પ્રેમ, આકર્ષણ અને સેક્સુઅલ હેરેસમેન્ટ 9-2-16

20:53





એક પુરુષ મિત્રએ હસતાં હસતાં સવાલ પૂછ્યો કે તમારો ડ્રેસ સારો છે એવું કોઈ સાથી કર્મચારી સ્ત્રીને કહેવાથી સેક્સુઅલ હરેસમેન્ટ કહેવાય ? તમે સુંદર લાગો છો આજે, એવી કોમ્પ્લીમેન્ટ કોઈ સ્ત્રીને આપી શકાય કે નહીં હવે ? નવાઈ સાથે હાસ્ય કરતાં મેં કહ્યું કે ચોક્કસ જ આપી શકાય. અમને સ્ત્રીઓને કોમ્પ્લીમેન્ટ્સ ગમે જ છે. અને તમે આજે કહો તો ખોટું ચોક્કસ લાગે અથવા સામો સવાલ પણ આવે કે કેમ રોજ સુંદર નથી લાગતી ? પણ મિત્ર તો હજી જાણે મજાક સ્વીકારવા જ તૈયાર નહોતા બોલ્યો કે , ના રે બાબા હવે તો તમારા વખાણ કરતાં પણ ડર લાગે છે. ભલે ને તેમાં અમારા પુરુષોનો કોઈ ઈરાદો ખરાબ ન હોય પણ ક્યારે કોઈ સેક્સુઅલ હેરેસમેન્ટનો કેસ ઠોકી દે તો આપણા તો બાર જ વાગી જાય. ને વળી ઈજ્જતનો ફાલુદો થાય તે વધારામાં. આજકાલ કેવા કેવા કિસ્સાઓ સાંભળવા અને વાંચવા મળે છે. 

પહેલાં તો એમ ચોક્કસ જ લાગે કે આ વધારે પડતું રિએકશન છે. પણ પુરુષના વિશ્ર્વમાં પ્રવેશીને જોઈએ તો મિત્રની વાત વિચારણીય લાગી. સ્ત્રી પુરુષના સંબંધો વિશે સતત ઘર્ષણ ચાલતું જ રહ્યું છે. આજના યુવાનનોની ભાષા બદલાઈ છે. મોટર પણ સેક્સી હોય અને સૂર્યોદય પણ સેક્સી હોઈ શકે તો સ્ત્રી પણ સેક્સી હોય છે. જો કે સ્ત્રીને સેક્સી ક્યારેય અને કોણ કહે છે તે દરેક પરિસ્થિતિની નોંધ લીધા બાદ જ તેના અર્થ વિશે નિર્ણય લઈ શકાય. આજે તો દરેક વખતે પુરુષના મનમાં સેક્સનો જ વિચાર આવતો હોય તે જરૂરી નથી. વિચારમાં કોણ શું વિચારે છે તે કેવી રીતે સાબિત કરી શકાય ? સ્ત્રીઓ પણ આજે અનેક સ્તરે વિચાર કરી શકે તેટલી સ્વતંત્ર થઈ છે તેની પણ ક્યાં ના પાડી શકાય. વળી રસ્તામાં ચાલતો કોઈ પર્વટ મેન્ટાલિટી ધરાવતો વ્યક્તિ કહે તે વાત અલગ હોય છે. સ્ત્રી પુરુષ સાથે કામ કરતાં થોડા ફ્રેન્ડલી થાય ત્યારબાદ આજના યુવાનો અને યુવતીઓ એકબીજા સાથે થોડું ફ્લર્ટ કરી લેતાં હોય છે. યોગ્ય કે અયોગ્યની વાત જવા દઈએ તો સ્ત્રી અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય છે તેમાં શારીરિક આકર્ષણ જ સૌ પ્રથમ હોય છે. કુદરતી રીતે જ સ્ત્રી પુરુષમાં આ આકર્ષણ મૂકવામાં આવ્યું છે તેમાં કોઈ કંઈ કરી શકે નહીં. હા આપણે સમાજમાં રહેતા હોવાથી એવી અપેક્ષા જરૂર રાખવામાં આવે છે કે મર્યાદાને ન ઓળંગીએ. વર્તનમાં સૌજન્યતા જાળવીએ. આમ તો મોટેભાગે દરેક વ્યક્તિ સૌજન્ય જાળવવાના સંસ્કાર ડીએનએમાં લઈને જ આવતી હોય છે, પરંતુ ઉછેર, આસપાસની, બહારની, આંતરિક પરિસ્થિતિઓ જુદા સંજોગો ઊભા કરે છે. તે કારણે સાયકોલોજીમાં ગરબડ ઊભી થતી હોય છે. અને સૌજન્યતામાં વિકૃતિનો વિશુદ્ધ રંગ ઉમેરાય છે. તેમાં પણ પિતૃસત્તાક માનસિકતાને કારણે ય આ ગડબડ થઈ હોવાનું નોંધાયું તેથી સેક્સુઅલ હરેસમેન્ટનો કાયદો લાવવો પડ્યો. શિક્ષિત સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વ અને અધિકાર અંગે જાગૃત થઈ હોવાથી તે કાયદાનો ઉપયોગ પણ કરતી થઈ છે. 

તરુણ તેજપાલ અને પર્યાવરણવિદ્ પચૌરીના કિસ્સાઓ વાંચીને અનેક પુરુષો ડરીને રહેતા થયા છે તે વાત સાચી અને સારી છે. તે છતાં આ બાબતે ખોટી ફરિયાદો થતી હોય છે તે પણ વાત સાચી છે. સ્ત્રી પણ ક્યારે કેમનું રિએક્ટ કરશે તે સમજાતું નથી હોતું. જો કે શિક્ષિત સ્ત્રી સમાનતાનો અર્થ સમજે છે. ઘરની બહાર જ નહીં ઘરમાં પણ જાગૃત સ્ત્રી પોતાના અધિકાર અને સમાનતા વિશે સભાન છે. તો સાથે કામ કરતાં તમે જેટલી છૂટ લો છો એટલી છૂટ તમારે પણ આપવી પડતી હોય છે. તે પણ સમજતી હોય છે. તે છતાં ક્યારેક ક્યાંક ગેરસમજ થઈ જતી હોય છે. વળી લગ્નજીવનની હિંસાના કાયદા જેવા આ કાયદાઓ નથી હોતા. અહીં પુરુષની બાજુ પણ જોવામાં આવતી હોય છે. ફરિયાદ થયા બાદ સ્ત્રીને પણ ખોટી હોવાની શક્યતા સાથે સવાલો પૂછવામાં આવે છે. જો પુરુષ સાચો જ હોય અને તેણે એવા કોઈ ખરાબ ઈરાદા સાથે વર્તન ન કર્યું હોય તો તેને ડરવાની જરૂર રહેતી નથી. મોટેભાગે ખોટી ફરિયાદ થતી જ નથી. એટલે પુરુષોએ પોતાના વર્તન પર નજર રાખવી જરૂરી છે, જો તમારો ઈરાદો સાફ હોય છે તો તે માટે ડરવાની જરૂર નથી. એ પુરુષ જરૂર ડરે છે જે સ્ત્રીને વ્યક્તિ તરીકે સ્વીકારી શકતો નથી. સમાજમાં સમાનતા નહીં આવે ત્યાં સુધી આ ઘર્ષણ રહેવાના જ. એટલે એ પણ ખોટું જ છે કે કેટલીક કંપનીઓ સ્ત્રીઓને કામ રાખવાનું એટલે ટાળે છે કે કોઈ સમસ્યા જ ઊભી ન થાય. અથવા તો પુરુષો હવે સાથી સ્ત્રી કર્મચારીને મદદરૂપ થવાનું પણ ટાળે છે. કે સેફ ડિસટન્સ રાખે છે. આ કડવાશ પણ યોગ્ય તો નથી જ. 

આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા એ છે કે પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ સમજવામાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. સ્ત્રીઓને પ્રેમ જોઈએ છે અને પુરુષોને સેક્સ જોઈએ છે એ બાબત લગભગ બધા જ જાણે છે. પ્રેમ થઈ જાય છે એ વાત સાચી પરંતુ તે માટે બે વ્યક્તિ એકબીજાને જાણે સમજે ત્યારે ક્યારેક એ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ પાંગરે છે. શારીરિક આકર્ષણ સહજ છે. સ્ત્રીને પણ થાય અને પુરુષને પણ થાય. પણ સ્ત્રી આકર્ષણનો સ્વીકાર કરતી નથી કે એને પ્રેમનું નામ આપે છે. એ માનસિકતા પણ બદલાશે જો સમાનતા આવે. પુરુષ પોતાના આકર્ષણને સમજી શકે છે કે તેમાં પ્રેમ નથી તે છતાં પ્રેમના નામે આકર્ષણને પોષે છે. આ બધામાં ક્યાંક ગેરસમજ ઊભી થાય છે અને તકલીફો સર્જાય છે. પુરુષ પ્રેમના નામે આકર્ષણને પોષે છે ત્યાં જ મોટી ભૂલ ઊભી થાય છે કારણ કે સ્ત્રીને એમ લાગે છે કે મને છેતરવામાં આવી. પુરુષ પણ ફ્રેન્ડલી વાતચીતને સામી વ્યક્તિનું આકર્ષણ સમજીને ય ભૂલ કરે છે. એટલે જ સૌ પ્રથમ પોતાની લાગણીઓ માટે સ્પષ્ટ રહેવામાં આવે તો ભૂલ થવાની શક્યતા નથી રહેતી. 

સેક્સુઅલ હરેસમેન્ટના કિસ્સાઓ અધિકારી વ્યક્તિ અને તેના હાથ નીચેની વ્યક્તિઓ વચ્ચે થવાની શક્યતા વધુ રહે છે. કારણ કે તેમાં લેવડદેવડની શક્યતા હોય છે. જો તમે સ્ત્રીને ફક્ત શરીર તરીકે જ ન જોતાં હો તો સામી સ્ત્રીને પણ તે સમજાતું હોય છે. સ્ત્રીને કોમ્પ્લીમેન્ટ્સ સામે વાંધો નથી હોતો પણ તેની પાછળના ભાવ સાથે વાંધો હોય છે. બીજું ઓફિસના વાતાવરણમાં અંગત ટિકા ટિપ્પણીઓ કે સંબંધો ન બાંધવામાં આવે તો જ સારું. અને તે ત્યારે જ શક્ય બને જ્યારે સામી દરેક વ્યક્તિનો આદર જાળવવાની શિસ્ત પાળવામાં આવે. જો કે એનો અર્થ એ નથી કે તમે મૈત્રીભાવ ન રાખો પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે રાખે તેવી મૈત્રી આવકાર્ય છે. તેમાં કોઈ સમસ્યાઓ ઊભી નથી થતી. સેક્સુઅલ હરેસમેન્ટ ઓફિસ સિવાય કોલેજ કે શાળામાં થતું હોય છે. જ્યાં પ્રોફેસર કે શિક્ષક ગભરું વિદ્યાર્થિનીઓનો લાભ લેતા હોય છે. દરેક સ્ત્રી મેળવવા માટે કે ભોગવવા માટે નથી હોતી તે સમજ કેળવેલી હોય તો પણ સમસ્યા વધતી નથી. 

સ્ત્રી પુરુષનું આકર્ષણ ક્યારેય ખતમ થવાનું નથી. પણ તેનો સહજ સ્વીકાર અને દૃષ્ટિકોણ બદવાથી પરિસ્થિતિ બદલાશે. સ્ત્રીએ ડરીને રહેવું પડે કે પુરુષે ડરીને વર્તવું પડે તે સ્થિતિ યોગ્ય સમાજ વ્યવવસ્થા ઊભી નથી કરતી. હજી તાલિબાની અરાજકતા નથી જ નહીં તો આટલી પણ સ્ત્રીઓ કામ કરવા બહાર નીકળી જ ન શકે કે પોતાનો વિકાસ સાધી ન શકે. જે થોડી અરાજકતા છે તેની સામે સ્ત્રી પુરુષે સાથે મળીને જ લડવું પડશે. તો જ સ્વસ્થ સમાજ વ્યવસ્થા ઊભી થશે. કારણ કે સ્ત્રી પુરુષ મળીને જ સમાજ બનાવે છે તે આપણે  ભૂલી ન જઈએ. કોઈ એક જાતિ દ્વારા આ શક્ય નથી તે સ્વીકારવું જ પડે.

You Might Also Like

3 comments

  1. સરસ આર્ટીકલ.....
    કોમ્પ્લીમેન્ટસ પાછળના ભાવને સમજી શકાતો હોય તો ઘણું સારું....
    બાકી તમે કહ્યું કે પુરુષનું સેક્સ માટે જ આકર્ષણ હોય છે જ્યારે સ્ત્રી પ્રેમ માટે જ આકર્ષિત થાય....
    આ બાબતે અંશત: અસહમત...

    ReplyDelete
  2. સરસ આર્ટીકલ.....
    કોમ્પ્લીમેન્ટસ પાછળના ભાવને સમજી શકાતો હોય તો ઘણું સારું....
    બાકી તમે કહ્યું કે પુરુષનું સેક્સ માટે જ આકર્ષણ હોય છે જ્યારે સ્ત્રી પ્રેમ માટે જ આકર્ષિત થાય....
    આ બાબતે અંશત: અસહમત...

    ReplyDelete
  3. આભાર કોમ્પલીમેન્ટસ માટે... અંશત સહમત થવા માટે પણ

    ReplyDelete