વાસ્તવિકતાને ફિલ્મમાં કંડારી શકાય?

02:59


                                         બારેક વરસનું બાળક સિરિયાની શેરીમાં રમી રહ્યું છે, આસપાસ બૉમ્બમારા અને રાઈફલ શૂટિંગથી ઘવાઈને ધ્વસ્ત થયેલા મકાનો શાંત છે. બાળકના હાથમાં એક ન ફૂટેલો બૉમ્બ આવી જાય છે. બોમ્બ વિશે અજાણ બાળક તેનાથી રમવા લાગે છે અને અનાયાસે બોમ્બની પીન ખુલી જતાં ફાટી પડે છે. આજે એ બાળકનો એક હાથ કપાઈ ગયો છે અને બીજા હાથમાં ફક્ત ત્રણ આંગળીઓ બચી છે. તેનું જીવન શૂન્યાવકાશમાં ખોવાઈ ગયું છે. યુદ્ધની આડકતરી અસર જોનારને પણ ઘાયલ કરી મૂકવા સમર્થ છે.

આ શોર્ટ ફિલ્મનું નામ છે ક્લ્સ્ટર્ડ. યુદ્ધને લીધે ઘવાયેલા સમૂહોની કથની આવી અનેક નાની ફિલ્મો દ્વારા કદીય ન ભરાઈ શકે તેવા ઘાવને દર્શાવે છે.

જર્મનીના બર્લિન શહેરમાં થોડો સમય પહેલાં અનોખો ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ ગયો તેની વાત કરવી છે. ૨૦૧૧ની સાલથી સિરિયામાં ચાલી રહેલી સિવિલ વોરને લીધે બે લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને લાખો લોકો સિરિયા છોડીને શરણાર્થી તરીકે આસપાસના બીજા દેશોમાં પહોંચી ગયા છે. આઈએસઆઈએસના દળ અને સરકાર વચ્ચે ત્યાં સતત યુદ્ધના વાતાવરણમાં નિર્દોષ લોકો હજી પણ પીસાઈ રહ્યા છે. આપણને સમાચાર દ્વારા સિરિયાના સિવિલ વોરની જે ખબર મળે તે ઉપરછલ્લી માહિતી હોય. પણ આવા વાતાવરણમાં મોબાઈલ ફોન દ્વારા નાગરિકો વીડિયો ફિલ્મ ઉતારીને વાસ્તવિકતા સંઘરી રહ્યા છે. આ વીડિયો ફુટેજોની ૩૫ ફિલ્મ બનાવવામાં આવી છે. પણ તેમાંથી બાર ફિલ્મ મેકરો દ્વારા ફિલ્માવાયેલી ૧૧ શોર્ટ ડોક્યુમેન્ટરી બર્લિનના આ ફેસ્ટિવલમાં રજૂ કરી. આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરનાર ૨૯ વરસનો અમેર માતર પોતે સિરિયન પત્રકાર, લેખક અને ફિલ્મ મેકર છે. જેને શાંતિના પ્રયત્નો કરવા માટે દેશનિકાલ કરવામાં આવ્યો છે અને તે હાલમાં જર્મનીમાં રહે છે.

આ ફિલ્મો ૨૦૧૪માં સિરિયામાં દર્શાવાઈ ચૂકી છે.

મોબાઈલ ફિલ્મ ફેસ્ટિવલના બીજ પાંચ વરસ પહેલાં રોપાયા હતા. તે વખતે શાંતિ માટે દેખાવ કરી રહેલા માતરની ધરપકડ કરવામાં આવી હતી. તેણે જોયું કે તેની સાથે પકડાયેલા બીજા નાગરિકો પાસે મોબાઈલમાં વાસ્તવિક બનેલી ઘટનાઓના ફુટેજ ડોક્યુમેન્ટ થયેલા હતા. તેને વિચાર આવ્યો કે આ વીડિયો ફુટેજીસ સિરિયામાં નાગરિકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેનું એકમાત્ર ડોક્યુમેન્ટેશન છે. નાગરિકોએ આસપાસનું વાતાવરણ, ઘટના, બૉમ્બમારો અને લોકોની લાગણીઓને મોબાઈલમાં ટેપ કરી લીધી છે. આ ફિલ્મોમાં સાચી ઘટનાઓ છે જે જેમની તેમ શૂટ કરાઈ હોય તેથી કેટલાક ફુટેજ હલી ગયા હોય તેવું લાગે પણ બોમ્બમારો થાય કે યુદ્ધ થતું હોય તો વાતવરણ ડહોળાઈ જ જતું હોય છે. માતરે જ્યારે બે એક વરસ પહેલાં મોબાઈલ ફિલ્મો વિશે સાંભળ્યું એટલે તેને તરત જ વિચાર આવ્યો કે સિરિયામાં આવી ફિલ્મો બની શકે છે. આ ફિલ્મો સિરિયામાં બની છે પણ તેને ડેવલપ કરવામાં આવી તુર્કી બોર્ડર પાસેના એક ગામમાં. આ ફેસ્ટિવલ દ્વારા તેઓ લોકોને મોબાઈલ શોર્ટ ફિલ્મો બનાવવા માટે પ્રેરણા આપી રહ્યા છે.

સિરિયાની સંસ્કૃતિ ઘણી જૂની છે અને તેમની પાસે રચનાત્કમતા પણ છે, પરંતુ સિવિલ વોર અને હવે આઈએસઆઈએસને કારણે સિરિયામાંથી લાખો લોકોએ દેશ છોડીને જતાં રહેવું પડ્યું છે. મોબાઈલનો આટલો રચનાત્મક ઉપયોગ થઈ શકે તે આ શોર્ટ ફિલ્મો દ્વારા જોઈ શકાય છે. કોઈપણ યુદ્ધની અસરો વરસો સુધી લોકોના મનમાં અંકાયેલી રહે છે કારણ કે યુદ્ધને લીધે ફક્ત શરીર જ નહીં હૃદય પણ ઘવાયું હોય છે.

બીજી એક ફિલ્મ ધ આર્કિટેક્ટ મુજાહિદ અબુ અલજૌદ નામના પ્રેસ ફોટોગ્રાફરે બનાવી છે. શહેરમાં કાટમાળની વચ્ચે એક છોકરો જે આર્કિટેક બનવાનું સપનું જોઈ રહ્યો છે તેની આ વાત છે. એ છોકરો પેપર, રંગ અને ગુંદર વડે આસપાસ દેખાતા યુદ્ધથી ખંડેર થયેલા મકાનો, કાંટાળી વાડ વગેરેનું દૃશ્ય ઊભું કરે છે. તેને જે આસપાસ દેખાય છે તે બનાવતાં તેને નવું શહેર બનાવવાની કલ્પના આવે છે, અને તે આખું શહેર બનાવે છે જેમાં નદી કિનારે ઊંચા મકાનો અને એરપોર્ટ સાથે સુંદર કલ્પનાને આકાર આપે છે.

મોઝેઈક ઓફ સ્ટ્રગલ નામની ફિલ્મમાં આબ્દ નામનો વ્યક્તિનો પગ રોકેટમારામાં ઘવાયો હોય છે. કપાયેલા પગ સાથે તે નવેસરથી જીવન શરૂ કરવાના પ્રયત્નો કરે છે. તે કહે છે કે માણસોએ દરેક સંજોગોને સ્વીકારીને જીવતાં શીખવું પડે છે. હવે તે એક કલાકારના આસિસ્ટન્ટ તરીકે વાસ્તવિક લાદીચિત્રો બનાવે છે. તે કહે છે કે સિરિયાના લોકો જે પીડા સહી રહ્યા છે તેને અમે જે નથી જાણતા કે સિરિયામાં શું થઈ રહ્યું છે તેમના સુધી આ કલા દ્વારા પહોંચાડી રહ્યા છે.

મોબાઈલ વીડિયો દ્વારા હિંસક માહોલની ભીતર જીવાતા જીવનની કથાઓ આપણને મળી રહે છે. સિરિયામાં બધું ખતમ થઈ જશે પણ આ રીતે વાર્તાઓ દ્વારા તેનો ઈતિહાસ જળવાઈ રહેશે. યુદ્ધને જુદી રીતે વાસ્તવિકતાની ધરતી પરથી જોઈ શકાય છે. સમાચારોમાં આપણે જે જોઈએ છે કે વાંચીએ છીએ તેના કરતાં તદ્દન જુદી નરી વાસ્તવિકતાઓ આપણી સમક્ષ રજૂ થાય છે. સ્માર્ટ ફોન આપણા માટે રમત રમવાનું કે ચેટિંગ કરવાનું સાધન હોઈ શકે તો કેટલાક માટે એ જ એકમાત્ર પોતાની સંવેદનાઓને રજૂ કરવાનું સાધન બની જાય છે.

૨૦૧૪માં આ મોબાઈલ ફિલ્મ ફેસ્ટિવલ સિરિયાના શહેરોમાં ખાનગી રીતે યોજાઈ ગયા. પહેલીવાર આ ફિલ્મો સિરિયાની બહાર બર્લિનમાં દર્શાવાઈ.

અહીં વાસ્તવિકતાને રજૂ કરતી ઓન્લી ધ ડેડ નામની ફિલ્મ વિશે વાંચ્યાનું યાદ આવે છે. એ ફિલ્મ હકીકતમાં વીડિયો ડાયરી છે ઓન્લી ધ ડેડ નામે ઓસ્ટ્રલિયન પત્રકાર માઈકલ વેરની વીડિયો ડાયરી છ મહિના પહેલાં ઓનલાઈન મૂકવામાં આવી છે. માઈકલ વેર જેણે આઈએસઆઈએસને માથું ઊંચકતા જોયું છે. માઈકલ સાત વરસ સુધી ઈરાકમાં રહ્યો હતો તે સમયે તેણે જે જોયું તે જેમનું તેમ રાખ્યું છે. ફિલ્મના પહેલાં સીનમાં જેહાદીઓ એક ખબરીને માર્કેટના ફૂટપાથ પર ગોળીએ ઊડાવી દઈને તેના શરીરને ધક્કે ચઢાવી દે છે. બીજા એક દૃશ્યમાં ઈસ્લામિસ્ટ કોઈને હાથ બાંધીને લટકાવી દે છે. તે દૃશ્ય ફિલ્માવતી વખતે અવાજ સંભળાય છે શું આ બધું જોવાની જરૂર છે? ચોક્કસ જ કારણ કે હિંસા ક્યારેય અકારણ નથી હોતી. તેના કારણો સમજવાની જરૂર હોય છે.

માઈકલ ૨૦૦૩થી સાત વરસ માટે ઈરાકના બદલાતા વાતાવરણનો સાક્ષી બનીને રહ્યો હતો. માઈકલે એક મુલાકાતમાં કહ્યું હતું કે મેં જે ઈરાકમાં જોયું હતું તેમાંથી બહાર નીકળવા માટે આજે ય તરફડી ઊઠું છું. હું દુનિયાને હવે પહેંલાંની જેમ નહીં જોઈ શકું. યુદ્ધ કયારેય સારા માટે થતું જ નથી. યુદ્ધમાં કશું જ બચતું નથી દરેક યુદ્ધો અર્થહીન હોય છે, પણ તે આપણી અંદર સહજ હોય છે. તેને મૂલ્ય વડે માપી શકાતું નથી. કોઈએ શું વિચારવું ને ન વિચારવું તે કહી શકાતું નથી. તમારે તમારી શાંતિ પોતે જ બનાવવાની હોય છે. માઈકલે એક ઈરાકીને તરફડીને મરતા જોયો છે તેનું પણ શૂટિંગ કર્યું છે. એ ઈરાકીને એવી રીતે મારવામાં આવ્યો કે તે જલ્દી મરે નહીં. તેની આસપાસ મોતનું જશન મનાવતા સૈનિકો કહી રહ્યા હતા કે જલ્દી મર સા.. અને તે દૃશ્યને ફરીને વરસો પછી વીડિયો ફૂટેજમાં જોતા માઈકલ સ્તબ્ધ હતો તે કહે છે અમે ક્ષુબ્ધ હતા એ દૃશ્ય જોતી વખતે કશું જ કરી શકવાને કે વિચારી શકવાને અસમર્થ અમે પણ એ મૃત્યુ પામી રહેલા વ્યક્તિની જેમ બસ જોઈ રહ્યા હતા.

માઈકલ કહે છે કે ઈરાકમાં એક સાથે ચાર યુદ્ધો ચાલી રહ્યા હતા. અમેરિકન, બ્રિટિશરો અને સદ્દામના ઓફિસરો વચ્ચે અને તેમના તરફદારીઓ વચ્ચે. બીજું ઈસ્લામિક સ્ટેટની હોલી વોર, ત્રણ સિવિલ વોર શિયા અને સુન્ની વચ્ચે અને ચોથું યુદ્ધ ઈરાનનું જે સદ્દામ હુસેનની સેક્યુલર પાર્ટી વિરુદ્ધનું.

માઈકલ હવે ઓસ્ટ્રેલિયા પાછો જતો રહ્યો પણ તે કહે છે કે યુદ્ધ અને હિંસા લોહી અને પીડામાં વહી જાય છે બસ બચે છે એકમાત્ર પ્રેમ, જે તમને જીવંત રહેવાનું બળ આપેે છે. આ પાઠ હું હિંસાની ચરમસીમાઓ જોઈને શીખ્યો અને તે કોઈપણ સંજોગોમાં ભૂલીશ નહીં.

આ ફિલ્મો કલ્પનાના સુંવાળા સપનાઓ નથી આપતી પણ વાસ્તવિકતાની નક્કર ધરતી પર ઊભા રહેવાની સભાનતા આપે છે. આપણે જે દુનિયામાં જીવીએ છીએ તે ભ્રામક છે નહીં તો યુદ્ધ થાય જ નહીં. યુદ્ધને જાતિ કે ધર્મ નથી હોતા માનવ જ તેને અમાનવીય બનાવે છે.

You Might Also Like

0 comments