કાશ્મીરનું આ ગામ આતંકવાદથી અભડાયું નથી (mumbai samachar)

01:37

જમ્મુથી ચાર કલાકના પ્રવાસ બાદ ચિનાબ નદીનો પુલ પાર કરી બ્રેસવાના ગામજવા માટે સાત કિલોમીટર ડુંગર પર ચાલીને કે ઘોડા પર ચઢ્યા બાદ એક માળનું લીલા રંગના છાપરાવાળું સ્કૂલનું મકાન દેખાય. નજીક પહોંચતા જ સુંદર કાશ્મીરી બાળકો રમતાં દેખાય. ત્યાં પહોંચો કે હાજી પબ્લિક સ્કૂલના જાજરમાન પ્રિન્સિપાલ તસનીમ હાજી અને તેમની દીકરી સબ્બાહ તમારું સુંદર હાસ્ય સાથે સ્વાગત કરે. ૩૪ વર્ષીય સબ્બાહ છેલ્લાં નવ વરસથી કાશ્મીરના આ છેવાડાના ગામમાં રહે છે. સ્કુલ સુધી પહોંચવા માટે સાત કિમી ડુંગર ચઢ્યા સિવાય કોઈ છૂટકો નથી, કારણ કે હજી સુધી બ્રેસવાના ગામ પહોંચવા માટે કોઈ મોટરેબલ રોડ બન્યો નથી.

સબ્બાહને શિક્ષણક્ષેત્રે કામ કરવા માટે એજ્યુકેશન એવૉર્ડ મળ્યા છે. તેમાં ટાઈમ અને બીબીસીની સો પ્રતિભાશાળી મહિલાઓના લિસ્ટમાં પણ તેનું નામ આવી ગયું છે. આ શાળા આમ તો હાજી પરિવાર ટ્રસ્ટની છે પણ તેને ચલાવવાનું શ્રેય સબ્બાહ અને તસનીમને આપવો પડે. પોતાના વિશે માહિતી આપતાં સબ્બાહ બ્રેસવાનાથી ફોન પર કહે છે કે, મારો જન્મ અને ભણતર દુબઈમાં થયું. દસમાં ધોરણ સુધી દુબઈમાં ભણ્યા બાદ બેંગલુરુમાં બીકોમ કર્યું પણ પછી મને સમજાયું કે મને લખવું, વાચવું ગમે છે એટલે અંગ્રેજી લિટરેચર સાથે એમએ કર્યું. ત્યારબાદ બેંગલુરુમાં જ રહીને ઓનલાઈન મેગેઝિન માટે એડિટિંગ અને આર્ટિકલ લખવાનું કામ કર્યું. અમે નાના હતા ત્યારથી જ મારા માતાપિતા વેકેશનમાં બે મહિના બ્રેસવાના ગામમાં લઈ આવતા. ગામમાં ત્યારે તો લાઈટ નહોતી આજે પણ લાઈટ દરરોજ જાય જ. ટેલિવિઝન નહોતા કે ન તો ફોન હતા. પ્રદૂષણ રહિત વાતાવરણ મને ખૂબ ગમતું. બેંગલુરુમાં હું કામ કરતી હતી ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ગામમાં આવીને રહીશ, પણ હવે મને શહેર યાદ પણ નથી આવતું. અમારા પરિવારની અહીં જમીન અને ઘર હતું. કુટુંબમાં બધા જ વિદેશમાં પૈસા કમાયા પછી વિચાર્યું કે ગામમાં કોઈ કામ કરવું જોઈએ. પહેલાં તો લોકોને શિક્ષણ કે મેડિકલ માટે આર્થિક મદદ કરતા હતા પણ તેનું કોઈ પરિણામ દેખાયું નહીં. એટલે કોઈ ઠોસ કામ કરવાનો વિચાર કરી રહ્યા હતા. પછી જોયું કે અહીં સરકારી શાળામાં ખાસ કંઈ સગવડ નહોતી કે ભણતર નહોતું. મોટાભાગના બાળકો તો શાળામાં જતા જ નહોતા એટલે ગામના વિકાસ માટે શિક્ષણની જરૂરિયાત હોવાનું લાગતા અહીં શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. મારી માતા તસનીમે દુબઈમાં અને જમ્મુમાં શિક્ષિકા તરીકે ૩૦ વરસ કામ કર્યું હતું એટલે અમે બન્નેએ શાળાની જવાબદારી લીધી. હું મેનેજમેન્ટ સંભાળું છું તો મારી મા શાળાની પ્રિન્સિપલ છે. ખરું કહું તો મને એમ હતું કે હું થોડો સમય શાળાને સેટ કરીને પાછી બેંગલુરુ જતી રહીશ. પણ અહીં કામ વધતું જ ગયું અને બાળકો સાથે કામ કરવાની એટલી મજા આવવા લાગી કે પાછા જવાનો વિચાર જ કદી ન આવ્યો. હવે વિચારું છું તો દેખાય છે કે બેંગલુરુમાં હું જે કમાતી હતી તે ત્યાં જ વપરાઈ જતું. જ્યારે અહીં મને કામનો સંતોષ મળે છે અને પ્રદૂષણ રહિત વાતાવરણમાં રહું છું. બેંગલુરુથી ઓછું કમાઉં છું પણ બચત વધુ થાય છે. ઈન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા મિત્રોની સાથે સંપર્કમાં હોઉં છું. શહેરીજીવનની કમી ક્યારેય નથી લાગતી. 

શાળા અને કામ વિશે વાત કરતાં ખૂબ જ ઉત્સાહ સાથે સબ્બાહ કહે છે, ‘ ૨૦૦૯ની સાલમાં અમે ગામવાળાઓને શાળાની વાત કરી તો મારી ઉંમરના  ત્રીસેક વરસની  ઉંમરના  માતાપિતાઓ એકદમ ખુશ થયા, કારણ કે તેઓ પોતે ભણી નથી શક્યા અને  આસપાસમાં કોઈ જ સારી શાળા નહોતી. ત્રીસ બાળકો સાથે એક રૂમમાં બાલમંદિરની શરૂઆત કરી. તે વખતે આખું ગામ શાળા કેવી રીતે ચાલે છે તે જોવા આવવા લાગ્યું. બાળકોને ભણતા જોઈ ધીમે ધીમે બીજા બાળકો જોડાવા માટે અરજી કરવા લાગ્યા. કેજીથી શરૂઆત કરી હતી તે આજે દસમા ધોરણ સુધી બાળકો પહોંચવા આવ્યા. ૩૦ બાળકોથી શરૂઆત કરી હતી આજે ૩૫૦ બાળક ભણે છે. બાળકોને બહારની દુનિયાનો પરિચય થાય એટલે અમે અહીં વોલન્ટિયરોને ભણાવવા આવવાનું આમંત્રણ આપીએ છીએ. બે કે ત્રણ મહિના કે તેનાથી વધુ સમય માટેય ભારતભરમાંથી લોકો આવે છે. વળી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવું ભણતર અહીં આપીએ છીએ. બીજું કે અહીં છોકરીઓ અને છોકરાઓ વચ્ચે ભેદભાવ નથી રાખતા. આ રમત છોકરીઓની કે આ કામ છોકરાઓનું એવા કોઈ સંસ્કાર નથી આપવામાં આવતા એટલે જાતીય ભેદભાવ તમને અહીં જોવા જ ન મળે. જુઓને અમે મા-દીકરી શાળાનું સંચાલન કરીએ છીએ ક્યારેય કોઈ તકલીફ નથી થઈ. વોલન્ટિયર તરીકે પણ મહિલાઓ વધુ આવે છે અહીં. માર્ચ મહિનામાં જ અમારી છોકરીઓ નોર્થ ઝોનમાં પહાડ ચઢવાની સ્પર્ધા જીતી આવી. સ્પર્ધામાં તો છોકરા, છોકરીઓ બન્ને ગયા હતા. અહીંના બાળકો ખૂબ ટેલેન્ટેડ છે. તેમને આગળ ભણવું હોય તો બહારના શહેરોમાં રહેતા અનેક હિતેચ્છુઓ તેમના વાલી બનીને મદદ કરવા તૈયાર છે. આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે જ મારું ધ્યેય છે.’

સબ્બાહ અને તસનીમ શાળાની નજીકમાં જ રહે છે. અહીં વોલન્ટિયર તરીકે આવતા લોકોને તેઓ રહેવા, ખાવા-પીવાની સગવડ આપે છે. શરૂઆતમાં તો તેઓ કોઈ ફી નહોતા લેતા પણ હવે સો રૂપિયા લે છે, કારણ કે માતાપિતા પૈસા આપે તો પૂછે કે શાળામાં શું ચાલે છે? માતાપિતાની માનસિકતા પણ બદલાય તો જ સમાજમાં જલદી સુધાર આવશે એવું સબ્બાહ માને છે. શાળાના વિકાસ સાથે વધુને વધુ લોકો શહેર છોડીને ગામમાં આવવા લાગ્યા. ભવિષ્યમાં સબ્બાહ ૧૨માં ધોરણ સુધીની શાળા કરવાનું વિચારી રહી છે. પછી હોશિયાર વિદ્યાર્થીઓને બહાર ભણવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. અને જરૂર લાગશે તો વોકેશનલ શિક્ષણ પણ શરૂ કરશે. સબ્બાહ કહે છે કે કાશ્મીર એટલે આતંકવાદની ઈમેજ લોકોએ ભૂંસવી જોઈએ. છેલ્લાં દસ વરસમાં તેણે ક્યારેય અહીં લશ્કર કે આતંકનો માહોલ નથી જોયો. જમ્મુ, શ્રીનગરમાં હશે પણ બ્રેસવાનામાં તો બાળકોને આતંકવાદની કશી જ ખબર નથી. અહીં આવીને કોઈ જુએ તો સ્વર્ગ અહીં જ છે એવું લાગશે. શહેરનો ઘોંઘાટ, હવા અને ગિર્દીનું પ્રદૂષણ નથી. સ્વચ્છ અને સુંદર વાતાવરણ એવા જ સુંદર અને ચોખ્ખા માણસો. સબ્બાહે પોતાના કામમાં એટલી મગ્ન છે કે તેને લગ્ન કરવાનો વિચાર હજી સુધી આવ્યો નથી. તેનું એકમાત્ર ધ્યેય છે આ છેવાડાના પછાત વિસ્તારમાં રહેતા બાળકોને સારામાં સારું શિક્ષણ મળે.

You Might Also Like

0 comments