કલ ખેલ મેં હમ હો ન હો (mumbai samachar)

06:07







એ ભાઈ ...જરા દેખ કે ચલો.... યે દુનિયા એક સરકસ હૈ... મેરા નામ જોકરનું આ ગીત યાદ આવે છે. જેમાં એવું કહેવાયું છે કે જે આવે છે તે દરેકે જવાનું છે. જીવન-મરણની ફિલોસોફી સરકસ દ્વારા સમજાવી ગયા રાજકપૂર. સરકસ શબ્દ બોલતાં જ હાથી, ઘોડા, વાઘ અને સિંહ સાથે જોકર યાદ આવી જાય. નાના હતા ત્યારે વેકેશનમાં સર્કસ જોવા જવાનો રોમાંચ હતો. તેમાં પણ વિશાળ તંબુની બહાર ઊભેલા હાથી, જિરાફ અને પાંજરામાં બેસેલા વાઘ-સિંહ જોઈને આંખો કુતૂહલથી પહોળી થઈ જતી. દિવસો સુધી પછી તો સરકસની વાતો અને સરકસનાં સપનાં બાળમન પર છવાયેલાં રહેતાં. બે ખેલની વચ્ચે નાના ટેણિયા મેણિયાઓનું જોકરની મસ્તીઓ જોઈને તાળીઓ પાડી ખિલખિલાટ હસવાનું. વાઘ અને સિંહ સાથે રિંગ માસ્ટર્સ કરતબ કરે ત્યારે શ્ર્વાસ લેવાનું ભૂલાઈ જવાય એવો સોપો હૃદયમાં પડી જાય. વાઘ અને સિંહને આટલા નજીકથી જોવાનો રોમાંચ કોઈપણ બાળકો માટે અનોખો જ હોઈ શકે.

હવે શહેરોમાં સરકસ ક્યારે આવીને જતા રહે છે તે ખબર નથી પડતી. વાચકોમાંથી ઘણાને ખબર નહીં હોય કે દર વરસે નવેમ્બર મહિનામાં બાન્દરામાં સરકસ ફેસ્ટિવલનું આયોજન થતું હતું. હતું એટલા માટે કે આ વરસે ૨૦૧૬માં આ સરકસ ફેસ્ટિવલનું આયોજન નથી થઈ શક્યું. રેમ્બો સરકસના માલિક સુજીત કર્ણાટકથી ફોન પર વાત કરતાં કહે છે કે ‘ આ વરસે હું કોર્ટના કેસોમાં ખૂબ વ્યસ્ત રહ્યો. હિંસક પ્રાણીઓ પર તો પ્રતિબંધ હતો જ પણ ઘોડા, હાથી અને કૂતરાં જેવા પાળતું પ્રાણીઓને માટે પણ અમારા પર કેટલીક સંસ્થાઓ કેસ કરે છે તેની સામે લડતાં જ થાકી ગયો છું. પ્રાણીઓ સિવાય પણ દર વરસે વાંદરામાં ફેસ્ટિવલમાં હું કંઈક નવા કરતબો કરવાનો પ્રયત્ન કરતો હતો, કારણ કે ત્યાં ઘણી સેલિબ્રિટી પણ આવે ઉપરાંત શિક્ષિત પ્રજા જ્યારે સરકસ જોવા આવે તો અમારે કશુંક નવું અને ગ્રાન્ડ આપવું પડે નહીં તો તેમનો રસ ઊડી જાય. આમ પણ સરકસ જોવામાં હવે લોકોને રસ રહ્યો નથી. પ્રાણીઓ હતા તો લોકોને તેમાં પણ ખાસ કરીને બાળકોને ખૂબ આકર્ષણ રહેતું સરકસનું. તેમને લઈને માતાપિતા પણ આવે જ. આજે અનેક કરતબો મફતમાં ટીવીમાં જોવા મળતા હોય તો લોકો પૈસા ખર્ચીને સરકસમાં શું કામ આવે.’

આ દિવાળી વેકેશનમાં પણ સરકસ મુંબઈમાં આવ્યું હતું. ગ્રેટ ગોલ્ડન સરકસ. હજી આજે પણ દરરોજ સરકસના ત્રણ શો યોજાય છે. મોટા તંબુની વિશાળતા પણ નાના બાળકને વિસ્મય પમાડી શકે છે. સરકસનાં પોસ્ટરોના અને કામ કરનારાઓના ભડક, ચમકતાં વસ્ત્રોની ઝાકઝમાળ અદભુત વિશ્ર્વમાં લઈ જાય. એ વિશાળ તંબુમાં પહેલાં તો આગળ સોફા રહેતા. પાછળ થોડી ખુરશીઓ અને ગેલેરીમાં ઊંચા લાકડાના પાટિયા પર બેસવાનું રહેતું. હવે તો એ પાટિયાઓ નીકળી ગયા છે અને પ્લાસ્ટિકની ખુરશીઓ સૌ માટે હોય છે. પણ ૩૦૦૦ની કેપેસિટી ધરાવતા એ તંબુમાં ચાલુ દિવસના બપોરના શોમાં માંડ વીસ-પચ્ચીસ જણા હોય છે. તો વીકએન્ડમાં ક્યારેક બસો-પાંચસો માણસો હોય છે. નાનાં શહેરોમાં હજી તેમના શોમાં ઘણા લોકો હોય છે, પણ શહેરોમાં તો ભાગ્યે જ અડધાથી વધુ ખુરશીઓ ભરાય છે. હવે સરકસમાં પ્રાણીઓની જગ્યાએ વિદેશી કરતબ કરનારા આર્ટિસ્ટોને બોલાવીને આકર્ષણ ઊભું કરવામાં આવે છે. સાથે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાય છે. તે છતાં પ્રેક્ષકોને સરકસ સુધી લાવવામાં નિષ્ફળતા જ મળે છે. સરકસના કલાકારો અને માલિકોમાં તે માટે નિરાશા છવાયેલી રહે છે. ૧૯૬૦માં પહેલો શો કરનાર ગ્રેટ ગોલ્ડન સરકસની ત્રીજી પેઢી શોએબ જ્હોન કહે છે કે છેલ્લા બે દાયકાથી અમે પ્રેક્ષકોની ઘટતી સંખ્યા જોઈ રહ્યા છીએ. હવે તો સર્વાઈવ કરવું મુશ્કેલ બની રહ્યું છે. કેટલીય સરકસ કંપનીઓ બંધ થઈ ગઈ છે અને હવે બહુ જલ્દી મોટી સરકસ કંપનીઓ બંધ થઈ જશે. સિંહ, વાઘ અને ચિમ્પાન્ઝીનું આકર્ષણ પ્રેક્ષકોને સરકસના ટેન્ટ સુધી ખેંચી લાવતું હતું પણ પ્રાણીઓ નીકળી જતાં લોકો પણ નથી આવતા. શોએબ ખૂબ જ ધીમા અવાજે કહે છે કે અમારી પેઢી કદાચ છેલ્લી પેઢી હશે જે સરકસ ચલાવશે. કારણ કે રોજબરોજના ખર્ચા કાઢવા મુશ્કેલ થઈ પડ્યા છે. દોઢસો બસો જણાનો સ્ટાફ અને બીજા સો એક કલાકારોને નિભાવવાના, ઉપરાંત ભાડું, ઈલેક્ટ્રિસીટી, જાહેરાત વગેરે કેટલાય ખર્ચા. પ્રેક્ષકો નહીં આવે તો પૈસા ક્યાંથી આવશે અને પૈસા નહીં હોય તો સરકસ ક્યાંથી ટકશે.

ભારતનાં શહેરોમાં ફરતા આ સરકસ કરનારાને પોતાને પણ સરકસ માટે એક લગાવ હોય છે. એટલે જ તેઓ પૂરા રસ સાથે શોને લાઈવ બનાવવાના પ્રયત્નો કરે છે. સરકસમાં પ્રાણીઓ સિવાય સૌથી આકર્ષક ખેલ રહેતો તંબુની વચ્ચે ઉપર ઝૂલા પર ઝૂલતા કરતબ કરતા કલાકારો. મેરા નામ જોકરમાં પણ એ સીન બતાવવામાં આવ્યો હતો. ઊંધા માથે લટકીને ઝૂલતી વ્યક્તિનો હાથ પકડીને એક સ્થાનથી બીજા સ્થાન પર જવાનું સાહસ સહેલું નથી હોતું. તેમાં પણ ક્યારેક તો આંખે પાટા બાંધીને કે નીચે કોઈ સેફ્ટી જાળ રાખ્યા વિના કરાતા કરતબો લોકોને અચંબિત કરી દેતા હતા. સર્કસ માલિકો જાણે છે કે પહેલાં મનોરંજનનાં અન્ય સાધનો ન હોવાથી વધુ લોકો સરકસ જોવા આવતા હતા જ્યારે આજે ટેલિવિઝન અને સ્માર્ટ ફોનને લીધે મનોરંજન સહેલું અને સસ્તું બની ગયું હોવાથી લોકોમાં સરકસ જોવા જવાની ઉત્સુકતા રહેતી નથી. સમય ને સંજોગો સાથે દરેક બાબત બદલાય છે પણ તેઓ પ્રાણીઓ પરના પ્રતિબંધને યોગ્ય નથી ગણતા. તેમનું કહેવું છે કે સરકસમાં મોટાભાગે તો પ્રાણીઓની દેખભાળ ખૂબ જ સારી રીતે થતી. પ્રાણીઓ પણ તેમના પરિવારના સભ્ય બની જતા. તેમને સરકસનો દરેક માણસ પ્રેમ કરતો. સરકસમાં અમુક નિયમ અને શરતો સાથે પ્રાણીઓ રાખવાની છૂટ આપવી જોઈએ. તો જ સરકસ પોતાની ઓળખ જાળવીને ટકી શકશે નહીં તો તે કાળના પ્રવાહમાં ફક્ત સ્મૃતિ બનીને એક દિવસ વિસરાઈ જશે.

આજે સરકસમાં વિદેશી રશિયન, આફ્રિકન, નેપાળી, ઉઝબેકિસ્તાન વગેરે જગ્યાએથી કરતબ દેખાડનારા કલાકારોને આમંત્રણ આપવામાં આવે છે પણ ખાલી ખુરશીઓ બધી ભરાતી નથી. રેમ્બો સરકસના સુજીતકુમાર બાળપણની વાત વાગોળતા કહે છે કે, મારો ઉછેર જ સરકસમાં થયો. પ્રાણીઓ સાથે અને માણસો સાથે અમારો લાગણીઓનો સંબંધ જોડાઈ જતો. સરકસમાં કામ કરનારાઓનું જીવન કંઈ આસાન નથી હોતું. નાનકડા તંબુમાં રહેવાનું અને વણઝારાઓની જેમ એક ગામથી બીજા ગામ અને શહેરમાં ફરવાનું. સગવડો જોઈએ એવી દરેક ગામ કે શહેરમાં ન મળે. અને પૈસા પણ કંઈ એવા ખાસ મળે નહીં અને પરિવારથી દૂર રહેવાનું. બાળકોને તો ભણવા માટે દૂર રાખવા જ પડે. એમાં હવે સરકસ કંપનીઓ બંધ થવા લાગી હોવાથી અનેક કલાકારો બેકાર બન્યા છે. ઈન્ડિયા ટેલેન્ટ શોમાં આવતા નવા કલાકારોને પણ અમે ચાન્સ આપીએ છીએ પણ પ્રેક્ષકોના અભાવે અમારા માટે પણ ટકવું હવે મુશ્કેલ છે.

સુનીલકુમાર પહેલાં એક્રોબિટ્સ કરતો હતો પણ એર શો દરમિયાન થયેલા અકસ્માતમાં એક બાજુનું અંગ ખોટું પડી જતાં જોકર બને છે. કામ વગર તેના માટે ટકવું મુશ્કેલ છે. સરકસમાં અનેક લોકો બાળપણથી જોડાતા હોવાથી સરકસ સિવાય તેમને કોઈ કામ કરતા આવડતું નથી. આજે તેમની સામે ભવિષ્યનો કોઈ નકશો નથી.

ભારતમાં ૧૯૦૯ની સાલથી સરકસની શરૂઆત થઈ હતી. સૌ પ્રથમ ગ્રેટ રોયલ સરકસ ત્યાર બાદ ૧૯૨૦માં ગ્રેટ રેમન જે અમર સરકસના નામે પણ ઓળખાતું હતું અને ગ્રેટ બોમ્બે સરકસની શરૂઆત થઈ હતી. ત્યારબાદ જેમિની, રાજકમલ, જમ્બો અને રેમ્બો સરકસનો પ્રવેશ થયો. આટલા સરકસ ભારતના મોટા સરકસમાં ગણાય છે એ સિવાય બીજા અનેક નાના મોટા મળીને કુલ ૩૨ સરકસ હતા. તેમાંથી અનેક સરકસ બંધ થઈ ગયા અને બીજા બંધ થવાની કગાર પર છે.

You Might Also Like

0 comments