અવરોધોની સીમા પાર કરતી દોડ 28-1-16 (mumbai samachar)

23:55




શ્યામવર્ણી દૂબળી પાતળી, માંડ પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતી સીમાનો સામાન્ય દેખાવ બીજીવાર જોવા માટે પ્રેરિત ન કરે પણ તેની આત્મવિશ્ર્વાસથી ચમકતી આંખો અને વાણીની દ્રઢતા તેના માટે આદર જરૂર ઊભો કરે. મુંબઈમાં કામ કરતા હજારો ઘરનોકર જેવું સામાન્ય જીવન જીવતી સીમાએ પોતાના જીવનની સીમાને સંઘર્ષ અને મહેનતથી વિકાસાવી છે. સીમિત જીવન સીમાને ક્યારેય સ્વીકાર્ય નહોતું. તેણે ક્યારેય સંજોગો સામે હાર ન માની કે બાંધછોડ ન કરી. 

ફ્લેશ બેક- ૨૦૧૨ની વસઈ વિરારની પહેલી નેશનલ લેવલની મૅરેથોનમાં લગભગ ૧૫ હજાર લોકોએ ભાગ લીધો હતો તેમાં એક છોકરી ફુલ ટ્રેક પેન્ટ, ટી-શર્ટ સાથે ઉઘાડા પગે દોડી રહી હતી. તેની સામે એક જ બળ હતું આત્મવિશ્ર્વાસ અને પોતાની સ્ટેમિનાનું. કોઈ ટ્રેઈનિંગ તેણે લીધી નથી કે ન તો તેને કોઈ વધાવવાવાળું. તે છતાં તે ફિનિશિંગ લાઈન પર પહોંચે છે અને જમીન પર પડી જાય છે. માંડ ઊઠીને તે ઘરે જાય છે, કારણ કે તેને ખબર નથી કે તે ત્રીજા નંબરે આવી છે અને સર્ટિફિકેટસ, મેડલ તેમજ ઈનામનો ચેક લેવાનો હોય. નાલાસોપારાની એક ચાલની તેની ખોલીમાં પહોંચે છે ત્યાં તો તેની માલકણ વર્ષાનો ફોન આવ્યો. ક્યાં છે તું ? ટીવી પર તારું નામ એનાઉન્સ થઈ રહ્યું છે મેં જોયું તું રેસ જીતી છો વાહ... જા તારો મૅડલ અને ચેક લઈ આવ. 

એ છે સીમા વર્મા. બીજા દિવસે તે મૅડલને ચેક લેવા જાય છે. તો દશ હજારની રકમ જીતી હોય છે તેના બદલે પાંચ હજારનો ચેક જોતાં સીમા એ ચેક ત્યાં જ ફેંકીને પાછી આવે છે. તે ઈનામ મેળવવા માટે જ દોડી હતી, પણ અન્યાય સહન કરવો સીમાનો સ્વભાવ નથી. પોતાનો અધિકાર તે મેળવવાનું જાણે છે. છેવટે તેની માલકણ વર્ષાએ ત્યારના નગરસેવક પાસે જઈને વાત કરી અને દસ હજારનો પૂરો ચેક સીમા મેળવીને જંપી. સીમાને મૅરેથોન માટે દોડવાની પ્રેરણા આપનાર પણ તેની માલકણ વર્ષા સૂર્વે જ છે. સીમા કહે છે, હું વરસોથી તેમના ઘરે કામ કરું છું. તેઓ શિક્ષિકા છે. એકવાર વાત વાતમાં તેમણે કહ્યું કે, તારામાં આટલો સ્ટેમિના છે તો મૅરથોનમાં કેમ નથી દોડતી. તેમાં જીતનારને સારી એવી રકમ પણ મળે છે. બસ સીમાએ નક્કી કર્યું કે તે મૅરથોનમાં ભાગ લેશે. એટલે તે ફોર્મ ભરવા મૅરેથોન મેનેજમેન્ટની ઓફિસ ગઈ તો અભણ સીમાને ખબર પડી કે તેમાં એને આઈકાર્ડ જોઈશે. જે તેની પાસે હતું નહીં. નગરસેવકની ચિઠ્ઠી મેળવવી પડશે. ત્રણ ચાર મહિનાઓ સુધી અનેકવાર ધક્કા ખાઈને મૅરેથોનના પંદર દિવસ પહેલાં પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું. આ દરમિયાન તે સવારે પોતાના કરાટે ક્લાસમાં જતી. ચારેક લોકોના ઘરના કામ કરતી. ઘરે થેલી બનાવવી, બિંદી બનાવવી, બટન લગાવવા વગેરે કામ ઉધડા લાવીને એકસ્ટ્રા પૈસા કમાતી. ઉપરાંત તેને કરાટે શીખવાનો શોખ હતો એટલે સવારે વહેલી ઊઠી કરાટે શીખી હતી તે હવે બીજા બે પાંચ છોકરાઓને શીખવાડવાનું શરૂ કર્યું હતું. કારણ કે તેને એક દીકરો ઉછેરવાનો છે. 

મૂળ કલકત્તાની સીમા નવેક વરસની હશે ત્યારે તેના માતાપિતા સાથે મુંબઈ આવી હતી. તેના પિતા માંદા રહેતા હતા અને માતા તથા ભાઈ-બહેનો ઘરકામ કરતાં તેમની સાથે કામ પર જતી. કોઈનું ખોટું ન સાંભળી લેતી સીમા તેના પિતાની લાડકી હતી અને તેમનું જ સાંભળતી એટલે તેના પિતાએ એક જાણીતા યુવક સાથે પોતાના જીવતે જીવ સોળ વરસની ઉંમરની સીમાના લગ્ન કર્યાં. ધીમે ધીમે સીમાને ખબર પડી કે તેના પતિનો સ્વભાવ સારો નથી. એક દીકરો હોવા છતાં સીમાએ એક દિવસ નક્કી કર્યું કે તે પતિની જોહુકમી નહીં સહે, બસ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. તેના કુટુંબીઓએ વિરોધ કર્યો કે સ્ત્રીની જાતને બધું સહન કરીને રહેવું પડે. પણ સીમાએ ત્રાસદાયક લગ્નજીવન કરતાં એકલા રહેવાનું પસંદ કર્યું. દીકરા સાગરને વસઈ કિલ્લાના બોર્ડિંગમાં મૂકી પોતે ઘરકામ અન્ય કામ કરવા લાગી. તેનું માનવું છે કે અન્યાય સહન કરવા કરતાં મહેનત કરવી વધુ સારું.

કરાટે કેવી રીતે શીખવાની શરૂઆત કરી તે સવાલનો જવાબ આપતાં સીમા વળી ફ્લેશ બેકની ગલીઓમાં ખોવાઈ જતા કહે છે કે, ‘હું નાની હતી ત્યારે જ્યાં પણ કરાટેના ક્લાસ હોય કે ટીવીમાં કે ફિલ્મમાં કશું આવતું હોય ત્યાં હું ઊભી રહી જતી. મને કરાટેમાં આટલો રસ પડતો જોઈ મારી એક બહેનપણીએ મારા જન્મદિને કરાટે ક્લાસની ફી ભરી આપી. બસ પછી હું છ એક વરસ શીખી. ઘરકામ કરતાં અને અન્ય કામ કરતાં હું સવારે ચાર વાગ્યે ઊઠીને કરાટેની પ્રેકટિશ કરતી. કારણ કે છ વાગ્યે મારે કામ પર જવા



નીકળી જવું પડતું. આ બધું જોઈને જ વર્ષા સૂર્વેએ તેને મૅરેથોનનો રસ્તો દેખાડ્યો. મેરેથોન વિશે વાત કરતાં સીમા કહે છે કે, "મૅરેથોનમાં દોડવાનું 

હોય તે સિવાય મને કશી જ ખબર નહોતી. અને જૂતાતો મારી પાસે હતા જ નહીં. પછી મને ધીમે ધીમે ખબર પડી એટલે ૨૦૧૩માં તેની બહેને કોઈના કાઢી નાખેલા રિબોકના જૂતા લાવી આપ્યા તેને ધોઈ રિપેર કરાવીને એ પહેરીને દોડતી. "રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને તે નાલાસોપારામાં તેના ઘરની નજીક આવેલા એક તળાવને ફરતે દોડતી. ત્યારે એ બર્મૂડા જેવી પુરુષોની ચડ્ડી પહેરીને દોડતી. એ જ જૂતાં પહેરીને તે વળી વસઈ વિરાર મેરેથોન દોડી જેન્ટસ-લેડીઝ બન્ને ગ્રુપમાં ફર્સ્ટ આવી રૂપિયા ચાલીસ હજારની રકમ  જીતી પણ આયોજકોએ કહ્યું કે તું એલિટ ગ્રુપની નથી એટલે પાંત્રીસ હજાર રૂપિયા જ આપ્યા. ત્યારબાદ એક અંકલે તેને જૂતા લેવા ૭૦૦૦ રૂપિયા આપ્યા અને ૨૦૧૪માં તે નાઈકીના એ  પહેલાં જૂતાં સાથે દોડી. બસ પછી તો હજી સુધી હું એ જ જૂતાં સાથે હૈદરાબાદ, ગોવા, દિલ્હી , સુરત વગેરે મૅરેથોન દોડતી રહી.  સીમા કહે છે, "હવે મને ખબર પડી કે ૧૦૦૦ કિલોમીટર બાદ જૂતાં બદલી દેવાના હોય પણ મુંબઈ મૅરેથોન જીતીને જે પૈસા આવતે તેમાંથી હું ખરીદવાની હતી પરંતુ, જૂના જૂતાને લીધે મને પગમાં ઈન્જરી થઈ હતી વળી મારી કિસ્મત ખરાબ તે મને જુલાબ પણ થયો હતો. તે છતાં હું ૪૨ કિલોમીટર દોડી અને આઠમી આવી." કહેતાં નિરાશ હાસ્ય તેના ચહેરા પર ક્ષણભર માટે દેખાય છે. 

સીમાને એક ખાનગી કંપનીએ રમતવીર તરીકે જાન્યુઆરીથી કામ પર રાખી છે. જેમાં તેનો પગાર ૧૫૦૦૦ છે અને તેણે મૅરેથોન માટે તૈયારીઓ કરવાની. એટલે જાન્યુઆરી મહિનાથી જ તેણે ઘરકામ કરવાનું મૂકી દીધું છે. પહેલો પગાર આવતા તે નવા જૂતા લેવાની છે. તેનો પંદર વરસનો દીકરો હવે ઘરે તેની સાથે રહીને ભણે છે. છૂટાછેડા બાદ પણ તેણે પોતાની અટક કેમ નહોતી બદલી તે પૂછ્યું તો કહે, દીકરાને માટે, એને ક્યારેય એમ ન લાગે કે મેં તેનો અધિકાર છીનવી લીધો. હવે એ ઈચ્છશે તો બદલી નાખીશ. જો કે તે બદલવા ઈચ્છે જ છે પણ હું કહું છું કે તું થોડો પુખ્ત થા પછી વિચાર કર. મારા પતિ ડિવોર્સ બાદ કોઈક માંદગીમાં મૃત્યુ પામ્યા છે.

સીમા જે વસ્તીમાં રહે છે ત્યાં આ રીતે સ્ત્રીઓ અડધી ચડ્ડી પહેરી દોડવા જાય તે જોણું બની રહે છે. સાથે જ આસપાસની સ્ત્રીઓ પણ મેણાં મારે છે કે શરમ નથી આવતી ચડ્ડી પહેરીને દોડે છે એના કરતાં કોઈ કામ કર. ત્યારે એ ખોટું લગાડ્યા વગર હસી કાઢે છે. કારણ કે તે જાણે છે કે તેઓ સ્ત્રીના વ્યક્તિત્વને સમજી નહીં શકે કેમ કે તેઓ પોતે બદ્ધતામાં જીવે છે. સીમા તેમને ક્યારેક તેમની દીકરીઓને છૂટ આપીને તેમને ગમે તે રીતે જીવવાની મુક્તિ આપવા સમજાવે છે. સીમાને છેલ્લા વરસથી પૂના મેરેથોન ગ્રુપના લોકો દોડવાની તૈયારી કેમ કરવી તે માટે મદદ કરે છે. માઈકલ જે હવે ગોવામાં રહે છે તે ફોન પર તેને કોચિંગ કરે છે. તેને દોડવા ઉપરાંત કસરત કરીને પોતાના શરીરની ક્ષમતા વધારવાની ટીપ્સ આપે છે. રોજ ફોન કરી તેને ગોલ સેટ કરી આપે છે. આજે પણ તે રોજ એક બે કલાક દોડે છે. કસરત કરે છે. અને એ જ નાલાસોપારાની ચાલમાં ભાડા પર રહે છે. પહેલાં તેની મા-ભાઈબહેન દોડવાનો વિરોધ કરતાં કહેતાં કે આપણને આ પરવડે નહીં અને શોભે ય નહીં. આજે હવે તેમને સમજાય છે જ્યારે અખબારોમાં તેની જીતના ફોટા છપાય છે. જો કે શરૂઆતમાં તો આયોજકો ક્યારેય તેના ફોટા આપતાં નહીં. પણ ગોવામાં તે પહેલી આવીને ત્યાંના અખબારોએ તેના ફોટા છાપ્યા પછી પરિસ્થિતિ બદલાઈ રહી છે. તે દૃઢ આત્મવિશ્ર્વાસભર્યા સ્મિત સાથે કહે છે મેં દોડ સાથે બીજા લગ્ન કર્યાં છે. દોડવું મને ગમે છે, મારો પ્રેમ છે અને હું એકવાર દેશ માટે દોડવા માગું છું.

સીમા કહે છે કે, હું લોકોને કહું છું કે સ્ત્રીમાં અનેક ક્ષમતા છે. દીકરીને દિકરામાં ફરક ન કરો. દીકરી પણ નામ ઉજાળી શકે છે. ફક્ત તેમને મનગમતી પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા આપો.

You Might Also Like

1 comments