પીડાને બનાવી દો પાવર (mumbai samachar)

03:22સમાજની વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ પિન્કમાં આધુનિક યુવતીઓના સંદર્ભે સમાજની માનસિકતા દર્શાવવામાં આવી છે. ટૂંકા કપડાં પહેરતી કે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીને પિતૃસત્તાક માનસિકતા ધરાવતા પુરુષો અવેઈલેબલ સમજતા હોય છે, પણ માસૂમ બાળકીઓ પર જ્યારે બળાત્કાર કરવામાં આવે છે તેને શું કહીશું? એ બાળકીઓનો તો કોઈ વાંક હોતો નથી! હૈદરાબાદમાં રહીને ૪૫ વર્ષીય સુુનિથા ક્રિષ્નન દેહ વ્યાપારમાં ફસાયેલી બાળકીઓ અને સ્ત્રીઓને બચાવીને ફરીથી નવજીવન જીવવામાં મદદ કરે છે. તેઓ પ્રજવલા નામની સંસ્થા ચલાવી રહ્યા છે. ૨૦૧૬ની સાલમાં તેમને પદમશ્રી એવૉર્ડ પણ તેમના કામની કદર રૂપે આપવામાં આવ્યો છે. આ સિવાય પણ તેમને દેશવિદેશના અનેક એવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે.

મૂળ બેંગ્લોરમાં જન્મેલા અને ઉછરેલા સુનિથા હૈદરાબાદથી ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં જણાવે છે કે,‘ પિતૃસત્તાક માનસિકતાને લીધે આપણે ત્યાં સ્ત્રી કે બાળક પર જ્યારે બળાત્કાર થાય છે ત્યારે સમાજ ભોગ બનનારની સાથે સહાનુભૂતિ ભયુર્ં વલણ અપનાવવાને બદલે તેને અવગણીને, એકલી પાડી દે છે. આ બાબત તેમણે બળાત્કાર કરનાર, ગુનો કરનારાની સાથે કરવાની હોય છે. આ વાત ૩૦ વરસ પહેલાં પણ હતી અને આજે પણ બદલાઈ નથી. આજથી ૩૦ વરસ પહેલાં જ્યારે હું લગભગ ૧૫ વરસની હતી ત્યારે આઠ પુરુષોએ મારા પર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ બે વરસ સુધી મેં સમાજની અવહેલના અને અપમાનને સહન કર્યાં. લોકો મારી સાથે વાત નહોતા કરતાં. માતાપિતા પોતાના બાળકને મારી સાથે વાત કરવાની ના પાડતા કહેતાં કે મારું ચારિત્ર્ય સારું નથી. શાળામાં પણ છોકરીઓ મારી સાથે એક ટેબલ પર બેસતી નહીં. છેવટે મેં નક્કી કર્યું કે મેં કોઈ ગુનો નથી કર્યો હું શું કામ સજા ભોગવું કે શરમ અનુભવું? આજે મને એ ઘટના બાદ જે યાદ છે તે ગુસ્સો. એ ગુસ્સાને મેં ચેનલાઈઝડ કર્યો અને નક્કી કર્યું કે મારે આ રીતે સમાજની ક્રૂરતાનો ભોગ બનનારની શક્ય તેટલી મદદ કરવી.’

દેહ વ્યાપારમાં ફસાયેલી બાળકીઓ અને સ્ત્રીઓને બચાવીને તેમને પોતાના પગભર ઊભા કરવાના પ્રયત્નોમાં અનેકવાર તેમના પર જીવલેણ હુમલાઓ થયા છે. તેમની સામે જ તેમના એક સાથીદારની હત્યા પણ કરવામાં આવી. તેમના જીવનની વાત કોઈ ફિલ્મનો વિષય થઈ શકે એમ છે. જો કે તેમણે પોતાના પતિ સાથે મળીને એક સેક્સ ટ્રેફિકિંગ પર એક ફિલ્મ બનાવી હતી જે બહુ ચાલી નહી. સુનિથા કહે છે કે સેક્સ ટ્રેફિકિંગ પર અનેક વાર જ્યારે હું બોલું છું કે અનેકવાર છાપામાં કે મેગેઝિનોમાં છપાય છે ત્યારે લોકો અરરર કરીને થોડો સમય બાદ તેને ભૂલી જાય છે. વેશ્યા વ્યવસાય એ સદીઓથી ચાલી આવતી ગુલામીની પ્રથા છે જે આજે પણ ચાલી રહી છે. આ વ્યવસાયમાં કોઈ પોતાની મરજીથી નથી આવતું. મોટાભાગની સ્ત્રીઓ ખૂબ ગરીબ પરિવારની હોવાથી તેમને કામ આપવાની લાલચ આપીને ફસાવીને લાવવામાં આવે છે. અથવા તો નાના ગામની છોકરીઓને ટીવીમાં કે ફિલ્મમાં કામ અપાવવાની લાલચ આપવામાં આવે છે કે પછી પ્રેમજાળમાં ફસાવીને તેને વેશ્યાવાડામાં ધકેલી દેવામાં આવે છે. આ સ્ત્રીઓ જ્યાં સુધી વ્યવસાય કરવા તૈયાર ન થાય ત્યાં સુધી અમાનવીય ટોર્ચર કરવામાં આવે છે. એ પીડાઓ સહન ન થતાં જે વ્યવસાય માટે હા પાડે છે તેમણે પણ ત્યારબાદ અસંખ્ય વાર ત્રાસ આપવામાં આવે છે. તેમને કલાક માટે ખરીદનાર એમ જ સમજે છે કે તે કલાક દરમિયાન અસહ્ય શારીરિક પીડાઓ પણ આપી શકાય. કોઈ સિગરેટના ડામ લગાવે તો કોઈ કોડા મારે તો કોઈ ગુપ્તાંગોમાં મરચાં પણ ભરી દે.

નિર્ભયા પર થયેલા અમાનુષી અત્યાચાર વિશે આપણે દરેક જાણીએ છીએ પણ આવી અનેક ચાર કે પાંચ વરસની બાળકીઓ કે સ્ત્રીઓ પર અમાનવીય બળાત્કાર કરીને તેમને મરવા માટે છોડી દેવામાં આવે છે. પણ તેમના માટે કોઈ મીણબત્તીઓ નથી સળગાવતું. આમાંથી કેટલાકને બચાવીને તેમને નવેસરથી જીવન આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. દર વખતે અમને સફળતા મળે જ એવું નથી હોતું પણ તેમના માટે સમાજમાં સહાનુભૂતિ ન હોવાનું જોઈએ ત્યારે હૃદય ચૂરચૂર થઈ જાય છે. આવી સ્ત્રીઓને કોઈ પોતાના ઘરમાં કે કંપનીમાં કામ કરવા માટે રાખવા નથી માગતા. આવી છોકરીઓ, બાળકીઓને હું કહું છું કે તમારી પીડામાંથી જે ગુસ્સો ઊપજે છે તેને વેસ્ટ ન કરો. તેને ચેનલાઈઝ કરો. મેં કર્યોં છે તમે પણ કરી શકો છો. આજે તેમાંથી કેટલીય છોકરીઓ વેલ્ડિંગનું કામ કરે છે. સુથારી, ઈલેક્ટ્રિશિયનનું કે કડિયાનું કામ કરી શકે છે. પણ તેમને કામ અપાવવાનું સહેલું નથી કારણ કે સમાજને જાણવું હોય છે કે આ છોકરીઓ ક્યાંથી આવી, કઈ જાતિની છે અને અત્યાર સુધી શું કરતી હતી વગેરે વગેરે. અડધો અડધ સમાજ હજી આજે પણ બદલાયો નથી. આપણા સમાજના પુરુષોનો અભિગમ બદલવાની જરૂર છે. સ્ત્રી માત્ર સેક્સુઅલ ઓબ્જેક્ટ નથી કે ન તો તેમનામાં રહેલી પાશવીવૃત્તિઓને પોષવાનું સાધન છે. સ્ત્રીને આદર, સન્માનથી જુઓ. અરે ચાર કે પાંચ વરસની નાની બાળકીઓ પર બળાત્કાર કરનારાઓ કેવી પાશવી મનોવૃત્તિ ધરાવતા હશે તે કલ્પી શકાય છે. આ બાળકીઓના કપડાં કે વર્તન કંઈ ઉત્તેજના વધારનારા નથી હોતા?

સુનિથાએ જ્યારે પોતાના પર થયેલા અત્યાચારને ભૂલીને નવેસરથી જીવન શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના માતાપિતાએ સહકાર આપ્યો હતો. સોશિયલ સ્ટડીમાં ભણતર પૂરું કરી તેઓ અત્યાચારનો ભોગ બનનાર સ્ત્રીઓની મદદ કરીને પોતાના ઘાવ ભરવાનું કામ કર્યું છે. પણ કામ ઘણું છે કારણ કે ફક્ત ભારતમાં જ વરસના બે લાખ બાળકીઓ અને સ્ત્રીઓને ફ્લેશ ટ્રેડમાં ધકેલવામાં આવે છે. આજના ગ્લોબલાઈઝેશનના યુગમાં માનવીય તસ્કરીને તત્કાલીન પ્રાધાન્ય આપવાની જરૂર છે. રોજ જ અખબારોમાં બળાત્કારોના સમાચારો છપાય છે પણ જે નથી છપાતા એવા અત્યાચારો પણ બનતા જ હોય છે. બીજું કંઈ નહીં તો ય દરેક નાગરિક તે માટે જાગૃત થઈ માનસિકતાતો બદલી જ શકે છે. સ્ત્રી કે બાળકીઓને સેક્સુઅલ ઓબ્જેક્ટ તરીકે ન જોવાની ભલામણ સુનિથા કરે છે. દરેક વ્યક્તિ દર બીજી બે વ્યક્તિને જાગૃત કરીને પોતાની ફરજ બજાવી જ શકે.

You Might Also Like

0 comments