ બોક્સ થતાં પ્રેમને સ્વીકારી શકતા નથી. સ્ત્રી-પુરુષનો પ્રેમ જુદો અને પુરુષ-પુરુષ વચ્ચેનો કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો પ્રેમ જુદો એવું હું માનતો નથી. પ્રેમ એક લાગણી છે અને તે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે છે. કોઈપણ બે પ્રેમીની અંગત બાબતમાં દખલ ન કરવી જોઈએ.’ હંસલ મહેતાની વાત સાચી છે તો વિક્રમ શેઠ પણ પોતાના અનુભવને ટાંકતા આ જ વાત કહે છે કે,‘ હું નસીબદાર છું કે મારી પાસે પૈસા છે એટલે હું ભારત બહાર રહેવાનું પસંદ કરી શકું છું પણ ગરીબ વ્યક્તિઓ ક્યાં જાય? ભારતમાં રહેવું મને પસંદ છે પણ જ્યારે હું ભારતમાં રહું છું ત્યારે મને ગુનેગાર હોવાની લાગણી થાય છે, હું ગુનેગાર ન હોવા છતાં. મને કોઈ ફરક નથી પડવાનો તે છતાં કાયદો જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી મને ખોટું કરી રહ્યો હોવાનો અહેસાસ થશે જ. પછી ભલેને હમણાં હું કોઈપણ સંબંધમાં ન હોઉં.’

પંદરેક વરસ પહેલાં મુંબઈની હમસફર સંસ્થામાં સજાતીય સંબંધની સ્ટોરી માટે ગઈ હતી. એક હેન્ડસમ યુવાનની મુલાકાત લેતી વખતે મારા માનવામાં નહોતું આવતું કે તે યુવાનને સ્ત્રી માટે કોઈ આકર્ષણ નહોતું થતું. વિચિત્ર લાગણી થઈ રહી હતી, કારણ કે મારા માટે આ લાગણીઓ અજાણી હતી. એ પ્રદેશ નવો હતો. એ યુવક કોઈ બહારની દુનિયામાંથી આવ્યો હોય તેવું લાગતું હતું. સજાતીય સંબંધો ધરાવનાર વિશે પુરુષો પણ જે રીતે વાત કરતા હોય તેમાં મજાક દ્વારા ઉતારી પાડવાની વૃત્તિ જ દેખાશે. સામે પક્ષે એ દલીલ કરી જ શકાય કે હવે સહજતાથી સજાતીય સંબંધોની વાત સ્વીકારતાં થયા છીએ તો પછી તેને ગુનો ગણવાનો કાયદો બદલતાં આટલાં વરસો કેમ લાગે છે તે સવાલ આપણે આપણી જાતને પૂછવો ન જોઈએ?

You Might Also Like

1 comments

  1. તમારો લેખ વાંચવા માટે ખોલ્યો તો ખરો પણ વાંચતાં ખયાલ આવ્યો કે લેખને પેસ્ટ કરવામાં કોઈ ગફલત તહી છે. વાંચતાં વચ્ચે અન્ય શીર્ષકો આવે છે.

    ReplyDelete