વિશ્વના દેશોમાં મહિલા વડાં પ્રધાનનું વર્ચસ્વ (Mumbai samachar)

21:07




આ લેખ છપાઈ રહ્યો હતો ત્યારે હજી અમેરિકામાં ચૂંટણી તેની ચરમસીમા પર હતી. તેનું પરિણામ હજી આવ્યું નહોતું પણ પ્રેસિડન્ટપદના દાવેદાર હિલેરી ક્લિન્ટન સ્પર્ધામાં આગળ હતાં. તમે વાંચી રહ્યા હશો ત્યારે કદાચ તેઓ અમેરિકાના પ્રેસિડન્સીના સવાબસો વરસના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હશે એવી આશા રાખીએ. અમેરિકા આધુનિક દેશ હોવા છતાં હજી સુધી પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યા ઓછી છે અને દેશના ઉચ્ચ હોદ્દા ઉપર હિલેરી ક્લિન્ટન બીજી મહિલા છે જે મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલાં ૧૮૭૨ની સાલમાં વિક્ટોરિયા સી. વુડહલ ઈક્વલ રાઈટ પાર્ટી તરફથી અમેરિકાના પ્રેસિડન્ટપદ માટેના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. ઉપલા સ્તરે એટલે કે રાજકીય ક્ષેત્રે અનેક મહિલાઓ વડાં પ્રધાન અને રાષ્ટ્રપતિપદે રહી ચૂકી હોવા છતાં તેમનું પ્રમાણ જનસંખ્યાની જેમ જ ઓછું રહ્યું છે કે રાખવામાં આવે છે તે ચર્ચાનો વિષય બની રહે તેમ છે.

વિશ્ર્વમાં નાનામાં નાના દેશોમાં કે કટ્ટર મુસ્લિમ દેશોમાં પણ મહિલા વડાં પ્રધાન રાજ કરી ચૂક્યા છે. જેવા કે ઈઝરાયલ, થાઈલેન્ડ, બંગલાદેશ, પાકિસ્તાન, નોર્વે, ફિનલેન્ડ, સ્લોવેનિયા વગેરે. ઈંગ્લેન્ડના માર્ગારેટ થેચર કે ભારતના ઈન્દિરા ગાંધીનીય પહેલાં ટચૂકડા દેશ સિલોન એટલે કે શ્રીલંકામાં વિશ્ર્વનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ચૂંટાયા હતા. ૧૯૬૦ની સાલમાં જ્યારે શ્રીલંકા સિલોન તરીકે ઓળખાતો હતો તે સમયે સિરિમાવો ભંડારનાઈકે પ્રથમ મહિલા વડાં પ્રધાન બન્યાં હતાં. ત્યારબાદ ૧૯૬૬માં ભારતના વડાં પ્રધાન ઈંદિરા ગાંધી વિશ્ર્વના બીજા અને ભારતના પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ઈઝરાયલમાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ૧૯૬૯માં ગોલ્ડા મેર ચુટાયાં હતાં. ૧૯૭૯માં ઈંગ્લેડમાં પ્રથમ મહિલા વડાં પ્રધાન માર્ગારેટ થેચર ચૂંટાઈને આવ્યા હતા.

૬૦ના દાયકા બાદ વડાં પ્રધાન કે પ્રેસિડન્ટ તરીકે મહિલાઓએ સફળતાપૂર્વક પદ સંભાળ્યા બાદ સિત્તેર અને એંસીના દાયકામાં પણ મહિલાઓનાં રાજકીય ક્ષેત્રે સત્તા મેળવવા તરફ મક્કમ પગલાં ભરાતા રહ્યાં પણ નેવુંના દાયકામાં તો નાના-મોટા લગભગ ર૭ દેશોમાં મહિલાઓએ સત્તા સંભાળી હતી. તેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોનું નામ પણ સામેલ છે. તો કેનેડા, પોલેન્ડ, જર્મની, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, મંગોલિયા વગેરે સહિત બંગલાદેશ, રવાન્ડા જેવા ટચૂકડા અને સતત સંઘર્ષમાં રહેતા દેશોમાં પણ જનતાએ મહિલાઓને દેશનું સુકાન સોંપ્યું છે. રવાન્ડામાં તો અગાથે ઉવિલિન્ગયીમાનાએ તો ૧૯૯૩માં વડાં પ્રધાનપદ સંભાળ્યું અને વરસમાં જ તેમને ઠાર કરવામાં આવ્યા હતા. શ્રીલંકા, ભારત, નોર્વે, નેધરલેન્ડ, શ્રીલંકા, બંગલાદેશ, પાકિસ્તાન જેવા ફક્ત સાતેક દેશોમાં જ એકથી વધુ વાર મહિલાઓ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી હોય. અત્યાર સુધી વિશ્ર્વના ફક્ત ૭૦ દેશોમાં જ મહિલાઓ પોતાના દેશના સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચી છે અને જો અમેરિકામાં હિલેરી ક્લિન્ટન જીતી ગયાં તો અમેરિકા ૭૧મો દેશ હશે. હાલમાં ફક્ત સાત જ દેશ એવા છે કે જ્યાં મહિલાઓ વડાં પ્રધાનના પદ પર છે. જર્મની(એન્જેલા મર્કેલ), બંગલાદેશ (શેખ હસીના), નોર્વે (એર્ના સોલબર્ગ), નામિબિયા (સારા કુગોનગેલ્વા), પોલેન્ડ(બીટા ઝીડલો), મ્યાનમાર (આંગ લાન સૂ કી), ઈંગ્લેન્ડ (થેરેસા મે).

તે છતાં હજીય એવા કેટલાક દેશો છે જ્યાં મહિલાઓને સરકારમાં કોઈપણ પદ ન મળ્યું હોય. ભૂતાન, એન્ગ્વિલા, બેલિઝ, કોમોરો આયર્લેન્ડ, કૂક આઈલેન્ડ મિનિસ્ટર, હંગેરી, લેબેનોન મિનિસ્ટર, મોન્સરેટ, સોલોમન આઈલેન્ડ(એકપણ મહિલા એમપી નથી), તુવાલુ અને વાનુતુ. બોલિવિયા મિનિસ્ટર એકમાત્ર એવો દેશ છે જ્યાં પચાસ ટકા મહિલાઓ પાર્લામેન્ટમાં છે. સૌથી ઓછો સમય મહિલા વડાં પ્રધાન તરીકે કામ કર્યું હોય તેમાં મડાગાસ્કર દેશનું નામ આવે છે. મડાગાસ્કરમાં સિસિલે મનોરોહાન્તા ફક્ત બે દિવસ માટે એક્ટિંગ વડાં પ્રધાન બન્યા હતા. સૌથી વધુ સમય વડાં પ્રધાનપદ પર રાજ કરનારામાં ડોમિનિકાના મેરી યુજીનિયા ચાર્લ્સનું નામ પ્રથમ છે તેમણે સળંગ ૧૪ વરસ ૩૨૮ દિવસ પદ સંભાળ્યું છે. ત્યારબાદ ઈંગ્લેન્ડના માર્ગારેટ થેચર ૧૧ વરસ ૨૦૮ દિવસ, ભારતના ઈંદિરા ગાંધી ૧૧ વરસ ૯૦ દિવસ અને જર્મનીના એન્જેલા મર્કેલ ૧૦ વરસ ૩૫૨ દિવસ સાથે હજી વડાં પ્રધાન પદે પ્રશંસનીય કામ કરી રહ્યા છે.






You Might Also Like

0 comments