શું તમે પુરુષ છો?

22:06

ફક્ત ઈન્દ્રિય વ્યક્તિને પુરુષ નથી બનાવતી. વ્યક્તિની માનસિકતા તેને પુરુષ કે હવાન બનાવે છે.


અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી અને દોહિત્રીને લખેલો પત્ર દરેક સ્ત્રી માટે યોગ્ય છે પણ એ પત્ર દરેક પુરુષે પણ વાંચવા અને સમજવા જેવો છે. જોકે એ પત્ર તેમની હાલમાં જ રજુ થયેલી ફિલ્મ પિન્કના પ્રમોશનના એક ભાગ રૂપે જ હતો. ખેર, પ્રમોશન હોય તે છતાં વાતમાં સચ્ચાઈ છે. કોઈપણ સ્ત્રીને અસલામતીનો અહેસાસ થાય છે તે પૌરુષત્વ માટે શરમજનક નથી શું ? ફિલ્મમાં પણ એ જ સવાલ અન્ડરટોન રીતે કહેવાયો છે. આ સનાતન પ્રશ્ર્ન છે. તેમાં પણ આજના આધુનિક સમયમાં પણ સ્ત્રીને ફક્તને ફક્ત સેક્સ્યુઅલ ઓબજેક્ટ તરીકે જોવાની માનસિકતા વધી રહી છે, કે પછી હવે તેના વિશે ફરિયાદો થતી હોવાને લીધે સંખ્યા વધી રહી હોવાનું લાગે છે. જાતીય સતામણી વિશે બોલતા પહેલાં સ્ત્રીઓ ડરતી હતી.પોતાની જાતને જ ગુનેગાર સમજતી હતી. પણ હવે સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વ વિશે જાગૃત થઈ છે. તેમનો ડર થોડો ઓછો થયો છે. 

થોડા સમય પહેલાં એક સરસ લેખ વાંચવા મળ્યો હતા. ઝેરોમ બુમેટ નામના પુરુષે રેપ કલ્ચર પર લેખ લખ્યો છે. એ વાંચીને વિચાર આવ્યો કે મારી આસપાસ અનેક પુરુષો એવા છે કે જેમની હાજરીમાં મને ક્યારેય ભય નથી લાગ્યો. કદાચ તેમની સાથે હોઉં ત્યારે સુરક્ષિત હોવાનો ભાવ પણ થયો છે, કે પછી સ્ત્રી હોવાનો ભાર ન અનુભવ્યો હોય તેવું ય બન્યું હશે. આવા પુરુષો ખરા અર્થમાં જેન્ટલમેન હોય છે. જેન્ટલમેનનો ડિકશનરી અર્થ થાય સંસ્કારી પુરુષ. 

અમિતાભ બચ્ચને હાલમાં જ કહ્યું કે હું જ્યારે વિદેશ જાઉં અને ભારત વિશે લેન્ડ ઓફ રેપ એટલે કે બળાત્કારીઓનો દેશ સાંભળવા મળે ત્યારે લાગી આવે છે. મુંબઈ દિલ્હી કરતાં વધુ સુરક્ષિત છે તેવું કહેવા કરતાં આપણા દેશને દરેક ખૂણે મહિલાઓ સલામતીનો અહેસાસ કરી શકે એવું કેમ ન બને ? ઝેરોમે પણ કંઈક આવું જ લખ્યું છે કે, એક પુરુષ તરીકે મને કોઇ કહે કે હું બળાત્કારી પણ બની શકું તો ચોક્કસ જ મને ખરાબ લાગે. પણ આવું જ્યારે સ્ત્રી વિચારતી હોય તો મને સ્ત્રીની સાયકોલોજીમાંથી પસાર થવાનું મન થાય. ઝેરોમે સ્ત્રીની સાયકોલોજીનો વિચાર કરીને લખ્યું છે કે પુરુષે સ્ત્રીની હાજરીમાં કેવી રીતે વર્તવું જોઇએ કે જેથી સ્ત્રીને જરાય ભય ન લાગે.

તમારી આસપાસ સ્ત્રીને ક્યારેય અસહજતા ન લાગે તેનો ખ્યાલ રાખો. લિફ્ટમાં જતાં આવતા. કામના સ્થળે કે પછી સામાજિક મેળાવડામાં. સ્ત્રીને તાકીને ન જુઓ. સ્ત્રીઓ કપડાં ફક્ત પુરુષને બતાવવા માટે જ પહેરે છે એવું નથી. સ્ત્રીને પોતાને જે કપડાં પહેરવાનું મન થાય તે કપડાં પહેરે છે. સ્ત્રીએ અમુક રીતે વર્તવું ને ન વર્તવું તે નક્કી કરવા કરતાં તમારે અમુક વર્તન ન કરવું એ નક્કી કરી શકાય. પણ હા, સ્ત્રી પોતે જ ઇચ્છા પ્રદર્શિત કરે તો વાત જુદી છે. પણ એ ભાષા દરેક સ્ત્રી-પુરુષને સમજાતી હોય છે. તમે ખોટા બહાના ન જ કાઢી શકો.

૨.કોઇપણ સ્ત્રીઓ માટે અસભ્ય કોમેન્ટ ન કરો. તમારી હાજરીમાં તમારા મિત્રો કે સાથે કામ કરતાં કર્મચારીઓ આવી કોમેન્ટ કરતાં હોય તો તેમને વારો. સ્ત્રીને ઉતારી પાડતી ગાળો પણ ન બોલો. ફક્ત સ્ત્રી હોવાને કારણે તેના વિશે ગમે તેવા વિધાનો ન કરો. સ્ત્રીના અસ્તિત્વનો આદર કરો. આદર જળવાય તેવું વાતાવરણ પણ ઊભું કરી શકાય છે. પુરુષત્વ એમાં જ છે જેની હાજરીમાં સ્ત્રીને સુરક્ષાનો અનુભવ થાય. એકલી જતી સ્ત્રીઓ સાથે જ અણછાજતું વર્તન

નથી થતું. પુરુષો સાથે જતી સ્ત્રીઓની છેડતી થાય છે. અને બળાત્કાર પણ થતાં હોય છે. સ્ત્રીનો આદર કરવાની વૃત્તિ હશે તેને બંધનમાં કે ભોગ્ય માનવાની વૃત્તિ ન હોય તો આવી ઘટનાઓ ટાળી શકાય છે. સ્ત્રીઓને માનવ તરીકે સ્વીકારો છો તેનો અહેસાસ પણ કરાવતાં શીખો. સ્ત્રીને સ્પેસ આપો તેની પોતાની. તમે કહેશો સ્ત્રીઓને છેડછાડ ગમતી હોય છે. પૌરુષત્વ એટલે જ આક્રમકતા....પણ એવું નથી. પૌરુષત્વની ગરિમા જાળવતાં પુરુષો સ્ત્રીઓને વધુ ગમે છે. આક્રમકતા પ્રેમમાં હોય જબરદસ્તીમાં ન હોય. પુરુષોને સ્ત્રીની ઇચ્છા અનિચ્છા સમજાતી હોય છે પણ તેને સમજવાનો ડોળ કરી શકાય કે પોતાની ગરિમાને નીચી પાડવા માટે બીજાને દોષિત પણ ઠેરવી શકાય છે પણ હકીકત બદલાતી નથી.

એ વાત સાચી છે કે દરેક સ્ત્રીને જાણીતા અજાણ્યા પુરુષ માટે એક ભય કે શંકા રહે જ કે ક્યારે એ પુરુષ હવસી બનીને તેના પર મૂકેલા વિશ્ર્વાસને તોડી નાખશે. તેમાં પણ કોઇ પોતાનું સ્વજન કે જાણીતો પુરુષ સ્ત્રીના સ્ત્રીત્વ પર હુમલો કરે છે તો સૌ પ્રથમ સ્ત્રી ડરી જાય છે. તેને પોતાના શરીર માટે, સ્ત્રીત્વ માટે એક જાતની ઘૃણા પેદા થાય છે. સ્ત્રી હોવું એટલે શું તે દરેક પુરુષે વિચારવું જોઇએ. બહુ જ સરસ મુદ્દાઓ દ્વારા ઝેરોમે પોતાના લેખમાં અને અમિતાભે મીડિયા સમક્ષ ઠાલવેલો આક્રોશ યોગ્ય દિશા સૂચવે છે. સ્ત્રી પર કરવામાં આવતાં બળાત્કાર બાદ પુરુષને ગુનેગાર ઠેરવવાને બદલે સ્ત્રીઓના વર્તન, કપડાંને દોષી ઠેરવવામાં આવે છે. એક વાર તો વિચારો કે તમારા પર એટલે કે પુરુષો પર એવા બંધનો હોય તો? કે તમે ક્યારેય એકલા રાત્રે નીકળી ન શકો, એવો એક પણ દિવસ ન જાય કે તમને ટીકીટીકીને અસભ્ય રીતે જોવામાં ન આવે, તમારું અસ્તિત્વ ફક્ત તમારું શરીર હોય, અને તક મળે દરેક જણ તેને ભોગવવા માટે તૈયાર હોય, તમારી મરજી હોય કે ન હોય, સ્વતંત્રતાનો વિચાર ક્યારેય તમને આવે જ નહીં.

આ માનસિકતા સાથે જીવવાનું છે તેવી જાણ કર્યા બાદ કોઇ સ્ત્રીને જો ચોઇસ મળે તો તે સ્ત્રી તરીકે જન્મે જ નહીં. તે છતાં સ્ત્રીઓ એમ નથી કહેતી કે દરેક પુરુષ ખરાબ જ હોય છે. નહીં તો સ્ત્રી લગ્ન ન કરે અને માતા ન બને. પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને એવા સમાજનું નિર્માણ ન કરી શકાય કે સ્ત્રીઓ પણ એક વ્યક્તિ તરીકે સહજતાથી જીવે. તેને પુરુષનો ભય ન લાગે. હા , દરેકની માનસિકતા ન બદલી શકાય પણ નિર્ભય સમાજ ઊભો કરવામાં પૌરુષત્વ અનેક રીતે કામ કરી  શકે છે.

You Might Also Like

0 comments