ખોળાનો ખૂંદનાર કોણ દેશે ? રન્ના દે ....(mumbai samachar)

05:25


હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે સરોગસીને નિયંત્રણ કરતો કાયદો રચો કારણ કે તે વ્યવસાય બની ગયો છે. સરોગસી એટલે જે દંપતીને બાળક ન થઈ શકતું હોય તે કૂખ ભાડે લે છે. એટલે કે બીજી મહિલા તેમને માટે ગર્ભ ધારણ કરે. કૂખ ભાડે આપનાર મહિલાના કોઈ ડીએનએ તે બાળકમાં ન હોય તે શક્ય છે. અનેક દેશોમાં સરોગસી બૅન છે તો કેટલાક દેશોમાં તે નિયંત્રણમાં છે. ભારતમાં એવો કોઈ કાયદો હજી સુધી નથી. હવે ટૂંક સમયમાં સરોગસીને નિયંત્રણમાં રાખવા માટે રેગ્યુલેશન બીલ લોકસભામાં મૂકવામાં આવશે.
કૂખ ભાડે આપવા લેવાનો વ્યવસાય બની ગયો હોવાથી આ અંગે પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. કૂખ ભાડે આપનાર મહિલાઓ ફક્ત ને ફક્ત પૈસા માટે ગર્ભ ધારણ કરી બાળકને જન્મ આપવા તૈયાર થતી હોય છે. જો કે હવે શાહરુખ ખાન જેવા લોકો જેમને બાળકો હોય તો પણ હજી બીજું કે ત્રીજું બાળક સરોગસીથી પેદા કરે છે. અહીં કહેવાનું મન થાય કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે એટલે તેનો પણ બાળક પેદા કરવાના મશીનની જેમ ઉપયોગ થવા લાગ્યો. એ બાબત ભૂલી જવાય છે કે અહીં મશીન નહીં પણ જીવતી વ્યક્તિ હોય છે. કોઈપણ સ્ત્રી મા બને ત્યારે તેનામાં શારીરિક અને માનસિક ફેરફારો થતાં હોય છે. બન્ને રીતે સ્ત્રી નિચોવાઈ જાય છે ત્યારે બાળકનો જન્મ થાય છે સાથે સ્ત્રીનો પણ નવો જન્મ થાય છે માતા તરીકે, પણ સરોગસીમાં પેેલી સ્ત્રીએ બાળકને જન્મ આપ્યા બાદ તેને એકપણ વાર જોવાનું કે મળવાનું નથી હોતું. જે બાળકને પોતાના પેટમાં નવ મહિના રાખ્યું હોય તેને પૈસા લઈને આપી દેવાનું. ગરીબાઈ હોય અને મજબૂરીથી સ્ત્રી આવો નિર્ણય લેતી હોય તે માની શકાય પણ જો તે વારંવાર મા બને અને બાળક આપી દે તો તેના સ્વાસ્થ્ય પર અસર થવાની જ છે. અરે, એકવાર મા બન્યા પછી પણ અસર થતી જ હોય છે.
આ અંગેની સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરનાર વકિલ જયશ્રી વાડે સરોગસી અંગે સંશોધન કર્યું છે. તેમનું કહેવું છે કે બાળકના જન્મ બાદ ગરીબ સ્ત્રીઓની શારીરિક-માનસિક સ્થિતિ સારી નથી હોતી. તેમની કોઈ ચિંતા સરોગસી કોન્ટ્રાક્ટ  વખતે કરવામાં નથી આવતી. જે દંપતીને બાળક ન થઈ શકતું હોય તેમની બહુ જ ઈચ્છા હોય તો તેમના કોઈ મિત્ર કે સગાં પાસે સરોગસીથી બાળક પેદા કરવું જોઈએ. પરંતુ,  ખરીદીને તેને વ્યવસાય ન બનાવવો જોઈએ. કારણ કે તેને કારણે ગરીબ સ્ત્રીઓનું શોષણ જ થતું હોય છે. આ વાતે તો સહમત થવું જ પડે કે સ્ત્રી જ્યારે માતા બને છે તેનામાં અનેક હોર્મોનલ થતા હોય છે. સહેલું નથી હોતું એક બાળકને જન્મ આપવો. તે એક મોટી જવાબદારી હોય છે. કેટલીક વખત કોમ્પ્લીકેશનમાં સ્ત્રીનું મૃત્યુ પણ થઈ શકે છે કે પછી લાંબે ગાળે તેના શરીરનું ધોવાણ થતું હોય છે. ગ્રેટ બ્રિટન અને જર્મનીમાં સરોગસી બૅન છે.
બાળક માટે સ્ત્રીની આટલી તત્પરતા બીજી સ્ત્રીની કૂખ ભાડે લેવા તૈયાર થાય અને તે માટે પૈસા પણ ચૂકવાય. શું માતૃત્વ આ રીતે ખરીદી શકાય? મૂલ્યોનું જે ધોવાણ થઈ રહ્યું છે તેમાં બાળકના જન્મથી જ શરૂ‚આત થઈ રહી છે. કેટલીક ગરીબ સ્ત્રીઓ પોતાના બાળકના ભરણપોષણ માટે પૈસા ન હોવાથી પોતાની કૂખ ભાડે આપતી હોય છે. જે માતા પોતાના બાળકનું ભરણપોષણ ન કરી શકતી હોય તેનું પોતાનું શરીર કેટલી હદે બીજી સુવાવડનો ભાર ખેંચી શકે? ગરીબીને કારણે તે પોતાના  સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી જ ન શકે તે હકીકત છે, પરંતુ કૂખ ભાડે લેનારા દંપતીઓ તેનો વિચાર કરતા નથી. આ રીતે આપણે કેવો સમાજ ઊભો કરી રહ્યા છે તે વિશે વિચારવાની જ‚રૂર છે.

જયશ્રી વાડ એક પ્રસંગની વાત પણ કરે છે, અમદાવાદના એક દંપતીએ સરોગસી દ્વારા બાળકનો જન્મ કરાવ્યો. બાળકને  જન્મ આપતાં જ પેલી સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું. પેલા દંપતીએ નક્કી કરેલા પૈસા આપવાનો એમ કહીને ઈન્કાર કરી દીધો  કે તેમણે  પેલી મૃત સ્ત્રીને પૈસા આપવાનો કરાર કરેલો. હવે એ સ્ત્રીએ પોતાના બાળકો માટે જ આ વ્યવસાયમાં આવવાનો વિચાર કરેલો. મા વિહોણા બનેલા એ બાળકો વિશે પેલા દંપતીને વિચાર ન આવ્યો તે કેટલી ક્રૂર બાબત છે. આવા અનેક  પ્રસંગોને કારણે જયશ્રી વાડને સરોગસીના વ્યવયાય પર નિયંત્રણ આવે એવી ઈચ્છા હતી. સાચે જ આ પ્રસંગ વાંચીને આપણને વિચાર તો આવે કે માતૃત્વ કોઈપણ સ્ત્રી માટે કેટલું મહત્ત્વનું હોય કે તે માટે તે બીજી સ્ત્રીનો ઉપયોગ કરતા પણ અચકાય નહીં? માતૃત્વ એ સ્નેહની લાગણી છે. તેમાં ફક્ત ને ફક્ત બાળકને પ્રેમ કરવાનો હોય. આ સ્નેહ કોઈપણ બાળકને જોઈને આવી શકે. માતૃત્વનો મહિમા સ્ત્રીએ જ કરવાનો હોય અને તે માટે સ્ત્રીએ પોતે જ નિર્ણયો લેવાની જ‚ર છે. એક તો તે ક્યારેય કૂખ વેચશે નહીં અને બીજું કે તે ક્યારેય કૂખ ખરીદશે નહીં. આજે શિક્ષિત સ્ત્રી જો પોતાના નિર્ણયો જાતે ન લઈ શકતી હોય તો તે માતૃત્વની જવાબદારી કઈ રીતે ઊઠાવી શકે? માતૃત્વને ખરીદી કે વેચી શકાતું નથી. તે ક્યાં તો હોય છે ને કાં નથી હોતું.

You Might Also Like

0 comments