નાની વયે ગોલ્ફના મેદાનમાં રચ્યો ઈતિહાસ (mumbai samachar)

00:52







હજી થોડા મહિના પહેલાં ફક્ત ૧૮ વરસીય અદિતિની ગોલ્ફ બેગ પાસે ઊભેલા રિયો ઓલિમ્પિકમાં પોતાની નાનકડી દીકરીનો સારો દેખાવ કરતી જોઈને પિતા ગદલામણીની આંખમાં ગૌરવના આંસુ આવ્યા હતા. પ્રથમવાર નાની વયની મહિલા ગોલ્ફર તરીકે ઓલિમ્પિકમાં ભાગ લીધો ત્યારે વિશ્ર્વમાં તેની રેન્ક હતી ૪૬૨, પણ ઓલિમ્પિકમાં તે સારો દેખાવ કરીને ૬૦ ખેલાડીઓમાં ૪૧માં ક્રમાંકે પહોંચી હતી. ગોલ્ફની રમતને પણ પહેલીવાર ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી હતી. અદિતિએ ઓલિમ્પિકમાં સૌથી નાની વયની સ્પર્ધક તરીકે અનુભવી ખેલાડીઓની સામે ઘણો સારો દેખાવ કરતાં વિશ્ર્વમાં લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું. આટલી નાની વયે ગોલ્ફ જેવી રમત કે જેના વિશે ભારતમાં વધુ જાગૃતી નથી. સ્ત્રીઓને તેમાં ખાસ રસ નથી પણ અદિતિને કારણે ઓલિમ્પિકમાં લોકો ગોલ્ફને જોવા લાગ્યા હતા. ઓલિમ્પિકમાં મેડલ ન જીતી શકવા છતાં દુનિયાનું ધ્યાન ખેંચનાર અદિતિની વિક્રમ સર્જવાની રફતારે જાણે વેગ પકડ્યો. રવિવારે એટલે કે ૧૩ નવેમ્બરના તેણે હીરો ઈન્ડિયન ઓપનનું ટાઈટલ જીતીને પ્રથમ ભારતીય મહિલા તરીકે ઈતિહાસ સર્જ્યો છે.

ગોલ્ફની રમત હજી થોડો સમય પહેલાં પુરુષોની રમત કહેવાતી હતી. સ્ત્રીઓ તેમાં ભાગ્યેજ જોડાતી પણ શ્રીમંત વર્ગની સ્ત્રીઓ ક્યારેક ક્લબમાં રમી લેતી હતી. ધીમે ધીમે ભારતમાં પણ વધુને વધુ સ્ત્રીઓ ગોલ્ફ રમવા લાગી પણ અદિતિ અશોકને ગોડ ગિફ્ટ મળી હોય તેમ તે પાંચ વરસની ઉંમરથી ગોલ્ફ રમી રહી છે અને ૧૮ વરસ પહોંચતા પહેલાં તેણે ૧૭ ટાઈટલ જીતી લીધા છે. તે ત્રણવાર નેશનલ એમેચ્યોર જુનિયર ચેમ્પિયન અને બે વાર નેશનલ એમેચ્યોર ચેમ્પિયન રહી ચૂકી છે. લેડિઝ બ્રિટિશ એમેચ્યોર સ્ટ્રોક પ્લેની સેન્ટ રુલ ટ્રોફી જીતનાર એકમાત્ર ભારતીય છે. 

બેંગ્લુરુમાં જન્મીને ઉછરેલી અદિતી પાંચ વરસની હતી ત્યારે પહેલીવાર માતા મેશ અને પિતાગદમલાણી સાથે કર્ણાટક ગોલ્ફ એસોસિએશનની રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ માટે ગઈ હતી. ત્યાં પહેલીવાર તેમના પરિવારે ગોલ્ફની રમત જોઈ. તેના માતાપિતાને રસ પડતા એમણે ગોલ્ફ શીખવાનું શરૂ કર્યું. તેના પિતા ગદલામણીએ જોયું કે પાંચ વરસની અદિતિને ગોલ્ફમાં ખૂબ રસ પડતો હતો અને તે ખૂબ સરળતાથી રમત શીખી રહી હતી એટલે તેમણે એને પ્રોત્સાહન આપવાનું શરૂ કયુર્ર્ં. છ વરસની ઉંમરથી અદિતિ ટુર્નામેન્ટમાં ભાગ લેતી થઈ ગઈ. તેણે પહેલી ટુર્નામેન્ટ ફક્ત ૯ વરસની ઉંમરે જીતી હતી અને બાર વરસની ઉંમરે તે ભારતીય રાષ્ટ્રીય ટીમનો ભાગ બની ગઈ હતી. તે સમયે સ્ત્રી અને પુરુષની જુદી સ્પર્ધા નહોતી યોજાતી એટલે તે દરેકને હરાવીને આગળ આવી હતી. તે એકમાત્ર ભારતીય ગોલ્ફર છે જેણે એશિયન યુથ ગેમ્સ અને યુથ ઓલિમ્પિક ગેમ રમી છે. 

આ પહેલાં જીવ મિલ્ખા સિંઘ, અર્જુન અટવાલ, અનીરબન લાહીરીએ વિશ્ર્વમાં પુરુષ ગોલ્ફમાં છેલ્લા દસકામાં નામ કમાયું છે. અદિતિએ ઓલિમ્પિકમાં સારો દેખાવ કર્યા બાદ જણાવ્યું હતું કે ‘આટલી નાની ઉંમરે ઓલિમ્પિકમાં ભાગ લેવાનો અવરસ મળ્યો તે તો આનંદની વાત હતી જ પણ મને આશા છે કે ભારતમાં વધુને વધુ છોકરીઓ ગોલ્ફની રમતમાં

ભાગ લઈને આગળ આવશે.’ ગોલ્ફ માટે વાત કરતાં અદિતી ખૂબ પેશનેટ થઈ જાય છે. તે કહે છે કે, ‘ દરેક દિવસે ગોલ્ફ જુદું હોય છે. તેમાં ક્યારેય એક સરખા શોટ લાગી શકતા નથી. એટલે દરેક શોટ નવો હોય છે.વળી તેમાં કોઈ અપેક્ષા પણ રાખી શકાય નહીં. આ રમત આપણાથી મોટી લાગતી હોવાને લીધે મને વધુ ગમે છે. તમે ફક્ત સારો દેખાવ કરી શકો છો. જીવનની ફિલોસોફી સાથે તેને સાંકળી શકાય છે કે તમે તમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપો કોઈ અપેક્ષા રાખ્યા વિના કારણ કે રમતમાં બીજાઓ પણ હોય છે અને તેઓ પણ પોતાનું શ્રેષ્ઠ આપવા તત્પર હોય છે. ’ નાની ઉંમરે ખૂબ અનુભવીની જેમ વાતો કરતી અદિતી પોતાની ઉંમર કરતાં વધુ મોટી થઈ ચૂકી છે. ત્યારે તેના પિતા કહે છે કે તમે નાના હો ત્યારે પણ ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સપનું જોતા ડરતા હો છો. ઓલિમ્પિક સુધી પહોંચવું દરેકના નસીબમાં નથી હોતું. મારા નસીબમાં પણ નહોતું તે છતાં હું ઓલિમ્પિકમાં અદિતીને લીધે તેની બેગ લઈને ભાગ લઈ શક્યો એ વિચારતાં મને ખૂબ ગર્વ થાય છે. અદિતીને એકલવ્યની જેમ ગોલ્ફની રમતમાં મહેનત કરતી જોતો ત્યારથી જ સમજાઈ ગયું હતું કે આ છોકરી ખૂબ નામ કાઢશે. 

ગોલ્ફ માટે અદિતીને ગાંડો પ્રેમ છે અને તેના માતપિતાએ ભણવાનું બગડશે એવું કહીને ગોલ્ફ રમતા રોકી નહીં એટલે જ તે આગળ વધી રહી છે. અદિતી ઈચ્છે છે કે દરેક છોકરીને જે પણ રમત ગમતી હોય તેમાં આગળ વધવા માટે માતાપિતાએ પીઠબળ પૂરું પાડવું જોઈએ. શી ખબર તેમાંથી કોઈ દુનિયામાં માતાપિતાનું અને ભારતનું નામ રોશન કરે ! 

છોકરીએ ઘરકામ શીખવાનું કે ભણવાનું જરૂરી નથી પણ પોતાને જેમાં રસ હોય તે પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા મળે તો તે ચોક્કશ જ જીવનમાં સફળ થાય છે.

You Might Also Like

0 comments